ડિસ્ટર્બિંગ કન્ટેન્ટ : દુ:ખી થવાય એવું
પણ આપણે જોતા જ રહીએ છીએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
હત્યા, આપઘાત, મારામારી, એક્સિડન્ટ સહિતની
ઘટનાઓ સોશિયલ મીડિયા પર મુકાતી રહે છે.
ક્યારેય વિચાર કર્યો છે કે, એ બધું જોઇને આપણા
દિલોદિમાગ પર કેવી અસર થાય છે?
———–
મોટાભાગના લોકો જરાકેય નવરા પડે એટલે મોબાઇલ હાથમાં લઇને સોશિયલ મીડિયા જોવા લાગે છે. આપણે જોવું હોય એવું સામે આવે ત્યાં સુધી તો બધું બરાબર છે, આપણે ન જોવું હોય એવું પણ આપણી સામે આવતું રહે છે. કોઇ માણસની સરાજાહેર છરીના ઘા મારીને કે ફાયરિંગ કરીને હત્યા થાય છે. આ ઘટનાનો વીડિયો અથવા તો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. આપણે એ વીડિયો આંખો પહોળી કરીને જોઇએ છીએ. થોડા સમય પહેલાં પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી એક છોકરી પર ચાર છોકરાઓએ દુષ્કર્મ કર્યું એનો વીડિયો ખૂબ ફર્યો હતો. કોઇ માણસ આપઘાત કરતા પહેલાં સ્યૂસાઇડ નોટની જેમ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. કેટલાક તો વળી સોશિયલ મીડિયા પર ઓનલાઇન જ આપઘાત કરે છે. કોઇ વૃદ્ધને ઢોર શિંગડાં ભરાવીને ઉછાળે છે, તો વળી કોઇમાં કૂતરાંઓ નાનાં બાળકો પર હુમલો કરે છે. એક્સિડન્ટના ખતરનાક વીડિયો અપલોડ થવાના બનાવો તો રોજિંદા થઇ ગયા છે. કાર કે બીજું વાહન ધડાકાભેર અથડાય છે અને કારના ફૂરચેફૂરચા ઊડી જાય છે. કોઇ ટ્રક વળી પુલ પરથી નીચે ખાબકે છે. કેટલાક કિસ્સામાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરનાર યુવાન પથ્થર પરથી લસરીને પાણીના પ્રવાહમાં તણાઇ જાય છે. આવું આપણે રોજેરોજ જોતા રહીએ છીએ. ક્યારેય એ વિચાર કર્યો છે કે, એવું બધું જોવાના કારણે આપણા મન અને મગજ પર કેવી અસર થાય છે?
કેટલાંક મીડિયા અથવા તો ઇન્ફ્લુઅન્સરો ક્લિપ કે ન્યૂઝ પહેલાં સંવેદનશીલ કન્ટેન્ટ એવો મેસેજ મૂકે છે. એ વાંચીને આપણને ખબર જ હોય છે કે, આમાં અરેરાટી થાય એવું જ કંઇક હશે. માણસનો સ્વભાવ છે કે, આવું વાંચીને તો ખાસ જોશે કે એવું તો શું છે? કેટલાક કિસ્સામાં નાનાં બાળકો અથવા છોકરીઓના ચહેરાઓ બ્લર કરી નાખવામાં આવે છે. બાકી તો બધું જ ચોખ્ખું દેખાય એ રીતે જ અપલોડ થાય છે. આપણે બધા આવું શા માટે જોઇએ છીએ? કોઇ નાનકડા દેશમાં કંઇક ઘટના બની હોય એની સાથે આપણને શું મતલબ હોય છે? ધરતીકંપમાં મકાનો પત્તાંના મહેલની માફક ધસી જાય એ આપણે કુતૂહલતા સાથે જોઇએ છીએ. અરરર, આ બિચારોઓનું શું થયું હશે એવો શબ્દો પણ બોલીએ છીએ. પોતાના માટે પણ જોવા જેવું ન હોય એવું બીજાને પણ ફોરવર્ડ કરીએ છીએ. કેટલાક વીડિયો તો ચીતરી ચડે એવા હોય છે, તો પણ આપણે જોતા રહીએ છીએ. આપણું મન અને મગજ કંઇ ડસ્ટબિન નથી કે જે કચરો આવ્યો એને ઠાલવતા રહીએ. સોશિયલ મીડિયા પર જે રીતે હિંસક અને મનને મૂંઝવી નાખે એ રીતનું કન્ટેન્ટ ઠલવાઇ રહ્યું છે એ જોઇને મનોવૈજ્ઞાનિકો લોકોને સાવચેત કરે છે કે, જે સામે આવે એ બધું જોયે ન રાખો. તમે જે કંઇ જુઓ છો એની સીધી અસર તમારા મૂડ અને માનસિકતા પર થાય છે. કેટલુંક કન્ટેન્ટ જોઇને આપણો જીવ બળી જાય છે. આવું થોડું હોય, દુનિયા કેવી થઇ ગઇ છે, લોકો આવું કેમ કરી શકતા હશે. આ અને આના જેવા હજારો વિચાર આવી જાય છે. જ્યારે પણ આવો વિચાર આવે ત્યારે સાથોસાથ એ પણ વિચાર કરજો કે, આવું બધું જોવાથી મને શું મળી ગયું? મને તેની કેવી અસર થઇ? મેં એ ન જોયું હોત તો શું ફેર પડત? આપણે સબસ્ક્રાઇબ કર્યું ન હોય કે આપણે કોઇને ફોલો ન કરતા હોઇએ તો પણ અમુક કન્ટેન્ટ સતત આપણી સામે આવતું રહે છે. સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ જ એવી રીતે સેટ થયું હોય છે કે, કેટલુંક કન્ટેન્ટ આવવાનું જ છે. ડિસ્ટર્બિંગ કન્ટેન્ટ અત્યારના સમયનું સૌથી મોટું સંકટ છે. એની સામે સમયસર સાવચેત થઇ જવાની જરૂર છે. મગજ બગાડે એવા કન્ટેન્ટથી દૂર રહેવું જ હિતાવહ છે.
સતત ડિસ્ટર્બિંગ કન્ટેન્ટ જોવાથી થતી માનસિક અસરો વિશે મનોવૈજ્ઞાનિકો કહે છે કે, માણસ એનાથી અસંવેદનશીલ થઇ જાય છે. માણસ જ્યારે પહેલી વખત આવું જુએ ત્યારે એને આઘાતનો આંચકો લાગે છે. દુ:ખ થાય છે. પીડા થાય છે. માણસ જો સતત એવું જોતો રહે તો એનું મગજ એવું જોવા ટેવાઇ જાય છે. એ પછી એને કંઇ થતું નથી. આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં ડિસેન્સિટાઇઝેશન કહેવામાં આવે છે. માણસ અન્યની પીડા પ્રત્યે સહાનુભૂતિ ગુમાવી બેસે છે. આપણે એવા અસંખ્ય કિસ્સાઓ જોઇએ છીએ કે, કોઇ ગંભીર બનાવ કે અકસ્માત બને ત્યારે લોકો પીડિતોને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતારતા હોય છે. માણસનું આવું વર્તન પણ એ જ સાબિત કરે છે કે, મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે જે સંવેદના હોવી જોઇએ એ તેણે ગુમાવી દીધી છે.
હિંસક કન્ટેન્ટ જોયા પછી દરેકને જુદી જુદી અસરો થતી હોય છે. કેટલાક વીડિયો જોઇને આપણને ખરા અર્થમાં આઘાત લાગે છે. આપણે નરી આંખે એ ઘટના જોઇ ન હોય, એ ઘટના જેની સાથે બની હોય એની સાથે આપણે કંઇ લેવાદેવા ન હોય છતાં પણ આપણને જે પીડા થાય છે તેને પરોક્ષ આઘાત કહેવામાં આવે છે. આ સેકન્ડરી ટ્રોમા છે. તેનાથી માણસને એંગ્ઝાઇટી, ડિપ્રેશન, અનિદ્રા જેવી માનસિક બીમારીઓ થઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો માણસને પોતાના ઘરમાં પણ બીક લાગે છે.
સામાન્ય સંજોગોમાં પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો ભોગ એવા લોકો બને છે જેઓ યુદ્ધ, હિંસા કે કોઇ કુદરતી અથવા તો માનવસર્જિત આફતોનો ભોગ બન્યા હોય. આ વિશેના એક લેટેસ્ટ રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું છે કે, સતત હિંસાવાળું કન્ટેન્ટ જોવાથી પણ પીટીએસડી થઇ શકે છે. તેના કારણે રાતના ઊંઘમાં ડરામણાં સપનાં આવે છે. એક ને એક દૃશ્યો નજર સામે આવતાં રહે છે. ધબકારા વધી જાય છે અને કેટલાક કિસ્સામાં માણસ ઝબકીને જાગી જાય છે. આ ઉપરાંત સતત અપસેટ કરે એવું કન્ટેન્ટ જોવાથી મીન વર્લ્ડ સિન્ડ્રોમનો પણ ભોગ બનાય છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં માણસને દુનિયા પરથી ભરોસો ઊઠી જાય છે. તેને એવું લાગે છે કે, આખી દુનિયા અત્યંત ક્રૂર, હિંસક અને નિર્દયી છે. આવી વ્યક્તિ પોતાના અને પરિવારના લોકો માટે અત્યંત રક્ષણાત્મક બની જાય છે. તેને એવો ભય સતાવે છે કે, આ જાલિમ દુનિયા મને અને મારા સ્વજનોને નુકસાન પહોંચાડી દેશે. ઘરના લોકો બહાર ગયા હોય એ પછી જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી એને ચેન પડતું નથી.
બ્રિટનની બ્રેડફોર્ડ યુનિવર્સિટીએ આ વિશે એક રિસર્ચ કર્યું હતું. તેમાં એવું બહાર આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર હિંસક વીડિયો જોયા બાદ 22 ટકા લોકો પીટીએસડીનો ભોગ બન્યા હતા. આ એવા લોકો હતા જેઓએ ક્યારેય આવી ઘટના જોઇ ન હતી, માત્ર સ્ક્રીન પર જ આવું બધું જોયું હતું. અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશને પણ આ વિશે એક સરવે કર્યો હતો. આ સરવેમાં એવું બહાર આવ્યું હતું કે, બાળકો અને યુવાનોમાં આવું બધું સતત જોવાના કારણે હિંસક મનોવૃત્તિ જન્મી હતી. એ લોકો નાની નાની વાતમાં ગુસ્સે થઇ જતાં હતાં અને ઝઘડવા લાગતાં હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લોકોને એવા કન્ટેન્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. તેના રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, જ્યારે કોઇ સેલિબ્રિટી સ્યુસાઇડ કરે છે અને તેની વાતો બહુ ચાલે એ પછી તેની વર્ધર ઇફેક્ટ આવે છે અને નબળા મનવાળા લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે, જે લોકો સતત હિંસક કન્ટેન્ટ જુએ છે એનામાં તણાવનું સ્તર 70 ટકા વધુ જોવા મળ્યું હતું.
આવાં તો બીજાં અનેક રિસર્ચ અને સરવે થયાં છે. સરવાળે બધામાં એવું જ કહેવાયું છે કે, તમે રોજ થોડોક સમય એ વિચાર કરજો કે આજે આખા દિવસ દરમિયાન મેં સોશિયલ મીડિયા પર શું જોયું છે? મારે એ જોવું જરૂરી હતું? તેનાથી મને કેવી અસરો થઇ છે એ પણ ચેક કરતા રહો. સાચી વાત એ છે કે, જે ડિસ્ટર્બ કરે એવું જોવાથી દૂર રહો. બને તો સ્ક્રીન ટાઇમ ઘટાડીને પ્રકૃતિને માણવામાં કે પોતાને ગમે એવું કરવામાં સમય વિતાવો. ધ્યાન નહીં રાખો તો તમને કલ્પના પણ ન હોય એવી માનસિક બીમારીનો ભોગ બની જશો. ડિજિટલ ડિસિપ્લિન અને ડિજિટલ હાઇજિન મેઇન્ટેન કરો. સાવધાની એ જ તેનાથી બચવાનો શ્રેષ્ઠ અને એકમાત્ર વિકલ્પ છે.
———-
પેશ-એ-ખિદમત
કોઈ પાગલ હી મોહબ્બત સેં નવાજેગા મુઝે,
આપ તો ખૈર સમજદાર નજર આતે હૈં,
મૈં કહાં જાઉં કરું કિસસે શિકાયત ઉસકી,
હર તરફ ઉસકે તરફદાર નજર આતે હૈં.
– ઝુબૈર અલી તાબિશ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 ઓગસ્ટ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
