તું હસે છે પણ ખુશ નથી!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મેં જ મારી લાશને ઢાંકી હતી, ભાગ્યની રેખા જરા વાંકી હતી,
જિંદગી અટકળ રહી એથી જ તો, ઝાંઝવાંમાં નાવ મેં નાખી હતી.
-ધૂની માંડલિયા
માણસનું વજન હોય એના કરતાં એ કેટલો ભારે હોય છે! દિલ અને મન પર જે ભાર હોય છે એ વજનકાંટાથી મપાતો નથી, છતાં માણસ એ વજન વગરના ભારથી દબાયેલો હોય છે. બધાં જ એ વાત જાણે છે કે માણસે ખુશ રહેવું જોઈએ. દરેકને ખુશ રહેવું પણ હોય છે. આમ છતાં માણસ ખુશ રહી શકતો નથી. કોઈ ને કોઈ ભાર લઈને એ ફરતો હોય છે. માણસને દુઃખી કોણ કરે છે? માણસની પોતાની મનોદશા. મન તો સાવ હળવું જ હોય છે, આપણે એક પછી એક વિચારોનું વજન તેના પર મૂકતાં જઈએ છીએ અને આપણા હળવા મનને ગૂંગળાવી નાખીએ છીએ.
રસ્તા પર ચાલ્યા જતાં લોકોના ચહેરાનું નિરીક્ષણ કરજો, કેટલા લોકો હસતાં હોય છે? બધાના ચહેરાની રેખાઓ એટલી તંગ હોય છે જાણે હમણાં ચહેરો ચિરાઈ જશે. માણસજાતને જાણે બોજ લઈ ફરવાની આદત પડી ગઈ છે. એ હળવો રહી જ નથી શકતો. ઘણાં લોકો ખુશીથી ગભરાઈ જતા હોય છે. હું એટલો બધો ખુશ રહું છું કે મને ડર લાગવા માંડે છે કે ક્યાંક કશુંક અમંગળ તો નહીં બની જાય ને? ઘણાં તો એવું જ માની બેઠા હોય છે કે મારા નસીબમાં ખુશી, આનંદ, ઉત્સાહ કે સુખ છે જ નહીં. એવું કશું હોતું નથી,આપણે જ બધું માની લીધં હોય છે. દુઃખ, નારાજગી અને ઉદાસીથી કેટલાક લોકો એટલા બધા ટેવાયેલા હોય છે કે એને હળવાશ માફક જ નથી આવતી.
એક માણસની વાત છે. એ દરરોજ ઓફિસમાં મિત્રો સાથે જમવા બેસે. એ હંમેશાં ઉદાસ જ હોય. કોઈ પૂછે તો કહે કે તને ખબર છે એક સમયે મારી પાસે ખાવાના પણ રૃપિયા ન હતા. મને થતું કે આજ પૂરતું જમવાનું મળી જાય તો બસ. આવી વાત તેણે અનેક વખત કરી હતી. એક વખતે તેના મિત્રએ કહ્યું કે તું તારા ખરાબ દિવસોને ખંખેરી કેમ નથી શકતો? આજે તું સરસ જમી શકે છે તો એને એન્જોય શા માટે નથી કરતો? તું તારી સાથે કેમ નથી જીવતો? જે ગયું તે ગયું, હવે એને છોડ. અત્યારે તું દુઃખી નથી અને કોઈ દુઃખ ન હોવા છતાં તું સુખી પણ નથી. તારા સુખને પણ તેં દુઃખનું પહેરણ પહેરાવી રાખ્યું છે. સ્ટ્રગલ દરેકે અનુભવી હોય છે, તું અપવાદ નથી. ઘણાં લોકો એવું કહેતાં હોય છે કે તને ખબર નથી મેં કેવા દિવસો જોયા છે. હું બસ સ્ટેશન પર સૂઈ રહેતો. મારી પાસે સ્કૂલ ફી ભરવાના રૃપિયા ન હતા. મારી મા પારકાં કામ કરતી. મારા બાપા મજૂરીએ જતા. મેં ચોપડા પણ માગ્યા છે. કોઈ વળી એમ કહેશે કે મારા ઘરમાં શાંતિ જ ન હતી. મમ્મી-પપ્પા ઝઘડયે રાખતાં. એ બંનેના ડિવોર્સ થઈ ગયા. મને હોસ્ટેલમાં મૂકી દીધો હતો. આવું કંઈ ને કંઈ દરેકની લાઇફમાં બન્યું જ હોય છે. તો શું કરવાનું? એ જ જૂની યાદોમાં પડયા રહેવાનું? ઘણાં લોકો દુઃખમાંથી બહાર નીકળી ગયા હોય તોપણ તેમાં જ પડયા રહે છે. કોઈ દયા ખાય, કોઈ દિલાસો આપે એવી ઘણાને આદત પડી ગઈ હોય છે. કોઈ હસાવે નહીં ત્યાં સુધી એને મજા જ નથી આવતી!
તમે યાદ કરો, છેલ્લે તમને પેટમાં દુખવા માંડયું હોય એવું તમે ક્યારે હસ્યા હતા? તમારી આંખમાં છેલ્લે ખુશીનાં આંસુ ક્યારે આવ્યાં હતાં? ખુશ રહેવાના કોઈ ચાર્જીસ નથી હોતા. છતાં દરેક માટે ખુશી એટલી મોંઘી થઈ ગઈ છે કે કોઈને પરવડતી નથી. મજામાં રહેવા માટે બીજી પણ એક મહત્ત્વની વાત એ છે કે ક્યારેય ધરાર મજામાં ન રહેવું. કેટલાંક લોકો ખુશ હોવાનાં નાટક કરતા હોય છે. ખુશ હોતા નથી. આપણે નક્કી કર્યું છે કે આપણે મજામાં જ રહેવું છે, એવું ઘણા લોકો કહેતાં હોય છે પણ એ મજામાં હોતા નથી. મજામાં રહેવાનું નાટક કરી તમે કોઈને છેતરી શકો પણ તમારી જાતને નહીં. ખુશી અંદરથી હોવી જોઈએ, માત્ર બહારથી જ નહીં, અંદરથી ખુશ રહેવું જોઈએ. મજામાં રહેવાનો અભિનય ઘણી વખત વધુ આકરો હોય છે. ઓરિજિનાલિટી જ માણસનું ખરું અસ્તિત્વ હોય છે. ‘મજામાં છું’ એમ કહેતાં કેટલા લોકો ખરેખર મજામાં હોય છે? બોલી દેવું એક વાત છે અને ખરેખર મજામાં રહેવું બીજી વાત છે. અંદરથી મજામાં રહેતા આવડતું હોય એ જ ખરો આનંદી અને હળવો હોય છે.
એક માણસ રોડ પર ચાલ્યો જતો હતો. તે હસતો હતો. લોકોના ચહેરા જોતો જાય અને મરકતો જાય. એક વ્યક્તિએ તેને પૂછયું કે તું કેમ મરક મરક હસે છે? એ માણસે જવાબ આપ્યો કે બધા કેવા વજનદાર ચહેરાઓ આપણી આસપાસ ફરતા હોય છે. હું જાણે કોઈ ઉદાસી લોકોના મેળામાં આવી ગયો છું. હું એટલા માટે હસું છું કે મારે મારો ચહેરો ભારે નથી રાખવો. મને આ બધા લોકોને જોઈને એવું થાય છે જાણે એ લોકો પોતાની જિંદગીને જ એક બોજ સમજે છે. કોઈના ડગલામાં ઉત્સાહ નથી. કોઈની વાતોમાં હળવાશ નથી. બધા એવા દેખાય છે જાણે માણસ નામનો આ ફટાકડો હમણાં ફૂટશે.
એક નજરે જોયેલી ઘટના યાદ આવે છે. મુંબઈના એક લોકલ સ્ટેશને આ બનાવ બન્યો હતો. એક માણસ પાટાની બરાબર વચ્ચે ચાલ્યો જતો હતો. બરાબર એ જ સમયે સામેથી ટ્રેન ધસમસતી આવતી હતી. સ્ટેશન પર ઊભેલા લોકો એ માણસને ચેતવવા માટે રાડો નાખવા માંડયા, તો પણ એનું ધ્યાન ન ગયું. એક માણસે દોડીને એને ધક્કો માર્યો અને એ પાટાથી દૂર ધકેલાઈ ગયો. એ માણસ પડી ગયો. જેણે ધક્કો માર્યો હતો એ માણસ તેની પાસે ગયો. તેને બેસાડયો. તેને એટલું જ પૂછયું કે તું મરવા જતો હતો?પછી જે થયું એ સમજવા જેવું છે. એ માણસ ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડયો. થોડોક સ્વસ્થ થયો પછી એ બોલ્યો કે ના હું મરવા નહોતો જતો. આપઘાત કરું એવો કાયર હું નથી. સાચી વાત એ છે કે હું એટલો બધો ટેન્શનમાં હતો કે મને એ ભાન જ ન હતું કે હું પાટાની વચ્ચે ચાલ્યો જાઉં છું અને મોત મારી સામે ધસમસતું આવી રહ્યું છે. તમે મને બચાવ્યો ન હોત તો હું કદાચ કપાઈ ગયો હોત. હું કેટલો અપસેટ હોઈશ કે મને કંઈ ભાન જ નહોતું. થેંક્યુ કહીને તે એટલું જ બોલ્યો કે તમે મારી જિંદગી બચાવી છે, હું તમને પ્રોમિસ કરું છે કે હવે હું મારી સાથે જ રહીશ! આપણે બધા જ ઘણી વાર ક્યાં હોઈએ છીએ એની ખબર ન રહે એટલા ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ!
સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું. માત્ર એટલું ચેક કરતા રહો કે તમે આખા દિવસમાં કેટલી વાર હસો છે. હસવાનું પણ સાચું અને દિલથી હોવું જોઈએ. કોઈ માણસ તમને ડરાવી શકે પણ ડરવું કે નહીં એ તમારા હાથની વાત હોય છે. જિંદગી અઘરી લાગે ત્યારે હસવાનું થોડુંક વધારી દેવું. ખુશ રહેવું એ ‘નેચરલ’ છે અને હન્ડ્રેડ પર્સન્ટ તમારા હાથની વાત છે. હસતા ચહેરાઓનો દુનિયામાં દુકાળ પડતો જાય છે. સાચી મજામાં રહેનારા લોકો લઘુમતીમાં આવતા જાય છે. જિંદગી ક્યારેય એટલી આકરી નથી હોતી જેટલી આપણે માની લેતા હોઈએ છીએ. જસ્ટ રિલેક્સ, લાઇફ ઇઝ બ્યુટીફૂલ. તમે દિલથી હસવાનું ભૂલી તો નથી ગયા ને?
છેલ્લો સીન : 
જે હાસ્ય વિના જીવી શકે છે તે શ્રીમંત નથી અને જે હંમેશાં હસી શકે છે તે ગરીબ નથી.   -ડેલ કાર્નેગી
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 4 મે, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *