મારે તો બસ એનું સપનું પૂરું કરવું છે! 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

આંખો મેં જો ભર લોગે તો કાંટો સે ચૂભેંગે,
યે ખ્વાબ તો પલકોં પે સજાને કે લીયે હૈ!
-જાંનિસાર અખ્તર
દરેક માણસનું કંઈક સપનું હોય છે. એવું સપનું જે ખુલ્લી આંખે જોવાય છે, એવું સપનું જે રાતે સૂવા નથી દેતું, એવું સપનું જે દિવસને જાગતો રાખવાનું કારણ હોય છે, એવું સપનુું જે જાત સાથે જિવાતું હોય છે! રાતેે ઊંઘમાં જોવાતાં સપનાંનું આયુષ્ય ટૂંકું હોય છે. આંખ ખૂલે અને એ સપનું ખતમ થઈ જાય છે. ખુલ્લી આંખનું સપનું આંખ મીંચાય ત્યાં સુધી જીવતું રહે છે. ક્યારેક તો આવું સપનું પૂરું કરવામાં એક આયખું પણ ઓછું પડે છે. તમને કોઈ પૂછે કે તમારું સપનું શું છે તો તમે શું જવાબ આપો?
તમારું જે સપનું છે એ તમે તમારી ડાયરીમાં નોંધ્યું છે? કમ્પ્યુટર, ટેબલેટ કે મોબાઇલમાં સેવ કર્યું છે? ના, કદાચ નહીં કર્યું હોય,કારણ કે નોંધ તો એની કરવાની હોય જે ભુલાઈ જવાનો ભય હોય. આપણાં સપનાં તો આપણી દિલની દીવાલ પર કોતરાયેલાં હોય છે. સામાન્ય માણસનાં કેવાં સપનાં હોય છે? મારું એક સુંદર મજાનું ઘર હશે, ઘરમાં તમામ પ્રકારનું રાચરચીલું હશે, હું મારા ઘરને સરસ રીતે સજાવીશ, ઘરમાં મારો પરિવાર હશે, અમે ખૂબ જ પ્રેમથી અને શાંતિથી રહીશું, મારી સરસ જોબ કે બિઝનેસ હશે, ઘરના લોકોને ગૌરવ થાય એવી કરિયર હશે, બુઢાપામાં કોઈની મહોતાજી ન રહે એટલું સેવિંગ હશે, જિંદગી ખુશીઓથી ભરપૂર હશે. દરેક પોતાના ગજા અને ત્રેવડ મુજબ સપનાં જુએ છે. ઘણાનાં સપનાં ઊંચાં હોય છે, એને આકાશમાં ઊડવું હોય છે અને ધનના ઢગલામાં આળોટવું હોય છે. સરવાળે એને પણ એટલું તો હોય જ છે કે ઘરમાં આવું એટલે હાશ થાય!
સપનાં સપનાં હોય છે. એને કોઈ ભેદભાવ નથી હોતા. નાના માણસનું સપનું નાનું અને મોટા માણસનું સપનું મોટું એવું પણ નથી હોતું. સપનાં જોવાનો બધાને એકસરખો અધિકાર છે પણ સપનાં પૂરાં કરવાની દરેકની ખેવના અલગ અલગ હોય છે. દરેક સપનું પૂરું થાય એવું પણ જરૂરી નથી. કેટલાંક સપનાં છેતરામણાં હોય છે. ગમે એટલું જતન કરીએ તો પણ એ સરકી જાય છે. અમુક સપનાં તૂટે ત્યારે બહુ આકરાં લાગે છે. જેને પ્રેમ કર્યો હોય, જેની સાથે જિંદગીની કલ્પના કરી હોય, જેની રાત-દિવસ ઝંખના રાખી હોય અને જેને જિંદગીનું કારણ સમજ્યું હોય એ જ વ્યક્તિ જ્યારે ચાલી જાય ત્યારે જિંદગી નિરર્થક અને સપનાં નક્કામાં લાગે છે. આવાં તૂટેલાં સપનાંની કરચો આખી જિંદગી ખૂંચ્યા રાખે છે. તમારું કયું સપનું અધૂૂરું રહી ગયું છે? જીવવું હતું કોઈની સાથે અને જીવીએ છીએ કોઈની સાથે! બનવું હતું કંઈક અને બની ગયા કંઈક! કરિયર આડા પાટે ચડી ગઈ, ગણતરીઓ ઊંધી પડી ગઈ, જેના પર વિશ્વાસ મૂક્યો હતો એ દગાબાજ નીકળ્યો, કોઈ મા-બાપને સમજી નથી શકતા અને કોઈ સંતાનોને ઓળખી શકતા નથી. ક્યાંક પતિ-પત્ની વચ્ચે ખટરાગ છે તો ક્યાંક ભાઈ-બહેનને બનતું નથી. ભાઈઓ એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી અને કોર્ટમાં સામસામા લડે છે. સંબંધો દાવ પર લાગેલા હોય છે.
સપનાંઓ ક્યારેક અફસોસ બની જતાં હોય છે. મેં તો કલ્પના પણ કરી ન હતી કે આવું થશે. ડિવોર્સના દરેક કેસ બે વ્યક્તિની જીવતીજાગતી કથા છે. એક પણ લગ્ન દુઃખી થવા માટે નથી થતાં. બધાં સારાં સપનાં જોઈને જ એકબીજાં સાથે જોડાતાં હોય છે. બે મિત્રો હતા. એક મિત્રની દીકરી અને બીજા મિત્રનો દીકરો પ્રેમમાં પડયાં. એકબીજાંને ખૂબ જ ચાહતાં હતાં. બંનેએ પોતપોતાના ડેડીને કહ્યું કે અમારે મેરેજ કરવા છે. બંને પરિવારો એકબીજાને ઓળખતા હતા, એકબીજાને સમકક્ષ હતા એટલે ના પાડવાનું કોઈ કારણ ન હતું. આ મિત્રોએ પોતાનાં સંતાનોને કહ્યું કે અમે તમારા મેરેજ કરી આપવા તૈયાર છીએ. તમે બંને બસ એટલું કરો, તમારા દિલની, તમારી કલ્પનાની, તમારાં સપનાંની, તમારા પ્રેમની અને તમારી જિંદગીની વાત અલગ અલગ લખી આપો. બંનેએ પોતપોતાની રીતે લખવાનું શરૂ કર્યું. બંનેએ સરસ ડાયરી બનાવી. પ્રેમ કેવી રીતે થયો, પ્રેમનો એકરાર, પહેલો સ્પર્શ, પહેલી કવિતા,પહેલી સંવેદનાથી માંડી એકબીજાં માટે ફના થઈ જવાની વાત લખી. ભવિષ્યનું સુંદર ચિત્ર બનાવ્યું. અમે એકબીજાંને ખૂબ પ્રેમ કરીશું. અમારો સંસાર સુખી હશે. અમે એકબીજાંને સમજશું.
બંનેના પિતાએ ડાયરી વાંચી. ખુશ થયા. બંનેએ ડાયરીમાં એક એક વાક્ય ઉમેરવાનું કહ્યું. એ વાક્ય હતું, અમે એકબીજાંનેે માફ કરીશું! થોડાં વર્ષો ગયાં. બધું ભુલાઈ ગયું. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. પતિ-પત્ની કોર્ટમાં જવાનાં હતાં એની આગલી રાતે બંનેએ લખેલી ડાયરી બંનેના પિતાએ સંતાનોને આપીને એટલું જ કહ્યું, વાંચીને થોડુંક વિચારજો કે આ તમે જ છોને? અને હા, અમે લખાવેલું છેલ્લું વાક્ય ખાસ વાંચી જજો! દરેક પ્રેમી અને દરેક દંપતીએ આ પ્રયોગ અજમાવવા જેવો છે. એટલા માટે કે કોઈ પણ સપનાની શરૂઆત શુભ આશય અને નેક ઈરાદા સાથે જ થતી હોય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આ સપનાં ભુલાઈ જાય છે અથવા અધૂરાં રહી જાય છે.
માણસ માત્ર પોતાના માટે જ સપનાં નથી જોતો હોતો, પોતાની વ્યક્તિ માટે પણ સપનાં જોતો હોય છે. મારે મારી પ્રિય વ્યક્તિનું સપનું પૂરું કરવું છે. એના માટે હું કંઈ પણ કરી છૂટીશ. તમારે કોના માટે શું કરવું છે? બે મિત્રો હતા. એક ગરીબ હતો અને બીજો વેલ ટુ ડુ. આ મુસ્લિમ મિત્રો બચપણથી એકબીજાની નજીક હતા. મોટા થયા. વેલ ટુ ડુ મિત્ર હજ પઢવા જતો હતો. એની તૈયારી ચાલતી હતી. એવામાં ગરીબ મિત્રથી એવું બોલી જવાયું કે એક વખત હજ પઢવા જવાનું મારું પણ સપનું છે. એ જ ઘડીએ ધનવાન મિત્ર ઊભો થયો. પોતાના રૂમમાં જઈ હજ પઢવા જવા માટે ભેગા કરેલા તમામ રૂપિયા એના હાથમાં મૂકી દીધા અને કહ્યું કે જા, મારા બદલે તું હજ પઢી આવ. તારું સપનું પૂરું થશે એ જ મારા માટે મોટી વાત હશે. મિત્રએ ના પાડી તો પણ એેને ધરાર હજ પઢવા માટે મોકલ્યો. એને ખુશી હતી મિત્રનું સપનું પૂરું કર્યાંની. કોઈનું સપનું પૂરું કરવાની મજા જ અનેરી હોય છે. કોઈ માણસ એમ કહે કે મેં આવું ક્યારેય કર્યું નથી અથવા જિંદગીમાં એક વખત આવું કરવું છે, તો એનું સપનું પૂરું કરવામાં મદદ કરી જોજો,આશીર્વાદની તો ખબર નથી, આનંદ જરૂર મળશે.
હા, એટલું ધ્યાન રાખજો કે તમારાં સપનાંમાં જાણે અજાણે કોઈ સ્વાર્થ ન ઘૂસી જાય. એક પિતા હતા. તેનો દીકરો ખૂબ જ ડાહ્યો અને હોશિયાર હતો. પિતાનું એક જ સપનું હતું કે દીકરાને ડોક્ટર બનાવવો છે. દીકરાને ભણાવવા માટે તેમણે પોતાનાં ઘણાં સપનાંને કુરબાન કરી દીધાં હતાં. દીકરાને પણ ખબર હતી કે પિતાએ તેના માટે રાત-દિવસ એક કર્યાં હતાં. દીકરો ડોક્ટર બની ગયો. પરિણામ આવ્યું ત્યારે પપ્પાને પગે લાગ્યો કે તરત જ પિતાએ કહ્યું કે આજે મારું સપનું પૂરું થયું. બીજા જ દિવસે દીકરાએ કહ્યું કે,પપ્પા, હવે હું ડોક્ટર બની ગયો છું. મારે તમને એક વાત કરવી છે. મારી સાથે જ એક છોકરી મેડિકલમાં ભણતી હતી. અમે એકબીજાંને પ્રેમ કરીએ છીએ લગ્ન કરવા માગીએ છીએ.તમે રજા આપો એવી ઇચ્છા છે. પિતાને જ્યારે ખબર પડી કે એ છોકરી બીજી કાસ્ટની છે ત્યારે એ તાડુક્યા. આટલા માટે મેં બધું કર્યું હતું? આપણી કાસ્ટમાં આપણા પરિવારની આબરૂ શું રહેશે? તેં તો બધાં પર પાણી ફેરવી દીધું. તારે જો એની સાથે પરણવું હોય તો તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે. દીકરાએ છેલ્લે એટલું જ કહ્યું કે પપ્પા, તમે મારા માટે સપનું જોયું હતું, એ પૂરું કરવા તમે બધું જ કર્યું. હવે મેં એક સપનું જોયું છે. એ પૂરું કરવા તમે કેમ તૈયાર નથી? તમે જે સપનું જોયું હતું એ તમારા માટે હતું કે મારા માટે? જો મારા માટે હતું તો મારા સપના સામે તમને કેમ વાંધો છે?
આપણે બધા જ ઘણી વખત આવું કરતા હોઈએ છીએ. મેં એના માટે આટલું બધું કર્યું અને એણે જુઓ કેવું કર્યું? સપનાં પોતાના માટે જોતાં હોવ કે પોતાની પ્રિય વ્યક્તિ માટે જોતા હોવ, ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું હોય છે કે આપણે આપણાં સપનાંને સારી રીતે ઓળખીએ! સપનાં સ્વાર્થી ન હોવાં જોઈએ. સપનાંમાં થોડીક સ્પેસ પણ રાખવી જોઈએ. અધૂરાં રહી ગયેલાં સપનાંનો અફસોસ ન કરવો અને કોઈનું સપનું પૂરું કર્યા પછી કંઈ જ અપેક્ષા ન રાખવી એ જ જાગતી આંખે જોયેલાં સપનાંની સાર્થકતા છે!
છેલ્લો સીન : 
મનુુષ્ય વાસ્તવિક જીવન પર નહિબલકે પોતાનાં સપનાં અને કલ્પના પર જીવે છે.  -ગેટે

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 જુલાઇ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *