ડાર્ક ટૂરિઝમ : કાળમુખાં સ્થળોની સફર – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ડાર્ક ટૂરિઝમ
કાળમુખાં સ્થળોની સફર


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ખતરનાક, કરુણ, ગંભીર અને જીવલેણ ઘટનાઓ જ્યાં બની હોય એ પણ જોવાલાયક સ્થળ બની જાય છે!

આવાં સ્થળોએ ઘણા નિસાસાઓ દબાયેલા હોય છે!​ ​

કચ્છના સ્મૃતિવન, જલિયાંવાલા બાગથી માંડીને અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યા

ડાર્ક ટૂરિઝમનાં સૌથી મોટાં ઉદાહરણો છે!​ ​

ઇતિહાસની કેટલીય કાળા અક્ષરે લખાયેલી ઘટનાઓ પણ

કેટલાંક સ્થળોએ સળવળીને બેઠી થઈ જતી હોય છે!


———–

તમને ક્યાં ફરવા જવાનું ગમે? તમને કોઇ આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? દરેક વ્યક્તિને કંઇક ને કંઇક આકર્ષતું હોય છે. કોઇને દરિયો ગમે તો કોઇને પહાડો પ્રત્યે લગાવ હોય છે. જંગલની લીલોતરી કોઇને ગમતી હોય છે તો કોઇને સૂકું ભઠ્ઠ રણ પણ ગમે છે. કોઇને હન્ડ્રેટ પર્સન્ટ નેચરલ સ્થળ પસંદ છે તો કોઇને મેન મેડ વન્ડર્સ પણ આકર્ષે છે. ગમવા પાછળના દરેકના પોતાનાં કારણો હોય છે. બસ, એ સ્થળે મજા આવે છે, એક ગજબનું શુકુન મળે છે, એ સ્થળે ખોવાઇ જવાય છે, પ્રકૃતિના સાંનિધ્યમાં ઓતપ્રોત થઇ જવાય છે, થોડાક પોતાની નજીક ગયા હોઇએ એવું લાગે છે… દરેક સ્થળની એક અનુભૂતિ હોય છે, એક અહેસાસ હોય છે.
તમને ખબર છે ઘણા લોકોને ડરામણી જગ્યાએ જવાનું પસંદ હોય છે. ડર લાગે, ધ્રુજારી છૂટે એવાં ખોફનાક સ્થળો પણ ઘણાને આકર્ષે છે. અગાઉના સમયમાં ફરવા જવાનો મતલબ ફરવા જવું હતું. હવે ફરવા જવાની વ્યાખ્યાઓ બદલાઇ ગઇ છે. ટૂરિઝમના પણ પ્રકારો પડી ગયા છે. તમે ડાર્ક ટૂરિઝમ વિશે સાંભળ્યું છે? કદાચ તમે એવા સ્થળે ગયા પણ હશો જે ડાર્ક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. ડાર્ક ટૂરિઝમની સાદીસીધી વ્યાખ્યા એવી કરી શકાય કે, એવું સ્થળ જ્યાં કોઇ કરુણ, ગમખ્વાર, જીવલેણ, ભયાનક કે ખતરનાક ઘટના બની છે. જ્યાં એક સાથે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એ સ્થળ કોઇ એવા બનાવનું સાક્ષી બન્યું છે જે ઇતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવ્યું છે. જ્યાં શ્વાસ રૂંધાયા છે, ડૂસકાંઓ દબાઇ ગયાં છે અને નિસાસા સંભળાયા છે. કચ્છમાં હમણાં સ્મૃતિવન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સ્મૃતિવન 26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં થયેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. ભૂકંપ મ્યુઝિયમ પણ અહીં બનાવાયું છે. આ સ્થળ ખૂબ જ સુંદર અને જોવાલાયક છે એમાં ના નહીં પણ એ એક કરુણ ઘટનાની યાદ આપે છે. તેને જરાક જુદી રીતે પણ કહી શકાય કે, આ સ્થળ એ અકાળે દુનિયા છોડીને ચાલ્યા ગયેલા લોકોને અપાયેલી શ્રદ્ધાંજલિ છે.
ડાર્ક ટૂરિઝમના મુદ્દે ઉત્તરાખંડમાં થોડા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે એવી જાહેરાત કરી કે, કેદારનાથમાં 2013માં સર્જાયેલી કુદરતી આફતમાં માર્યા ગયેલા લોકોની યાદમાં સ્મૃતિ વન અને સ્મારક બનાવવામાં આવશે. તેમની આ વાત સામે અનેક લોકોએ એવું કહ્યું કે, કેદારનાથ પવિત્ર સ્થળ છે. લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. કુદરતે અહીં ખુલ્લા હાથે સૌંદર્ય વેર્યું છે. આ જગ્યાએ શા માટે ડાર્ક ટૂરિઝમને સ્થાન આપવું જોઇએ? તેની સામે વળી એવી દલીલ થઇ કે, જે લોકો દુર્ઘટનામાં માર્યા ગયા છે તેને લોકો શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે સ્મારક બનાવવાની વાત છે. વિરોધીઓ વળી એવું કહી રહ્યા છે કે, પ્રાર્થના કરવા માટે બદ્રીનાથથી ઉત્તમ સ્થળ બીજું કયું હોય? જેમને પ્રાર્થના કરવી હશે એ મંદિરમાં ભોળાનાથના સાંનિધ્યમાં જ કરશે! વેલ, ભારતનાં બીજાં ડાર્ક ટૂરિઝમનાં ડેસ્ટિનેશન કયાં છે? પંજાબના અમૃતસર શહેરમાં આવેલો જલિયાંવાલા બાગ ડાર્ક ટૂરિઝમ સ્પોટ છે. તારીખ 13 એપ્રિલ, 1919ના રોજ આ સ્થળે જનરલ ડાયરના આદેશથી નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ છોડવામાં આવી હતી. માત્ર દસ મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને મહિલાઓ તથા બાળકો સહિત 484 લોકોનાં મોત થયાં હતાં. આ સ્થળને ખૂબ જ સારું બનાવાયું છે, છતાં તમે ત્યાં જાવ ત્યારે તમારો જીવ થોડોક તો બળવાનો જ છે.
આંદામાન નિકોબારની સેલ્યુલર જેલ પણ ઘણી કરુણ ઘટનાઓ સંઘરીને બેઠી છે. કાળા પાણીની સજા માટે જાણીતા આ સ્થળે વીર સાવરકર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. આ જેલમાં કેદીઓ પર બેરહેમીથી ટોર્ચર કરવામાં આવતું હતું. હજારો લોકોએ આ સ્થળે દમ તોડ્યો છે. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં તારીખ 3 ડિસેમ્બર, 1984ના રોજ ઝેરી ગેસ રિસાવ થતાં લોકો ટપોટપ મરવા લાગ્યા હતા. ભોપાલ જનારા ઘણા પ્રવાસીઓ આ કાળમુખા સ્થળની મુલાકાત લેવા જાય છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં કુલધારા નામનું એક ગામ છે જ્યાં કોઇ રહેતું નથી, આ ગામ ખાલી થઇ ગયું એની પાછળ જાતજાતની કથાઓ જોડાયેલી છે. ઉત્તરાખંડમાં રૂપકુંડ નામની એક જગ્યા છે. દરિયાથી પાંચ હજાર ફૂટ ઊંચે આવેલા આ સ્થળેથી 200 લોકોનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. આ વિશે સંશોધન કરનારાઓએ એવું કહ્યું હતું કે, નવમી સદીમાં બરફના તોફાનમાં અહીં રહેતા આદિવાસી લોકો બરફમાં દટાઇ ગયા હતા. સમય જતા બરફ ઓગળ્યો એટલે તેમનાં હાડપિંજર બહાર આવી ગયાં હતાં. મુંબઈની તાજ હોટલ આમ તો પહેલેથી પોપ્યુલર છે પણ આતંકવાદીઓના હુમલા પછી તેની ગણતરી પણ ડાર્ક ટૂરિઝમમાં થવા લાગી છે. તમે જ્યારે પણ તાજ હોટલ જુઓ તો તમને આતંકવાદીઓનો હુમલો અને હોટલનો સળગતો ભાગ યાદ આવ્યા વગર ન રહે. આવાં તો આપણા દેશમાં બીજાં ઘણાં સ્થળો છે જ્યાં કાન માંડો તો હજુયે નિસાસા સંભળાતા હોય એવું લાગ્યા વગર ન રહે.
દુનિયાનાં સૌથી જાણીતાં ડાર્ક ટૂરિઝમ ડેસ્ટિનેશનની વાત કરીએ તો, સૌથી મોખરે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરવાળી જગ્યા જ યાદ આવે. 11મી સપ્ટેમ્બર, 2011ના રોજ આતંકવાદીઓએ વિમાનો હાઇજેક કરીને બંને ટાવર પર એટેક કર્યો હતો. અમેરિકાની શાન ગણાતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર્સ જોતજોતામાં કડડભૂસ થઇ ગયા હતા. ત્રણ હજાર લોકોનાં આ હુમલામાં મોત થયાં હતાં. અત્યારે ભલે ત્યાં નવા ટાવર્સ ઊભા કરી દેવાયા હોય પણ ત્યાં જાવ એટલે ગ્રાઉન્ડ ઝીરો પર હુમલાનાં ખૌફનાક દૃશ્યો નજર સામે તરવર્યા વગર ન જ રહે! જાપાનનાં હીરોશીમા અને નાગાસાકી શહેર પર અમેરિકાએ અણુ બોંબ ફેંક્યા હતા. આ સ્થળને તો દુનિયા ક્યારેય ભૂલી શકવાની નથી. દરેક દેશમાં આવાં ડાર્ક ટૂરિઝમનાં સ્થળો આવેલાં છે. ઘણાં તો એવાં સ્થળો છે જ્યાં જતાં પણ લોકો ડરે છે. મોટી સંખ્યામાં લોકોએ જ્યાં જીવ ગુમાવ્યા હોય ત્યાં ભૂતપ્રેત અને કાળી છાંયાની વાતો પણ થતી રહેતી હોય છે. એ વાત જુદી છે કે, આવાં સ્થળો પણ ઘણાને રોમાંચ આપતાં હોય છે.
ડાર્ક ટૂરિઝમ વિશે છેલ્લે એક રસપ્રદ વાત પણ જાણવા જેવી છે. લોકો આવાં કાળા કે અંધારાં સ્થળોની મુલાકાત લેવા સ્પેશિયલી જતા નથી. લોકો મોટા ભાગે બીજા સ્થળે ફરવા જતા હોય ત્યારે સાથોસાથ આવાં ડાર્ક પ્લેસીસની મુલાકાત લેતા હોય છે. દાખલા તરીકે લોકો અમૃતસર સુવર્ણ મંદિરે માથું ટેકવવા જાય ત્યારે સાથોસાથ જલિયાંવાલા બાગ પણ જઇ આવે. અમુક ટૂરિસ્ટો એવા પણ હોય છે, જે ડાર્ક ડેસ્ટિનેશન પર જવાનું ટાળે છે. મારે એ મનહૂસ સ્થળે નથી જવું, ત્યાં જઇને જીવ શા માટે બાળવાનો? અલબત્ત, મોટા ભાગના લોકો આવાં સ્થળોને ઇતિહાસના એક પાનાની જેમ જુએ છે, કેવું થયું હશે અહીં? એ વિચારીને ડિસ્ટર્બ પણ થાય છે. કેટલીક જમીન જ એવી હોય છે કે, જ્યાં નિસાસો નીકળી જાય અને ઈશ્વરને પ્રાર્થના થઇ જાય કે અહીં જેમણે જીવ ગુમાવ્યો છે એના આત્માને શાંતિ આપજે!


હા, એવું છે!
ટૂરિઝમ વિશેની એક રસપ્રદ વાત એ છે કે, દરેકનું કોઇ ને કોઇ ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે. મેળ પડે તો એક વખત દરેકને પોતાના મનગમતા સ્થળે જવું હોય છે. જોકે, દુનિયાનાં જે બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં રહેતા લોકો એ જગ્યાએથી કંટાળેલા હોય છે. સારામાં સારી જગ્યાએ રહેતા લોકોને પણ બીજા સ્થળે ફરવા જવાનું મન થતું રહે છે. બધાને જે વાતાવરણમાં જીવતા હોય એનાથી અલગ એટમોસ્ફિયરને ફીલ કરવું હોય છે. આ વૃત્તિ જ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને ધબકતી રાખે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 સપ્ટેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *