દિલના સર્ચ એન્જિન પર ક્લિક કરો
CHINTAN NI PALE by Krishnakant Unadkat
ભૂલા પડી જવાની મજા પણ કદી લૂંટો,
આ શું તમે સતત રહો છો રસ્તાની શોધમાં?
-રિષભ મહેતા

          આત્મીયતા ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી દુનિયાને સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો. ઉંમર માણસને ઘરડાં નથી બનાવતી પણ માનસિકતા માણસને બુઢ્ઢા કરી દે છે.
          રોલર કોસ્ટર જેવો રોમાંચ જ્યારે રોકીંગ ચેરમાં થવા લાગે ત્યારે સમજવું કે આપણને ઉંમરની અસર થવા લાગી છે. થ્રીલ ફીલ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકનું ઓબ્ઝર્વેશન કરજો. એ આંખો ફાડી ફાડીને બધું નીરખતું રહે છે. મોટું થઈ જાય પછી એને એવું થાય છે કે આ તો જોઈ લીધું છે.
          એવું ક્યાંય લખ્યું છે કે આટલી ઉંમર થઈ જાય પછી દરિયાના પટમાં રેતીનું મકાન ન બનાવવું? કિશોર કે યુવાન વય થાય પછી શેરીમાં ભરાયેલા વરસાદના પાણીમાં કાગળની હોડી ન ચલાવવી! તમને જે ગમતું હતું તેવું કરવાની કોણ ના પાડે છે?
          આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી આ ન થાય! ક્યારેક તમને ગમતું હોય એવું કંઈક કરી જોજો, ઉંમર ઘટીને નાની થઈ જશે. બચપણ અને બુઢાપામાં માત્ર માનસિકતાનો જ ફર્ક હોય છે. તમારી જાતને એટલી મોટી ન બનાવી દો કે તમારું બચપણ જ ભૂલી જાવ!
          સંપર્કના સાધનો વઘ્યા છે છતાં કેમ માણસ એક-બીજાથી દૂર જઈ રહ્યો હોય એવું લાગે છે? તમારા મોબાઈલની ફોન બુકમાં કેટલા નંબર છે? એવો કયો નંબર છે જે એક વખત સેવ કર્યા પછી તમે ક્યારેય એ નંબર પર ફોન નથી કર્યો? કનેક્ટેડ થયા પછી આપણે વિચારતા નથી કે આપણે એટેચ્ડ છીએ? તમારા દિલની વાત કહી શકાય એવા કેટલા લોકો તમારી પાસે છે?
          ફેસબુક અને ઓરકૂટ ઉપર આપણે મિત્રોને એડ કરતાં જઈએ છીએ અને પછી એવો સંતોષ માની લઈએ છીએ કે આપણું ગ્રુપ બહુ મોટું છે. ફેસબુકનું લિસ્ટ કાઢીને ક્યારેય વિચાર્યું છે કે આમાંથી કેટલાં લોકોની અંગત વાતો મને ખબર છે? એ પૈકીના કેટલા લોકોને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખબર છે? મોટાભાગે જસ્ટ હાય- હલો જ કહેવાય છે. દિલમાં ભાર લાગતો હોય એ વાત કેમ દિલમાં જ રહે છે?
          સર્ચ એન્જિનથી જૂના મિત્રો મળી જાય છે પણ આત્મીયતા? કંઈક કહેવાનું કે વાત શેર કરવાનું મન થાય ત્યારે કોઈ હોતું નથી! દિલનું સર્ચ એન્જિન ખોટકાઈ જાય છે. દિલના સર્ચ એન્જિનમાં તમે ક્યારેય કોઈ સર્ચ આપી છે? ચલો, એક પ્રયત્ન કરો. દિલના સર્ચ એન્જિનને શોધવાનું કહો, બેસ્ટ ડે ઓફ માય લાઈફ! જિંદગીનો સુંદર દિવસ!
          દિલ પર ક્લિક કરો. કંઈ મળ્યું? કયો હતો એ દિવસ? તમે જિંદગીમાં જેટલા દિવસો વિતાવ્યા હોય એમાંથી યાદગાર દિવસો શોધી કાઢો, પછી જિંદગીના દિવસો સાથે સરખામણી કરી ટકાવારી કાઢો, રિઝલ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ સમથિંગ હશે! બાકીના દિવસો ખરાબ હતા?
          ના! ઘણાં દિવસો સારા હતા પણ તેને આપણે પરમેનન્ટ ડિલિટ કરી નાખ્યા હોય છે! સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત બાળપણને મારતાં જઈએ છીએ. પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ લાઈવ લાગશે!

છેલ્લો સીન:
માણસ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેની સાથે એ રહી શકે. બહુ ઓછા લોકો એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેના વગર એ રહી ન શકે!

Krishnkant Unadkat

Krishnkant Unadkat

10 thoughts on “

 1. vow!

  સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત બાળપણને મારતાં જઈએ છીએ. પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ લાઈવ લાગશે!

  tamara leho always postiv toughts ni bharatilaave chhe

 2. બહુજ સરસ. તમારા લેખો વાંચવા ની દિલ થી મજા આવેછે.
  "છેલ્લો સીન" માં બહુજ સત્ય હકીકત કહી.

 3. Sorry, Gujarati script mara p.c. dwara nathi lakhi shakato. Article bahu saras chhe. amara jewa senior citizens ne perfect lagu pade chhe !
  Tamara badha article vanchvani maja awe chhe.
  Jodani ni vikruti no koi rasto hoi to jarur sudharvano prayatna karva vinanti. saras lekh ma avi jodani thodi vikruti utpanna kare chhe.
  == Hari Om = Harish Ganatra

 4. Dear Krishnakantbhai, It is really a great article. You are doing wonderful work and writing for the gujarati community. As you know on May 7, 2010 I am returning to Ahmedabad for good. Hope to see you and keep in touch with you.

 5. " Dil ne VAAT ,Dil thi VICHARVI ,Dil thi KEHVI, ane Dil thi SAMJAVI…"
  koi tamara thi Shikhe…

  because when I open Facebook or Orkut same question arise in my mind & no Answer & Confused but , I think I got soloution.

 6. આત્મીય કૃષ્ણ કાન્તજી,
  આપના લેખે બાળપણ યાદ કરાવી દીધું.અને એ પણ એવા સમયે જયારે અમે અમારી વહાલી માતા ને પ્રભુ ને ચરણે અપરણ કર્યાને બે સપ્તાહ પણ નથી થયા. દિલ ની સાથે આંખો પણ પીગળી ગઈ.
  છેલ્લો સીન પણ ચોટદાર છે.આજ વાત તમે તમારા અગાઉ નો બ્લોગ માં પણ લખી હતી અને તે દરેક પતિ પત્ની માટે આજે પણ એટલીજ ઉપયોગી છે.
  દિવ્યદર્શન ડી.પુરોહિત

 7. પ્રિય કૃષ્ણકાંત જી, બહુ સરસ લેખ. દિલથી દીલ્વાલાઓ માટે લખાયેલો. વાત ખરી છે. જીવન જેમ જીવવું હોય તેવું તો કઈ જીવનમાં બનતું જ નથી, જે બને છે, તેનાથી સંતોષ નથી. મઝાની વાત એ છે કે આ બધા માટે એકલા ને એકલા અપને જાતે જ જવાબદાર છીએ. વારંવાર દિલ પર ક્લિક કરતા રહેવું જોઇએ. શનિવારે એમીટી, ભરુચ ગયો હતો, તમને ખુબ યાદ કર્યા રણછોડજી સાથે.
  તમારો લેખ કોપી કરીને મિત્રોને મોકલું છે, સાથે તમારો બ્લોગ તેઓ વિઝીટ કરે એવું આમંત્રણ પણ મોકલીશ. જ્યોતીભાભી ને યાદ. અમે વારંવાર તમને યાદ કરીએ છીએ.
  નરેશ કાપડિયા, સુરત

 8. માણસ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેની સાથે એ રહી શકે. બહુ ઓછા લોકો એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેના વગર એ રહી ન શકે!
  Very Very Good…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *