તમે તમારી સાથે હોવ તો તમે ‘એકલા’ નથી 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દિન કુછ ઐસે ગુજરતાં હૈ, જૈસે અહેસાન ઉતારતા હૈ કોઈ,
આઈના દેખકર તસલ્લી હુઈ, હમકો ઈસ ઘર મેં જાનતા હૈ કોઈ!
-ગુલઝાર
આઅંધારું એ બીજું કંઈ નથી, સૂરજ જતાં જતાં કાળી શાહી છાંટતો જાય છે. બીજા દિવસે એ જ સૂરજ પાછો આવીને એ શાહી લૂછે છે. જિંદગીમાં પણ જતાં જતાં કોઈ કાળી શાહી છાંટીને અંધારું કરતો જાય છે પણ એ સૂરજની જેમ પાછો આવતો નથી. અંધારાને તો કદાચ એ ખાતરી હશે કે સૂરજ પાછો આવશે, માણસ ક્યાં આવી ખાતરી આપીને જાય છે? એ તો બસ જાય છે અને પછી એકલો પડેલો માણસ આખી જિંદગી અંધારાં ઉલેચતો રહે છે. પીડા અને વેદનાની વેળાએ ખરા બપોરે પણ અંધારાનો અહેસાસ થાય છે. શાયર જાંનિસાર અખ્તરે લખ્યું છે, યે ઇલ્મ કા સૌદા, યે રિસાલે, યે કિતાબેં,ઇક શખ્સ કી યાદોં કો ભુલાને કે લિયે હૈ. કોઈને ભૂલવા અને એકલતાથી બચવા માણસ ધમપછાડા કરતો રહે છે, બહાનાં શોધતો રહે છે, સહારા શોધતો રહે છે, છતાં કોઈ ઇલાજ કામ કરતો નથી. એકલતા એટલી ઊંડી હોય છે કે એમાંથી આસાનીથી બહાર નીકળી શકાતું નથી.
પ્રકૃતિનું કોઈ તત્ત્વ એકલું નથી. માણસ સિવાય બધાને કોઈ આધાર હોય છે. ફૂલની સાથે પાંદડાં હોય છે, ઝરણાંની સાથે કિનારા હોય છે, ઝરણું એટલે ગાતું ગાતું ઉછળતું હોય છે કે એને નદી સાથે મળવું હોય છે, નદીની ગતિ દરિયા તરફની હોય છે. દરિયાને ક્યારેક એકલતા લાગતી હશે? એક વખત દરિયાને પૂછયું તું શા માટે આટલો બધો ઉછળે છે? કિનારે કેમ માથાં પછાડે છે? દરિયાએ કહ્યું હું ક્યાંય જઈ શકતો નથી. હા, આશ્વાસન હોય તો માત્ર નદીની રાહ જોવાનું. ડર લાગે છે કે નદી સુકાઈ જશે તો? એ ડરમાં જ કદાચ હું માથાં પટકતો રહું છું! આ ખારાશ કદાચ એટલે જ આવી ગઈ હશે કે મારી આંખો સદા ભીની રહે છે. પોતાની વ્યક્તિનો સુકાઈ જવાનો ડર પણ કદાચ માણસને ‘ખારો’ કરી દેતો હશે. હું એકલો પડી જઈશ તો? કવિવર રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે તારો સાદ સૂણી કોઈ ન આવે તો એકલો જાને રે… એકલું જ જવાનું હોય તો પછી સાદ દેવાનો મતલબ શું? એક ચિંતકે કહ્યું છે,તમારે સૌથી આગળ રહેવું હોય અને નજીક જ જવું હોય તો એકલા નીકળી પડો પણ તમારે જો બહુ દૂર જવું હોય તો કોઈની સાથે નીકળો. કદાચ આવી વાત એટલા માટે જ કહી હશે કે, એકલા હશો તો થાકી જશો. પગ ડગુમગુ થવા લાગે ત્યારે જોે કોઈ હાથ હોય તો ચાલવામાં સરળતા રહે છે.
પતંગિયા માટે કુદરતે ફૂલો બનાવ્યાં છે કે ફૂલ માટે પતંગિયાનું સર્જન કર્યું છે? કદાચ કુદરતે દરેકને માટે કંઈક નિર્માણ કર્યું છે! વાદળ માટે વરસવાનું છે, રણ માટે તરસવાનું છે, તારા માટે ચમકવાનું છે, અને પથ્થર માટે? પથ્થર માટે પડઘા જ હોય છે! બે પથ્થર અથડાય ત્યારેય સંગીત નીપજે છે. પથ્થર એકલો પડે ત્યારે માત્ર પડઘા જ હોય છે! એક દિવસે પતંગિયાએ ફૂલને કહ્યું કે હું સ્વાર્થી છુંને? તારો મધુર રસ ચૂસી લઉં છું. ફૂલે કહ્યું અરે પાગલ, તારા માટે તો રસનું સર્જન કર્યું છે. તું ન હોત તો આ રસ એમને એમ સુકાઈ જાત અને હું કદાચ વહેલું મૂરઝાઈ જાત. તારું ચુંબન તો મને સજીવન રાખે છે. એવા પતંગિયાનું શું થતું હશે જેની આસપાસ કોઈ ફૂલ હોતું નથી અને એવા ફૂલને શું થતું હશે જેની પાસે કોઈ પતંગિયું નહીં હોય? માણસ ક્યારેક એકલા ફૂલ અથવા એકલા પતંગિયા જેવો હોય છે. કાં તો એકલું તરસી જવાનું અને કાં તો એકલા ખરી પડવાનું!
એકલતા તલવાર કરતાં પણ તીક્ષ્ણ હોય છે અને ઝેર કરતાં પણ વધુ ઝેરી હોય છે! કોઈ સમૃદ્ધિ, કોઈ સાધનો, કોઈ સુવિધા કે કોઈ સામ્રાજ્ય સુખ આપતું નથી. સંગાથ અને સાન્નિધ્યથી જ સુખ મળે છે. અમેરિકા વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ છે. જ્યાં બધું જ હોય છે ત્યાં ઘણી વખત ઘણુંબધું હોતું નથી. તમને ખબર છે, અમેરિકામાં કિલર નંબર વન શું છે? એકલવાયાપણું. લોન્લીનેસ! પ્રેમ, લાગણી અને સંબંધનો અભાવ માણસને મારી નાખે છે. અમેરિકાના જ એક ચિંતકે સરસ વાત કરી છે. અમેરિકામાં પ્લેઝર છે, હેપીનેસ નથી! પ્લેઝર અને હેપીનેસમાં આસમાન-જમીનનો ફર્ક છે. પ્લેઝર બહારનાં સાધનોથી મળે છે અને હેપીનેસ માણસને પોતાની અંદરથી મળે છે. આપણા દેશમાં પણ હવે હેપીનેસને બદલે પ્લેઝરની ડિમાન્ડ વધવા લાગી છે.
માણસ સાધનો વધારતો જ જાય છે અને ‘સાથ’ ઘટાડતો જ જાય છે. નવી વસ્તુ, નવું સાધન, નવો મોબાઈલ, નવી કાર કે બીજું કંઈ નવું આવે એટલે માણસ એ લેવા માટે દોટ મૂકે છે. માણસને ‘સ્ટિમ્યુલેશન’ જોઈએ છે. નવાં સાધનો માણસને સ્ટિમ્યુલેટ કરે છે. ધીમે ધીમે એ સાધન સ્ટિમ્યુલેશન આપતું બંધ થઈ જાય છે એટલે માણસ બીજું સાધન શોધવા ફાંફાં મારે છે. તમે માર્ક કરજો નવો મોબાઈલ હશે એટલે પહેલા બે દિવસ આપણે એમાં બીઝી રહીશું. અરે, આમાં આવું છે! અરે, આ તો મજાનું છે! બે દિવસમાં બધી ખબર પડી જાય છે કે આમાં શું છે? પછી એ રોમાંચ આપતું નથી. માણસને સતત એવું કંઈક જોઈએ છે જે એને બીઝી રાખે. મોબાઈલ, ટેબલેટ, લેપટોપ, કમ્પ્યુટર, ટેલિવિઝન સાથે માણસ ચોંટેલો રહે છે. માણસ પાસેથી તમે માત્ર મોબાઈલ લઈ લો તો એ અનઈઝી ફિલ કરે છે, જાણે એકલો પડી ગયો હોય એવું એને લાગવા માંડે છે. માણસને સતત કોઈ ને કોઈ ‘એલર્ટ’ જોઈએ છે, કોઈ ‘નોટિફિકેશન’ જોઈએ છે, કોઈ ‘ટોન’ જોઈએ છે. માણસને બધું બહારથી જ જોઈએ છે, એટલા માટે કે અંદર તો કંઈ છે જ નહીં! હોય તો મળેને? માણસને ‘આધાર’ તો જોઈએ જ છે પણ જે ‘આધાર’ છે એની પસંદગીમાં માણસ થાપ ખાય છે. ઘણી વખત એ ‘ધાર’ છે કે ‘આધાર’ છે એ માણસ નક્કી કરી શકતો નથી.
માણસને આનંદ જોઈએ છે અને રિપિટેડલી જોઈએ છે, વારંવાર જોઈએ છે અને ઉપરાછાપરી જોઈએ છે. ‘સેન્સ્યુઅલ પ્લેઝર’ની દોડમાં માણસ ઈમોશનલ જોય અને ઈન્ટલેક્ચુઅલ હેપીનેસથી દૂર ચાલ્યો ગયો છે. હવે માણસ સંબંધો ‘નિભાવે’ છે, સંબંધ જીવતો નથી. તમારે સુખ જોઈતું હોય તો બે જ જગ્યાએથી મળવાનું છે, એક પોતાના લોકો પાસેથી અને બીજું તમારી અંદરથી. આપણે એકલા પડી ગયા છીએ. આપણી એકલતા માટે આપણે જ કારણભૂત હોઈએ છીએ, આપણી એકલતા માટે બીજું કોઈ જવાબદાર હોતું નથી. આપણે કોઈના પણ થઈ શકતા નથી અને આપણે અંતર્મુખી પણ થઈ શકતા નથી. સોશિયલ મીડિયાને આપણે સોશિયલ સપોર્ટ સિસ્ટમ માની લઈએ છીએ અને આપણાં જ લોકોની નજીક જઈ શકતાં નથી. આપણને એ અહેસાસ જ નથી કે આપણી સોશિયલ સપોર્ટ સિસ્ટમ કેવી પુઅર થઈ ગઈ છે. સાધનો અને સંબંધો વચ્ચેનો ભેદ આપણે ભૂલતાં જઈએ છીએ. સાધનો ખોટાં કે ખરાબ નથી, એની માત્રા અને એ જ પ્રમાણભાનની ખબર ન હોવી એ ખરાબ છે. મોબાઈલમાં બીઝી થઈ ગયેલો હાથ હવે કોઈની સાથે હાથ મિલાવવા, કોઈને સ્પર્શ કરવા કે કોઈની માથે ફેરવવા માટે નવરો જ પડતો નથી અને આપણને જ્યારે કોઈ હાથની જરૂર પડે છે ત્યારે એ હાથ મળતો નથી. સાથ વગર હાથ ક્યાંથી મળવાનો છે? આપણે કોઈની સાથે નથી હોતા અને આપણે આપણી સાથે પણ ક્યાં હોઈએ છીએ? તમારી સાથે કોઈ છે? તમારી સાથે તમે છો? તો એને જકડી રાખજો, કારણ કે આજકાલ છટકવાની મૌસમ વાઈરલ થઈ ગઈ છે!
છેલ્લો સીન : 
જ્યારે તમારી પાસે કોઈ ન હોય ત્યારે માત્ર એટલો વિચાર કરજો કે તમે પોતે ક્યાં ગુમ થઈ ગયા હતા? -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 ઓકટોબર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *