મુશ્કેલીઓને તો આપણે જેવડી માનીએ એવડી લાગે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

દૂરથી જોઈ હસે છે કોઈ, રોજ આવીને મળે છે કોઈ,
જીરવીશું, એ અદમ કઈ રીતે ? કેટલો પ્યાર કરે છે કોઈ.
– અદમ ટંકારવી

તકલીફ, મુશ્કેલી, સમસ્યા, ઉપાધિ, ચિંતા એ બધી એવી વસ્તુઓ છે જેના વગર જિંદગી શક્ય જ નથી. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, એ કોઈ ને કોઈ સ્વરૂપે આવી ચડે છે અને આપણી ગણતરીઓ ઊંધી પાડી દે છે. મુશ્કેલીઓ સામેનો જંગ રોજેરોજ ચાલવાનો જ છે. રોજ પડકારો આવવાના જ છે, આપણે એ ઝીલવાના જ છે અને તેને ખતમ કરવાના છે. જિંદગી તો મુશ્કેલીઓને મારવાની રમત છે, તમે આ રમત કેવી રીતે રમો છો તેના ઉપર તમારી હાર-જીત અને થાક-આનંદનો આધાર છે. મુશ્કેલીઓથી તમે જેટલા ડરો એટલી એ બિહામણી લાગવાની છે.

જિંદગીની મજા તો જ છે જો આપણે તમામ મુશ્કેલીઓ માટે માનસિક રીતે તૈયાર રહીએ. મુશ્કેલી આપણને મોટાભાગે એટલે જ મોટી લાગતી હોય છે કારણ કે આપણે તેના માટે તૈયાર નથી હોતા. આપણે હંમેશાં એવું જ માનીએ અને ઇચ્છીએ છીએ કે બધું સરખું અને સમુંસૂતરું ચાલે પણ એવું થતું નથી. આપણે ધાર્યું હોય કંઇ અને થઈ જાય કંઇ જુદું જ. આમ જુઓ તો જિંદગીની મજા જ એ છે. બધું જ પ્લાન્ડ અને આપણે ઇચ્છીએ એમ જ ચાલતું હોત તો જિંદગીની મજા જેવું જ કંઈ ન હોત.

માત્ર મુશ્કેલી કે સમસ્યા જ નહીં, આપણને સફળતા અને આનંદ પણ ઓચિંતો જ મળતો હોય છે. કંઈક અચાનક જ એવું થાય છે કે આપણે રાજીના રેડ થઈ જઈએ છીએ. ત્યારે આપણે એ નથી વિચારતા કે જિંદગીમાં કેવી અચાનક ખુશી આવી ગઈ. પણ જો સમસ્યા આવે તો આપણે રાડ પાડીને ઊભા થઈ જઈએ છીએ. જિંદગી અચાનક જ યુ ટર્ન લઈ લે છે. આગળનો રસ્તો ક્યારેક સારો હોય છે અને ખરાબ. ક્યારેક સીધો હોય છે અને ક્યારેક ખરબચડો. ક્યારેક સ્મૂધ હોય છે અને ક્યારેક સંઘર્ષભર્યા. આપણે યાદ એટલું જ રાખવાનું હોય છે કે આગળ રસ્તો છે. જિંદગીનો કોઈ રસ્તો કાયમ એકસરખો રહેતો નથી. ચડાવ ઉતાર એ જિંદગીની ફિતરત છે.

એક માણસ હતો. તેની જિંદગી સમસ્યાઓથી ભરપૂર હતી. એક મુશ્કેલી જાય અને બીજી આવે. કોઈ એની વાત સાંભળે ત્યારે એવું કહે કે એ માણસને ખરેખર દાદ દેવી પડે. એની જગ્યાએ બીજો કોઈ હોય તો તૂટી જાય. ઈશ્વરે તેને મુશ્કેલીઓનો સામનો કરવાની અજબ તાકાત આપી છે. બધા મિત્રો એમ જ કહેતા કે યાર તારી હિંમત કાબિલેદાદ છે. અચાનક સમય બદલાયો. તેની જિંદગીમાં બધું જ સરખું થઈ ગયું. જે પ્રોબ્લેમ્સ હતા એ બધા જ દૂર થઈ ગયા.

અલબત્ત, નવા સમય અને સંજોગોમાં એ માણસ ડરવા લાગ્યો. વાતેવાતે મૂંઝાઈ જતો. એને એ ભય લાગવા માંડયો કે મુશ્કેલીઓ પાછી આવી ચડશે તો? માંડ બધું શાંત થયું છે એ ખળભળી જશે તો? એ માણસ ડિપ્રેશનમાં આવી જાય એ હદે ગભરાવા લાગ્યો. ત્યારે તેના મિત્રએ કહ્યું કે જ્યારે ડરવા જેવું હતું ત્યારે તું ડર્યો કે ડગ્યો નહીં તો હવે શા માટે મૂંઝાય છે? હવે તો ડરવાનું કોઈ કારણ જ નથી અને મુશ્કેલી આવે તો પણ શું છે? તેં આટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તારી જિંદગીમાં જે મુસીબતો આવી છે એનાથી મોટી મુસીબત તો નહીં જ હોય. આપણી તકલીફ જ એ હોય છે કે મુશ્કેલી હોય નહીં ત્યારે પણ આપણે તેનાથી ડરતા રહીએ છીએ. માણસ વાસ્તવિક ભય કરતાં કાલ્પનિક ડરથી વધુ ભયભીત રહે છે. માણસમાં મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત હોય છે પણ મુશ્કેલીના કાલ્પનિક ભયને ટાળવાની તાકાત હોતી નથી. આમ થશે તો શું થશે? જે મળ્યું છે એ છીનવાઈ જશે તો? હાથમાં છે તે છીનવાઈ જવાના ડરે માણસ વર્તમાનનો આનંદ માણી શકતો નથી.

ઘણાં લોકોને તો જે મુશ્કેલીઓ ચાલી ગઈ છે તેને પણ રડતાં રહેવાની આદત હોય છે. તમને ખબર નથી મેં કેવા ખરાબ દિવસો જોયા છે, મારી જગ્યાએ તમે હો તો તમને ખબર પડે, તમારે વાતો કરવી છે અને સલાહો આપવી છે. એ તો જેના પર વીતી હોય એને ખબર પડે. સ્મરણો હંમેશાં સારાં અને ખરાબ હોવાનાં, તમે કયા સ્મરણને વાગોળો છો તેના પરથી તમારા આનંદ અથવા પીડા જીવંત થાય છે. તમે નક્કી કરો કે તમારી જિંદગીમાં તમારે શું જીવતું રાખવું છે. ઘણાં લોકોને જોઈને આપણે એવું કહીએ છીએ કે તેની પાસે બધું છે પણ એને જીવતાં નથી આવડતું. સાચી વાત છે. જીવતાં આવડવું જોઈએ. જીવવાનું કોઈ શીખવી ન શકે, એ આપણે જ શીખવાનું છે. તમારી જિંદગીને તમે જ આકાર આપી શકો. જે વીતી ગયું છે તેને ભૂલી જવામાં જ માલ છે. જિંદગીમાં નવાં નવાં પ્રકરણો સતત ઉમેરાતાં જાય છે. બધાં પ્રકરણોને યાદ રાખવાની જરૂર નથી. માણસ એક સમયે એક જ વિચાર કરી શકે, કાં તો સારો વિચાર અથવા તો ખરાબ વિચાર. તમે જેવા વિચારથી શરૂઆત કરશો એવા વિચારો આવતા રહેશે. વિચારો રોકાતા નથી. એ તો આવતાં જ રહેવાના. કેવા વિચારોને આવવા દેવા એ તમારા હાથની વાત છે.

ઘણાં લોકોને રાઈનો પહાડ બનાવવાની આદત હોય છે. નાનકડી સમસ્યાને એવડું મોટું રૂપ આપી દેશે જાણે જિંદગીમાં તેના સિવાય કોઈને મુશ્કેલી છે જ નહીં, દરેકને પોતાની મુશ્કેલી મોટી જ લાગે છે. નાની નાની મુશ્કેલીઓથી ડરી ન જાવ કે ડિસ્ટર્બ ન થાવ. મુશ્કેલી તો આવે અને જાય, તેને માઈન્ડ નહીં કરવાની. તમે જો તમારી મુશ્કેલીને હાવી થવા દેશો તો એ તમારા ઉપર ચડી બેસશે.

ઘણી વખત તો આપણે જેને મુશ્કેલી કે સમસ્યા સમજતાં હોઈએ છીએ એ મુશ્કેલી હોતી નથી, આપણે ફક્ત થોડું એડજસ્ટ કરવાનું હોય છે. આપણી આદતો જ ઘણી વખત આપણને મુશ્કેલી જેવી લાગે છે. બે ઓશિકાં લઈને સૂવાની આદત હોય, ક્યાંક જઈએ અને આપણને બે ઓશિકાં ન મળે તો આપણને એ મોટી મુશ્કેલી લાગે છે. આપણે નાની નાની વાતોથી ખુશ થતાં નથી પણ નાની નાની વાતોથી તરત દુઃખી થઈ જઈએ છીએ.

મુશ્કેલી આવે ત્યારે માણસો ફરિયાદો કરવા લાગે છે. મારી સાથે આવું જ થાય છે. હકીકતે બધા લોકોની સાથે આવું થતું જ હોય છે. આપણને હંમેશાં બીજા લોકોનું સુખ જ સારું લાગતું હોય છે. એક વ્યક્તિને તેના મિત્રએ કહ્યું કે, તને શું વાંધો છે, તારું તો બધું ગોઠવાયેલું છે, બધું વેલ મેઇન્ટેઇન છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે એ તો તને એવું લાગે. બાકી મારી હાલત મને જ ખબર છે. આપણે ક્યારેય એમ નથી કહેતા કે યાર તારી વાત સાચી છે. મારા ઉપર કુદરતની દયા છે. બીજા લોકો જેટલી મુશ્કેલી મારા પર નથી. કુદરતે મને ઓલવેઝ ફેવર કરી છે.

તમે વિચારજો, જો તમે એવું માનશો કે કુદરતે તમને ઓલવેઝ મદદ કરી છે તો તમને એવું જ ફિલ થશે કે કુદરત તમારી સાથે છે. પણ જો તમે એવું વિચારો કે કુદરતે તમને સતત અન્યાય જ કર્યો છે તો તમને એ સાબિત કરવા હજાર ઉદાહરણ અને ઘટનાઓ તમારી જિંદગીમાંથી જ મળી આવશે. પ્લસ અને માઇનસ પોઈન્ટસથી જ જિંદગી બને છે. તમે જો માઇનસ જ જોશો તો સરવાળો પણ મઇનસમાં જ આવશે. તમે જો પ્લસ જોશો તો જે છે તેનો મતલબ તમને સમજાશે. કોઈની સાથે તમારી સરખામણી ન કરો. ન સારા સાથે ન ખરાબ સાથે, કારણ કે તમે ઉમદા છો, તમે બેસ્ટ છો. જો તમે જ તમને બેસ્ટ નહીં માનો તો કોઈ તમને બેસ્ટ નહીં માને. મુશ્કેલીઓને ગાવા-વગાડવાનું બંધ કરવું જોઈએ. મારી મુશ્કેલી મારી છે, મારે જ તેનો સામનો કરવાનો છે, દુનિયાને તેની સાથે શું છે. તમારી તકલીફોથી કોઈ મતલબ નથી. ઉલટું તમે મુશ્કેલીઓ જ વર્ણવતા રહેશો તો લોકો આઘા ભાગશે, કારણ કે એના ભાગની મુશ્કેલીઓ એની પાસે ઓલરેડી છે જ. હા, તમે જો ખુશી વહેંચતા રહેશો તો લોકો તમારી નજીક આવશે, કારણ કે બધાંને તેની જ જરૂર છે. મારા ઉપર છે એવી કુદરતની કૃપા તો બીજા કોઈ પર નથી, એવું તમે કોઈને કહી જોજો. કોઈ આપણી દયા ખાય એવી દાનત ક્યારેય રાખવી નહીં, તમને શું ગમે? લોકો તમને બિચારા સમજે એ કે બહાદુર સમજે એ? આપણે બધાએ દેખાવવું તો બહાદુર જ હોય છે. પણ નાની અમથી વાતથી આપણે બિચારા દેખાવવા લાગીએ છીએ. કોઈ તમને કેવા સમજે એનો આધાર અંતે તો તમારા પર જ છે. જિંદગી સુંદર છે. શરત એટલી કે જો આપણે તેને સુંદર સમજીએ તો.

છેલ્લો સીન :
સુખ પ્રાપ્ત કરવાની તક સાંપડી ન હોય એવા લોકો બહુ ઓછા હશે અને આ તક જેમણે ઝડપી લીધી હોય તેવા તો એનાથીય ઓછા. આંદ્રે મોરધા.

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: