પ્રેમ થોડોક ઓછો હશે તો ચાલશે, ઘરમાં શાંતિ જોઈએ : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ થોડોક ઓછો હશે તો
ચાલશે, ઘરમાં શાંતિ જોઈએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


પાંપણો ખંખેરવાની વાત ના કર હોં હવે,
તું મને છંછેડવાની વાત ના કર હોં હવે,
પહોંચવામાં બે જ ડગલાં દૂર છે મંજિલ અને
આમ તું પાછા જવાની વાત ના કર હોં હવે.
ગિરીશ રઢુકિયા

સાચું સુખ અને સાચો પ્રેમ એ છે જે માણસને શાંતિ આપે. માણસને શાંતિ ત્યારે ફીલ થાય જ્યારે એને એવું લાગે કે, બધું બરાબર છે. હું પોતાની રીતે રહી શકું છું. મારી રીતે જીવી શકું છું. મારા એકાંતને માણી શકું છું. શાંતિનું સૌથી મોટું કેન્દ્ર માણસનું પોતાનું ઘર છે. ઘર નાનું હોય કે મોટું, એનાથી કોઇ ફેર પડતો નથી. એવાં કેટલાંય આલિશાન મકાનો છે, જ્યાં સન્નાટાનું જ સામ્રાજ્ય હોય છે. કોણ ક્યારે આવ્યું, કોણ ક્યારે ગયું અને કોણ ઘરમાં છે એ પણ ઘણી વખત ઘરના લોકોને ખબર હોતી નથી. શાંતિ માત્ર સુવિધાઓથી નથી મળતી, શાંતિ સ્નેહથી મળે છે. કોઇ એવું હોય જેની સાથે વાત કરી શકાય. કોઇ એવું હોય જેને આપણી ફિકર હોય. રોજ ઘરે જો કોઇ તમારી કોઇ જોતું હોય તો માનજો કે, તમે નસીબદાર છો. તમને જો ઘરમાં શાંતિનો અહેસાસ થતો હોય તો તમારા જેવું લકી કોઇ નથી. જે માણસને ઘરમાં શાંતિ નથી મળતી, એ માણસ ક્યાંય શાંતિ અનુભવી શકતો નથી. માણસ કેવો છે એનો મોટો આધાર તેના ફેમિલી બેકગ્રાઉન્ડ પર છે. મતલબ કે, તેનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે. જ્યાં એ મોટો થયો છે ત્યાંના લોકો કેવા હતા?
એક યુવાનની આ વાત છે. ભણીગણીને એ મોટો ઓફિસર બન્યો હતો. એ માણસને પોતાના હોદ્દા કે સ્થાનનું જરાયે અભિમાન નહોતું. એ બધા સાથે સરસ રીતે વાત કરતો. નાના કે મોટા માણસનો કોઇ ભેદ ન રાખતો. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમે બધા સાથે એકસરખા કેવી રીતે રહી શકો છો? એ યુવાને કહ્યું કે, એ મારા ઘરને કારણે છે. મારા ફેમિલીમાં બધા જ હાયર પોસ્ટ પર કામ કરતા હતા. ઘરમાં નોકરચાકરની કમી નહોતી. નાનો હતો ત્યારથી મા-બાપ અને પરિવારજનોએ એવું જ કહ્યું હતું કે, આપણા ઘરમાં જે લોકો કામ કરે છે એને આપણા ઘરના સભ્યની જેમ જ માન આપવાનું છે. બધાને આદરપૂર્વક બોલાવવાના છે. કોઇ સાથે તોછડાઇ કરવાની નથી. ક્યારેક મારું વર્તન નબળું હોય તો ઠપકો પણ મળતો હતો. આ નિયમ માત્ર મારા માટે જ નહોતો, મારાં માતા-પિતા સહિત ઘરના તમામ સભ્યો પણ કામ કરનારા સાથે સારી રીતે વર્તતા હતા. આ જ અત્યારે મારા વર્તનમાં જોવા મળે છે. સંસ્કારને પણ સમજવા જેવા છે. સંસ્કાર એ નથી જે તમે તમારાં સંતાનોને આપો છો, સંસ્કાર એ છે જે તમે પોતે પાળો છો? તમે જેવા હશો એવાં જ સંતાનો બનવાનાં છે. ઘરમાં સારા સંસ્કારો હશે તો બાળકોને સંસ્કાર આપવા નહીં પડે, ઓટોમેટિક જ એ સંસ્કારી બની જશે. આપણો એક પ્રોબ્લેમ એ છે કે, આપણે નેક્સ્ટ જનરેશનને બધું શીખવાડી દેવું છે. પહેલાં તો જે શીખવાડવું છે એ શીખવું પડે છે.
ઘર એવી જગ્યા છે જે અંદરના લોકો કેવી રીતે રહે છે એની ચાડી ફૂંકી દે છે. કેટલાંક ઘરોમાં પગ મૂકીએ ત્યાં જ એવું થાય છે કે, આ ઘરમાં જીવ નથી. સાચું ઘર ધબકતું હોય છે. કેટલાંક ઘરના વાઇબ્સ એવા હોય છે જે સીધા દિલને સ્પર્શી જાય. એનું કારણ ઘરના સભ્યો અને ઘરમાં તેનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ઘર જીવંત લાગે છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે એ ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે અટેચ્ડ હોય. ઘરની વ્યક્તિ કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે એની એને ખબર હોય. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. પત્ની તેનાં મા-બાપની એકની એક દીકરી હતી. એક વખત તેને ખબર પડી કે, મારા પિતાની તબિયત સારી નથી. એને પિતાની ચિંતા થતી હતી. આ વાતની ખબર એના પતિને પડી. પતિએ કહ્યું કે, તને તો કંઇ હોય એટલે ચિંતા કરવાનું બહાનું જોઇતું હોય છે. એ કંઇ નાના નથી. કરી લેશે એમનું બધું. તું અહીં બેઠી બેઠી ખોટી ચિંતા કરે રાખે છે. એમાં ને એમાં તારું કોઇ કામમાં ધ્યાન પણ હોતું નથી. આવું એક-બે વખત થયું એ પછી પત્નીએ પતિને કંઇ કહેવાનું જ બંધ કરી દીધું. એક તો પોતે ચિંતામાં હોય અને ઉપરથી પતિ મન ફાવે એમ બોલે, એના કરતાં ચૂપ રહેવું જ સારું. કોઇ પણ ઘરમાં ડિસ્ટન્સ એમ જ નથી આવતું. તેની પાછળ ઘણાં કારણો હોય છે. બીજા એક કપલની વાત છે. પતિ-પત્ની બંને બહુ સારી રીતે રહેતાં હતાં. એક વખત મિત્ર કપલ ઘરે આવ્યું. તેણે કહ્યું, તમારા વચ્ચે ડિસ્ટન્સ ન આવવાનું કારણ શું છે? પત્નીએ કહ્યું, એવું બિલકુલ નથી કે, અમારી વચ્ચે ઝઘડા નથી થતાં. બધું જ થાય છે. ફેર એટલો છે કે, જ્યારે અમને ગેપ આવવાના અણસાર આવવા લાગે ત્યાં જ અમે સાવચેત થઇ જઇએ છીએ. બાકી ભલે જે થવું હોય એ થાય, ડિસ્ટન્સ ન આવવું જોઇએ. પહેલી વખતે માત્ર નાની તિરાડ જ પડતી હોય છે. ધીમે ધીમે એ તિરાડ વધતી જાય છે. આ તિરાડ ક્યારે ખાઇ બની ગઇ એની ખબર જ પડતી નથી. તિરાડ નાની હોય ત્યાં જ એને પૂરી લેવાની હોય છે.
ખરું દાંપત્ય કોને કહેવાય? આ વિશે બહુ બધી વાતો થઇ છે. એકબીજાને સ્પેસ આપવાથી માંડીને વફાદારી, પ્રામાણિકતા, કાળજી સહિત અનેકને દાંપત્ય સાથે જોડવામાં આવે છે. દાંપત્યનું એક સત્ય એ પણ છે કે, ઘરમાં બંનેને શાંતિનો અનુભવ થાય. એવાં કેટલાંયે કપલ આપણે જોતા હોઇએ, જેને જોઇને એવું લાગે કે આ લોકો સાથે કેવી રીતે રહી શકે છે? એક કપલની આ વાત છે. બંને પોતપોતાના ફિલ્ડમાં ટોપ પર હતાં. બહુ જ સમજુ હતાં. બંને એકબીજાને પૂરો આદર આપતાં હતાં. બંનેને ઘરમાં શાંતિ ફીલ થતી હતી. એ બંનેને જોઇને એવું નહોતું લાગતું કે, બંનેમાં બહુ આત્મીયતા હોય. જરૂર જણાય ત્યારે બંને એકબીજાની કેર કરતાં, પણ એ સિવાય પોતપોતાનામાં પડ્યાં રહેતાં. એક વખત તેના એક કોમન મિત્રએ કહ્યું કે, તમે બંને ગજબની લાઇફ જીવો છો. પ્રેમ ઓછો હોય એવું લાગે છે, છતાં સારી રીતે રહેતાં હોવ એવું પણ લાગે છે. એ સમયે પત્નીએ કહ્યું, પ્રેમ એની જગ્યાએ છે પણ મને ખબર છે કે, મારો પતિ કામ કરીને ઘરે આવે ત્યારે એને પ્રેમ કરતાં વધુ શાંતિ જોઇતી હોય છે. સારી વાત એ પણ છે કે, મારા પતિને પણ ખબર છે કે, મને ઘરમાં શાંતિ કેવી રીતે ફીલ થાય છે. અમે જ્યારે અમારું કામ પતાવીને ઘરે આવીએ છીએ ત્યારે અમને એ વાતનું ટેન્શન નથી હોતું કે, ઘરે જઇને કોઇ બબાલ થશે. જે ઘરમાં પગ મૂકતાં પહેલાં ઉચાટ લાગે ત્યાં ક્યારેય શાંતિ અનુભવી શકાતી નથી. અમે બંને તો એકબીજાને શાંતિ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમારો ઇરાદો એ જ હોય છે કે, એકબીજાનો કોઇ બોજ ન લાગે. આજના સમયમાં પતિ હોય કે પત્ની, બંનેને પોતપોતાનો બોજ હોય છે. પોતાનો બોજ માંડ સહન થતો હોય ત્યાં પોતાની વ્યક્તિનો બોજ આવે તો માણસનું મગજ છટકે છે. પત્નીએ કહ્યું કે, ઘરમાં પ્રેમ થોડોક ઓછો હોય તો ચાલશે, શાંતિ હોવી જોઇએ. શાંતિ વગરનો પ્રેમ કોઇ કામનો નથી. સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિ વિશે સારી સારી વાતો લખનારા લોકો પણ ઘરમાં એકબીજાને શાંતિ લેવા દેતા નથી. લાઇક કે કમેન્ટ્સથી લાઇફ બનતી નથી. લાઇફ એકબીજાને સમજવાથી અને સ્વીકારવાથી બને છે. જે માણસ અશાંત હશે એ ક્યારેય પ્રેમ કરી શકવાનો નથી. પ્રેમ એ જ કરી શકે છે જેને શાંતિની અનુભૂતિ થાય. પોતાની વ્યક્તિને શાંતિ અનુભવવા દેવી એ પણ પ્રેમનો જ પ્રકાર છે.


છેલ્લો સીન :
પોતાના સુખ અને પોતાની શાંતિની શોધ માણસે પોતે જ કરવી પડે છે. આ એવું તાળું છે જેમાં બીજાની ચાવી લાગતી જ નથી. કોઇના રસ્તે તમે સુખ કે શાંતિ ન મેળવી શકો. જે સુખ અને શાંતિ શોધી નથી શકતા એ જીવન જીવતા નથી, પણ વેડફતા હોય છે. -કેયુ.

(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 03 મે 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *