એટલો ક્લોઝ ન આવ કે દૂર ન થઈ શકાય
 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
 
આવ-જા અમથી બધાની થાય છે, શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે,
વાત જુદી છે અધૂરા પાત્રની, કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે?
-નીતિન વડગામા

દરેક સંબંધો કાયમી નથી હોતા. દરેક પરિચિત સ્વજન નથી હોતાં. આત્મીયતાનો પણ એક અધિકાર હોય છે. આ અધિકાર બધાને આપી શકાતો નથી. ઘણાં સંબંધો એક્સ્પાયરી ડેટ સાથે આવતા હોય છે. અમુક સંબંધો અલ્પજીવી હોય છે. કોની કેટલી નજીક જવું અને કોને કેટલા નજીક આવવા દેવા એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધોમાં તકેદારીની જરૂર એટલા માટે રહે છે કે સંબંધો જ્યારે છૂટે ત્યારે વેદના થતી હોય છે.

દરેક સંબંધો તૂટે એવું જરૂરી નથી. અમુક સંબંધો છૂટતા પણ હોય છે. સમય ઘણાં સંબંધોને દૂર કરી નાખે છે. એવા સંબંધો પછી સ્મરણોમાં જ સચવાયેલા રહે છે. સંબંધ રાખો, દિલથી રાખો પણ એ સંબંધ જ્યારે છૂટે ત્યારે દિલ તૂટવું ન જોઈએ, પણ દિલના કોઈ ખૂણામાં એ સંબંધ સચવાયેલા રહેવા જોઈએ. સંબંધોમાં ‘સેફ ડિસ્ટન્સ’ જરૂરી હોય છે.

એક છોકરો અને છોકરી સાથે જોબ કરતાં હતાં. બંને સારી વ્યક્તિ હતી. લાઇક માઇન્ડેડ હતાં. એકબીજાની કેર કરતાં હતાં. એક સમયે છોકરીને એવું લાગ્યું કે હવે એ છોકરો દોસ્તી કરતાં વધુ નજીક આવી રહ્યો છે. એક દિવસ તેણે તેના એ કલીગ મિત્રને વાત કરી કે આપણે સારા મિત્રો છીએ અને સારા મિત્રો જ રહીએ એ જરૂરી છે. એક સારી વ્યક્તિ તરીકે હું તને આદર આપું છું. છતાં આપણી વચ્ચે અમુક ડિસ્ટન્સ મેઇનટેઇન થવું જોઈએ. હું કોલેજમાં હતી ત્યારે મને એક વ્યક્તિ સાથે પ્રેમ થયો. આજે પણ છે. અમે મેરેજ કરવાના છીએ. હું એને ખૂબ પ્રેમ કરું છું. હું તને એટલા માટે આ વાત કરું છું કે તું આપણા સંબંધો વિશે કંઈ જુદું ન વિચારે. હું એવું પણ નથી ઇચ્છતી કે જુદું પડવાનું થાય ત્યારે તને કે મને વેદના થાય. સંબંધો સાત્ત્વિક હોવા જોઈએ. સાત્ત્વિક સંબંધો જ સચવાતા હોય છે. આ વાત સાંભળીને તેના કલીગ મિત્રએ થેંક્યૂ કહ્યું. પ્રોમિસ આપ્યંુ કે આપણી દોસ્તી આવી ને આવી રહેશે.

વાત માત્ર પ્રેમની જ નથી. દરેક સંબંધમાં સલામત અંતર રહેવું જોઈએ. ભરોસાપાત્ર લોકો નથી હોતા એવું નથી, પણ એવા લોકો બહુ ઓછા હોય છે. બીજી વાત પઝેશનની પણ હોય છે. સંબંધોનું પણ એક પઝેશન હોય છે. સાથે કામ કરનાર વ્યક્તિ હોય કે પછી નજીક રહેતા પડોશી હોય, એ અમુક અધિકાર જમાવી દેતા હોય છે. અમુક અધિકારમાં કંઈ વાંધો પણ નથી હોતો. થોડું ઘણું પઝેશન તો બધા સંબંધોમાં હોય જ છે. સંબંધોનો એ જ તો આધાર હોય છે. કેરફુલ ન રહીએ તો આ પઝેશન વધી જાય છે. દરેક સંબંધમાં અાદર રાખો પણ આધિપત્ય જમાવવા ન દો. વધુ પડતું આધિપત્ય પીડા આપે છે.

મિત્રોમાં પણ એવું થતું હોય છે કે અમુક પ્લાનિંગ, અમુક પાર્ટીઝ, અમુક સેલિબ્રેશન તેની સાથે જ થાય. બે મિત્રોની વાત છે. મજા આવે એવા દરેક પ્રસંગોમાં બંને સાથે જ હોય. એક વખતે મિત્રએ તેના બીજા એક મિત્ર સાથે બહાર જવાનું નક્કી કર્યું. એની સાથે પણ તેને મજા આવી. જૂના મિત્રને વાત કરી તો એને માઠું લાગી ગયું. મને છોડીને તેં બીજા મિત્ર સાથે મજા કરી! દોસ્તીમાં પણ મુક્તિ હોવી જોઈએ. હમણાં થોડા સમય અગાઉની જ એક સાચી ઘટના છે. આ વાત કરતા પહેલાં એક ચોખવટ કરી લઉં કે આ ઘટનાને ‘પીવાના સંદર્ભે’ ન જોવી, પણ ફ્રેન્ડશિપના એંગલથી જ જોવી.

એક મિત્રનું અવસાન થયું. તેનું ઉઠમણું હતું. ઉઠમણામાં મરનારના ત્રણ જૂના મિત્રો આવ્યા હતા. જે મિત્રનું અવસાન થયું હતું તેના પુત્રએ આ ત્રણેયને કહ્યું કે, અંકલ તમે ઉઠમણું પતી જાય પછી રોકાજો. મારે એક કામ છે. ઉઠમણું પતી ગયું પછી તે સ્વર્ગસ્થ પિતાના ત્રણેય મિત્રોને એક રૂમમાં લઈ ગયો. ઘરમાં રહેલી બેસ્ટ વ્હિસ્કીના ત્રણ પેગ બનાવ્યા. ત્રણેયની સામે ગ્લાસ મૂકીને કહ્યું કે, પ્લીઝ હેવ ડ્રિંક્સ. તેણે કહ્યું કે ડેડી ડેથ બેડ પર હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારા આ ત્રણ ફ્રેન્ડ મારા ઉઠમણામાં આવશે. એમને પીધા વગર પાછા જવા ન દેતો. તેનું કારણ એ છે કે એમની સાથે જિંદગીમાં મેં ડ્રિંક્સને એન્જોય કર્યું છે. ચિયર્સ કર્યું ત્યારે ત્રણેની આંખો ભીની હતી. હાર ચડાવેલી મિત્રની તસવીરમાં આંખોની ચમક એવી ને એવી હતી!

મિત્રના દીકરાએ બીજી એક વાત કરી. તેણે કહ્યું કે મેં એક વખત ડેડીને પૂછ્યું હતું કે આ ત્રણેય તમારા મિત્ર છે તો તમે એમને કેમ આગ્રહ કરીને નથી બોલાવતા? એ સમયે ડેડીએ એવંુ કહ્યું હતું કે દોસ્તી દરેક આગ્રહ કે દુરાગ્રહથી મુક્ત હોવી જોઈએ. એ મારા ફ્રેન્ડ્સ છે એને પણ હું યાદ આવતો જ હોઈશ. હું બોલાવું તો એ આવે પણ ખરા. માટે કંઈ જ ધરાર નથી કરવું. સાચો સંબંધ એ છે જે સહજ હોય. અમે જ્યારે મળીએ છીએ ત્યારે એન્જોય કરીએ છીએ. આ વાત કઈ નાનીસૂની છે? સાચું કહું, તમારી દોસ્તીમાંથી મને ફ્રેન્ડશિપના ઘણાં અર્થ સમજાયા છે. થેંક્યૂ ફોર બીઇંગ ધેર ઇન માય ડેડીઝ લાઇફ!

જુદા પડ્યા પછી કે દૂર ગયા પછી પણ જે સંબંધો જળવાતા હોય છે એ સંબંધોનું સત્ત્વ કંઈક અલૌકિક હોય છે. બધા કાયમ નજીક નથી રહેતા. દૂર થતા હોય છે. દૂર થઈ ગયા પછી કેટલા નજીક રહેતા હોય છે. એક કવિએ સરસ વાત કરી છે કે જેનો પ્રેમ કે જેનો સંબંધ દિલનો હોય એને વિરહ નડતો નથી. એ ભલેને હાજર ન હોય પણ દિલમાં તો મોજૂદ જ હોય છે.
આપણા સંબંધો આપણી ઓળખ હોય છે. તમે કોની સાથે સંબંધ રાખો છો તેના પરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એની સાથે જ કેવા સંબંધો રાખો છો તેના પરથી તમારું દિલ કેવું છે એ ઓળખાતું હોય છે. સંબંધોમાં એટલા ક્લોઝ ન આવો કે દૂર ન થઈ શકાય અને એટલા દૂર પણ ન થઈ જાવ કે જ્યારે એ વ્યક્તિ નજીક હોય ત્યારે ક્લોઝનેસ ફીલ ન થાય.

બધા પાસેથી આત્મીયતાની અપેક્ષા ન રાખો. સંબંધો ઓછા ભલે હોય પણ મજબૂત હોવા જોઈએ. અમુક સંબંધોને અમુક સમય સુધી જ જીવવાના હોય છે. સાથે કામ કરીએ છીએ એમાંથી કેટલા સાથે આત્મીયતા હોય છે. ઓળખીતા બધા હોય છે, પણ ખરેખર આપણને ‘ઓળખતા’ કેટલા હોય છે. નોકરી બદલે એટલે એ સંબંધો પૂરા થઈ જતા હોય છે. બે-ચાર લોકો જ એવા હોય છે જે યાદ રહેતા હોય છે કે યાદ આવતા હોય છે. એ લોકો જ્યારે મળે ત્યારે જૂનો સમય ફરીથી જિવાતો હોય છે. સંબંધો જીવનને હળવું રાખવા માટે હોય છે, વેદના માટે નહીં. જે પોતાના હોય એને સાચવી રાખો, નજીકના હોય એને નજીક જ રાખો, દૂરના હોય એની સાથે ‘સેફ ડિસ્ટન્સ’ રાખો. ડિસ્ટન્સ હશે તો ડિસ્ટર્બ થવાનો સમય નહીં રહે. સંબંધો એવા સૂકા ફૂલની જેવા હોવા જોઈએ જેના ઉપર જ્યારે પાણીનો છંટકાવ થાય ત્યારે એ મહેકી ઊઠે. સતત પાણીમાં રાખીએ તો ફૂલો પણ કોહવાઈ જતાં હોય છે!

છેલ્લો સીન:
આપણા સંબંધો આપણા ચારિત્ર્યના જીવતા જાગતા પુરાવાઓ હોય છે. -કેયુ

 (‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18  નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

E-mail : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *