જિંદગી ધીમી ચાલ, હજુ ઘણાં કામ બાકી છે! 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કલ જો મિલા વક્ત તો ઝુલ્ફે તેરી સંવાર દૂંગા,
આજ તો મૈં ઉલઝા હૂં વક્ત કો સુલઝાને મેં.
-ફૈઝ અહમદ ફૈઝ
લાઇફ ઘડિયાળના કાંટા સાથે સતત આગળ વધતી રહે છે. લાઇફમાં સ્પીડોમીટર છે પણ બ્રેક નથી. લાઇફમાં પૂર્ણવિરામ નથી, માત્ર અલ્પવિરામ છે. લાઇફમાં એક જ વખત ફુલસ્ટોપ આવે છે અને એ પરમેનન્ટ હોય છે. અલ્પવિરામને અંગ્રેજીમાં કોમા કહે છે. માણસ’કોમા’માં હોય ત્યારે પણ લાઇફ તો આગળ વધતી જ હોય છે. એક માણસને એક્સિડન્ટ થયો. થોડા સમય માટે તે બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે તેને કહેવાયું કે, તમે ‘કોમા’માં હતા. તેણે હસીને કહ્યું કે એક્સિડન્ટ થયો ત્યારે તો મને લાગ્યું હતું કે હવે ફુલસ્ટોપ છે, થેન્ક ગોડ કે કોમા હતું. આજે મને સમજાય છે કે જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય એ પહેલાં ઘણાં કામો પૂરાં કરવાનાં છે. હવે હું મારાં કોઈ કામ આગળ કોમા નહીં રાખું અને બધાં કામ આગળ પૂર્ણવિરામ મૂકીશ. સપનાં અધૂરાં રહી ન જાય એ માટે તેને જલદીથી પૂરાં કરવાનાં હોય છે. મારે જીવવું છે, મારા લોકો માટે અને મારા પોતાના માટે. આપણે આપણાં લોકો માટે જીવતાં હોઈએ છીએ ત્યારે આપણે આપણાં માટે પણ જીવતાં હોઈએ છીએ.
તમે ક્યારેય તમારી જાતને સવાલ પૂછયો છે કે હું જીવું છું ખરા? પૂછી જાજો. જે જવાબ મળે તેના ઉપર ઊંડો વિચાર કરજો. સવારથી રાત સુધીના બિઝી શિડયુલમાં જિંદગી ક્યાંક ખોવાઈ તો નથી ગઈને? મોટાભાગે તો લોકો રોજિંદું કામ જ કરતા હોય છે,જિંદગી તો વચ્ચે ટુકડે ટુકડે જિવાતી હોય છે. જિંદગીના આવા ટુકડાને ભેગા કરીને નિરખવાનો પણ સમય આપણી પાસે નથી હોતો! સમય મળે ત્યારે જિંદગીના આ ટુકડાઓ ભેગા કરીને જોજો કે જિંદગી કેવી જિવાય છે? તમને તમારી જિંદગીથી સંતોષ છે?
આખી દુનિયા જાણે છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. છતાં કેમ કોઈ માણસ આજે જિંદગીનો છેલ્લો દિવસ હોય એ રીતે જીવતો નથી? તમને ખબર પડે કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમે કઈ રીતે જીવો? આમ તો માણસ કાલે મરી જવાના છીએ એ ભયમાં જીવી જ ન શકે! સારું છે માણસને મોતની ડેટ ખબર નથી હોતી, બાકી એ જીવી જ ન શક્ત! હિસાબ જ કર્યે રાખત કે હવે કેટલો સમય બચ્યો છે. આપણને ખબર નથી કે હવે કેટલો સમય છે, આપણે તો એમ જ માનીને જીવતાં હોઈએ છીએ જાણે આ જિંદગી ક્યારેય અટકવાની જ નથી એટલે જ આપણે જિંદગી જે રીતે સરકતી હોય છે એ રીતે સરકવા દઈએ છીએ!
બે મિત્રો હતા. સેટરડેની સાંજે બંને મળ્યા. સન્ડેના દિવસનું પ્લાનિંગ કર્યું. કાલે ખૂબ મજા કરીશું. મિત્રએ કહ્યું કે ચાલ હવે હું જાઉં છું. બીજા મિત્રએ કહ્યું કે થોડી વાર બેસને. ચા પીને જા. બંનેએ સાથે ચા પીધી. છૂટા પડયા. બીજો મિત્ર ઘરે જતો હતો ત્યાં એનો એક્સિડન્ટ થયો. એ ડેથ બેડ પર હતો. થોડા શ્વાસ જ બાકી હતા. મિત્ર તેની પાસે હતો. તેનો હાથ હાથમાં લીધો. ડેથ બેડ પર રહેલા મિત્રએ ભાંગ્યાતૂટયા અવાજમાં એટલું જ કહ્યું કે, સારું થયુંને કે કાલે તારી સાથે ચા પીવા થોડીક મિનિટ રોકાઈ ગયો! હાર્ટબીટ બતાવતા મશીનમાં ફિગર ડાઉન થતા જતા હતા. જિંદગીની છેલ્લી ક્ષણોનું આ કાઉન્ટડાઉન જાણે મેસેજ આપતું હતું કે ડોન્ટ પોસ્ટપોન ગૂડટાઇમ! જીવવા જેવી ક્ષણોને મુલતવી ન રાખો. ન જાને કિસ ઘડી જિંદગી કી શામ હો જાયે!
એક મિત્રએ વોટસ એપ પર કોઈ શાયરની એક રચના મોકલી. આહિસ્તા ચલ એ જિંદગી, અભી કુછ કર્જ ચુકાના બાકી હૈ, કુછ દર્દ મિટાના બાકી હૈ, કુછ ફર્જ નિભાના બાકી હૈ, કુછ હસરતેં અભી અધૂરી હૈ, કુછ કામ ભી ઔર જરૂરી હૈ, ખ્વાહિશે જો ઘુટ ગઈ ઇસ દિલ મેં, ઉનકો દફનાના અભી બાકી હૈ. રફતાર મેં તેરે ચલને સે, કુછ રુઠ ગયે કુછ છૂટ ગયે, રુઠોં કો મનાના બાકી હૈ, રોતોં કો હસાના બાકી હૈ… આ વાંચીને વિચાર આવ્યો કે શું આપણા કહેવાથી જિંદગી એની રફતાર ઘટાડી દેવાની છે? ના. જિંદગી પાસેથી રફતાર ઘટાડવાની અપેક્ષા ન રાખો, તમે તમારી રફતાર વધારી દો. રડતા હોય તેને હસાવવાની, નારાજ હોય તેને મનાવવાની, પ્રેમ ઝંખતા હોય તેને પ્રેમ કરવાની અને તમારી રાહ જોતાં હોય તેની પાસે પહોંચી જવાની રફતાર વધારી દો. જિંદગી તો એની રફતાર છોડવાની જ નથી. એ તો સરકતી રહેશે અને આપણે અફસોસ કરતા રહીશું. એક કપલનાં મેરેજને દસ વર્ષ થયાં. એ બંને એક સંત પાસે આશીર્વાદ લેવા ગયાં. બંનેએ કહ્યું કે, અમારાં લગ્નને દસ વર્ષ થયાં. સંતે કહ્યું કે, સરસ. સંતે પૂછયું, આ દસ વર્ષમાં તમે કેટલું સાથે જીવ્યાં? સાથે મતલબ આખો દિવસ સાથે રહેવું એવો નથી, તમે સાથે હોવ ત્યારે એકબીજા સાથે જ હોવ છો? જરૂર હોય ત્યારે સાથે હોવ છો? સાથે હોવું અને સાથે હોવાનો અહેસાસ થવો એમાં ઘણો ફર્ક છે.
એક પતિ-પત્નીની વાત છે. પતિને કામ સબબ બહારગામ જવાનું થયું. બાળકોના અભ્યાસ માટે પત્નીએ વતનમાં રહેવું પડે તેમ હતું. પતિએ એક દિવસ લખ્યું. કેટલા બધા લોકો આ શહેરમાં છે છતાં શહેર કેમ ખાલી લાગે છે? તું નથી તો જાણે કોઈ નથી. કામ પરથી સાંજે ઘરે આવું છું. ઘર ખોલવાવાળું કોઈ હોતું નથી તોપણ હું ઘરે પહોંચી ડોરબેલ વગાડું છું. રાહ જોતી તું ઝડપથી દોડીને ખોલવા આવે છે એવું ફીલ કરું છું. ઘરમાં દાખલ થાઉં છું. તને હગ કરું છું. એવી જ રીતે જેવી રીતે તારી પાસે ઘરે આવતો ત્યારે કરતો હતો. ફર્ક એટલો જ છે કે ત્યાં હતો અને આવું કરતો ત્યારે આંખમાં ચમક આવી જતી અને હવે આંખો ભીની થઈ જાય છે! આંખમાં આંસુનું એક પડ છલકાય છે અને કેટલાં બધાં દૃશ્યો ત્યાં ઊમટી આવે છે. ગમે તે કરું તોપણ એ અહેસાસ કલ્પનાઓથી નથી આવતો જે તારી હાજરીમાં મહેસૂસ થાય છે. જીવું છું એવી રીતે કે તું સાથે છે પણ હવામાં દૃશ્યો રચવાં પડે છે. ટેરવામાં દુકાળ ઊપસી આવે છે અને ટેરવાના ચાસ આંખોની ભીનાશથી પુરાતા નથી. તારા હોવાનો મતલબ તું નથી હોતી ત્યારે સૌથી વધુ સમજાય છે.
રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી!
છેલ્લો સીન : 
આ સૃષ્ટિનાં રહસ્યોને ઉકેલવામાં સમય બરબાદ ન કરતા, બલકે તેને માણવામાં સમય પસાર કરજો. -અજ્ઞાાત

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

 1. Hello KU,

  Very true & solid article.

  આ સૃષ્ટિનાં રહસ્યોને ઉકેલવામાં સમય બરબાદ ન કરતા, બલકે તેને માણવામાં સમય પસાર કરજો. -અજ્ઞાાત
  Kahase tu aaya he aur kahah tuje jaana hai, khush weh jo ush baat se begaana hai.(Geet Gata Chal)

  Enjoyed it.
  Cheers..Nitin/Parika

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *