તમામ પ્રકારના ભય
મનમાંથી કાઢી નાખ

ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ
પગથી માથા લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક,
મીરાં કે પ્રભુ, બહુ કરચલી પડી ગઇ છે માંહી,
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી?
– રમેશ પારેખ
ફડકો માણસને શાંતિથી જીવવા દેતો નથી. નાની નાની વાતોમાં જેને ધ્રાસકા પડે છે એ શ્વાસ પણ શાંતિથી લઇ શકતા નથી. જિંદગીને સરસ રીતે જીવવાની સૌથી પહેલી શરત ભયમુક્તિ છે. દરેક માણસ કોઇ ને કોઇ ભય લઇને ફરે છે. આમ થશે તો? તેમ થશે તો? મેં જે મેળવ્યું છે એ ગુમાવી દઇશ તો? જેના પર ભરોસો મૂક્યો છે એ દગો દેશે તો? મારા જ મને છોડી જશે તો? મેં જે ધાર્યું છે એ નહીં કરી શકું તો? કેટલાક લોકોની સવાર જ ભય સાથે પડે છે. આજનો દિવસ સારો નહીં જાય તો? આજે મારે જે કરવાનું છે એ પૂરું નહીં થાય તો? માણસને ક્યારેક જિંદગીનો તો ક્યારેક મોતનો ભય લાગે છે. કોઇ બીમાર સ્વજનની તબિયત પૂછવા જાય ત્યારે પણ માણસને પહેલો વિચાર એવો જ આવી જાય છે કે, મને તો આવું નહીં થાયને? શરીરમાં સહેજ અમથો દુખાવો થાય તો ફફડાટ પેદા થઇ આવે છે કે, કંઇ સિરિયસ તો નહીં હોયને? આ જ માણસ ખોટું કરતી વખતે જરાયે ડરતો નથી. એ સમયે એવું જ વિચારે છે કે, કોને ખબર પડવાની છે? આખી દુનિયા આવું જ કરે છે. બહુ સારા થવામાં માલ નથી. માણસને કુદરતનો ડર પણ લાગતો નથી. કેટલાકનાં કરતૂતો જોઇને આપણાથી બોલાઇ જવાય છે કે, ભગવાનનો તો ડર રાખો. બહાદુર બનીને ફરતા કેટલાક લોકો એવું કહે છે કે, હું કોઇના બાપથી ડરતો નથી. એ જ વ્યક્તિ ક્યારેક નાની અમથી વાતમાં થરથર ધ્રૂજતો હોય છે. ક્યાં ડરવું અને ક્યાં ન ડરવું, કોનાથી ડરવું અને કોનાથી ન ડરવું એની જેને સમજ છે એ પોતાના સ્વમાનને સારી રીતે જાળવી શકે છે. જેને એ ખબર છે કે, આવું કરવું મને ન શોભે, એ જ દુનિયામાં શોભે એવું કરી શકતા હોય છે.
ડર એ માત્ર ને માત્ર મનનું કારણ છે. ખરેખર ડર જેવું કંઇ હોતું જ નથી. જે હોય છે એ માણસે પોતે જ ઊભું કરેલું હોય છે. આપણે જ ભયને પેદા કરીએ છીએ. મોટાભાગે આપણો ભય કાલ્પનિક જ હોય છે. આપણે વિચારો કરીને ભય નામના રાક્ષસને પેદા કરીએ છીએ અને પછી આપણે જ તેનાથી ડરતા રહીએ છીએ. વાસ્તવિક ભય કરતાં કાલ્પનિક ભય અનેકગણો ખતરનાક હોય છે. એ આપણી શક્તિઓને ક્ષીણ કરી નાખે છે. આપણે બધાએ એક વાત અનુભવી હોય છે કે, અમુક કામ આપણને અત્યંત ટેન્શનવાળું લાગતું હોય છે. તેનો ભય પણ લાગતો હોય છે કે, નહીં થાય તો? કામ પૂરું થઇ જાય એ પછી એવું લાગે છે કે, જેવું ટેન્શન હતું એવું કઇ થયું નથી. એક યુવાન હતો. તેને દરેક વાતમાં ડર લાગ્યા રાખે. ડરના કારણે એ કોઇ કામનો પ્રારંભ જ ન કરે. એ યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, મને કંઇ નવું શરૂ કરવામાં ડર લાગે છે. સંતે કહ્યું, એક વાર કરી તો જો. જો તો ખરો કે તારો ડર સાચો પડે છે કે ખોટો? ડરને પણ ચાન્સ તો આપવો જોઇએ કે નહીં? માન કે ન થયું, તો પણ શું આભ ફાટી જવાનું છે? એ પછી સંતે કહ્યું કે, માત્ર સફળ જ નહીં, સુખી થવા માટે પણ તમામ પ્રકારના ભય તું મનમાંથી કાઢી નાખ. ડર મનમાંથી નીકળી જશે તો જ તું મુક્ત થઇશ. આ તો તેં જ તારી જાતને બાંધી રાખી છે અને પછી તું જ ફરિયાદ કરે છે. શરીરના બંધનથી તો હજુયે કોઇ મુક્તિ આપે, મનનાં બંધન તો આપણે હાથે જ તોડવાં પડતાં હોય છે. આપણે કેટલા બધા ભ્રમો પાળીએ છીએ અને તેમાં જ ફસાયેલા રહીએ છીએ. ડર એ એક પ્રકારનો ભ્રમ જ છે. તેનાથી છુટકારો મેળવ્યા વગર કંઇ જ શક્ય બનવાનું નથી.
સંબંધોનો ડર શંકા પેદા કરે છે. મારી વ્યક્તિ મારી નહીં રહે તો? એને કોઇની સાથે સંબંધ તો નહીં હોયને? એ મારાથી છૂપું કંઇ કરતી કે કરતો નહીં હોયને? માણસ ક્યારેક જાસૂસ બની જાય છે. પોતાની વ્યક્તિ પર નજર રાખે છે. ખાનગીમાં એનો ફોન ચેક કરે છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંને પ્રેમથી રહે. પતિની પર્સનાલિટી ખૂબ જ સારી હતી. પત્નીને સતત એવું થતું કે, મારો હસબન્ડ હેન્ડસમ છે. હોશિયાર છે. આ જ વાત તેનામાં એવો ભય પેદા કરતી હતી કે, ક્યાંક બીજી કોઇ છોકરી તો તેને ફસાવવાના પ્રયાસ નહીં કરેને? મારો વર બધાને ગમી જાય એવો છે. મારો હસબન્ડ તો બીજી કોઇ છોકરી સાથે સંબંધ નહીં રાખેને? આ ભયના કારણે એ પતિને ખબર ન પડે એમ તેનો મોબાઇલ ચેક કરી લેતી હતી. એક વખતે પતિને એ વાતની ખબર પડી ગઇ કે, મારી પત્ની ફોન ચેક કરે છે. પતિ મોબાઇલમાં પાસવર્ડ રાખતો હતો. પાસવર્ડની પત્નીને ખબર હતી. પતિએ એક દિવસ મોબાઇલમાંથી પાસવર્ડ જ કાઢી નાખ્યો. ફોન ઓપન કરી દીધો. પતિ નહાવા જાય ત્યારે મોબાઇલ બહાર એવી રીતે મૂકે કે પત્ની આરામથી મોબાઇલ ચેક કરી શકે. પતિને એમ થતું કે, ભલે એ ચેક કરી લે, જો એ રીતે પણ તેને શાંતિ થતી હોય તો. પતિએ બધું કર્યું તો પણ પત્નીના મનમાંથી ડર જતો નહોતો. આખરે એક દિવસ પતિએ પત્નીને નજીક બેસાડી અને કહ્યું કે, તારા મનમાં જે ડર છે એ કાઢી નાખ. હું તારા સિવાય કોઇનો નથી. કોઇ એમ મને પટાવી લેવાનું નથી. તારો પ્રેમ તને શંકાશીલ બનાવે છે અને એ શંકા જ તને ચેન લેવા દેતી નથી. મુક્ત થઇ જા બધી ચિંતાઓમાંથી. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે, દાંપત્યમાં સૌથી વધુ જો કંઇ મહત્ત્વનું હોય તો એ એકબીજા પર વિશ્વાસ છે. ભરોસો જ સંબંધને અખંડ રાખે છે.
માણસ હવે બહુ વોચ રાખવા માંડ્યો છે. સીસીટીવી રાખે છે. કોઇ શું કરે છે એ ચેક કરતો રહે છે. માણસો બરાબર કામ કરે છે કે નહીં એના પર નજર રાખે છે. સીસીટીવી કેમેરાની શોધ નહોતી થઇ ત્યારે પણ લોકો કામ કરતા જ હતા. કદાચ આજના સમય કરતાં વધુ ઇમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરતા હતા. આધુનિક સમયમાં માણસ વધુ શંકાશીલ થઇ ગયો છે. માણસ ડરપોક થતો જાય છે. એને ત્યાં સુધીનો ભય લાગવા માંડ્યો છે કે, સોશિયલ મીડિયા પર મારા ફોલોઅર્સ નહીં વધે તો? જેની પાસે મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે એને એ વાતનો ડર લાગે છે કે, મારા ફોલોઅર્સ ઘટી જશે તો? એક યુવાન હતો. સોશિયલ મીડિયા પર તેના સારા એવા ફોલોઅર્સ હતા. તેણે એક વખત સવાલ કર્યો કે, ફોલોઅર્સનો ઇન્શ્યોરન્સ મળે ખરો? મારા ફોલોઅર્સ ઘટી જાય તો મને બીજા મળી જાય એવો કોઇ ઉપાય ખરો? માણસને હવે બધામાં વીમો જોઇએ છે.
જો તમે ડરથી મુક્ત છો તો જ તમે તમારી જિંદગી સારી રીતે જીવી શકવાના છો. ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરજો કે તમને કંઇ વાતનો ડર લાગે છે? એ ડર શા માટે લાગે છે? એ પછી નક્કી કરો કે, મારે આ ડરમાંથી મુક્ત થવું છે. મોટાભાગે તો આ ડર કાલ્પનિક જ હશે. ડર માણસની જિંદગીને કોતરી ખાય છે. મોટાભાગની માનસિક બીમારીઓનું સૌથી મોટું કારણ ભય જ હોય છે. હોય નહીં એનો ભાસ થાય છે. જે છે જ નહીં એનો ડર માણસને ઘેરી વળે છે. નક્કી કરો કે, મારે કોઇ ભય રાખવો નથી. દરેક ભયને ખંખેરી નાખો. એ પછી જુઓ, જિંદગી કેટલી હળવી અને જીવવા જેવી લાગે છે.
છેલ્લો સીન :
જિંદગી ખૂબ જ સુંદર છે, જો આપણને જિંદગીને માણતા આવડે તો. જિંદગીને બહુ છંછેડો નહીં, છંછેડશો તો એ ફૂંફાડો મારવાની જ છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 12 જુલાઇ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
