માણસને વેદના, દર્દ અને પીડા સાથે આખા આયખાનો સંબંધ છે. એ ત્રણ સાથે જેટલો સંબંધ છે એટલો જ સંબંધ સુખ, ખુશી અને શાંતિ સાથે છે. તમામ લોકો પાસે આ બધું જ છે. માણસ આમાંથી જેને પંપાળે રાખે એ એનો સ્વભાવ બની જાય છે. એવો કયો માણસ છે જેને કોઈ જ વેદના નથી? દરેક વ્યક્તિ પાસે પોતાની વેદના હોય છે.
સુખી અને શાંત દેખાતા માણસો ખરેખર કેટલા સુખી હોય છે? હકીકતે દરેક માણસની અંદર વેદનાનો દરિયો ઘૂઘવતો હોય છે, પણ સમજુ માણસ વેદનાને સમજે છે, સ્વીકારે છે અને હસતા મોઢે સહન કરી લે છે. આગ નજીક હાથ ચાલ્યો જાય તો આપણે તરત જ આપણા હાથને ખેંચી લઈએ છીએ. આવું આપણે વેદના સાથે શા માટે નથી કરતા? જે વસ્તુ, જે વાત કે જે સ્થિતિ આપણા માટે અસહ્ય હોય તેનાથી આપણે દૂર કેમ નથી થતાં? સુખ એટલે દુઃખનો અસ્વીકાર. મારે દુઃખી નથી થવું, મારે દુઃખને સ્પર્શવા નથી દેવું. આવું વિચારવાનો મતલબ એવો નથી કે સ્વાર્થી થઈ જવું અને ફક્ત આપણું અને આપણાં સુખનું જ વિચારવું. સમજવાનું એટલું જ છે કે દુઃખ તો આવવાનું જ છે, વેદના તો થવાની જ છે. એ વેદનાને આપણા ઉપર કેટલી હાવી થવા દેવી?
વેદનાને જો પંપાળે રાખીએ તો એ ફરિયાદ બની જાય છે. માણસ પછી ફરિયાદો જ કરતો રહે છે. આપણી પાસે પણ ક્યાં ઓછી ફરિયાદો હોય છે? મારી સાથે જ આવું થાય છે એવું દરેક વ્યક્તિ માનતી હોય છે. હકીકતે બધાને કંઈ ને કંઈ થતું હોય છે. દરેક વ્યક્તિને એવું જ થતું હોય છે કે જો આ એક વાત સારી હોત તો જિંદગી કંઈક જુદી જ હોત! જિંદગીને દરેક સ્થિતિ અને દરેક સંજોગ સાથે જીવવાની હોય છે. દરેક સ્થિતિ અને સંજોગ આપણી ઇચ્છા મુજબના નહીં હોવાના, ઘણી સ્થિતિ આપણી ઇચ્છા વિરુદ્ધની અને ગમે નહીં એવી હોવાની. આ સ્થિતિને માણસ કેવી રીતે જીવે છે તેના પરથી જ તેની સમજણ, આવડત, ડહાપણ અને બુદ્ધિ મપાય છે.
દુઃખ અને વેદનાના પોટલાને જેમ બને એમ જલદી માથેથી ઉતારી દેવું જોઈએ. જો તેને ઉતારી ન દઈએ તો એ ભારેને ભારે થતું જાય છે અને એક વખત એ એટલું બધું ભારે થઈ જાય છે કે આપણે તેને સહન ન કરી શકીએ. દુનિયામાં દરેક દર્દની દવા છે. દરેક પીડા માટે પેઇન કિલર છે, પણ વેદના માટે કોઈ દવા નથી. દિલને કોઈ ઠેસ પહોંચાડે અને આપણે ડિસ્ટર્બ હોઈએ ત્યારે કોઈ દવા કામ કરતી નથી. ઉદાસીનું કોઈ ઓસડ નથી. ઉદાસી તો માણસે ખંખેરવી પડે છે. આવા સમયે માણસની સમજ જ ‘પેઇન કિલર’નું કામ કરે છે.
દરેક માણસને ક્યારેક તો એવું લાગે જ છે કે ક્યાંય મજા નથી આવતી, કંઈ જ ગમતું નથી, ઉદાસી આપણને ઘેરી લે છે. શા માટે મજા નથી આવતી તેની પણ આપણને ખબર હોય છે, પણ કેટલા લોકો પોતાની ઉદાસીથી ‘અવેર’ હોય છે? ઉદાસીને સમજનારા કેટલા લોકો ઉદાસીને ખંખેરી શકે છે? તમને જ્યારે ખબર પડે કે તમે મજામાં નથી તો તમે શું કરો છો? હા, ઉદાસી ખંખેરવી સહેલી નથી. ભીના કપડાંને છંટકોરીએ એટલી આસાનીથી દિલની ઉદાસીને ખંખેરી શકાતી નથી. ઉદાસી ખંખેરવા માટે પ્રયત્નો કરવા પડે છે. પ્રયત્નો કરવાથી એ ઉદાસી હટી શકતી હોય તો હટાવવી જ જોઈએ, તેને પંપાળવી ન જોઈએ. વિચારોની દિશાને જરાક બદલવાનો પ્રયત્ન કરી જોજો. હવા બદલાય ત્યારે નાવિક સઢની દિશા બદલી નાખે છે. આવું જ ઉદાસી વખતે કરવાનું હોય છે. કંઈક ગમતું કરીને અને થોડાક સારા વિચારો કરીને માણસ પોતાની દશા બદલી શકે છે. તમે દુઃખમાં વધુ સમય રચ્યાપચ્ચા ન રહો એ જ તમારી સમજદારી છે.
ઉદાસી, નિરાશા અને હતાશા એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. માણસ ગમે તે કરે તો પણ એ ક્યારેક ને ક્યારેક આવી જ જાય છે. આપણે તેને કેટલો સમય ટકવા દેવી તે આપણા હાથની વાત છે. ઉદાસી અને નિરાશા આપણો સ્વભાવ ન બની જવો જોઈએ.
એક માણસ સંત પાસે ગયો. તેણે પૂછયું કે જિંદગીમાં ઉદાસીને કઈ રીતે ટાળવી? સંતે કહ્યું કે, માણસે જિંદગીની ત્રણ બાબતો વિશે ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ, કારણ કે એ ત્રણે બાબતો આપણને આપણી પસંદગીથી મળતી નથી. આ ત્રણ વસ્તુ છે, પરિવાર, જ્ઞાતિ અને ધર્મ. હું કેમ આ પરિવારમાં જન્મ્યો? મારાં મા-બાપ કે ભાઈ-બહેન કેમ આવાં છે? આવા પ્રશ્નોનો કે ફરિયાદનો કોઈ મતલબ હોતો નથી. આ વાતને જરાક જુદી રીતે એમ પણ કહેવાય કે, ક્યારેય એવો વિચાર ન કરવો કે મારો જન્મ કોઈ ધનાઢય કે ઇજ્જતદારને ત્યાં થયો હોત તો સારું હોત! મહાન માણસનાં સંતાન પણ મૂર્ખ હોઈ શકે અને ધનાઢયનાં સંતાન પણ ભીખ માંગતાં થઈ ગયાં હોય તેવા અનેક કિસ્સા છે. એક સાચી વાત એ પણ છે કે માણસનો વિકાસ ક્યારેય જન્મથી નથી, કર્મથી થાય છે. દરેક માણસનો વિકાસ પોતાના હાથમાં છે. માણસ ધારે એ રીતે પોતાની જિંદગીને સંવારી અને વિકસાવી શકે છે. તમે મોટા અને મહાન લોકોનું ‘બેક ગ્રાઉન્ડ’ જોઈ જજો, બધા જ સ્ટ્રગલ કરી અને પડકાર ઝીલીને આગળ આવ્યા છે. માણસ એટલો નસીબદાર ચોક્કસ છે કે તે પોતાના મિત્રો અને સંબંધ પોતે નક્કી કરી શકે છે. મોટા ભાગે માણસ જેવો હોય છે,
એવા જ તેના સંબંધો હોય છે. એટલે જ એવું કહેવાય છે કે તમારે કોઈ વ્યક્તિની સાચી ઓળખ મેળવવી હોય તો તેના મિત્રો અને સંબંધોને ચેક કરી લેજો. તમને તેની સાચી ઓળખ મળી જશે. માણસ પોતાની દોસ્તી અને પોતાનો સંબંધ કેટલો જાળવે છે તેના ઉપરથી પણ તેનું માપ નીકળે છે. સંબંધો વારંવાર બનાવવા અને તોડવા બરાબર નથી. માણસને સરવાળે પોતાના સંબંધ જ કામ લાગતા હોય છે. કામ લાગવું એટલે જરૂર પડયે આર્થિક મદદ કરવી કે મેળવવી એ નથી. કામ લાગવું એટલે જ્યારે જરૂર પડે ત્યારે નૈતિક રીતે સાથે ઊભા રહેવું.
માણસને માણસની આર્થિક જરૂર પડે છે તેના કરતાં વધુ માનસિક જરૂર પડે છે. દરેક પાસે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેની પાસે એ વ્યક્ત થઈ શકે. જેની પાસે ખાલી થઈ શકાય, ઊભરો ઠાલવી શકાય અને હળવાશ ફિલ કરી શકાય તેવા લોકોની હંમેશાં અછત હોય છે. જો તમારી પાસે એકાદ-બે આવા લોકો હોય તો એ પૂરતાં છે.
બાકી જિંદગીમાં કોઈ તકલીફ કે દુઃખથી હતાશ ન થવું, ઉદાસ ન થવું, એ દૃઢતા જ તમને તમારા માર્ગથી વિચલિત થતાં રોકશે. મુશ્કેલી, દુઃખ અને નિરાશા તો જિંદગીમાં આવવાનાં જ છે. એક માળી હતો. તેના મિત્રએ તેને એક વાર પૂછયું કે, જિંદગીમાં ઘણુંબધું આપણને ન ગમતું હોય એવું શા માટે થાય છે? માળીએ સરસ વાત કરી. તેણે કહ્યું કે હું ફૂલછોડ ઉછેરું છું. મને એના પરથી એક વાત શીખવા મળી છે કે, ન ગમે એવું તો દરેક સાથે હોય જ છે. ગુલાબના છોડમાં કાંટા છે પણ કોઈ ગુલાબ કાંટાથી ડરીને ખીલ્યું ન હોય એવું જોયું છે? કમળ તો કાદવમાં જ ખીલે છે. કોઈ કમળે ક્યારેય મને ફરિયાદ નથી કરી કે અમારા માટે આવી જગ્યા કેમ? કોઈ વેલે અમને નથી કહ્યું કે અમે ટટ્ટાર કેમ નથી? પ્રકૃતિની દરેક રચનામાં પડકાર છે પણ ફૂલ ક્યારેય ઉદાસ નથી થતાં. માત્ર માણસ જ ફરિયાદો કરતો રહે છે અને ઉદાસીને પંપાળતો રહે છે. તમારી વેદનાને જેટલી વહેલી ખંખેરશો એટલી સંવેદના વિકસશે, તમારી ઉદાસીને જેટલી વહેલી હટાવશો એટલી ઝડપથી આનંદ આવશે અને તમારાં દુઃખને જેટલું દૂર રાખશો એટલું જ સુખ નજીક રહેશે.
છેલ્લો સીન :
દુઃખી સુખની ઇચ્છા કરે છે, સુખી વધુ સુખની ઇચ્છા રાખે છે. વાસ્તવમાં દુઃખ પ્રતિ ઉપદેશભાવ રાખવો તે જ સુખ છે.
– વિસુદ્ધિમગ્ગ
kkantu@gmail.com