દૂરના, નજીકના, દિલના અને દિમાગના સંબંધો
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એમાં તમે છો, હું છું અને થોડા મિત્ર છે,
એથી જ જીવનકથાના પ્રસંગો સચિત્ર છે.
– બરકત વિરાણી ‘બેફામ’
માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાના લોકો સાથે લડી શકતો નથી, કારણ કે ત્યાં એને ‘જીતવું’ હોતું નથી પણ ‘જીવવું’ હોય છે. આખી દુનિયા પ્રેમ કરતી હોય પણ આપણે જેને પ્રેમ કરતાં હોય એવી એક વ્યક્તિ જો આપણને નફરત કરતી હોય તો જિંદગીમાં અધૂરપ લાગે છે.
સંબંધો બહુ અટપટી ચીજ છે. કેટલાક સંબંધો દૂરના હોય છે અને કેટલાક નજીકના. કેટલાક દિલના હોય છે એટલે કેટલાક દિમાગના. કેટલાક લોહીના હોય છે અને કેટલાક પાણીના. થોડાક સંબંધો આંસુના હોય છે. હસી શકાય તેવા સંબંધો ઘણા હોય છે પણ રડી શકાય એવા સંબંધો શોધવા પડે છે. રડવા માટે જ્યારે કોઈ ખભો ન મળે ત્યારે માણસ ખૂણો શોધે છે. તમારી પાસે એવી વ્યક્તિ છે જેની પાસે તમે કોઈ સંકોચ વગર રડી શકો? આંસુ આપણું પડે અને પીગળતું કોઈ હોય ત્યારે સાચો સંબંધ જીવાતો હોય છે. કોઈ સમજવાવાળું હોય તો માણસ વેદના પણ જીવી જાય છે.
કેટલાક સંબંધો કામના હોય છે, કેટલાક ન-કામના હોય છે અને મોટા ભાગના સંબંધો માત્ર ‘નામ’ના હોય છે. માણસનું ‘નામ’હોય તો માન આપનારા પણ કેટલાક સંબંધો હોય છે. મન વગરના નમન ગરજાઉ હોય છે. ગરિમાવાળા સંબધોનો દુકાળ છે. આપણે કેટલા બધા સુકાયેલા અને ચીમળાયેલા સંબંધો જીવતાં હોઈએ છીએ ?
ઘરના લોકો પણ જ્યારે અજાણ્યા લાગવા માંડે ત્યારે માણસ ખરી એકલતા અનુભવે છે. એકાંત ઉમદા છે પણ એકલતા અઘરી છે. આપણા કેટલા લોકો ‘પોતાના’ હોય છે? ઘણી વખત ઘરના લોકોનો જ ભાર લાગતો હોય છે. ઘણા લોકો ઘરમાં હોય ત્યારે ઘર ‘ભારી’ લાગે છે અને કેટલાક લોકો જાય ત્યારે ઘર ખાલી લાગે છે.
કેટલાક લોકોના નસીબમાં તો વિરહ પણ નથી હોતો. કોઈ હોય તો વિરહ હોય ને! બે મિત્રો હતા. એક મિત્રની પ્રેમિકા દૂર હતી. એ મિત્ર દુઃખી હતો. મિત્ર પાસે વેદના ઠાલવે. પ્રેમિકા સાથેની યાદો વાગોળે. એક દિવસ દુઃખી મિત્રે કહ્યું કે મારા જેવો કમનસીબ કોઈ ન હોય. મારી પાસે પ્રેમિકા છે છતાં નથી. આ સાંભળી બીજા મિત્રએ કહ્યું કે તું કમનસીબ નથી પણ નસીબદાર છે. તારી પાસે કોઈ તો એવું છે જેનો તને વિરહ છે. તારો ખાલીપો બીજી રીતે પ્રેમનો જ પર્યાય છે.
અનાથ આશ્રમમાં ઉછરેલા એક યુવાનને એક મિત્ર મળ્યો. એ મિત્રનાં મા-બાપ અવસાન પામ્યાં હતાં. મિત્રે અનાથ દોસ્તને કહ્યું કે, તારે પણ મા-બાપ નથી અને મારે પણ મા-બાપ નથી. એ રીતે આપણે બંને સરખા છીએ. આ વાત સાંભળીને અનાથ મિત્રે કહ્યું કે તારી વાત આમ સાચી છે અને આમ ખોટી છે. તારી પાસે તારી વેદનાનો આધાર છે. તારી પાસે બે ચહેરા છે. મારી પાસે તો મારી વેદનાનો કોઈ આધાર જ નથી. આધાર ન હોય ત્યારે ધાર બહુ તીક્ષ્ણ લાગે છે અને આવી ઘણી ધારો આખી જિંદગી ભોંકાતી રહે છે.
રાખવા પડે એટલે રખાતા સંબંધોની સંખ્યા વધતી જાય છે. ફોર્માલિટી એટલી બધી વધી ગઈ છે કે માણસ નોર્મલ રહી શકતો નથી. જવું પડે એટલે જતાં હોઈએ એવા આપણા સંબંધો કેટલા બધા છે અને જ્યાં જવાનું મન થાય એવા સંબંધો કેટલા છે?ખરાબ ન લાગે એટલા માટે આપણે સારું લગાડતા હોઈએ છીએ! કાર્યક્રમો અને પ્રસંગોમાં વધતી સંખ્યા હવે ‘સ્ટેટ્સ’ ગણાય છે. આપણે સાંભળીએ છીએ કે, ઘણા માણસો હતા હોં! જેટલા માણસો હોય છે એમાંથી કેટલા સંબંધો સાચા હોય છે?
ફૂલોના બુકેની દુકાનો વધતી જાય છે અને આપણા સંબંધોમાંથી સુગંધ ઘટતી જાય છે. બુકે વેચતા એક વેપારીએ કહ્યું કે માણસ બુકે પસંદ કરતી વખતે કિંમત જુએ છે, જેટલો માણસ વધુ કામનો એટલો સારા માયલો બુકે લેવાનો! મોટા માણસની વ્યાખ્યા બુકેની સાઈઝથી મપાય છે! સંબંધો પણ આર્િટફિશિયલ થતા જાય છે. એક માણસ દરરોજ સ્ટ્રોબેરીનો આઈસક્રીમ ખાતો હતો. તેણે સ્ટ્રોબેરી કોઈ દિવસ જોઈ જ ન હતી. એ તો આઈસક્રીમના નકલી સ્વાદને જ સાચો માનતો હતો. એક દિવસ તેને અસલી સ્ટ્રોબેરી ખાવા મળી. સ્ટ્રોબેરી ચાખીને તેણે કહ્યું કે આ સ્વાદ બરાબર નથી! આપણે આર્િટફિશિયલ સંબંધોમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આપણને સાચા સંબંધો પણ હવે સ્પર્શતા નથી. દરેક સંબંધ પર આપણને શંકા જાય છે. એનો શું સ્વાર્થ છે કે એ મારું આટલું બધું ધ્યાન રાખે છે? એવો વિચાર કરવાવાળા લોકો વધતા જાય છે.
કોઈ પ્રેમથી બોલાવે તોપણ માણસને એવું લાગે છે કે નક્કી એનો કંઈક સ્વાર્થ હોવો જોઈએ. જાણે સ્વાર્થ વગરનો કોઈ પ્રેમ જ ન હોય. એક પ્રેમીએ તેની પ્રેમિકાને કહ્યું કે હું તને ખરેખર સાચો પ્રેમ કરું છું. ખરેખર સાચો એટલે શું? હું પ્રેમ કરું છું એ પૂરતું નથી? ખોટા પ્રેમની સંખ્યા વધતી જાય ત્યારે સાચો પ્રેમ પણ શંકાસ્પદ બની જાય છે. કેટલા સંબંધો સમ ખાઈને નભતા હોય છે? સમ ખાવા પડે ત્યારે સમજજો કે તમારા સંબંધમાં શ્રદ્ધા ખૂટી ગઈ છે. ઘણાના તો સમ પણ એવા હોય છે કે માણસ પૂછી બેસે, તું સાચા સમ ખાય છે એની શું ખાતરી?
માણસ પાસે હવે એવા સંબંધોની પણ અછત છે કે જ્યાં એ દિલ ખોલીને બોલી શકે. કોઈને અંગત વાત કરતાં પણ માણસ ડરવા લાગ્યો છે. એ મારી વાત લીક કરી દેશે તો? તમારી બધી જ અંગત વાતો કરી શકો એવો કોઈ સંબંધ તમારી પાસે છે?જો હોય તો તમે નસીબદાર છો.
સંબંધમાં એક બીજી વાત એ પણ છે કે દરેક સંબંધ ઉપર શંકા ન રાખો. સંબંધોમાં ડરવાનું પણ ન હોય. ઘણા લોકો પોતાની અંગત વાત કરતા જ નથી. સંબંધોને પણ તક આપવી જોઈએ. સંબંધ ખોટો પડશે તો? એ ભયે સંબંધ જ ન બાંધીએ તો ક્યારેય સાચો સંબંધ મળશે જ નહીં. લોહીના દરેક સંબંધ ઘટ્ટ નથી હોતા, નજીકના દરેક સંબંધ પાસે નથી હોતા, એવી જ રીતે દૂરના બધા સંબંધો પણ દૂર નથી હોતા.
એક ગઝલની પંક્તિ છે. તેરે જહાં મેં ઐસા નહીં કે પ્યાર ન હો, જ્હાં ઉમ્મીદ હો ઉસ કી વહાં નહીં મિલતા… ચલો માની લઈએ કે જ્યાં ઉમ્મીદ હોય ત્યાંથી ન મળે પણ જ્યાંથી મળે છે ત્યાં કેટલી લાગણી હોય છે? કોઈ સંબંધમાં ગેરંટી નથી હોતી. સંબંધોનો કોઈ ટ્રેડ માર્ક નથી. સંબંધો તો બસ જિવાતા હોય છે. સંબંધોમાં શ્રદ્ધા રાખો અને સંબંધો જીવો જે સંબંધમાં સત્ત્વ હશે એ કાયમ સજીવન જ રહેશે. નિર્જીવ સંબંધોની પાછળ ન દોડો, એવા સંબંધોમાં હાંફ સિવાય કંઈ જ નહીં મળે. દરેક માણસ પાસે પોતાના પૂરતા સંબંધો હોય જ છે પણ આપણે એ સંબંધને નજરઅંદાઝ કરતાં હોઈએ છીએ. તમારા સંબંધોને જીવતાં રાખો, કારણ કે આખરે એ જ જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે.
છેલ્લો સીન
જો તમારી ઇચ્છા પ્રેમ મેળવવાની હોય તો, પ્રેમ કરો. – સેનેકા
kkantu@gmail.com