સંબંધનો એક ચમકારો પણ પૂરતો હોય છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.
– હરજીવન દાફડા
દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. કોઈ સંબંધ કાયમી હોતા નથી. માણસ એની એક જિંદગીમાં અનેક સંબંધો જીવે છે. એક સમયે જે સૌથી નજીક હોય એ થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. ઘણી વખત જેની કલ્પના પણ ન હોય એ વ્યક્તિ નજીક આવી જાય છે. સંબંધોનાં કોઈ કારણ નથી હોતાં. કોઈ વ્યક્તિ શા માટે તમારો દોસ્ત છે? કોઈ વ્યક્તિને મળવાનું શા માટે મન થાય છે? જે ગમતું હોય એ જ કેમ દૂર થઈ જાય છે? દૂર થવું હોય તેનાથી દૂર નથી થવાતું અને નજીક રહેવું હોય તેને દૂર જતાં રોકી નથી શકાતા! આ બધું કોણ નક્કી કરે છે? શું સંબંધો નસીબનો જ એક ભાગ છે? આપણને સમજે અને આપણને ગમે એવા લોકો કેમ બહુ થોડા હોય છે?
એક બાળકે તેના ટીચરને પૂછયું, પરી કેમ માત્ર સપનામાં જ આવે છે? ટીચરે કહ્યું કે, આપણાં મનમાં આપણને ગમતી વ્યક્તિની એક કલ્પના હોય છે. એ આપણને રૂબરૂ નથી મળતી ત્યારે સપનામાં આવે છે. દરેક વ્યક્તિના મનમાં અમુક સંબંધો જીવતાં હોય છે, એ ઘણી વખત સજીવન થઈને સામે આવી જાય છે. મોટા થતાં જઈએ એમ સંબંધો બદલાય છે અને સપનાઓ પણ બદલાય છે. મોટા થઈ જઈએ પછી કેમ પરી સપનામાં નથી આવતી? કારણ કે આપણે તેને ભૂલી ગયા હોઈએ છીએ.
સંબંધો સપનાં જેવા છે. ક્યારેક ઊગી નીકળે છે અને ક્યારેક તૂટી જાય છે. આપણને કંઈ લેવા દેવા ન હોય એવી વ્યક્તિ ઘણી વખત આપણી સાવ નજીક હોય છે. ખુશીમાં યાદ આવતાં લોકો અને તકલીફમાં યાદ આવી જતાં લોકો ઘણી વાર જુદા જુદા હોય છે. તમે કેવા લોકો સાથે જીવો છે, કેવા લોકોને મળો છે, કોની સાથે તમને ગમે છે, કોની સાથે તમને ફાવે છે, તેના ઉપરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે તમારે કોઈ વ્યક્તિને સમજવી કે પારખવી હોય તો તેના મિત્રો અને તેના સંબંધો કોની સાથે છે તેની તપાસ કરો, એ માણસ કેવો છે એ તમને ખબર પડી જશે.
માણસ બદલાય છે એમ એના સંબંધો બદલાય છે. શાળાના મિત્રો જુદા હોય છે, કોલેજના ફ્રેન્ડસ વળી સાવ જુદા હોય છે. સાથે કામ કરનારા લોકોમાંથી અમુક આપણને સારા લાગે છે. બાજુની ચેરમાં બેસીને કામ કરતી વ્યક્તિ પાસે હોય છે પણ સાથે નથી હોતી અને દૂર રહેતા લોકો પાસે નથી હોતા પણ નજીક હોય છે. ઘણા લોકો ચાલ્યા જાય પછી જ યાદ આવતા હોય છે. દૂર જાય ત્યારે જ તેની કિંમત સમજાય છે.
એક ભાઈની બાજુમાં બેસતા કર્મચારીની બદલી થઈ. એ માણસ ઓછું બોલતો પણ જ્યારે બોલતો ત્યારે સુંદર બોલતો. સારું થયું હોય ત્યારે અભિનંદન આપતો અને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારવામાં મદદ કરતો. એ માણસ પ્રેમથી બધાની વિદાય લઈ ચાલ્યો ગયો. તેની જગ્યાએ જે માણસ આવ્યો એ બોલકો હતો. નક્કામી અને વાહિયાત વાતો કરતો રહેતો. કામ હોય ત્યારે છટકી જાય. બદલી પામીને ચાલ્યો ગયો હતો એ માણસ વારંવાર યાદ આવી જતો. કેટલાંક સંબંધો હોય ત્યારે નથી સમજાતા અને ન હોય ત્યારે આવા સંબંધો જિવાઈ જતાં હોય છે.
કેટલાક સંબંધો આગિયા જેવા હોય છે. જરાક અમથા ઝબકીને અજવાળું આપી ચાલ્યા જાય. આગિયાની એક ખૂબી ખબર છે?એ અંધારું હોય ત્યારે જ દેખાય છે. ચારે બાજુ રોશની હોય ત્યારે આગિયાની હાજરી વર્તાતી નથી. કેટલાંક સંબંધો પણ એવા જ હોય છે, એ અંધારા કે મુશ્કેલી વખતે જ પ્રગટે છે. ક્યાંક કોઈ રોશની ન હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે એ સંબંધ જીવતો થાય છે અને મુશ્કેલી દૂર થતાં જ ગુમ થઈ જાય છે. આવા લોકો અને આવા સંબંધો ઘણી વખત એન્જલ કે ચમત્કાર જેવા લાગતા હોય છે. દરેકની જિંદગીમાં ક્યારેક આવી કોઈ વ્યક્તિ આવી જતી હોય છે જે બહુ થોડો સમય રહે છે અને પછી તેની હાજરી સતત વર્તાય છે.
એક માણસ વિદેશ ગયો. અગાઉ ક્યારેય ન ગયો હોય એવું નવું શહેર હતું. આજુબાજુમાં અનેક લોકો હતા, પણ બધા જ અજાણ્યા. કોઈ સામું ન જુએ અને બધા ફટાફટ પસાર થઈ જાય. એ માણસ નવી ધરતી પર ઉદાસ હતો. ક્યાંય ગમતું ન હતું. ગુમસૂમ બેઠો હતો. અચાનક જ એક માણસ આવ્યો. ‘હાય’ કરીને વાતો શરૂ કરી. સાથે કોફી પીવા લઈ ગયો. મજાથી વાતો કરી. હસ્યો અને હસાવતો રહ્યો. અડધી કલાક પછી એ ઊભો થયો અને કહ્યું કે બાય, હું જાઉં છું. તેણે ન તો નામ પૂછયું હતું કે ન નામ કહ્યું હતું. એ જતો હતો ત્યારે પેલા ભાઈએ તેને પૂછયું, તમે કોણ છો? આમ અચાનક મને ખુશ અને હળવો કરીને તમે ચાલ્યા જાવ છો? તમે કોઈ ફરિશ્તા છો? પેલા માણસે આંખમાં આંખ પરોવી અને કહ્યું કે, ના, હું ફરિશ્તો નથી. એક અજાણ્યો માણસ છું. પહેલી વખત આ દેશમાં અને આ શહેરમાં આવ્યો છું. મને ક્યાંય ગમતું ન હતું. જીવ ઉદાસ હતો. તમને જોયા અને મને થયું કે આપણામાં કંઈક સરખું છે. કદાચ એ આપણા બંનેની ઉદાસી હતી. મને થયું કે તમારી સાથે વાત કરું, થોડુંક હસું અને આપણા બંનેની ઉદાસી દૂર કરું. દોસ્ત, મારે નામ નથી કહેવું, આપણો સંબંધ કદાચ આટલી ક્ષણો પૂરતો જ હતો. મારે તો એટલું સમજવું હતું કે, આપણી ઉદાસી દૂર કરવી હોય તો કોઈની ઉદાસી દૂર કરવી જોઈએ. ક્યારેય એકલતા ફિલ ન કરો. આટલું કહી એ ચાલ્યો ગયો. એ માણસ ગયો અને બધી જ ઉદાસી સાથે લેતો ગયો.
કોણ હતો એ ખબર નથી પણ જ્યારે મન ઉદાસ હોય ત્યારે એ નજર સામે આવી જાય છે અને બધી ઉદાસી ચાલી જાય છે. એને મેં નામ આપ્યું છે, આગિયો!
ઘણી વખત સાવ અજાણી જગ્યાએ આવા થોડીક વાર ચમકી જતાં સંબંધો મળી આવે છે. સંબંધો જીવનનો એક ભાગ છે કે પછી સંબંધો જ જીવન છે? કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે કેવું વર્તન કરો છો અને આખી સ્થિતિને કેવી રીતે ટ્રીટ કરો છો તેના પરથી તમારા સંબંધોનું માપ નીકળતું હોય છે.
ઓળખતા હોય તેવા લોકો અને ઓળખતા ન હોય તેવા લોકો સાથેના આપણા સંબંધ કેવા હોય છે? એક વાત યાદ રાખો કે ઓળખતા ન હોય તેવા લોકો સાથેના સંબંધો પણ તમારી છાપ છોડી જતાં હોય છે. કોઈ રસ્તો પૂછે ત્યારે તમે જે રીતે વાત કરો છો તેના પરથી પણ તમારું માપ નીકળતું હોય છે. તમે એ રસ્તે ન જાવ, એ રસ્તો આગળથી બંધ છે, તમારે ધક્કો થશે. બહેતર એ છે કે તમે બીજા રસ્તે જાવ. થોડું દૂર થશે પણ તમે વહેલા પહોંચશો. આવું કોઈ કહે ત્યારે આપણે તેને ન ઓળખતા હોઈએ તો પણ એવું ફિલ થાય છે કે કેવો સારો માણસ છે. તમારા વિશે કોઈને આવો અભિપ્રાય છે?
સંબંધો લાંબા ગાળાના હોય કે ટૂંકા ગાળાના, વર્ષોના હોય કે ક્ષણોના, આપણા સંબંધોથી આપણી કક્ષા મપાતી હોય છે. કાયમી રોશની ન આપી શકાય તો ક્યારેક આગિયા બનીને ચળકી જવામાં પણ મજા છે, કારણ કે આવા સંબંધો ઘણી વાર આખી જિંદગી રોશની ફેલાવતા રહે છે.
છેલ્લો સીન
સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *