કોઈના જેવા નહીં, તમે તમારા જેવા જ બનો


ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
– હેમેન શાહ
હુંકોણ છું? હું માટે છું? હું કોના જેવો છું? મારે કોના જેવા બનવું છે?બીજામાં અને મારામાં શું ફર્ક છે? જિંદગીનો કોઈ ઉદ્દેશ છે? શું બધું પહેલેથી જ નક્કી હોય છે? આપણો રોલ માત્ર વિધાતાએ લખેલી સ્ક્રિપ્ટ મુજબનો જ હોય છે? આ અને આવા સવાલો વારંવાર માણસને થતા રહે છે. ઘણી વખત આવા સવાલો માણસને મૂંઝવે છે અને ઘણી વખત ફિલોસોફી વિશે વિચારવા મજબૂર કરે છે.
એક વ્યક્તિને ભગવાનનો ભેટો થઈ ગયો. ભગવાનને તેણે પૂછયું કે જો બધું નસીબ મુજબ અને અગાઉથી જ નક્કી હોય તો પછી હું તમને શા માટે યાદ કરૂં? શા માટે પ્રાર્થના કરૂં? શા માટે તમને ભજું? બધું તો વિધાતાએ અગાઉથી જ લખી નાખ્યું હોય છે. બધું પહેલેથી જ નક્કી હોય તો આટલું બધું કામ અને મહેનત શા માટે કરવાની? આ વાત સાંભળીને ભગવાન હસ્યા અને કહ્યું કે, મેં કદાચ ક્યાંક એવું પણ લખ્યું હોય કે, એઝ યુ વિશ. તમે ઇચ્છો એવું. આ વાત કહેવાનો મતલબ એટલો જ કે આખરે આપણે શું ઇચ્છીએ છીએ?
મોટા ભાગના લોકો કોઈને આદર્શ માની લે છે, આ મારો આઇડિયલ છે, મારે આના જેવા બનવું છે. કોઈના લખેલા ક્વોટેશનને આપણે આપણો જીવનમંત્ર બનાવી લેતા હોઈએ છીએ. કોઈનામાંથી પ્રેરણા લઈએ એમાં કશું ખોટું નથી, પણ અંતે તો માણસે પોતાના જેવા જ બનવાનું હોય છે, કારણ કે આપણે આખી દુનિયાથી જુદા છીએ. બાળક જન્મે ત્યારે મોટા ભાગે એવું કહેવાય છે કે આ તો આના જેવો લાગે છે, આનો અણસાર આવો છે. કોઈ એવું નથી કહી શકતું કે આ તો આના જેવો બને તેવું લાગે છે,કારણ કે સરવાળે તો માણસે પોતાના જેવું જ બનવાનું હોય છે.
બે માણસ ક્યારેય એકસરખા નથી હોતા. દરેક વ્યક્તિની માત્ર અંગૂઠાની છાપ જુદી નથી હોતી, પણ આખેઆખો માણસ જુદો હોય છે. એ જ બતાવે છે કે દરેક માણસ યુનિક છે, દરેક માણસ અપવાદ છે અને દરેક માણસ અલૌકિક છે. રામ એક જ હોય, હા, બીજી વ્યક્તિ કૃષ્ણ કે શંકર હોઈ શકે. ભગવાન પણ જ્યારે જન્મ્યા હશે ત્યારે બાળક જ હતા. તેનાં કર્મોએ તેમને ભગવાન બનાવ્યા. આપણે આપણાં કર્મોથી માણસ બની શકીએ તો પણ મોટી વાત છે. ઘણી વખત માણસ બીજા જેવા બનવા જતાં પોતાની ખરી ઓળખ પણ ગુમાવી દે છે.
એક કલાકાર હતો. તેની એક્ટિંગ જોઈને બધા લોકો કહેતાં કે તમારા અભિનયમાં તો પેલા મહાન કલાકારની છાંટ જોવા મળે છે, ઘણી વખત તો એવું લાગે છે જાણે તમે તેની નકલ કરો છો. એ દિવસથી એ કલાકારે એની સ્ટાઇલ બદલી નાખી. તેણે કહ્યું કે મને એ મહાન કલાકાર માટે આદર છે, પણ મારે તેના જેવું બનવું નથી. મારે તો મારા જેવું બનવું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા વિશે શું વિચારો છો? તમારે કોના જેવું બનવું છે? તમે ક્યારેય તમારા જેવા જ બનવાનો વિચાર કર્યો છે? કોઈએ બનાવેલા રસ્તા પર જનારા ઢગલાબંધ લોકો હોય છે, દુનિયા એની જ નોંધ લ્યે છે જે પોતાનો માર્ગ નક્કી કરે છે,બનાવે છે અને તેના પર મક્કમતાથી આગળ વધે છે. તમારા ધ્યેય, તમારા આદર્શ, તમારા નિર્ણયો, તમારી પોલિસી અને તમારૂં નસીબ તમે જ ઘડો. તમારી પાસે તમારૂં આકાશ હોવું જોઈએ, તમારા સિદ્ધાંતો હોવા જોઈએ, તમારી દૃષ્ટિ હોવી જોઈએ અને તમારી જ દુનિયા હોવી જોઈએ.
એક છોકરીની વાર્તા છે. આ છોકરી તેના પરિવાર સાથે ગામડામાં રહેતી હતી. ઘર સાથે મોટું ફળિયું હતું. રોજ ફળિયામાં ખાટલો ઢાળીને સૂતી. રોજ રાતનો એક ક્રમ હતો. આકાશમાં જોઈ એ તારાને જોતી રહેતી. ટમટમતા તારા જાણે નૃત્ય કરતા હોય એવો અહેસાસ એને થતો. તારાઓનું આ નૃત્ય જોતાં જોતાં જ એ ઊંઘી જતી. તારા જાણે એવો સંદેશ આપતા હતા કે તારાની જેમ ઝગમગતા અને નાચતા રહેવાનું. થોડાં વર્ષોમાં તેનો પરિવાર ગામડું છોડી શહેરમાં રહેવા આવી ગયો. શહેરમાં મોટું ઘર ન હતું, ફળિયું ન હતું, તારા નહોતા જોવા મળતાં, એક નાનકડા ફલેટમાં રહેવાનું હતું. રોજ રાતે તેને નાચતા તારા યાદ આવતા હતા. તેને તેની પથારીમાં પડયાં પડયાં નાચતા તારા જોવા હતા, શહેરના ફલેટમાં તો મચ્છરથી બચવા માટે મચ્છરદાની લગાડવી પડતી હતી.
મારે મારૂં આકાશ જોઈએ છે, મારા તારા જોઈએ છે એવું એ વિચારતી રહેતી અને એક દિવસ એનું સપનું એણે જ સાકાર કર્યું. એક રાતે બગીચામાંથી થોડાક આગિયા પકડીને તેણે પોતાની મચ્છરદાનીમાં છોડી દીધા. નાચતા અને ઝગમગતા તારાઓનું પોતાનું આકાશ તેણે બનાવી લીધું. તમારી પાસે તમારૂં આવું થોડુંક આકાશ છે? આપણે શ્વાસમાં જે ભરીએ છીએ એ હવા આપણી છે એનો અહેસાસ આપણને થાય છે?
તમારી દુનિયા તમારી પોતાની છે, તમારી જિંદગી તમારી જ છે, તમારૂં જીવન તમારે જ ઘડવાનું છે, તમારે શું કરવું છે એ તમારે જ નક્કી કરવાનું છે. દરેક વ્યક્તિએ પોતાનાં ક્વોટેશન પોતે બનાવવાં જોઈએ. દરેક પાસે પોતાની જિંદગીની વ્યાખ્યા પણ પોતાની જ હોવી જોઈએ. જિંદગી એકસરખી હોતી નથી એટલે જિંદગીની વ્યાખ્યા પણ એકસરખી ન હોઈ શકે. તમારી જાતની સરખામણી પણ કોઈની સાથે ન કરો, કારણ કે તમે તમે છો. તમે કોઈ જેવા હોઈ ન શકો, કારણ કે તમારા જેવું કોઈ નથી. તમે કદાચ ધારશો તો પણ બીજા જેવા નહીં બની શકો અને તમે જો સતત બીજા જેવા જ બનવાના પ્રયત્નો કરતા રહેશો તો તમે તમારા જેવા પણ નહીં બની શકો. દરેક માણસ મહાન છે, પણ તેણે પોતાની મહાનતા પોતાની રીતે જ સાબિત કરવાની હોય છે. જિંદગી એ ગણિત નથી કે બધા દાખલાનો જવાબ એક જ હોય. સૂરજ એક જ છે, ચંદ્ર એક જ છે, આકાશ એક જ છે, એક છે એટલે જ તેની આગવી ઓળખ છે. દરિયો એક જ છે પણ નદીઓ ઘણી જ છે એટલે જ નદીઓની સરખામણી થતી રહે છે.
કઈ નદી નાની અને કઈ નદી મોટી, કઈ નદી કોના જેવી છે એવી વાતો થતી રહે છે. દરિયાની સરખામણી માટે બીજો દરિયો નથી. તમે તમે જ છો, તમારે તમારા જેવું બનવું છે કે બીજા જેવું બનવું છે એ તમારે નક્કી કરવાનું હોય છે.
એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે મારે મહાન બનવું હતું, પણ મહાન બની ન શક્યો. સંતે કહ્યું કે, દરેક માણસ મહાન બની ન શકે, પણ દરેક માણસ ઇચ્છે તો માણસ બની શકે. આપણે ‘મહાન’ની વ્યાખ્યા જ જુદી રીતે જોઈએ છીએ. સામાન્ય રીતે બધા ઓળખતા હોય તેને આપણે ‘મહાન’ માની લઈએ છીએ, બહુ ઓછા લોકો એવું વિચારે છે કે એ મહાન વ્યક્તિ ખરેખર કેવો માણસ છે. માણસની મહાનતા અંતે તો એ કેવો છે તેના પરથી જ નક્કી થતી હોય છે. તમને આખું જગત ન ઓળખે તો કંઈ નહીં, પણ તમને જેટલા લોકો ઓળખે છે એ તમને કેવા માને છે? એક માણસ માટે પણ તમે જો સારા હો તો તમે મહાન છો. મંદિરની સાઇઝથી મંદિર નાનું કે મોટું બને છે, ભગવાન તો જે હોય છે એ જ અને એવા જ હોય છે. ભગવાનની ર્મૂિતની સાઇઝ જોઈ આપણે ક્યારેય એવું નથી બોલતા કે આ ભગવાન નાના છે અને આ ભગવાન મોટા છે. તમારૂં વર્તુળ નાનું હોય કે મોટું તમારી મહાનતા તમારે સિદ્ધ કરવાની છે. જિંદગી બીજું કંઈ જ નહીં, પણ પોતાના જેવા જ બનવાની યાત્રા છે, આ યાત્રાનો માર્ગ અને મુકામ પણ તમે જ નક્કી કરો, કારણ કે આખરે તમારે તમારા જેવા જ બનવાનું હોય છે, પોતાના જેવા બનવા જેવી સિદ્ધિ બીજી કોઈ નથી. કંઈ જ સામાન્ય નથી, તમે પણ નહીં, તમે ‘યુનિક’ છો અને તમારી ‘યુનિકનેસ’ તમારે જ સાબિત કરવાની છે, બસ આપણે એટલું નક્કી કરવાનું હોય છે કે હું મારા જેવો બનીશ. બાય ધ વે, તમે તમારા જેવા છો?
છેલ્લો સીન
Many people don’t want to make a mistake and that is the mistake. – Osho
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *