સમયની સાથે તમે કેટલા ‘ગ્રો’ થાવ છો?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
આંખના પોલાણમાં જોયું નથી, એ રીતે જીવન અમે ખોયું નથી,
શું એ પાળિયા હવે બેઠા થશે? જેમની પાછળ કોઇ રોયું નથી.
-આતિશ જામનગરી.
સમયનો શ્વાસ ક્યારેય રૃંધાતો નથી. બધું જ નશ્વર છે, એકમાત્ર સમય અમર છે. સમયમાં ‘સમ’ છે અને ‘મય’ છે. સમય સાથે જે ‘સમ’ એટલે કે સરખો અને ‘મય’ એટલે કે મગ્ન રહે છે તેને ઉંમરનો થાક લાગતો નથી. ઘડિયાળની દરેક ટિક ટિક સાથે માણસ તસુ તસુ મોટો થતો જાય છે. દરેક શ્વાસની સાથે શરીર થોડું થોડું બદલતું રહે છે. સમયની સાથે માણસ કેટલો બદલાય છે? શરીરનો આકાર અણસાર ન આવે એમ બદલાતો રહે છે, પણ વિચાર કેટલા બદલાય છે?
આપણે ત્યાં એક કહેવત છે, બારે બુદ્ધિ અને સોળે સાન આવી તો આવી. આપણે સાન કરતાં વાનને ઓલવેઝ વધુ ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ. સારા દેખાવવા માટે માણસ શું નથી કરતો? આપણે વટ મારવો હોય છે. દરેક વ્યક્તિ એકબીજાને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે. બહારથી બેસ્ટ દેખાવવા માટે આપણે જેટલા પ્રયત્નો કરીએ છીએ એનાથી અડધા પ્રયત્નો પણ સારા બનવા માટે કરીએ છીએ ખરા? સારા દેખાવામાં કંઈ જ ખોટું નથી. દરેકને સારા દેખાવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે,માત્ર મોંઘાં બ્રાન્ડેડ કપડાં કે કોસ્ટલી કારથી માણસ સારો નથી દેખાતો, સાચી સુંદરતા ઇન્ટરનલ છે. એના માટે જરૂરી છે કે સમયની દરેક ક્ષણ સાથે આપણે ‘ગ્રો’ થતાં રહીએ.
આપણે સૌ જાણીએ છીએ કે સર એડમંડ હિલેરીએ સૌથી પહેલાં એવરેસ્ટ સર કર્યો હતો. અલબત્ત, તેમણે પહેલે જ ઝાટકે એવરેસ્ટ સર કરી લીધો ન હતો. અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ઘણી વખત સફર અધૂરી છોડવી પડી હતી. તેમણે જ્યારે હિમાલય સર કર્યો ત્યારે એક પત્રકારે તેમને પૂછયું કે તમે કેમ નિષ્ફળતા સામે થાકી ન ગયા? હિલેરીએ કહ્યું કે જ્યારે નિષ્ફળ જતો ત્યારે હું મારી જાતને મનાવતો હતો, પટાવતો હતો. દર વખતે હું એક જ વિચાર કરતો હતો કે હિમાલય તો એવડો ને એવડો અને ત્યાંનો ત્યાં જ છે, હિમાલય ‘ગ્રો’ નથી થતો, હું તો ‘ગ્રો’ થાઉં છું ને? દરેક નિષ્ફળતા વખતે હું થોડો થોડો ગ્રો થતો ગયો અને છેવટે હું સફળ થયો. કોઈ પણ સફળતા માટે તમારે સમય સાથે ગ્રો થવું પડતું હોય છે. જો તમે ગ્રો ન થાવ તો તમે આગળ વધી શકતા નથી. માણસ ઘણી વખત ઉંમરના અમુક તબક્કે અટકી જતો હોય છે. એ એવું સમજવા માંડે છે કે મને બધી ખબર પડે છે. હું ઘણું જાણું છું. બધા તેને પૂછે એવો એ આગ્રહ રાખવા માંડે છે. એટલું જ નહીં બધા માને એવો દુરાગ્રહ પણ ક્યારે મનમાં ઠસી જાય છે એનો અંદાજ આવતો નથી. પોતાના વિશે માન્યતા બાંધી લેવા જેવી ભૂલ કોઈ નથી. એ માન્યતા નબળી હોય કે સબળી, માન્યતા એ માન્યતા છે. માન્યતામાં બંધાઈ ગયા પછી તેમાંથી છૂટવું સહેલું નથી. તમે કોઈને બહુ પકડવા જશો તો એ બહુ ઝડપથી તમારાથી દૂર થઈ જશે. તમારી માન્યતાઓ કોઈને જોઈતી હોતી નથી, કારણ કે દરેક પાસે પોતપોતાની માન્યતાઓ હોય જ છે.
સમય અને ઉંમરની સાથે માણસના વિચારોમાં પણ પરિવર્તન આવતાં રહે છે. નાના હોઈએ ત્યારે આપણે બધું શીખવું હોય છે,બધું જાણવું હોય છે. એક તબક્કો એવો આવે છે કે માણસ પોતે જ એવું માનવા લાગે છે કે મને આવડી ગયું. કાર ડ્રાઇવિંગ સ્કૂલના એક ઇન્સ્ટ્રક્ટરે સરસ વાત કરી. જેને કાર ચલાવતાં જ નથી આવડતું એની બાજુમાં બેસી કાર ચલાવવાનું શીખવાડતા તમને ડર નથી લાગતો? એવો સવાલ ઇન્સ્ટ્રક્ટરને કરાયો હતો. ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે, જે લોકો કાર શીખી ગયા હોય છે એ જ લોકો એક્સિડન્ટ કરે છે, શીખવાવાળા નહીં. કાર શીખી ગયા પછી એ બિન્ધાસ્ત અને બેફિકર થઈ જાય છે. શીખવાવાળા તો હંમેશાં એલર્ટ હોય છે. જિંદગીનું પણ એવું જ છે. મને આવડી ગયું એવું લાગવા માંડે પછી જ એક્સિડન્ટના ચાન્સીઝ વધી જાય છે.
કેટલાં પેરેન્ટ્સ પોતાનાં સંતાનો હવે ઇનફ સમજું થઈ ગયાં છે એવું માનવા તૈયાર હોય છે? એક સાવ સાચી ઘટના છે. એક પિતાએ તેના પુત્રને ખૂબ ભણાવ્યો. દીકરાને ડોક્ટર બનાવ્યો. ડોક્ટર બની ગયેલા દીકરાએ પિતાને અમુક આદત બદલવાનું કહ્યું. પિતાએ કહ્યું કે બસ રહેવા દે હવે, ખબર છે બહુ મોટો ડોક્ટર થઈ ગયો છે. મોટાભાગનાં પેરેન્ટ્સ એનાં સંતાનોને એટલે જ કામ, ધંધા અને સામાજિક વ્યવહારો સોંપી નથી શકતાં, કારણ કે એ તેમને કાયમ નાના અને અણસમજું જ સમજતાં રહે છે. તું રહેવા દે, તને આમાં ખબર ન પડે એવું મોટાભાગનાં મા-બાપે ક્યારેક તો એનાં સંતાનોને કહ્યું જ હોય છે. બહુ ઓછા લોકો સમય સાથે એટલા ગ્રો થયા હોય છે કે એ પોતાનાં સંતાનોને કહી શકે કે હવે બધા ડિસીઝન તમે લો. યુ આર નાઉ ઇનફ મેચ્યોર. ખબર હોય કે સંતાનો સમજુ થઈ ગયાં છે છતાં પોતે કંઈ છોડી શકતાં નથી. ઉંમરના દરેક તબક્કે માણસે કોઈ ને કોઈ નિર્ણયો કરવા પડતા હોય છે અને આપણે કેવા નિર્ણયો કરીએ છીએ તેના પરથી જ નક્કી થતું હોય છે કે આપણે કેટલા ગ્રો થયા છીએ. સંતાનો સામા થાય કે જુદા થઈ જાય તેનું એક કારણ એ પણ હોય છે કે સંતાનો ગ્રો થઈ ગયાં હોય છે, પણ આપણે ગ્રો થયા હોતાં નથી.
સમયની સાથે સુખની ચાવીઓ પણ બદલતી રહેવી પડે છે. કારણ કે સમય તાળાં બદલાવી નાખતો હોય છે. આપણે એકને એક ચાવી લગાડવાની મથામણ કરતા રહીએ છીએ. આખરે એવું કહીએ છીએ કે તાળું ખૂલતું નથી. આપણને તાળું જ ખોટું લાગે છે, ચાવી ક્યારેય ખોટી લાગતી જ નથી. કારણ કે એ આપણી ચાવી હોય છે. ઇગો છોડવા માટે ઘણું બધું લેટ ગો કરવું પડે છે.
એક મહિલા ભગવાન બુદ્ધ પાસે ગઈ. બુદ્ધને તેમણે કહ્યું કે, આઈ વોન્ટ હેપીનેસ. બુદ્ધે કહ્યું કે સાવ સહેલું છે. તમે જે વાત કરી તેમાં સૌથી પહેલાં ‘આઈ’ કાઢી નાખો, પછી ‘વોન્ટ ‘ કાઢી નાખો, એ પછી જે બચશે એ હેપીનેસ જ છે. ‘હું’ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સુખ શક્ય જ નથી અને ઇચ્છાઓનો અંત ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી.
નાનો હોય ત્યારથી માણસ બધું ભેગું જ કરતો હોય છે. માત્ર સાધન કે સંપત્તિ જ નહીં, વિચારો પણ મનમાં જમા થતા રહે છે. વિચારો બદલતાં રહેવા જોઈએ. એકના એક વિચારો પણ ઘણી વાર મનમાં ગાંઠ બનીને જામી જતાં હોય છે. માત્ર મોટી ઉંમરના જ અમુક વિચારો પર અટકી જાય છે એવું નથી, ઘણી વખત નાની ઉંમરના લોકો પણ તેના વિચારોને જડની જેમ વળગેલા રહે છે. નાનપણમાં ઠસાવી દેવાયેલી અમુક વાત આખી જિંદગી સાચી જ માનતા છે. યુવાન થયા પછી ક્યારેય એ તપાસવાનો કે ચકાસવાનો પ્રયાસ જ નથી કરતા કે મને જે કહેવાયું છે એ કેટલું સાચું છે. કોઈ કડવાશ એક જ ઝાટકે નથી બંધાઈ જતી, તેના પર થરના થર લગાવાયા હોય છે. એ ક્યારેક હટાવીને તો જોઈ જોજો, અંદરથી જે નીકળશે એ કદાચ જુદું પણ હોય!
સમય સાથે ગ્રો થવું એટલે દરેક વાતને તટસ્થતાથી અને સ્વસ્થતાથી સમજવી અને સ્વીકારવી. દરેક ભૂલ સુધરતી હોય છે. દરેક માણસ બદલતો હોય છે, ગ્રો થતો હોય છે. જો એની સાથે આપણે પણ ગ્રો ન થઈએ તો આપણે ઘણી વખત કોઈને અન્યાય કરતા હોઈએ છીએ. આવું કરીને સરવાળે તો આપણે આપણને પણ અન્યાય જ કરતાં હોઈએ છીએ. માત્ર વર્ષો ઉમેરાવાથી માણસ મોટો નથી થતો, મોટા થવા માટે મનથી અને વિચારોથી ગ્રો થવું પડે છે. તમે જેવડા છો એટલા ગ્રો થયા છો ખરાં?
છેલ્લો સીન :
જો આપણે સૌ એકબીજાની પ્રાર્થનાઓ સાંભળી શકીએ તો પ્રભુના માથેથી થોડો બોજ જરૂર ઓછો થાય. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 24 નવેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *