સ્ટડી ડ્રગ્સ, સ્માર્ટ ડ્રગ્સ અને ભણવાના નામે જીવલેણ નશો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સ્ટડી ડ્રગ્સ, સ્માર્ટ ડ્રગ્સ અને

ભણવાના નામે જીવલેણ નશો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

દેશ અને દુનિયાના સ્ટુડન્ટ્સમાં જાત જાતની દવા અને વિવિધ પ્રકારના નશાના લત સતત વધી રહી છે.

મેડિકલ અને બીજી કેટલીક સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ એવું માનવા લાગ્યા છે કે, રાત-દિવસ મહેનત કરવા માટે કંઇક તો જોઇએ જ!

વિદેશોમાં તો હવે ‘સ્ટડી ડ્રગ્સ’ના નામે પ્રતિબંધિત દવાઓ બેફામ વેચાઇ રહી છે.

સ્ટડીના નામે જાતજાતના નશા કરવાનું ચાલુ થઇ ગયું છે.

સૌથી વધુ જોખમ એ વાતનું હોય છે કે, ભણવાનું પૂરું થઇ જાય એ પછી પણ

જે આદત પડી ગઇ હોય છે એ જતી નથી!

———-

ડોકટર સાહેબ, મારી પરીક્ષાઓ આવી રહી છે. મને એવી કોઇ દવા લખી આપો કે મને રાતે ઊંઘ ન આવે અને હું આખી રાત થાક્યા વગર વાંચી શકું. ડોકટરે કેટલીક દવાના નામ કહ્યા. આ લઇ લેજે પણ કોઇને કહેતો નહીં કે, આ દવા લેવાનું મેં કહ્યું છે. આજના યંગસ્ટર્સ પર સ્ટડીમાં વધુ માર્કસ લાવવાનું ખૂબ જ પ્રેશર છે. અત્યાર સુધી તો યાદશક્તિ વધારવાના નામે ઘણી દવાઓ વેચાતી રહી છે પણ હવે તો ‘સ્ટડી ડ્રગ્સ’ના નામે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સામે જોખમ ખડું થાય એવી દવાઓ વેચાઇ રહી છે. બ્રિટનથી આવેલા એક અહેવાલે હમણાં આખી દુનિયાને આંચકો આપ્યો છે. આખી દુનિયામાં જેની નામના છે એવી બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી, એડિનબર્ગ યુનિવર્સિટી, નોટિંધમ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ વધુ મહેનત કરવા માટે સ્ટડી ડ્રગ્સનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. આ અંગેના સર્વેમાં બહાર આવ્યું છે કે, 20 ટકા સ્ટુડન્ટસ સ્ટડી ડ્રગ્સનો ઉપયોગ કરે છે. સ્ટડી ડ્રગ્સની એક ટેબલેટ 200 રૂપિયાની થાય છે. કેટલીક દવાઓ તો પ્રતિબંધિત હોવા છતાં વિદ્યાર્થીઓ મેળવી લે છે. સામાન્ય સંજોગોમાં જે દવાઓ એડીએચડી એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર નામની માનસિક વ્યથા માટે આપવામાં આવે છે એ દવાઓ સ્ટુડન્ટ સ્ટડી ડ્રગ્સના નામે લેવા લાગ્યા છે. જે માણસને આ પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર હોય એ પોતાના કામમાં કે અભ્યાસમાં પૂરું ધ્યાન આપી શકતા નથી. તેમનામાં કોન્ફિડન્સનો પણ અભાવ હોય છે. કિડ્સ હેલ્થના એક રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, આ ડિસઓર્ડરની દવા છે સીધી બ્રેઇન પર અસર કરે છે. બ્રેઇનમાંથી એક ચોક્કસ પ્રકારનું કેમિકલ રીલિઝ થાય છે. તેનાથી બ્રેઇનની કામ કરવાની શક્તિ વધી જાય છે. આવી દવાઓ આમ તો ડોક્ટરની સલાહ વગર લેવાની હોતી નથી. જો કે, સ્ટુડન્ટસ ગમે તેમ કરીને આવી ડ્રગ્સ મેનેજ કરી લે છે. કેટલીક સ્ટડી ડ્રગ્સ તો ઓનલાઇન ઇઝી અવેલેબલ છે.

આપણા દેશમાં પણ સ્ટડી ડ્રગ્સનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. આપણે ત્યાં આ પ્રકારના સર્વે બહુ ઓછા થાય છે. જો થાય તો ખબર પડે કે, આપણા દેશમાં તો બ્રિટન અને બીજા દેશને સારા કહેવડાવે એટલી સ્ટડી ડ્રગ્સનો ઉપયોગ થાય છે. સ્ટડી ડ્રગ્સને સ્માર્ટ ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિટન, અમેરિકા અને બીજા દેશોમાં સ્ટડી ડ્રગ્સનું વેચાણ જે રીતે વધી રહ્યું છે એ જોતા હવે સ્ટુડન્સ માટે પણ નવા કાયદાઓ બનાવવા માટે વિચાર થઇ રહ્યો છે. કોઇપણ સ્પોર્ટસ ઇવેન્ટ પહેલા જેમ ખેલાડીઓનો ડોપિંગ ટેસ્ટ થાય છે એ રીતે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ થાય તો નવાઇ પામવા જેવું નહીં હોય. ડ્રગ્સ લઇને પરીક્ષા આપવાને પણ ગેરકાયદે ગણવા વિશે પણ વિચાર થઇ રહ્યો છે. મેડિકલ એક્સપર્ટસ હવે વિદ્યાર્થીઓને સ્માર્ટ કે સ્ટડી ડ્રગ્સ સામેના જોખમો સમજાવીને કહી રહ્યા છે કે આવી દવાઓનો આડેધડ ઉપયોગ જીવલેણ સાબિત થઇ શકે છે.

આ બધી તો એવી દવાઓની વાત છે જે મેડિકલી ટેસ્ટેડ છે અને મેન્ટલ ડિસઓર્ડરની સારવાર માટે આપવામાં આવે છે. આપણે ત્યાં તો હવે નશા માટે વપરાતી ડ્રગ્સ પણ સ્ટુડન્ટસ મોટા પાયે લેવા લાગ્યા છે. હમણાં જ બોબ બિશ્વાસ નામની મૂવી આવી છે. આ ફિલ્મમાં હીરો બોબ એટલે કે અભિષેક બચ્ચનની સાવકી દીકરીને તેનો દોસ્ત પરીક્ષામાં સારી રીતે મહેનત કરવા માટે બ્લૂ નામની ડ્રગ્સ લેવાનું કહે છે. એ ટ્રાય ખાતર ડ્રગ્સ લે છે. એક વાર ડ્રગ્સ લીધા પછી તેને ડ્રગ્સ વગર ચાલતું નથી. એક તબક્કે તો એ પોતાના સાવકા બાપ બોબની હત્યા કરવા માટે પણ તૈયાર થઇ જાય છે. અમદાવાદના એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. એવા ઘણા સ્ટુડન્ટસ ડ્રગ્સની ઝપટમાં આવી ગયા છે જે એવા ભ્રમમાં હતા કે ડ્રગ્સ લેવાથી પરીક્ષાની તૈયારીઓ કરવાની ક્ષમતા વધે છે.

એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું હતું કે, મેડિકલના સ્ટુડન્ટમાં ડ્રગ્સ લેવું એ કોઇ નવી વાત નથી. માત્ર ભણતી વખતે જ નહીં, ઇન્ટર્નશીપ કરતી વખતે પણ ડ્રગ્સ લેવામાં આવે છે. કેટલાંક સ્ટુડન્ટસ તો એવું કહે છે કે, એટલું બધું પ્રેશર હોય છે કે તમને ડ્રગ્સ વગર ચાલે જ નહીં! ડ્રગ્સ લેનારાઓમાં છોકરીઓ પણ બાકાત નથી. આ મામલે છોકરી છોકરીઓમાં કોઇ ભેદ નથી એવું કહીએ તો પણ વધુ પડતું નથી. હોસ્ટેલમાં પોતાના છોકરાઓને ભણવા મોકલતા મા-બાપને હવે સૌથી મોટી ચિંતા એ હોય છે કે, ક્યાંક એનું સંતાન ડ્રગ્સના રવાડે ન ચડી જાય. ઘણા મા-બાપ તો પોતાના સંતાનોને એવી સલાહ આપે છે કે, ઓછા માર્કસ આવે તો ભલે પણ ડ્રગ કે બીજા કશાના રવાડે ન ચડીશ.

હવે દરેકે દરેક શહેરની કોલેજ અને હોસ્ટેલ નજીક ડ્રગ્સ મળવા લાગ્યું છે. અમુક સ્થળો તો એવા જાણીતા છે કે, ત્યાંથી તમે બાઇક કે કાર સ્લો કરો તો તમને સામેથી પૂછવા આવશે કે, શું જોઇએ છે? એની પાસે પડીકી ખીસામાં જ હોય છે. આપણા દેશ સહિત આખી દુનિયાના સ્ટુડન્ટસમાં જે રીતે નશાનું દૂષણ વધી રહ્યું છે એ જોઇને સમાજશાસ્ત્રીઓ પણ ટેન્શનમાં છે. તેઓ સરકારોને એવી અપીલ કરે છે કે, સ્ટુડન્ટસને કેમ આટલું બધું પ્રેશર લાગે છે? હવે એજ્યુકેશન સિસ્ટમ પર નવેસરથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે. આપઘાતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. વાતો તો એવી થાય છે કે, ભણવાની મજા આવવી જોઇએ પણ એવું થતું નથી. ઘણા સ્ટુડન્ટ્સ વધુ મહેનત કરવાના નામે ડ્રગ્સ લે છે, તો કેટલાંક રિલેક્સ થવાના નામે નશો કરે છે. કમ્પિટિશન એટલી વધતી જાય છે કે, સ્ટુડન્ટસને ખૂબ મહેનત કરવી પડે છે. એક તબક્કે પ્રેશર સહન ન થાય એ હદે વધી જાય છે. એવા સમયે ડ્રગ્સ મળે તો સારું લાગવાનું જ છે.

ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારે છે કે, સ્ટડી પૂરું થાય પછી ડ્રગ લેવાનું છોડી દેશું. લત એવી લાગી ગઇ હોય છે પછી છૂટતી જ નથી. કબીરસિંહ પિક્ચરની જેમ અત્યારે પણ એવા ઘણા ડોકટર છે જે દારૂ કે ડ્રગ્સ વગર ઓપરેશન કરી શકતા નથી. આ ડ્રગ્સની સાથોસાથ હવે સ્ટડી ડ્રગ્સ અથવા તો સ્માર્ટ ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. વિદ્યાર્થીઓ કરિયર બનાવે ત્યાં સુધીમાં તો એ ફિઝિકલી ખખડી ગયા હોય છે. આગામી સમયમાં દુનિયા સામે એક નવી ચેલેન્જ ઊભી થવાની છે કે, એજ્યુકેશનને ડ્રગ્સથી કેવી રીતે બચાવવું? અત્યારે તો સ્ટુડન્ટસને એવું સમજાવવાનો જ પ્રયાસ થઇ રહ્યો છે કે, કરિયરની લ્હાયમાં શરીરની હાલત બગાડી ન નાખતા, કરિયર બની જશે તો પણ જો સ્વાસ્થ્ય સારું નહીં હોય કે કોઇ બૂરી લત હશે તો જિંદગીમાં સુખનો અહેસાસ થવાનો જ નથી!

હા, એવું છે!

એક રસપ્રદ અભ્યાસ એવું કહે છે કે, ભારતની 75 ટકા લેડિઝના નામનો અંત ‘એ’ થી થાય છે અને પંદર ટકા લેડિઝના નામના અંતે ‘આઇ’ આવે છે. મતલબ, 90 ટકાના નામના છેડે એ અથવા આઇ છે. તમારા ફેમિલિ મેમ્બર્સના નામ ચેક કરી જોજો! લગભગ તો એવું જ હશે! જો નામનો અંત એ કે આઇથી ન થતો હોય તો એનો સમાવેશ માત્ર બાકીના દસ ટકામાં થાય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 જાન્યુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *