મારા ચહેરા ઉપર બીજો 
કોઇ જ ચહેરો નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તું ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા
હૈ,
તુઝે અલગ સે જો સોચુ અજીબ લગતા હૈ,
હુદૂદે જાત સે બહાર નિકલ કે દેખ જરા,
ન કોઈ ગૈર, ન કોઈ રકીબ લગતા હૈ.
– જાંનિસાર અખ્તર
‘હું જેવો છું એવો જ છું. કદાચ સારો હોઈશ. કદાચ ખરાબ પણ હોઈશ. આ‌ળસુ, ધૂની, મનમોજી, બેદરકાર, ચક્રમ, ભેદી, મીંઢો, લુચ્ચો, હોશિયાર, બહાદુર અથવા બીજું કંઈ પણ તું મને માની શકે છે. એ તો મારા વિશેનું તારું મંતવ્ય છે. હા, હું એટલું કહીશ કે હું જેવો છું એવો નેચરલ છું. મેં મારા ઉપર બીજો ચહેરો લગાડ્યો નથી. લાગવા દીધો નથી. જાતજાતનાં મહોરાંઓ ઘણી વખત મારી સામે આવે છે. મન થાય છે કે લાવને પહેરી લઉં. દુનિયા મને જેવો ઇચ્છે છે એવો થઈ જાઉં. જે માણસ સામે આવે એના જેવું મહોરું પહેરી લઉં. મેં પ્રયત્ન કરી જોયો. મહોરાં પહેરી પણ જોયાં, પણ મને ન ફાવ્યાં. થોડી જ વારમાં થાકી જતો હતો, હાંફી જતો હતો. મને મેં ચડાવેલું મહોરું જ નહોતું ગમતું. આખરે એ મહોરાને કાઢીને ફેંકી દેતો. એક વખત સાવ જુદું જ બન્યું. મેં પહેરેલા મહોરાનો મેં ઘા કર્યો. હવામાં ઉછળેલું મહોરું મારી સામે જોઈને હસ્યું. મને કહ્યું કે, હવે તું સારો લાગે છે. એણે જતાં જતાં એવું કહ્યું કે સારા રહેવું હોય તો જેવો
છે એવો રહે. બસ, એ દિવસથી જ હું જેવો છું એવો જ છું.’
એક પ્રેમીકાએ તેના પ્રેમીને પૂછ્યું
કે, તું આવો કેમ છે? ત્યારે પ્રેમીએ આવી વાત કરીને સામું પૂછ્યું કે તું મને કેવો ઇચ્છે છે? તું કહેતી હોઈશ તો હું તને ગમે એવું મહોરું પહેરી લઈશ, પણ પછી એ હું નહીં હોઉં. એક મહોરું હશે. નાટકમાં પેલા કલાકારો કામ કરે છેને
એના જેવાે જ થઈ થશે. સ્ટેજ પર જુદા અને સ્ટેજની નીચે જુદા. મારે નાટક નથી કરવું, પણ કુદરતે મને જેવો બનાવ્યો છે એવું જ પાત્ર મારે ભજવવું છે અને એટલે જ હું
જેવો છું એવો છું. પ્રેમિકાએ કહ્યું, મને તું જેવો છે એવો જ ગમે છે.
તમને તમારી વ્યક્તિ જેવી છે એવી ગમે
છે? પડ્યું પાનું નિભાવી જવાની નહીં, પણ જિંદગી જેવી છે એવી જીવી જવાની મજા કંઈક ઔર જ હોય
છે. આપણને આપણી વ્યક્તિમાં બદલાવ જોઈતો હોય છે. તું આમ કર, તું તેમ કર, તું આ રીતે બોલ, તું આવું ન બોલ. છીંકથી માંડીને ઓડકાર ખાવા સુધીની સ્ટાઇલ આપણે બદલવા ઇચ્છીએ છીએ. સારી વાત હોય એમાં સુધારો કરવાનું થાય એમાં કંઈ ખોટું
નથી, પણ માણસને ધરમૂળથી બદલી દેવામાં આપણે ઘણી વખત એનામાં
જે નેચરલ છે એને પણ ખતમ કરી દેતા હોઈએ છીએ. આપણી વ્યક્તિ જેવી છે એવી ને એવી જ એને સ્વીકારવી એ પણ પ્રેમ કરવાની એક રીત
જ છે અને પ્રેમ હોવાની સાબિતી છે.
એક મિત્ર સાથે બનેલી આ એક સાવ સાચી
ઘટના છે. આ મિત્રનો સન સ્કૂલમાં ભણે છે. તેના સનનો મિત્ર ઘરે આવતો. એ છોકરાનું વર્તન વિચિત્ર હતું. એ હંમેશાં એનું મન થાય એમ જ કરતો. તેને ગમે તો વાત કરે અને ન ગમે તો વાત ન કરે. ક્યારેક સોફા પર પડ્યો પડ્યો વાંચ્યા રાખે તો ક્યારેક ટીવી જોયા રાખે. મન થાય તો કંઈક ખાય, બાકી કંઈ આપો તો પણ ન ખાય. આવા દોસ્ત વિશે એક દિવસે મિત્રએ તેના
સનને પૂછ્યું કે, તારો ફ્રેન્ડ તો બહુ જુદો છે, થોડોક વિચિત્ર નથી લાગતો? પિતાની વાત સાંભળીને એનો દીકરો માત્ર એક જ વાક્ય બોલ્યો કે એ એવો જ છે! દીકરાનો આ જવાબ સાંભળીને પિતાને થયું કે, આપણે કેટલા મિત્રોને એ જેવા છે એવા જ સ્વીકારતા હોઈએ
છીએ? આપણા કરતાં કદાચ આ બાળકો દોસ્તીની બાબતમાં વધુ પરફેક્ટ
છે. આપણે તો દોસ્તી માટે પણ આપણને ગમે એવા લોકો શોધતા હોઈએ
છીએ! દોસ્તી લાઇક માઇન્ડેડ સાથે જ થાય એવું જરૂરી નથી, કારણ કે દોસ્તીને કોઈ નિયમો લાગુ પડતા નથી. દોસ્તી અને પ્રેમ તો જ તાજાં રહે જો આપણે આપણા મિત્ર, લવર કે લાઇફ પાર્ટનરને એ જેવા છે એવા રૂપમાં તેને સ્વીકારીએ.
દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે
લોકો તેને સારો માણસ કહે, પોતે સારો છે એ સાબિત કરવા માણસ મહેનત
કરતો હોય છે. તમારે સારા બનવું છે? તો તમે જેવા છો એવા જ રહો. માણસ સતત બધાને ઇમ્પ્રેસ કરવા મથતો
રહે છે. આપણી છાપ પડવી જોઈએ. લોકો આપણને યાદ રાખવા જોઈએ. માણસ મહેનત કરીને પોતાની ઇમ્પ્રેશન
જમાવી દેતો હોય છે. સમયની સાથે માણસે પહેરેલું મહોરું
ધીમે ધીમે ઝાંખું પડી જાય છે અને છેવટે એ જેવો હોય એવો જ સામે આવી જતો હોય છે. આપણે ગમે તે કરીએ, છેલ્લે આપણે ઓરિજિનાલિટી પર જ આવી જતાં હોઈએ છીએ.
એક કલાકાર હતો. એ ગરીબ હતો. સ્ટેજ પર એણે જે પાત્ર ભજવવાનું હતું એ એક અમીર વ્યક્તિનું હતું. સ્ટેજ પર આવે ત્યારે એની છટા બદલી જતી. એનો રોફ જામી જતો. એનો અભિનય જુએ ત્યારે કોઈ એમ ન કહી શકે કે આ એક ગરીબ કલાકાર છે. નાટક પતે એટલે એ સીધો બાથરૂમમાં જાય. મેકઅપ ઉતારી નાખે. કપડાં બદલી નાખે. અરીસા સામે ઊભો રહીને કહે કે, તું હવે જે છે એ જ સાચું છે. એક વખત તેના મિત્રએ કહ્યું કે તું સામાન્ય જિંદગીમાં
પણ અમીરના ઠાઠથી જ રહેતો હોય તો? એ કલાકારે કહ્યું કે, ના હું એવું ન કરી શકું. મને થાક લાગે. રાતે ઊંઘ તો આપણે જેવા હોઈએ એવી જ
અવસ્થામાં આવે. હું જ્યારે મેકઅપ ઉતારું ત્યારે મને હાશ થાય છે. મને મારી ગરીબી મંજૂર છે, પણ નકલી અમીરી નહીં. જે લોકો મહોરાનો ભાર લઈને સૂવે છે
તેને ઊંઘ આવતી નથી. મારા માટે મારા અભિનય કરતાં મારી જિંદગી
મહત્ત્વની છે.
તમે કોઈને અભિભૂત કરી શકો તો એ માત્ર
તમારી ઓરિજિનાલિટીથી જ કરી શકો. બાપ સાથે તમે દીકરા હોવાનું નાટક ન
કરી શકો. આપણે ફિલ્મ, નાટક કે વાર્તા સાંભળીએ કે જોઈએ ત્યારે અમુક સંવાદો અમુક અદા જોઈને દંગ થઈ જઈએ
છીએ. ખરા અર્થમાં કેટલા લોકો આવી અદાથી વાત કરતાં હોય છે. આપણે આવું બધું જોઈને એને અનુસરતા હોઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે આ સાચું નથી. બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે, યાર બધા નાટક કરે છે. હવે મારે પણ ડ્રામા જ કરવા છે. સાલ્લું, બધા ચાપલૂશી કરે છે, વાહવાહી કરે છે, ગ્રૂપ બનાવે છે અને પોતાનાં હિતો સાધી લે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આ તું નથી બોલતો. તેં પહેરેલું મહોરું બોલે છે. એવું કરવાના વિચાર છોડી દે. તું નિષ્ફળ જઈશ. એના કરતાં તો તું જે કહે છે એ તારી જ સ્ટાઇલમાં બેસ્ટ
રીતે કર.
કુદરતના કોઈ પણ અંશ લઈ લો. એ ક્યારેય મહોરા પહેરતા નથી. દરિયાના કિનારા દરેક સ્થળે અલગ અલગ છે. ક્યાંક રેતાળ બીચ છે, તો ક્યાંક કાતિલ ખડક છે. બે વાદળ ક્યારેય એકસરખાં હોતાં નથી. એક ઝાડનાં બધાં પાંદડાં કે ફળ પણ સરખાં હોતાં નથી. માણસ પણ ક્યારેય બીજા માણસ જેવો ન હોઈ શકે. તમે બીજાથી જુદા છો. તમે અનોખા છો. બીજા જેવા બનવા જશો તો તમે પોતાના
જેવા પણ નહીં રહો. તમારી આવડત જ તમારી છે. દરેક માણસમાં અમુક ચોક્કસ પ્રકારની આવડત હોય જ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે એ પોતાની આવડતને જ ઓળખી
શકતો નથી અને બીજાની આવડતને ફોલો કરે છે.
એક શાળામાં ટીચરે સ્ટુડન્ટ્સને પૂછ્યું
કે તમારે કોના જેવા બનવું છે. બધા સ્ટુડન્ટે કોઈ ને કોઈ મહાન વ્યક્તિનું
નામ આપ્યું. માત્ર એક છોકરાએ કહ્યું કે, મારે તો મારા જેવા જ બનવું છે. જેના નામ છે એ બધા એના જેવા જ બન્યા છે તો પછી હું શા માટે એના જેવા બનવાની
મહેચ્છા રાખું. મારે મારા નામ સાથે કોઈનું ટાઇટલ નથી જોઈતું. હું ‘એના’ જેવો છું એમ કોઈ કહે તો મને ન ગમે. હું મારા જેવો છું અને મારા જેવો જ રહીશ.

આપણને તો કોઈ એમ કહે કે તું ફલાણા
કલાકાર જેવો દેખાય છે કે તું પેલી એક્ટ્રેસ જેવી લાગે છે તો આપણે પોરસાઈએ છીએ. ઘણાં વળી એવું પણ બોલી દે છે કે હું એના જેવો કે એના
જેવી નથી દેખાતી, પણ એ મારા જેવી દેખાય છે. સાચી વાત તો એ હોય છે કે તમે તમારી સરખામણી કોઈની સાથે
ન કરો, કોઈ જેવા બનવા પણ પ્રયાસ ન કરો. આપણે બસ આપણા જેવા જ બનવાનું હોય છે. દરેક માણસ સારા છે. તમે પણ શ્રેષ્ઠ જ છો. તમારે બસ તમારી શ્રેષ્ઠતા સાબિત કરવાની
હોય છે અને એ તમે તમારા જેવા જ બનીને કરી શકો. તકેદારી એટલી જ રાખવાની હોય છે, આપણા ચહેરા પર કોઈ મહોરું ન લાગી જાય!
છેલ્લો સીન :
તમારે કેવા બનવું છે એનો નિર્ણય તમે
જ કરો, પછી માત્ર એ કેચ કરતાં રહો કે તમે તમારા નક્કી કરેલા
માર્ગ ઉપર જ આગળ વધી રહ્યા છો કે નહીં?  -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: