શું નસીબમાં લખ્યું હોય એવું જ થતું હોય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પ્રારબ્ધ ને પુરુષાર્થનો પણ સાથ હોવો જોઈએ, મેળ કરમ અને કર્મનો અર્થાત્ હોવો જોઈએ,
જાય છે ખોરાક છોને મુખ મહીં કિન્તુ ‘ લલિત’ , એ ક્રિયામાં હાથનો પણ હાથ હોવો જોઈએ.
– લલિત વર્મા

દુનિયાના કોઈ મહાન માણસને ખબર ન હતી
કે તેનો જન્મ કોઈ મહાન કાર્ય માટે થયો છે. એ બધા જ જે કરતા હતા તે પૂરા દિલથી
કરતાં રહ્યા અને અચાનક જ મહાનતાની મંઝિલે પહોંચી ગયા. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ
થયો ત્યારે તે ખૂબ જ નબળા હતા. એટલા બધા નબળાં હતા કે ચાર વર્ષના થયા ત્યાં સુધી
તો એ બોલી પણ શકતા ન હતા. આઈન્સ્ટાઈનના શિક્ષકે તેના ઘરના લોકોને કહ્યું હતું કે આ
છોકરો એની જિંદગીમાં કંઈ જ કરી શકશે નહીં. આલ્બર્ટ આઈન્સ્ટાઈને મોટા થઈને શું
કર્યું એ આખી દુનિયા જાણે છે.
તમને કોઈ એવું પૂછે કે તમે નસીબમાં
માનો છો? તો તમે શું જવાબ આપો? મોટા ભાગના લોકોનો જવાબ ‘હા’ માં જ હશે કે અમે નસીબમાં માનીએ
છીએ. માનવાવાળા તો એમ પણ માને છે કે બધું જ લખેલું છે. જિંદગીનો આખો પ્રોગ્રામ
અગાઉથી જ સેટ થઈ ગયો હોય છે. આપણે તો ફક્ત પર્ફોમ કરવાનું હોય છે. છઠ્ઠીના દિવસે જ
વિધાતા વિધિના લેખ લખી નાખે છે એવી પણ એક માન્યતા છે. હાથની રેખાઓથી માંડી
કુંડળીના ગ્રહો આપણને જીવનભર જુદા જુદા રંગો બતાવતા રહે છે. આમ છતાં ખરેખર નસીબ
જેવું કંઈ છે કે નહીં એ સવાલ ભગવાન છે કે નહીં એ પ્રશ્ન જેટલો જ ગૂઢ, રહસ્યમય અને રસપ્રદ છે.
હવે બીજો સવાલ, માણસને જો ખબર હોય કે તેના નસીબમાં આવું લખ્યું છે તો એ જેટલી
મહેનત કરે છે એટલી મહેનત કરત ખરો? માની લઈએ કે નસીબ
જેવું કંઈ છે તો પણ એની સૌથી મોટી મજા જ એ છે કે એમાં શું લખ્યું છે એ આપણને ખબર
નથી. હકીકત તો એ છે કે નસીબને નસીબ ઉપર છોડી દેવું જોઈએ. માણસે જે કરતાં હોય એ
કરતાં રહેવું જોઈએ.
નિષ્ફળતા, હતાશા અને નિરાશા માટે દોષ દેવા જો સૌથી વધુ હાથવગુ કોઈ સાધન હોય
તો એ નસીબ છે. મારાં નસીબ જ ખરાબ છે, એવું માણસને જિંદગીમાં એકાદી વાર તો થતું જ હોય છે. ઘણા માટે તો
એની ફ્રિકવન્સી રોજેરોજની અને ઘડીએ ઘડીની હોય છે. નસીબની એક વાત એ પણ છે કે નસીબને
દોષ દેતા રહેવાથી નસીબ બદલી જતું નથી. જે લોકો માત્ર નસીબને દોષ દેતા ફરે છે એ
કશું જ કરી નથી શકતા અને જેને પોતાની જાત ઉપર ભરોસો નથી હોતો એ જ લોકો નસીબને દોષ
દે છે.
માણસ દરેક કામ ગણતરી માંડીને જ કરે
છે. હું આટલું કરું તો મને આટલું તો મળવું જ જોઈએ. એ ન મળે ત્યારે કહે છે કે સાલ્લુ
નસીબ જ ખરાબ છે. યાદ રાખો, મહેનત કરો તોપણ તમે જે ધાર્યું છે એ
મળે જ એવું ઘણી વખત શક્ય નથી બનતું. મહેનત કર્યા પછી ધાર્યું ન મળે તો આપણે એ
પરિસ્થિતિ સ્વીકારી શકતા નથી. તકલીફ એ પણ હોય છે કે આપણે આપણાં નસીબની સરખામણી પણ
બીજાનાં નસીબ સાથે કરતાં રહીએ છીએ અને છેવટે આપણાં નસીબને કોસતા રહીએ છીએ. મારા
કરતાં એનાં નસીબ સારાં છે. એ મારાથી ઓછી મહેનત કરે છે તોપણ મારાથી આગળ છે. ઘણાની
સફળતા જોઈને લોકો એવું પણ બોલતા હોય છે કે ખરેખર નસીબ જેવું કંઈ હોય છે હોં, બાકી એ ક્યાંય ચાલે તેવો નથી. આવું બોલીને સરવાળે તો આપણે આશ્વાસન
જ મેળવતા હોઈએ છીએ. જે એવું માને છે કે મારાં નસીબ સારાં જ છે એ કદાચ વધુ સરળતાથી
સફળતા મેળવી શકે છે. એવા લોકો કદાચ નિષ્ફળતાને પણ સમજી શકે છે કે મારા પ્રયત્નોમાં જ કંઈક ખામી હતી. સત્ય સ્વીકારવું સહેલું નથી
હોતું ને જ્યારે માણસ સત્ય સ્વીકારી શકતો નથી, ત્યારે દોષનો ટોપલો નસીબ પર ઢોળે છે.
એક માણસે ભગવાનને ખૂબ પ્રાર્થના
કરી. અંતે ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે માંગ, તને શું જોઈએ છે? પેલા માણસે આખું
લીસ્ટ કરી દીધું. ભગવાન હસવા લાગ્યા અને કહ્યું કે તું માગે છે એ બધું જ મળે પણ
મારે તને એક વાત કહેવી છે. એ વાત એવી છે કે હું ફૂલ નથી વહેંચતો, હું તો માત્ર બી જ વહેંચું છું. હું તો બધાને બી જ આપું છું. તને
ફૂલ જોઈતું હોય તો તું એ ફૂલને વાવ, છોડની માવજત કર, કળીનું જતન કર
એટલે ફૂલ તો આપોઆપ ઊગશે. ભગવાને આવાં બી તો આપણને બધાને આપ્યાં જ છે, કેવું ફૂલ ઊગે છે તેનો આધાર તો આપણી મહેનત અને માવજત ઉપર છે.
નસીબ કદાચ હોય તો પણ એને ચમકાવતા
રહેવું પડે છે. જો ચમકાવતા ન રહીએ તો નસીબને પણ કાટ લાગી જાય છે. માણસનું પણ કેવું
છે, એ સફળ થશે તો મહેનતને જશ આપશે અને
નિષ્ફળ જશે તો નસીબને દોષ દેશે. યાદ રાખો, સારું થાય એટલા માટે કંઈ ન કરો, કરવું છે અને બેસ્ટ કરવું છે એવું વિચારીને જે કંઈ કરતા હો એ કરતા
રહો પછી જે થશે એ સારું જ થશે.
મંઝિલની સાચી મજા સફરમાં જ છે.
સફરનો આનંદ માણશો તો મંઝિલની મજા લૂંટી શકશો. જો સફરને મજૂરી જ સમજશો તો મંઝિલ
આવશે ત્યારે તમે થાકી ગયા હશો, પછી જે મળ્યું
હશે તેની મજા પણ માણી નહીં શકો. સુખ અને શાંતિ એ રોજિંદી ક્રિયા છે. પણ આપણે તેની
રાહ જોઈને જ બેઠા રહીએ છીએ, પણ એ સમય ક્યારેય આવતો જ નથી.
નસીબમાં હશે એ થશે એવું માનીને બેસી
રહેનાર માણસ એ સમજતો નથી કે અંતે તો તમે જેવું કરો છો એવું જ થવાનું છે. જેને
પોતાની જાત પર ભરોસો નથી હોતો એને નસીબ પણ સાથ નથી દેતું. ખરી રીતે તો નસીબ એ છે
જેનું તમે સર્જન કરો છો. દરેક માણસ પોતે જ વિધાતા છે. વિધિના લેખ આપણે જ લખવાના
હોય છે અને એના માટે લખતાં અને મહેનત કરતા શીખવું પડે છે. તમે એક વિચાર કરો કે તમે
અત્યારે જે છો એ તમારા નસીબના કારણે છે કે તમારી મહેનતના કારણે? લાંબું વિચારશો તો એવું પણ લાગશે કે જો આ તમારું નસીબ હતું તો પણ
તમને તમારી મહેનતથી જ એ મળ્યું છે.
ઘણી વખત કોઈ આપણને મદદ કરે ત્યારે
આપણને એવું લાગતું હોય છે કે એણે મારું નસીબ બદલી નાખ્યું. હકીકતે એવું પણ હોતું
નથી. સરવાળે તો માણસ લાયક અને મહેનતુ વ્યક્તિ ઉપર જ પસંદગી ઉતારતો હોય છે. તમે જે
હોવ છો એ અંતે તો તમારા નસીબ નહીં પણ તમારી મહેનતના કારણે જ હોય છે.
સીધી ને સટ વાત એટલી જ હોય છે કે
જેટલું કરશો એટલું પામશો. નદીમાં પડી જઈએ તો તરવું જ પડે. નસીબમાં હશે તો બચી જશું
એવું વિચારીને જો તરીએ નહીં તો ડૂબી જ જઈએ. જે એવું વિચારે કે હું તરીશ તો બચી જઈશ
એ જ સરવાળે કિનારે પહોંચી શકે છે.
તમને ખબર છે કે તમારાં નસીબ ખરેખર
ખૂબ જ સારાં છે, પણ ના આપણે એવું માનતા નથી, કારણ કે આપણને આપણી પરિસ્થિતિથી સંતોષ જ હોતો નથી. આપણે નસીબને પણ
સાધનો અને સંપત્તિથી માપતા હોઈએ છીએ, સુખ અને શાંતિથી નહીં. તમે જો તમારી જાતને સુખી માનતા હો તો તમે
ખરેખર દુનિયાની સૌથી લકી વ્યક્તિ છો. તમારા નસીબની સરખામણી કોઈની સાથે ન કરો., તમે જે છુઓ તેના માટે ખુશી મહેસૂસ કરો. તમે જે કરો છો એ કરતાં રહો
અને જિંદગીની દરેક ક્ષણનો લુત્ફ ઉઠાવો. નસીબ એ જ છે જે તમે તમારા વિશે માનો છો.
બધું જ સારું છે પણ એવું માનવાની તમારી તૈયારી છે? ના, આપણે તો એવું જ માનીએ છીએ કે કંઈ જ
સારું નથી. બાય ધ વે, તમે શું માનો છો, તમારું નસીબ કેવું છે? હોય છે તો સારું જ, બાકી તો એ આપણે માનતા હોઈએ એવું જ આપણને લાગવા માંડે છે.
છેલ્લો સીન :
દુર્ભાગ્ય હંમેશાં તેને જ નડે છે જે
પોતાની જાતને તેના માટે સાચવી રાખે છે. -એક કથન.
(‘સંદેશ’, તા. 6 જાન્યુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *