નબળી આર્થિક સ્થિતિને તમારા મન પર હાવી થવા દેતા નહીં, નહીંતર… : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

નબળી આર્થિક સ્થિતિને તમારા મન

પર હાવી થવા દેતા નહીં, નહીંતર…

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—————

ગરીબી માણસના વિચારોને નબળા પાડી દે છે, એવું અમેરિકાના

એક પ્રોફેસરે રિસર્ચ કરીને ‘સ્કેર્સિટી’ નામના પુસ્તકમાં

લખ્યું છે. આર્થિક મુશ્કેલીના વિચારોમાં ફસાયેલા લોકો

ઉમદા વિચારો જ કરી શકતા નથી!

———–

આર્થિક પરિસ્થિતિને જો મન પર હાવી થવા ન દે તો

માણસ ધારે એ કરી શકે છે. આપણી પાસે એનાં

અસંખ્ય ઉદાહરણો છે જ!

————-

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો વસે છે. એક અમીર, બીજા ગરીબ અને ત્રીજા મધ્યમ વર્ગના લોકો. અમીરોને નાણાંની કોઇ ચિંતા નથી. જે સૌથી મોટો વર્ગ છે એ મધ્યમ વર્ગ લોહી પાણી એક કરીને બે છેડા ભેગા કરે છે. ગરીબ લોકોને દરરોજ બે ટંક પેટ ભરવાનો પ્રોબલેમ હોય છે. આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે. ખરેખર આવું હોય છે? આવું હોય છે તો આવું કેમ હોય છે? અમેરિકાની પ્રિન્ટન યુનિવર્સિટીમાં બિહેવિયર ઇકોનોમિક્સ ભણાવતા પ્રોફેસર એલ્ડર શફીરે ગરીબો ઉપર રિસર્ચ કરીને ‘સ્કેર્સિટી’ નામનું પુસ્તક લખ્યું છે. નાણાની અછત માણસના મગજ ઉપર કેવી અસર કરે છે તેના ઉપર અભ્યાસ કરીને તેણે લખ્યું છે કે, ગરીબી માણસના વિચારોને નબળા પાડી દે છે. ગરીબીમાં ઉછરેલા બાળકોનું મગજ પણ નબળું હોય છે!

આપણે ત્યાં પરીક્ષાઓના પરિણામો આવે ત્યારે એવા સમાચારો વાંચવા મળે છે કે, રિક્ષાવાળા, શાકભાજી વેચનાર કે મજૂરી કરનાર માણસનો દીકરો કે દીકરી બોર્ડમાં ટોપ ટેનમાં આવ્યા. એલ્ડર શફીરની વાત જો સાચી હોય તો પછી આવું કેમ થાય છે? શું તેનું કારણ એ છે કે, એ બાળકો એની આર્થિક પરિસ્થિતિને પોતાના મગજ પર હાવી થવા દેતા નથી? એક વાત તો એવી પણ છે કે, જેની પાસે કંઇ નથી એ પોતાની સ્થિતિને જ એક પડકાર માનીને તેમાંથી બહાર આવવા માટે તનતોડ મહેનત કરે છે. હા, એવા બાળકો હોય છે, પણ કદાચ એની સંખ્યા બહુ નાની હોય છે. એલ્ડર લખે છે કે, જે લોકો પાસે જીવન જરૂરિયાતો પૂરી કરવા પૂરતા નાણાં નથી, એ લોકોના વિચારો નબળા પડી જાય છે, તેની પાછળ થિંકિંગ પ્રોસેસના કારણો જવાબદાર છે. એ લોકો એની જ ચિંતા અને એના જ વિચારોમાં રહે છે કે, ઘર કેવી રીતે ચલાવવું? ઘરના લોકોની ઇચ્છાઓને કેવી રીતે સંતોષવી? તહેવારો કેવી રીતે જવવા? સૌથી વધુ તો એની ફિકર હોય છે કે, બીમારી આવશે તો સારવાર કેવી રીતે કરાવીશું? માણસ જો આવા જ વિચારો કરતો રહે તો પછી તેને સારા વિચારો ક્યાંથી આવવાના? માણસનો આત્મવિશ્વાસ તેના વિચારોથી મક્કમ બને છે. વિચારો જ જો નબળા આવે તો માણસ કંઇ કરી ન શકે.

સરવાળે વાત ફરી ફરીને વિચારો ઉપર આવે છે. આપણે જાણીએ છીએ કે, વિચારોમાં જબરજસ્ત તાકાત છે. જેના વિચારો શુદ્ધ, સાત્ત્વિક અને સક્ષમ છે તે સારી રીતે સુખની અનુભૂતિ કરી શકે છે અને સફળ થઇ શકે છે. આપણી પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના અગણિત ઉદાહરણો છે, જેઓ ગરીબ પરિવારોમાંથી આવ્યા છે. એ લોકોની ખૂબી એ જ હતી કે, તેણે પોતાના સંજોગો કે આર્થિક પરિસ્થિતિને અવગણીને પોતે જે નક્કી કર્યું હતું એના વિશે જ વિચારો કર્યા હતા.

બીબીસી રેડિયો પર ‘ધ ઇન્ક્વાયરી’ નામનો એક કાર્યક્રમ પ્રસારિત થાય છે. રુથ એલેકઝાન્ડર આ કાર્યક્રમની હોસ્ટ છે. એક કાર્યક્રમ દરમિયાન મિસિસ મર્ફી નામની એક સ્કૂલ ટીચરે એવું કહ્યું કે, ગરીબ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાછળ રહી જાય છે અને અમીરોના સંતાનો બાજી મારી જાય છે. આ પ્રશ્ન પછી રુથે આ વિશે વિગતો મેળવી હતી. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનન પ્રોફેસર કેરી મૈકલોક્લિને રોમાનિયાના અનાથ આશ્રમના બાળકો ઉપર રિસર્ચ કર્યું હતું. કેરીના અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, અનાથ આશ્રમમાં પૂરતી સુવિધાઓનો અભાવ હતો, બાળકોની માનસિક હાલત બહુ સારી ન હતી. તેની સાથે આ જ અનાથ આશ્રમમાંથી એડોપ્ટ થઇને સુખી ઘરોમાં ગયેલા બાળકો હોશિયાર અને ખુશ હતા. બાળકના મગજનો સૌથી વધુ વિકાસ બચપણમાં થાય છે. તેની આજુબાજુની પરિસ્થિતિની સૌથી વધુ અસર બચપણમાં થાય છે. એના પરથી એક વાત એવી પણ કહેવામાં આવે છે કે, તમારી પરિસ્થિતિ નબળી હોય તો તેની અસર તમારા બાળકો ઉપર ન આવવા દો. એના વિચારો જરાયે નબળા પડવા ન દો. ભલે તમે એને બધી સુવિધાઓ ન આપી શકો, પણ સારા અને મજબત વિચારો તો આપી જ શકો.

આર્થિક સ્થિતિ અને માનસિકતા ઉપર ચેન્નઇના શેરડી ઉગાડતા ખેડૂતો ઉપર પણ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં એવું જણાયું હતું કે, શેરડીનો પાક ઉતારાય એ પછી બે મહિના ખેડૂતો ખૂબ ખુશ રહે છે, કારણ કે એ સમયે એના ખિસ્સામાં રપિયા હોય છે. એ પછી એની આર્થિક પરિસ્થિતિની સાથે માનસિકતા પણ ધીમે ધીમે નબળી પડતી જાય છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટીના પ્રોફેસર અદીના જેકી અલ હજૂરીએ આ જ વિષય પર કરેલો એક અભ્યાસ એવું કહે છે કે, જે લાંબો સમય અભાવમાં જીવે છે, તેની વિચાર કરવાની અને કામ કરવાની શક્તિ પણ નબળી પડી જાય છે. એને જિંદગીમાંથી રસ ડી જાય છે

આ બધી વાતો પછી હવે છેલ્લે એક સૌથી મહત્ત્વની વાત. જે લોકો ગરીબ અથવા મધ્યમ વર્ગના છે ને છતાંયે ખૂબ ખુશ રહે છે તેના ઉપર થયેલો અભ્યાસ એવું કહે છે કે, એ લોકોને પરિસ્થિતિ સામે કોઇ ફરિયાદ નથી. જેટલું છે એટલાથી એ લોકો ખુશ છે. આપણા શાસ્ત્રો પણ એ જ કહે છે ને કે, જે છે એને માણો તો એ પૂરતું છે. જે નથી એને રોયા કરશો તો જે છે એને પણ માણી નહીં શકો. વિચારો જ માણસને સુખી કે દુ:ખી બનાવે છે. સંપત્તિ હોય તો ફેર પડે એ વાતમાં ના નહીં, પણ ઓછી હોય તો પણ સારી રીતે જીવી તો શકાય જ છે. જેને મજામાં રહેતા આવડે છે એનું કોઇ કંઇ બગાડી શકતું નથી.

પેશ-એ-ખિદમત

ઘર સે બે-જાર હૂ કોલેજ મેં તબિયત ન લગે,

ઇતની અચ્છી ભી કિસી શખ્સ કી સૂરત ન લગે,

હર મીઠા હો તો પીને મેં મજા આતા હૈ,

બાત સચ કહએ મગર યૂં કિ હકીકત ન લગે.

– ફુજૈલ જાફરી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 23 જૂન 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “નબળી આર્થિક સ્થિતિને તમારા મન પર હાવી થવા દેતા નહીં, નહીંતર… : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: