તમને તમારા ઉપર ભરોસો છે ખરો?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
અપને મન મેં ડૂબકર પા લે સુરાગે જિંદગી,
તૂં અગર મેરા નહીં બનતા, ન બન, અપના તો બન!
-ડો.અલ્લામા ઇકબાલ
સફળ માણસ અને નિષ્ફળ વ્યક્તિમાં મુખ્ય તફાવત શું હોય છે?સફળ માણસને પોતાના પર ભરોસો હોય છે. નિષ્ફળ માણસ ડર અને શંકામાંથી જ બહાર આવી શકતો નથી. માણસને કોઈ રોકતું હોય તો એ પોતાની જાત જ છે. તમારા સિવાય તમને બીજા કોઈ રોકી શકે નહીં. અડધાં યુદ્ધ માત્ર ભરોસાથી જીતાતાં હોય છે. તમે કેવી મનોદશા સાથે મેદાનમાં ઊતરો છો તેના ઉપરથી જ અડધી હાર કે જીત નક્કી થઈ જતી હોય છે. માંદો હોય એ મરેલાના સમાચાર જ લાવે. માનસિકતા જ તમને સિક અથવા સક્ષમ બનાવે છે.
ડાઉટ ઓલવેઝ ડેન્જરસ હોય છે. કંઈ પણ નવું કરતી વખતે એવો વિચાર આવે એ સ્વાભાવિક છે કે હું સફળ થઈશ કે નહીં? દરેક માણસ આ પ્રશ્નનો જવાબ પોતાની અંદરથી મેળવવાનો પ્રયાસ કરતો રહે છે. તમને તમારી પાસેથી જે જવાબ મળે એવું જ તમારી સાથે થાય છે. બહુ અઘરું છે હોં, એવું વિચારશો તો અઘરું જ લાગવાનું છે. તમે જ તમારી ટાસ્કને અગાઉથી જ અઘરી બનાવી દો છો. બીજો એક જવાબ એ હોય છે કે કાંઈ વાંધો નહીં આવે, હું કરી લઈશ. આવો જવાબ તમને સંઘર્ષ માટે તૈયાર કરે છે. ત્રીજો જવાબ એવો હોય છે કે ન શું થાય, હું કરી જ શકવાનો છું. કેટલા બધા લોકો સફળ થાય છે તો પછી હું શા માટે ન થાઉં? આ કામ,આ ચેલેન્જ મારા માટે જ છે. આઈ વિલ ઓવરકમ ઇટ. આ જવાબ કામને આસાન અને આનંદદાયક બનાવે છે.
એક ફૂટબોલ ટીમ હતી. આ ટીમ સતત હારતી હતી. આખરે એના કોચ બદલી દેવાયા. કોચે જોયું કે બધા જ પ્લેયર બેસ્ટ છે. માત્ર હારવાનો ડર નીકળી જાય તો કામ પતી જાય. જોકે, પ્લેયર સતત હારને કારણે હતાશામાં જ હતા. આ ટીમ એક મેચ માટે રવાના થતી હતી. ટીમ બહાર નીકળી કે સામે એક સંત મળ્યા. કોચને ખબર ન હતી કે એ સંત કોણ છે. તેણે બધા પ્લેયર્સને કહ્યું કે એક મિનિટ, બધા રોકાઈ જાવ. આ મહાન સંત છે. એ આશીર્વાદ આપશે એટલે આપણે જીતી જશું. બધાએ સંતના આશીર્વાદ લીધા. કોચે કહ્યું કે આજે આપણી જીત પાક્કી છે. આપણી સાથે સંતના આશીર્વાદ છે. હવે આપણને કોઈ હરાવી નહીં શકે. બધા નક્કી કરી લો કે આજે આપણે જ જીતવાના છીએ. ટીમ મેદાન પર પહોંચી. બધા ઉત્સાહથી ભરપૂર હતા. કોઈ જાતના ભય કે હતાશા વગર રમ્યા અને ટીમ જીતી ગઈ.
બધાને થયું કે પેલા સંતના આશીર્વાદ કામ કરી ગયા. આ ટીમ જીતીને પાછી ફરતી હતી. બરાબર એ જ સમયે પેલા સંત એમને સામે મળ્યા. બધા પ્લેયર્સ તેમના પગે પડી ગયા. તમારા આશીર્વાદથી અમે જીતી ગયા. સંત ખડખડાટ હસવા લાગ્યા. તેમણે પોતાના દાઢી-મૂછ હટાવી દીધાં. સંતનાં કપડાં હટાવી પેન્ટ-શર્ટ પહેરી લીધાં. પ્લેયર્સ પાસે આવીને કહ્યું કે હું કંઈ સંત-બંત નથી. હું તો બહુરૃપી છું. રોજ નવા નવા વેશ કાઢી ખેલ કરું છું. મેં કે મારા આશીર્વાદે તમને નથી જિતાડયા. તમે જીત્યા એનું કારણ એ છે કે તમને વિશ્વાસ જાગ્યો કે આજે અમે જીતી જશું. હું તો માત્ર તમારી શ્રદ્ધા પાછી જીવંત કરવા માટે નિમિત્ત બન્યો છું. જીત્યા તો તમે જ છો અને તમારી જીત માટે માત્ર તમે જ જવાબદાર છો. હું પણ નહીં અને બીજું કોઈ પણ નહીં!
સફળતાની મજા શું છે? એ જ કે સફળતા નિશ્ચિત હોતી નથી. કોઈ પણ નવા પડકારમાં જો કંઈ નક્કી હોય તો એ નિષ્ફળતા છે. માણસે નિશ્ચિત નિષ્ફળતાને જ ખોટી પાડવાની હોય છે. એ ત્યારે જ બની શકે જ્યારે માણસને પોતાની જાત ઉપર ભરોસો હોય. કોઈ તમને પ્રેરણા આપી શકે પણ અંતે સિદ્ધ કે સાર્થક તો તમારે જ થવાનું હોય છે. એટલે જ માણસે એવા લોકોની નજીક રહેવું જોઈએ જે પોઝિટિવ હોય. અંધારામાં જઈએ તો બધું કાળું જ લાગવાનું છે. અજવાળું જ પ્રકાશ તરફ લઈ જશે.
કેવું છે, માણસ બીજા લોકો પર આસાનીથી ભરોસો મૂકી દે છે, પોતાના ઉપર જ ભરોસો મૂકી શકતો નથી. તમને જો તમારા ઉપર જ ભરોસો નહીં હોય તો તમે બીજા ઉપર મૂકેલો ભરોસો પણ નકામો જશે. લોકો એવું જ કહેશે કે એને પોતાના ઉપર ભરોસો નથી તો એ આપણો ભરોસો શું કરવાનો? તમને તમારા પર ભરોસો હશે તો જ તમે બીજા લોકોમાં ભરોસો પેદા કરી શકશો. જેને પોતાના પર શંકા હોય એને બધા ઉપર શંકા જ જવાની.
એક સરસ વાર્તા છે. એક માણસને કલ્પવૃક્ષ મળી ગયું. કલ્પવૃક્ષ નીચે બેસીને વ્યક્ત થતી દરેક ઇચ્છા સંતોષાય એવી તેને ખબર હતી. એ કલ્પવૃક્ષ નીચે બેઠો અને તેને તરસ લાગી. મારી તરસ છીપાઈ જાય એવો તેણે વિચાર કર્યો અને તેની સામે પાણી આવી ગયું. એ માણસને ભૂખ લાગી. તેણે વિચાર કર્યો અને તેની સામે ભોજન આવી ગયું. સંપત્તિવાન થવાનો વિચાર આવ્યો તો સોના-ચાંદીના દાગીના આવી ગયા.
અચાનક તેને ડર લાગ્યો કે આ દાગીના લૂંટાઈ જશે તો? લૂંટારા આવ્યા અને બધું લૂંટી ગયા. એ માણસને વધુ ડર લાગવા માંડયો. ભૂત આવશે તો? મને ખાઈ જશે તો? ભૂત આવ્યું અને તેને ખાઈ ગયું! આ વાર્તા સાંભળીને એક યુવાન સાધુ પાસે ગયો. સાધુને કહ્યું કે આપણે ડરીએ નહીં તો આપણે જે ધારીએ એ મળી જાય અને આપણી પાસે જ રહે? સાધુએ કહ્યું કે, ચોક્કસપણે રહી શકે. આખરે એ યુવાને સાધુને પૂછયું કે તો હવે તમે મને એટલું કહો કે એ કલ્પવૃક્ષ ક્યાં છે? મારે મારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવી છે. તમે મને માત્ર એ કલ્પવૃક્ષનું સ્થળ બતાવો. તમને ખબર છે એ કલ્પવૃક્ષ ક્યાં હોય છે?
સાધુએ કહ્યું કે મને પાક્કી ખબર છે કે એ ક્લ્પવૃક્ષ ક્યાં છે અને હું તને એ બતાવી પણ શકું છું. યુવાનથી રહેવાતું ન હતું. તેણે સાધુને કહ્યું કે મને જલદી બતાવો કે એ કલ્પવૃક્ષ ક્યાં છે? સાધુએ માત્ર બે શબ્દોમાં જ જવાબ આપી દીધો અને કહ્યું કે, તારી અંદર! ઇચ્છા પૂરી કરવાની તાકાત તારી અંદર જ છે. ભય, ડર, શંકા, દ્વિધા પણ તારી અંદર જ છે. ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ, ખાતરી અને નિશ્ચિતતા પણ તારી અંદર જ છે. કલ્પવૃક્ષ હોતું નથી, માણસે સર્જવું પડે છે.
સફળતા કે મહાનતા ક્યારેય સરળ હોતી નથી. જે લોકો સફળ થયા છે એ કંઈ એમ ને એમ થયા હોતા નથી, કેટલી બધી નિષ્ફળતાઓને ઓવરટેક કરીને એ સફળ થયા હોય છે. એ લોકોમાં કંઈ ખૂબી હોય છે તો માત્ર એટલી જ કે હું સફળ થવાનો છું. સફળતા માટે એને કોઈ ડાઉટ ન હતો. નબળા વિચાર કરશો તો નિરાશા જ મળશે. સંપૂર્ણ મહેનતની તૈયારી રાખો અને તમારી જાત ઉપર પૂરો ભરોસો રાખો. મારાથી નહીં થાય તો? અથવા તો મને નથી લાગતું કે હું કરી શકું, આવું વિચારશો તો નિષ્ફળ જવાના ચાન્સીસ બમણાં થઈ જશે. જીતવા માટે તમારે પહેલાં મનથી જીતવાનું હોય છે. તમારી જાત ઉપર ભરોસો રાખતા થઈ જાવ,અડધી સફળતા એમ ને એમ મળી જશે. બાકીની અડધી સફળતા તમારી મહેનત સિદ્ધ કરી આપશે. ભરોસો હશે તો મહેનતમાં પણ મજા આવશે, મહેનત મજૂરી નહીં લાગે. તમારી સફળતા તમારે જ નક્કી કરવાની હોય છે. 
છેલ્લો સીન :
બચપણમાં હું કામ કરતો ત્યારે દસમાંથી નવ કામ નિષ્ફળ નીવડતાં, પણ મારે નિષ્ફળ થવું ન હતું એટલે મેં દસ ગણું વધારે કામ કરવા માંડયું.  -જ્યોર્જ બર્નાર્ડ શો.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 એપ્રિલ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *