તું હવે મારા પ્રેમનો
ગેરફાયદો ઉઠાવે છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જે ભૂલી જવાના રસ્તા હોય છે,
એ બધા સાવ જ અમસ્તા હોય છે,
આંખ જેને શોધવા પામે નહીં,
આંખ સામેથી ક્યાં ખસતા હોય છે?
– હિમલ પંડ્યા
માણસ સંબંધો જીવે છે. દરેક માણસ પોતાના લોકો માટે જ બધું કરતો હોય છે. દરેકની એવી અગંત વ્યક્તિ હોય છે જે એને જીવ જેવી વહાલી હોય છે. માણસ માટે સૌથી મોટો આનંદ પોતાની વ્યક્તિને ખુશ જોવાનો જ હોય છે. એના માટે હું શું કરું? કેવું સરપ્રાઇઝ આપું? માણસ પ્લાનિંગ કરતો હોય છે. માણસ બધું જ કરે છે, માત્ર પોતાની વ્યક્તિને થોડીક ક્ષણો માટે ખુશ કરવા, એના ચહેરાની રોનક જોવા અને એને એ અહેસાસ કરાવવા માટે કે, હું તને પ્રેમ કરું છું. મારા માટે તું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માણસ જે કરે એનો સામેથી જરાકેય પડઘો પડે ત્યારે એને થાય છે કે, મેં કર્યું એ વસૂલ. પ્રેમનો પ્રતિસાદ જ્યારે બોદો આવે ત્યારે માણસને અવસાદ થાય છે. આપણા માટે કોઇ કંઇ કરતું હોય ત્યારે એની કદર કરવી એ પણ મોટી કળા છે. આપણે પણ આપણી વાણી કે આપણા વર્તનથી એ સાબિત કરવું જોઇએ કે મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે. હવા હોય અને દીવો પ્રગટાવતા હોય ત્યારે હવાને રોકવાવાળા બે હાથ આવે ત્યારે જ પ્રેમનો સાચો પ્રકાશ રેલાતો હોય છે. આપણે ઘણી વખત આપણી વ્યક્તિને કહેતા હોઇએ છીએ કે, કંઇ ચિંતા ન કરીશ, હું બેઠો છું. આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. એ હોય પણ છે. જ્યારે બોલાવો ત્યારે એ આવી જાય છે. ઘણી વખત તો કહેવું પણ નથી પડતું. આપણા માટે જેણે આવું કર્યું હોય એને આપણે ક્યારેય કહ્યું છે કે, જ્યારે મારે જરૂર હતી ત્યારે તું હતો અથવા તો તું હતી. તેં જે કહ્યું હતું એ તેં કર્યું પણ છે. આપણે ઘણી વખત કદર કરવામાં પણ કંજૂસાઇ કરતા હોઇએ છીએ.
આપણે જે કોઇ કક્ષાએ પહોંચ્યા હોઇએ છીએ તેની પાછળ માત્ર આપણી જ મહેનત નહીં, કોઇના પ્રયાસો પણ કારણભૂત હોય છે. આપણે એને કેટલા યાદ કરતા હોઇએ છીએ? એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ ગરીબ પરિવારનો હતો. તેને ભણવું હતું. એક સારા માણસને ખબર પડી. તેણે પોતાની એક વ્યક્તિ મારફતે એની ફી ભરી દીધી અને પુસ્તકો સહિત જે કંઇ જરૂરી હોય એ કરી આપ્યું. એ છોકરો સારા માર્ક્સે પાસ થતો રહ્યો. દર વર્ષે પેલી વ્યક્તિ ફી ભરતી રહી. એ બધું જ્યાં સુધી તેણે આઇઆઇટી પાસ કર્યું ત્યાં સુધી ચાલ્યું. જે વ્યક્તિ મારફતે એની ફી જમા થતી એને એ યુવાને એક વખત પૂછ્યું, મને કહો તો ખરા કે આખરે મારી અત્યાર સુધીની ફી કોણે આપી છે? એ વ્યક્તિ કોણ છે જેણે મારી જિંદગી બનાવી છે? પેલા ભાઇએ કહ્યું, એમણે નામ આપવાની ના પાડી છે. મેં તેને બહુ કહ્યું ત્યારે તેણે તારા માટે એક મેસેજ આપ્યો છે. એ પણ તારે કરવું જ એવો કોઇ આગ્રહ નથી કર્યો. તેણે કહ્યું કે, જેમ એમણે તારા સ્ટડી માટે જે થઇ શકે એ કર્યું એમ તું પણ કોઇના માટે કંઇક કરજે. આપણા માટે કોઇએ કંઇ કર્યું હોય ત્યારે ઘણી વખત આપણે તેનું સીધું ઋણ ઉતારી શકતા નથી. આપણી ઇચ્છા અને દાનત હોય તો આપણે જુદી રીતે અને જુદા રસ્તે ઋણ અદા કરી શકીએ છીએ.
આપણને ઘણી વખત એવા અનુભવો થયા હોય છે કે, જેની પાસે આપણને અપેક્ષા હોય કે એ જરૂર પડ્યે ઉપયોગી થશે, એ જ ખરા સમયે મોઢું ફેરવી લેતા હોય છે. સામા પક્ષે જેની પાસેથી ક્યારેય નયા ભારની અપેક્ષા ન હોય એ વ્યક્તિ મદદે આવી હોય. સંબંધો ક્યારેક આઘાત આપે છે તો ક્યારેક આશ્ચર્ય પણ આપે જ છે. કોઇ સ્વાર્થ વગર જ્યારે કોઇ આપણી પડખે આવીને ઊભું રહે ત્યારે ઘણી વખત એવો સવાલ પણ થાય છે કે, આ માણસ મને શા માટે મદદ કરે છે? અત્યારનો સમય એવો થઇ ગયો છે કે, કોઇ સ્વાર્થ વગર મદદ કરે તો પણ શંકા જાય છે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે કોઇ કારણ વગર પણ મદદ કરતા હોય છે. એક વ્યક્તિ જ્યારે આવી જ રીતે મદદ કરતી હતી ત્યારે જેણે મદદ લીધી તેણે સવાલ કર્યો હતો કે, તમે મને શા માટે મદદ કરો છો? એ માણસે માત્ર એટલું જ કહ્યું કે, જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે એક માણસે મને પણ કોઇ પણ જાતના સ્વાર્થ વગર મદદ કરી હતી એટલે હું તને મદદ કરું છું.
કોઇના પ્રેમ અને લાગણીને આપણે કેવી રીતે લેતા હોઇએ છીએ? કેટલાક લોકો એવા પણ હોય છે જે કોઇના પ્રેમ અને લાગણીનો ગેરફાયદો પણ ઉઠાવતા રહે છે. એને ખબર હોય છે કે, એ વ્યક્તિ મારા માટે બધું કરશે એટલે એ તેની પાસે પોતાનું ધાર્યું કરાવતા જ રહે છે. બે મિત્રોની વાત છે. એક મિત્ર કંઇ કરતો નહોતો. તેનો મિત્ર પૈસેટકે સુખી હતો. એ પોતાના મિત્રને તમામ મદદ કરતો હતો. ધીમે ધીમે તેના મિત્રને મદદની આદત પડી ગઇ. કંઇ કામ હોય તો એ કોઇ જાતના સંકોચ વગર તેના મિત્રને કહી દેતો. એક વખત તેણે પોતાના મિત્ર પાસે એક કામ માટે આર્થિક મદદ માંગી. મિત્રએ આખરે કહ્યું કે, હવે તું મારા પ્રેમનો ગેરફાયદો ઉઠાવે છે. તું મારી મદદને કાયમી ન સમજ. તારે પણ જે કરવું જોઇએ એ કર. મદદ ટકવા માટે હોય છે. મેં તને તૂટવા નથી દીધો, પણ તું તો ટટ્ટાર રહેવાનો થોડોક પ્રયાસ કરે. મારા પર નિર્ભર રહેવાને બદલે તારા માટે તું કંઇ કર.
એક સાવ સાચો કિસ્સો છે. એક પિતા-પુત્ર હતા. પિતાએ પુત્રને ભણાવ્યો ગણાવ્યો. તેને ઠીકઠાક નોકરી પણ મળી ગઇ. દીકરાને ખબર હતી કે પિતા પાસે માંગીશ એ મળી જશે. પોતાનો પગાર આવતો હતો તો પણ એ પિતા પાસે કોઇ ને કોઇ બહાને નાણાં માંગતો રહેતો. એક વખત પિતાએ ના પાડી દીધી. તેણે દીકરાને કહ્યું, તું હવે કમાવા લાગ્યો છે. તારું હવે તું કરી લે. દીકરો થોડો નારાજ થયો અને બહાર ચાલ્યો ગયો. દીકરો ગયો પછી પત્નીએ તેના પતિને કહ્યું, તમે કેમ ના પાડી? આપણો એકનો એક દીકરો તો છે. આ બધું એના માટે તો કર્યું છે. આપણે કંઇ ભેગું થોડું લઇ જવાનાં છીએ? પત્નીની વાત સાંભળીને પતિએ કહ્યું, હા, આ બધું એનું જ છે. આપણા પછી એને જ મળવાનું છે. એના માટે જ આપણે બધું કર્યું છે. સવાલ એ નથી, સવાલ એની ડિપેન્ડન્સી દૂર કરવાનો છે. એને એવું થવું જોઇએ કે, મારી જવાબદારી હવે મારે ઉપાડવાની છે. એને એની રિસ્પોન્સિબિલિટીનું ભાન થાય એટલે જ તેને આવું કહ્યું છે. મદદ ત્યારે જ માંગવી જોઇએ જ્યારે ખરેખર તેની જરૂર હોય. મદદ માંગવાની આદત ન પડી જવી જોઇએ. કેટલાક લોકો એવા પણ હોય છે જે એવું કહે છે કે, મરી જાઉં પણ કોઇની મદદ ન માંગું. આ વાત પણ ખોટી છે. જ્યારે કોઇ રસ્તો ન હોય, કોઇ આધારની જરૂર હોય ત્યારે પોતાની નજીકની વ્યક્તિ પાસે મદદ માંગવામાં કશું જ ખોટું નથી. આપણને જે લોકો પ્રેમ કરતા હોય છે, આપણા માટે જેને લાગણી હોય છે એને મદદ કરવામાં કોઇ પ્રોબ્લેમ હોતો નથી. એને ભરોસો હોય છે કે, એ જેન્યુન છે. મદદ મેળવવા માટે પણ લાયકાત કેળવવી પડતી હોય છે. સંબંધમાં સ્વાર્થ ન હોવો જોઇએ એ વાત સાચી છે, પણ જરૂર પડ્યે સંબંધ જ તો કામે લાગતો હોય છે. ધ્યાન એટલું રાખવાનું કે, કોઇ આપણા પ્રેમ, સ્નેહ કે લાગણીનો ગેરફાયદો ન ઉઠાવી જાય.
છેલ્લો સીન :
કોઈને આપણા પર શ્રદ્ધા હોય ત્યારે એની શ્રદ્ધાને ટકાવી રાખવાની જવાબદારી આપણી બને છે. શ્રદ્ધા, ભરોસો કે વિશ્વાસ તૂટે એ પછી સંધાતો નથી. કોઈ કદાચ માફ કરી દે, પણ એ ભૂલી તો શકતા જ નથી. સંબંધમાં એટલું ધ્યાન રાખવું પડતું હોય છે કે, કંઈ થાય તો એના માટે જવાબદાર આપણે ન હોવા જોઈએ. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 ઓગસ્ટ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
