હવે હું ક્યારેય કોઇને પ્રેમ કરી શકીશ નહીં! |
|
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે? એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?
આંખોમાં રંગ આવશે તારી મેંદી જેવો, નસીબ સહુનું સૌને ફળવું, ક્યાં સહેલું છે?
-રાજેશ મહેતા ‘રાજ’
દરેક રિલેશનની એક એક્સપાયરી ડેટ હોય છે. કોઈ લાંબી હોય છે,કોઈ ટૂંકી હોય છે. એ ડેટ ક્યારે આવે એ નક્કી નથી હોતું. ક્યારેક સંબંધ એક ઝાટકે ખતમ થઈ જાય છે તો ક્યારેક માણસ બહુ લાંબું વિચારીને સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈને સંબંધ તોડવા હોતા નથી. કોઈ માણસ સંબંધ તોડવા માટે સંબંધ બાંધતા હોતા નથી. સંબંધ તો નિભાવવા માટે જ બંધાતા હોય છે, આમ છતાં સંબંધ તૂટે છે. ઘણું સાથે ચાલી ગયા પછી પણ રસ્તા બદલાતા હોય છે. પાછળ વળીને જોઈએ ત્યારે સાથે પડેલાં પગલાં આપણને સવાલો પૂછતાં હોય છે. એવા સવાલો જેના કોઈ જવાબ નથી હોતા. થોડાંક આંસુ સાથે આવા સવાલો આંખમાંથી ખરી જાય છે.
માણસ મરી ગયેલા સંબંધનું પોસ્ટમોર્ટમ કરતો રહે છે. કારણો શોધતો રહે છે. છેલ્લે એવું કારણ શોધે છે જે એને એવું આશ્વાસન આપે કે આ સંબંધ તૂટવામાં વાંક મારો ન હતો. પોસ્ટમોર્ટમથી મોતનું કારણ મળે છે પણ જીવન પાછું મળતું નથી. દરેકની લાઇફમાં ક્યારેક તો એવું થતું જ હોય છે, જ્યારે આપણું આખેઆખું અસ્તિત્વ હલી જાય. ધબકારા વધી જાય છે, શ્વાસ ફૂલી જાય છે, હમણાં કંઈક ફાટશે અને તેના ધડાકાથી કાન ફાટી જશે એવું લાગવા માંડે છે. દુનિયામાં સૌથી મોટી વેદના તૂટેલા સંબંધને જીરવવામાં હોય છે. બધાંને ભૂલવું હોય છે પણ ભૂલી શકાતું નથી.
બ્રેકઅપની બ્રેકના કાળા લિસોટા પડે ત્યારે બધે જ અંધારું લાગે છે. ઉદાસી રુવાડે રુવાડે આગ ચાંપતી રહે છે. શું થઈ રહ્યું છે એ આપણને સમજાતું નથી. રડી લેવાનું મન થાય છે પણ રડી શકાતું નથી. લડી લેવાનું મન થાય છે પણ આપણી જાત જ આપણને સવાલ પૂછે કે હવે કોની સાથે લડવું અને શા માટે લડવું? અંતે તો માણસ પોતાની જાત સાથે જ લડતો હોય છે. શું થાય છે એવું કોઈ પૂછે ત્યારે એક લાઇનનો જવાબ એટલો જ હોય છે કે બસ ક્યાંય મજા નથી આવતી! શેમાંય જીવ લાગતો નથી. બધું છોડી દેવાનું મન થાય છે. એવા વિચારો આવે છે કે હવે કોઈ સાથે ક્યારેય આટલી આત્મીયતા જ નથી રાખવી. આખરે પીડા તો આપણે જ સહન કરવાની છેને? ક્યારેક તો એવું લાગે છે કે હવે હું ક્યારેય કોઈને પ્રેમ જ નહીં કરી શકું. હવે કોઈની નજીક જવું જ નથી. નજીક ગયા પછી દૂર જવું બહુ અઘરું હોય છે!
ઘણી વખત તો માણસની સમજદારી જ એની સમસ્યા બની જાય છે. લાગણીને કઈ તરફ વહેવા દેવી એના નિર્ણયની આડે સમજદારી જ આવી જતી હોય છે. એક છોકરીની આ વાત છે. એને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. એ સારો હતો. કોઈ જ પ્રોબ્લેમ ન હતો. માત્ર જ્ઞાતિ જ જુદી હતી. પિતાની લાડકી દીકરીને હતું કે ડેડી મને સમજી શકશે. મારી પસંદની વ્યક્તિ સાથે જીવવાની ના નહીં પાડે. દર વખતે આપણી માન્યતા સાચી પડતી નથી. લગ્નની વાત આવી ત્યારે દીકરીએ સારી રીતે કહ્યું કે તે કોઈને પ્રેમ કરે છે. પિતાએ ચોખ્ખી ના પાડી દીધી. બીજી જ્ઞાતિમાં નહીં. મેં તો તારા માટે ઊંચાં સપનાં જોયાં હતાં. દીકરીએ કહ્યું કે હું મારું સપનું જોઈ ન શકું? પિતાએ કહ્યું કે કોઈ દલીલ નહીં. તું સ્વતંત્ર છે. તારે જે નિર્ણય કરવો હોય એ કરી શકે છે પણ મારો નિર્ણય સાંભળી લે, કાં એ કે કાં અમે, પસંદગી તારી. દીકરીએ કહ્યું કે ડેડી, તમે મને આટલાં વર્ષ જીવની જેમ સાચવી છે. મારી દરેક ખ્વાહિશ પૂરી કરી છે. શક્ય ન હોય અને પોસાય તેમ ન હોય તોપણ તમે મારા માટે બધું કર્યું છે અને હવે મારી ઇચ્છા પૂરી કરવાની ના પાડો છો?મને તમે પણ કંઈ ઓછા વહાલા નથી. સારું, તમે ના પાડતા હશો તો હું નહીં કરું!
માણસ નક્કી નથી કરી શકતો કે આ તરફ જવું કે પેલી તરફ. એને તો કોઈને દુઃખી કરવા હોતા જ નથી. જિંદગી ક્યારેક આપણને એવા મુકામે લાવીને ઊભા કરી દે છે કે આપણે કોઈનું દિલ દુભાવવું જ પડે છે. બેમાંથી ગમે એનું દિલ દુભાવીએ પણ સરવાળે તો આપણો જીવ જ મૂંઝાતો હોય છે. ક્યારેક સ્વાર્થી બની જવાનું મન થાય છે તો ક્યારેક બગાવત કરવાનું મન થઈ આવે છે. દિલ હા પાડતું હોય છે અને સમજદારી ના પાડતી હોય છે. ઘર છોડનારી કોઈ દીકરીએ મા-બાપને નારાજ કરવાં જ હોતાં નથી. આવી સ્થિતિમાં એક જ સવાલ મૂંઝવતો હોય છે કે હું શું કરું? કોનું દિલ રાખું અને કોનું દિલ તોડું?
આખરે એ છોકરીએ પ્રેમીને ના પાડી દીધી. સોરી કહ્યું. હું મારા ડેડીનું દિલ ન દુભાવી શકું. દિલ ઉપર પથ્થર મૂકીને એણે પ્રેમીને ફેંસલો સુણાવી દીધો. પિતાને કહી દીધું કે તમારી મરજી ન હોય એવું કંઈ નથી કરવું. દીકરી ઉદાસ રહેવા લાગી. ઘરમાં નોર્મલ દેખાવા એ ખોટું ખોટું હસતી હતી, પણ રાતે પથારીમાં પડયાં પડયાં એકલી રડતી હતી. સહન થતું નહોતું. એક વખત ડૂસકું સાંભળી પિતા દીકરીની પાસે ગયા. દીકરીનું માથું ખોળામાં લેતાંવેંત જ દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. દીકરીને રડતી ન જોઈ શકનાર પિતાએ આખરે કહી દીધું કે ચલ હસી દે, તને ગમે એમ જ કરવું છે. આખી જિંદગી તને સુખી રાખવાના જ વિચારો કર્યા છે તો હવે શા માટે દુઃખી કરું? અલબત્ત, બધા કિસ્સામાં અંત આવો હોતો નથી. ઘણા કિસ્સામાં બગાવત થઈ જાય છે તો ઘણા કિસ્સામાં શરણાગતિ સ્વીકારાઈ જાય છે. વેદના તો બંનેમાં એકસરખી જ હોય છે. એક સંબંધ જોડવા માટે એક સંબંધ તોડવો પડે તેમ હોય ત્યારે માણસ એક આંખે હસતો હોય છે અને બીજી આંખે રડતો હોય છે.
બ્રેકઅપનું કોઈ એક કારણ નથી હોતું. ઘણી વખત સાથે મળી ગયા પછી પણ બ્રેકઅપ થઈ જાય છે. ક્યારેક તો હજુ સપનાં સાકાર ન થયાં હોય એ પહેલાં જ તૂટી જાય છે. પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે માણસ બ્રેકઅપને જ બહેતર સમજે છે અને ઘણા કિસ્સામાં બ્રેકઅપ જ બહેતર હોય છે, પણ એ બ્રેકઅપને સહન કેવી રીતે કરવું એ જ સમજાતું નથી. એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ કહ્યું કે અત્યારે સમાજની સૌથી મોટી સમસ્યા હોય તો એ સંબંધનું તૂટવું છે. હાઉ ટુ ડીલ વિથ બ્રેકઅપ? આ પીડાથી કેવી રીતે મુક્તિ મેળવવી?
સંબંધો તૂટતા રહેવાના છે. અમુક તૂટેલા સંબંધો એવા હોય છે જેમાં પાછાં વળી શકાય છે. થોડુંક જતું કરીને, થોડોક ઈગો ઓગાળીને,થોડુંક ભૂલી જઈને અને થોડુંક માફ કરીને તમે યુ ટર્ન લઈ પાછાં વળી શકો છો. અમુક સંબંધો તૂટે ત્યારે તેમાં પાછા વળી શકાતું નથી. આવા રસ્તે યુ ટર્ન હોતા નથી. માત્ર ધ એન્ડ જ હોય છે. રસ્તો હોય તોપણ આગળથી રસ્તા અલગ પડતા હોય છે. હાથ ધીરે ધીરે સરકી રહ્યો હોય છે અને સાથ ધીરે ધીરે ખૂટી રહ્યો હોય છે. આવા સમયે જેટલી વખત પાછળ જોશું એટલી વખત આંખો ભીની થશે. પાછળ જોયા વિના જ આગળ ચાલતું રહેવું એ જ ઉકેલ છે. કોઈ અફસોસ પણ નહીં કરવાનો અને કોઈ ફરિયાદ પણ નહીં કરવાની. નસીબને દોષ પણ નહીં દેવાનો અને જિંદગી સાથે નારાજગી પણ નહીં કરવાની! કોઈ કટુતા નહીં રાખવાની, કારણ કે આપણે દાંત કચકચાવીએ ત્યારે આપણાં જ દાંત ઘસાતા હોય છે. પીડા આપણને જ થતી હોય છે. યાદોને બહુ પંપાળવી પણ નહીં, નફરત જ નહીં, સારપ પણ ઘણી વખત પીડા આપતી હોય છે.
જિંદગીનું એક સત્ય એ પણ છે કે કોઈ એક સંબંધ ખતમ થઈ જવાથી જિંદગી ખતમ નથી થઈ જતી. ભવિષ્યના સંબંધ પર ચોકડી પણ નહીં મૂકવાની. હવે હું કોઈને પ્રેમ નહીં કરી શકું અથવા હવે કોઈને પ્રેમ કરવો જ નથી એવું વિચારવાનો પણ કોઈ મતલબ નથી હોતો. એક વખત ફેલ થયા પછી પણ આપણે પરીક્ષા આપી જ હોય છે. એટલા ભારે ન થઈ જવું કે આપણે જ આપણા ભાર નીચે દબાઈ જઈએ. સુંદર સપનાંઓ પણ ક્યારેક પૂરાં થતાં હોય છે, પણ જિંદગી હોય છે ત્યાં સુધી સપનાંઓની શક્યતાઓ હોય છે. જિદગી રસ્તો કરી લેતી હોય છે, જો તમે એનો રસ્તો રોકો નહીં તો! નેવર સે નેવર અગેઇન!
છેલ્લો સીન :
‘હું માફ કરી શકું છું પણ ભૂલી શકતો નથી’ એમ કહેવાનો મતલબ એ જ થતો હોય છે કે ‘હું માફ કરી શકતો નથી.’ –એસ.ડબલ્યુ.બીયર
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 માર્ચ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com