જેને ચાહો છો એને સતત પ્રેમ કરતા રહો – કૃષ્ણકાંત ઉનડકટ
 
‘ખબર છે ડોટ કોમ’માં
યંગ અને એનર્જેટિક પત્રકાર અંકિત દેસાઇએ
લીધેલો ઇન્ટરવ્યૂ સાદર છે…

http://www.khabarchhe.com/magazine/maru-sukh-dukh/42325-happiness-and-sadness-of-krushnakant-unadkat

જેને ચાહો છો એને સતત પ્રેમ કરતા રહો

નવેમ્બર ૨૨, ૨૦૧૫

જેને ચાહો છો એને સતત પ્રેમ કરતા રહો 

 

કૃષ્ણકાંત ઉનડકટ જીવનથી હર્યુંભર્યું
વ્યક્તિત્વ છે એટલે જ એમના ચિંતનના લેખોમાં વૈરાગ્ય નહીં પણ જીવન છલકે છે.
તેઓ સ્વભાવે પણ અત્યંત સરળ છે, જે સરળતા સીધી એમના લેખનમાં પ્રકટે છે અને
વાચકોના હ્રદયને સ્પર્શે છે. હાલ તેઓ અગ્રગણ્ય અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં
મૅગેઝિન એડિટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, અહીં એમણે એમની અંગત
આનંદ-પીડાની લાગણીઓ વિશેની માંડણી કરી છે.
 

મારા માટે સુખ એટલે જો તમે તમારા વિચારો અને તમારી માન્યતાઓ
મુજબ જીવી શકો એટલે તમે સુખી. આ ઉપરાંત તમારી ગમતી વ્યક્તિ તમારી સાથે
હોય, તમને ગમતું વાતાવરણ તમારી સાથે હોય કે તમારું ગમતું કામ તમારી પાસે
હોય એને જ માણસનું સાચું સુખ કહેવાય.

આ તો થઈ મારા સુખની વ્યાખ્યા.
મારા આનંદની વાત કરું તો મારો આનંદ મારા લેખન સાથે સંકળાયેલો છે. હું
જ્યારે લખતો હોઉં છું ત્યારે મને સતત આનંદની અનુભૂતિ થયાં કરે છે, એમાંય જો
કંઈક નોખું લખાઈ જાય તો મારા આનંદનો પાર નથી હોતો. આ ઉપરાંત મારું લખેલું
જ્યારે છપાય છે ત્યારે પણ મને આનંદ મળે છે. મને મારી બાયલાઈનનો અભરખો
પહેલાથી જ રહ્યો છે. એટલે આજે પણ જ્યારે હું મારું નામ છપાયેલું જોઉં છું
ત્યારે મને એવો જ રોમાંચ થઈ આવે છે, જે રોમાંચ મેં મારી પહેલી બાયલાઈન વખતે
અનુભવેલો!

હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે, દરેક લેખક-પત્રકારને
એની બાયલાઈનનો મોહ હોવો જ જોઈએ. કારણ કે બીજું કંઈ નહીં તોય બાયલાઈનને
કારણે તમારે માથે જવાબદારી તો આવી જ જાય છે, જે તમને સતર્ક રાખે છે. ખૈર,
ફરી આનંદની વાત પર આવીએ તો મારી ગમતી વ્યક્તિ એટલે કે મારી પત્ની જ્યોતિ
ઉનડકટ (જાણીતા પત્રકાર અને ‘અભિયાન’ના તંત્રી) મારી સાથે હોય ત્યારે પણ
મારા હ્રદય પર આનંદની છાલક ઉડ્યાં કરે છે.

કેટલાક લોકો કહે છે કે,
આપણું સુખ કે આપણો આનંદ બીજાઓ પર આધારિત હોતો નથી. પરંતુ હું એમ માનું છું
કે, આપણા સુખનો આધાર બીજાઓ પર ચોક્કસ રહેલો હોય છે. ગીતામાં પણ બધાથી
અલિપ્ત રહેવાની વાત પર ભાર મૂકાયો છે. પરંતુ માણસ ક્યારેય બીજાથી અલિપ્ત
રહી શકતો નથી. એને એના સુખ માટે કોઈની ને કોઈની જરૂર પડે જ છે. દરેક
ધર્મગ્રંથો અને વિશ્વની તમામ ફિલસૂફીમાં એમ કહેવાયું છે કે, આનંદ કે સુખ એ
આંતરીક બાબત છે, એ બીજા પર આધારિત હોઈ શકે નહીં. પરંતુ સામાન્ય માણસના
જીવનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું તો એ બાબત તરીને ઉપર આવશે કે, આપણા સુખ
માટે આપણે બીજી કોઈ વ્યક્તિ અથવા વસ્તુ પર આધારિત હોઈએ જ છીએ.

 અલ્ટીમેટલી
માણસ ક્યારેય માત્ર પોતાના માટે જ જીવતો નથી હોતો. સ્વ ઉપરાંત એ બીજી
વ્યક્તિ, બીજા લક્ષ્યો કે બીજા અનેક કામો માટે જીવતો હોય છે. એટલે સુખની
આધારિતા નકારી શકાય નહીં.

હવે મારી વ્યથા પર આવીએ. ઈશ્વરે હાડોહાડ
સંવેદનશીલતા ભેટમાં આપી છે, એટલે મારી વ્યથાના કારણો તો ઘણા છે. પણ તોય
એક-બે કારણ ગણાવવાના હોય તો, જ્યારે કોઈકને મારે માટે ગેરસમજ થાય અને એ
વ્યક્તિ મારે માટે કશુંક ખોટું ધારી લે ત્યારે મને અત્યંત વ્યથા થાય. આ
ઉપરાંત જેમને હું નજીકના સમજુ છું, એવા લોકો કોઈ પણ બાબતે નારાજ થાય છે
ત્યારે પણ હું દુખી થઈ જાઉં છું.

જોકે મને કોઈ વાતે પીડા થાય તો એ
પીડા સાથે હું લાંબો સમય જીવી શકતો નથી. કમળના પાંદડેથી જેમ ઝાકળ સરી પડે
એમ હું મારી વ્યથાઓને પણ લાંબે સુધી ટકવા દેતો નથી. એટલે જ્યારે હું દુખી
થાઉં કે પીડા અનુભવુ તો એમાંથી બહાર નીકળવા હું મારી પત્ની જ્યોતિ સાથે વધુ
સમય વીતાવું છું.

આ ઉપરાંત આવા સમયે હું એકલો રહેવાનું પણ પસંદ
કરું, જેથી થોડુંઘણું ચિંતન કરીને હું મારા દુખને સમજી શકું. કારણ કે, જેમ
સુખ શાશ્વત નથી એમ દુખ પણ શાશ્વત નથી. મેં એક વાર આ વિશે લખ્યું પણ છે કે,
દરેક માણસે એની જાત સાથે સમય પસાર કરવો જોઈએ, એને સમજાવવી જોઈએ અને એને
જરૂરી સાંત્વન આપવું જોઈએ. એટલે મારી પીડાના સમયે હું આવી જ કોઈક
પ્રક્રિયામાંથી પસાર થતો હોઉં છું.

આસપાસના સંબંધો અથવા માણસોથી
કંટાળીને મને ક્યારેય ભાગી છૂટવાનું મન નથી થયું. આટલી લાંબી લેખન
યાત્રામાં મેં આ વાત અનેક વખત લખી છે કે, માણસ ભાગીને ક્યાંય જઈ શકતો નથી.
ભાગીને જઈને પણ અંતે તો એણે પોતાના તરફ જ વળવું પડે છે. અલબત્ત, મને લોકોની
નજીક જવાનું હંમેશાં મન થયું છે. એનું કારણ એ જ કે, તમે જેમ તમારા લોકોની
નજીક જશો એમ તમે એમનામાં સમરસ થતાં જશો, એમ તમારું ઐક્ય વધતું જશે, જેના
કારણે તમને એ સંબંધમાંથી ભાગી છૂટવાનું મન ક્યારેય નહીં થાય.

ક્યારેક
કોઈ સંબંધમાં કે કોઈક વ્યક્તિ સાથે અણબનાવ થાય ત્યારે એમાં થોડું ડિસ્ટન્સ
આવે એ સ્વભાવિક છે. તમારી નજીકમાં નજીકની વ્યક્તિ સાથે પણ ક્યારેક તો
તમારે અણબનાવ થાય જ છે. પરંતુ જો તમે એ વ્યક્તિને ખરેખર પ્રેમ કરતા હો તો એ
વ્યક્તિથી ભાગી છૂટવાને બદલે એની વધુ નજીક જવું જોઈએ, જેથી તમારી ગૂંચ
ઉકેલાઈ જાય અને તમારો સંબંધ પણ કાયમી રહે.

મારા જીવનમાં મારે બે-ત્રણ
વાર કપરા સમયનો સામનો કરવો પડ્યો છે. એક તો હું અને જ્યોતિ સાથે રહેતા
થયાં એ પહેલા મારે થોડા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે અને એક-બે વાર
મારે મારી નોકરીમાં સંઘર્ષ કરવો પડ્યો છે. જોકે મેં જીવનની એ કપરી
પરિસ્થિતિઓને પણ સ્વીકારી છે અને એ સ્થિતિની સામે ઝઝૂમી, એમાંથી યોગ્ય
રસ્તો કાઢીને હું એમાંથી બહાર પણ નીકળ્યો છું.

જોકે હું જીવનના
કપરાકાળને બહુ યાદ કરવામાં નથી માનતો. દુનિયામાં એવો એક પણ માણસ હશે? જેણે
એના જીવનમાં જરા સરખોય સંઘર્ષ નહીં કર્યો હોય? તમામના જીવનમાં કોઈને કોઈ
રીતે કપરો કાળ આવે છે. પણ એવા સમયને વાગોળીને ઉદાસ થવા કરતા આપણા જીવનના
સારા સમયને યાદ કરીને સતત આનંદમાં ન જીવી શકાય?

આટલી લાંબી લેખન
યાત્રા અને જીવનના ઘણા અનુભવો પરથી જીવનમાં હું બે તારણ પર ચોક્કસ આવ્યો
છું કે, તમે જેને પ્રેમ કરો છો એને સતત પ્રેમ કરતા રહો. અગાઉ કહ્યું એમ,
તમારા એ સબંધમાં મિસઅંડરસ્ટેન્ડિંગ્સ પણ આવશે અને એમાં ડિસ્ટન્સ પણ આવશે.
પરંતુ બધા મતભેદોને કોરાણે મૂકીને તમે એ વ્યક્તિને સતત પ્રેમ કરતા રહેશો તો
એ વ્યક્તિ તમારાથી ક્યારેય દૂર નહીં થાય. અને બીજું એ કે, તમે જે કામ કરો
છો એને એન્જોય કરો, એમાંથી તમારું સુખ શોધી લો.

દુનિયાનાં સૌથી સુખી
અને સૌથી દુખી માણસની વાત આવે છે ત્યારે હું કહીશ કે, દુનિયાના તમામ માણસો
સુખી છે અને એ જ રીતે આપણે સૌ દુખી માણસો છીએ. કારણ કે, કોઈ માણસ ક્યારેય
સો ટકા સુખી કે સો ટકા દુખી નથી હોઈ શકતો. માણસ પોતાની જાત માટે જે ધારતો
હોય એવી જ અવસ્થામાં એ જીવતો હોય છે. જો એ પોતાની જાતને સુખી માનતો હોય તો
જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં એ માણસ સુખી જ રહેવાનો. અને જો એ પોતાની જાતને
દુખી માનતો હોય દોમદોમ સાહ્યબીમાંય એ દુખી જ રહેવાનો.

જતાં જતાં હું
‘khabarchhe.com’ના વાચકોને એટલી જ ટિપ્સ આપવાનું પસંદ કરીશ કે, જિંદગીમાં
તમને જે ગમતું એ જ કરતા રહો. બીજું એ કે આપણે જાત માટે પણ અમુક ચોક્કસ સમય
ફાળવવો જોઈએ અને આપણી આંતરિક સમૃદ્ધિ માટે દરેક માણસે ગમે તે એક શોખ પાળવો
જોઈએ. અને સૌથી અગત્યનું એ કે, બીજાઓ સાથે આપણે ક્યારેય આપણી જાતની સરખામણી
કરવી ન જોઈએ.

(મુલાકાત-શબ્દાંકનઃ અંકિત દેસાઈ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *