THE PENGUIN STORY
માણસની જિંદગીને પેંગ્વિનની લાઇફ
સાથે સરખાવવી કેટલી વાજબી ગણાય?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
પોતાના ગ્રૂપથી જુદું પડી પોતાનો રસ્તો લેનાર પેંગ્વિન સોશિયલ
મીડિયા પર વાઇરલ થયું છે. લોકો એ ઘટનાને માણસની
લાઇફ સાથે રિલેટ કરી રહ્યા છે. માણસની જિંદગીને
કોઈની સાથે સરખાવી શકાય નહીં. માણસ સાથે પણ નહીં!
———–
માણસની જિંદગી ખૂબ જટિલ હોય છે. દરેકની જિંદગી એકબીજાથી તદ્દન જુદી હોય છે. જિંદગી ક્યારે કેવો ટર્ન લે એનું કંઇ નક્કી હોતું નથી. રાજા હોય એ રંક થઇ જાય છે. બે ટાઇમ ખાવાનાં ફાંફાં હોય એ માણસ અચાનક જ જાહોજલાલીમાં આળોટવા લાગે છે. માણસની માનસિક સ્થિતિ પણ ક્યારે બદલી જાય એનું કંઇ નક્કી હોતું નથી. મજબૂત દેખાતો માણસ ગમે ત્યારે નંખાઇ ગયો હોય એવો લાગવા માંડે છે. ડાહ્યો હોય એ પાગલ જેવું વર્તન કરવા લાગે છે. માણસને પારખી કે માપી શકાતો નથી. દુનિયામાં સૌથી વધુ કંઇ અઘરું હોય તો એ માણસને પ્રિડિક્ટ કરવાનું છે. માણસ વિશે પહેલેથી એવું કહેવાતું આવે છે કે, દરેક માણસ જુદો છે. દરેકની વૃત્તિ, પ્રકૃતિ, આદત અને દાનત જુદી જુદી હોય છે. માણસની સરખામણી કોઇની સાથે ન થઇ શકે. માણસની સરખામણી બીજા કોઇ પશુ, પક્ષી કે પ્રાણી સાથે તો ન જ થઇ શકે. એક માણસની સરખામણી બીજા માણસ સાથે પણ કરી શકાય નહીં. એનું કારણ એ જ છે કે, દરેક માણસ નોખો અને અનોખો હોય છે. એક સાથે જન્મેલાં ટ્વિન્સ બાળકો પણ જો એકસરખાં ન હોય, તો બીજો માણસ તો ક્યાંથી કોઇના જેવો હોવાનો છે. આખી દુનિયા આ વાત જાણતી હોવા છતાં લોકો ઘણી વખત માણસ જાતને કોઇની સાથે રિલેટ કરતા હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક પેગ્વિંનની સ્ટોરી વિશે એવું જ થઇ રહ્યું છે.
સોશિયલ મીડિયાનું જગત એવું છે જ્યાં ગમે ત્યારે ગમે તે જીવતું થઇને ફરવા લાગે છે. જૂનું હોય એ પણ તાજું ગણીને લોકો તેને ફેરવવા માંડે છે. તેની સાથેની વાતો ઘડી કાઢે છે. જે પેંગ્વિનની વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે એ ૧૯ વર્ષ પહેલાં 2007માં બનેલી એક ડોક્યુમેન્ટરીની છે. વર્નર હઝોર્ગેની એ ડોક્યુમેન્ટરીનું નામ `એન્કાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ’ છે. પેંગ્વિન પર વર્નર હઝોર્ગે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા એ દરમિયાનમાં એક ઘટના બને છે. એક પેંગ્વિન પોતાના ગ્રૂપથી જુદું પડીને અલગ દિશામાં ચાલવા લાગે છે. એ જે તરફ જતું હતું ત્યાં તેનું મોત નિશ્ચિત હતું. થયું પણ એવું જ. માર્ગમાં જ તેણે દમ તોડી દીધો. હવે આ ઘટનાના નિષ્ણાતોથી માંડીને તમામ લોકો પોતપોતાની રીતે તર્કો લડાવી રહ્યા છે. કોઇએ કહ્યું કે, એ પોતાના સાથીને ગુમાવવાના કારણે હતાશ હતું. કોઇએ વળી એવું કહ્યું કે, તેણે ટોળામાં નહોતું રહેવું અને પોતાનો માર્ગ પસંદ કરવો હતો. રૂટિનમાં રહેવાના બદલે તેને કંઇક નવું જ કરવું હતું. અમુક લોકોએ વળી ડોક્યુમેન્ટરી બનાવનારની ટીકા પણ કરી કે, તેણે એ પેંગ્વિનને બચાવ્યું કેમ નહીં? બાકી બધું તો ઠીક છે, પણ લોકો તેની સાથે ડાયરેક્ટલી રિલેટ કરવા લાગ્યા. એ પેંગ્વિનની જિંદગીમાંથી શું શીખવાનું છે ત્યાં સુધીની વાતો કરવામાં આવી. નો ડાઉટ, એ પેંગ્વિનનું વર્તન અનયુઝવલ એટલે કે જુદું હતું. આ પેંગ્વિનને નિહિલિસ્ટનું નામ પણ આપવામાં આવ્યું. તેનો અર્થ એવો થાય છે જે પોતાની જિંદગીને મિનિંગલેસ સમજે છે. જિંદગી જીવવાનો કોઇ અર્થ લાગતો નથી. બધું નિરર્થક લાગે છે.
આ પેંગ્વિન વિશે તેમની જિંદગીને જાણનારા વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે, એણે જે કર્યું એ આઝાદી કે મુક્તિનો માર્ગ છે એવું માની લેવાનું કોઇ કારણ નથી. એ પેંગ્વિન બીમાર હોઈ શકે છે. તે માનસિક રીતે ભ્રમિત થઇ ગયું હોઈ શકે છે. જો એનામાં સમજ હોત તો એ બધાથી ઊંધી દિશામાં ગયું જ ન હોત. એનું મગજ ઠેકાણે નહોતું એટલે તેણે એવી જગ્યા તરફ જવાનું શરૂ કર્યું જ્યાં તેને કંઇ ખોરાક મળવાનો નહોતો. કોઇ પ્રાણી આ રીતે મોત પસંદ કરે એ વાત ગળે ઊતરે એવી નથી. એણે જે કર્યું એને સાહસ ગણવાની ભૂલ તો બિલકુલ કરવા જેવી નથી. એ તો ડેથ માર્ચ છે.
પેંગ્વિનના ટોળામાંથી એક પેંગ્વિને જ એવું કર્યું હતું. બીજી વાત એ છે કે, એ ખોટી દિશા તરફ જઇ રહ્યું હતું ત્યારે એકેય પેંગ્વિને તેને રોકવાની કે સાથે લેવાનો પ્રયાસ કર્યો નહોતો. એ જતું હતું તો જવા દીધું. માણસની લાઇફમાં એવું હોતું નથી. આપણી જિંદગીમાં એવા લોકો હોય છે જેને આપણી ચિંતા હોય છે. આપણે આડા રસ્તે જતા હોઇએ તો રોકવાવાળા હોય છે. ખોટું કરતા હોઇએ તો ખખડાવનારા પણ આપણી નજીક હોય છે. મુશ્કેલીમાં હોઈએ ત્યારે કોઇ કોઇને રેઢું મૂકી દેતું નથી. આપણે બધા ભલે ક્યારેક લડીએ ઝઘડીએ પણ છેલ્લે તો એકબીજા સાથે જોડાયેલા જ હોઇએ છીએ.
દરેક માણસ ક્યારેક ને ક્યારેક હતાશ થયો જ હોય છે. બધાની જિંદગીમાં એવું બન્યું જ હોય છે જ્યારે એનું ક્યાંય ધ્યાન ન પડે. એનો અર્થ એવો બિલકુલ નથી કે, બધું છોડીને દૂર નીકળી જવું. જિંદગી ટૂંકાવવાનો વિચાર જ ખોટો છે. મોટાભાગના લોકો પડકારોનો હિંમતભેર સામનો કરીને જીવતા હોય છે. જિંદગી છે, ઉતાર ચડાવ તો આવતા જ રહેવાના છે એવું બધા જાણે છે. એનો મતલબ એવો બિલકુલ નથી કે, બગાવત પર ઊતરી જવું. દુનિયામાં એવો લોકોની પણ કમી નથી જેમણે અલગ ચિલો ચાતરીને કંઇક નવું કરી બતાવ્યું હોય. જે કંઇ નવું કરવાની ખેવના રાખે છે એની નોંધ જ ઇતિહાસ લેતું હોય છે. માણસનાં પોતાનાં સપનાં હોય છે, પોતાની ઇચ્છાઓ હોય છે, એ સપનાં સાકાર કરવા માટે મહેનત કરવાની પણ તૈયારીઓ હોય છે. દરેક માણસ પોતાના લેવલે સંઘર્ષ કરતો જ હોય છે.
પશુ, પક્ષી, પ્રાણીઓ અને જગતના તમામ પ્રકારના જીવોની લાઇફ પર ઘણા અભ્યાસ થયા છે અને હજુ પણ થઇ રહ્યા છે. પ્રાણીઓના બિહેવિયરના આધારે તેની બુદ્ધિથી માંડીને પરસ્પરના સંબંધો સુધીનાં તારણો કાઢવામાં આવે છે. એક અભ્યાસ માટે એ સારી વાત છે, પણ માણસની જિંદગી સાવ જુદી છે. માણસ વિશે પણ સતત અભ્યાસો થતા રહે છે. આમ તો એવું પણ કહેવાય છે કે, માણસેય હજુ ક્યાં પૂરેપૂરો ઓળખાયો છે? માણસ પણ માંડ ઓળખાય ત્યાં બદલાઈ જતો હોય છે. જનરેશન બદલાય છે એમ માણસ પણ બદલતો રહે છે. માણસ રોજેરોજ સમજવો અને શીખવો પડે એવો વિષય છે. આપણી સાથે રહેતા વ્યક્તિને પણ આપણે પૂરેપૂરો ઓળખી શકતા નથી. જનરેશનને જુદાં જુદાં નામ આપવામાં આવે છે. દરેક જનરેશનની પોતાની ખૂબીઓ અને ખામીઓ રહી છે. 1883થી 1900 સુધીની ધ લોસ્ટ જનરેશનથી માંડીને 2020 સુધીની જનરેશન આલ્ફા પર નજર કરો તો ખ્યાલ આવશે કે માણસ કેટલો બદલાતો રહ્યો છે. પરિવર્તન વિશે પહેલેથી કહેવાતું આવ્યું છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. બધું જ બદલાતું રહેવાનું છે. માત્ર માણસ જ નહીં, પશુ, પક્ષીઓ પણ બદલાઈ રહ્યાં છે. બદલવું એટલે બગડવું નહીં. કેટલું બધું સારું પણ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર થતી વાતો જાણો અને માણો ત્યાં સુધી ઠીક છે, બાકી જિંદગીનો સાચો મર્મ તો સારી રીતે જીવી જાણવાનો જ છે. દરેક માણસે છેલ્લે તો પોતાની જાતને જ એ સવાલ પૂછવાનો હોય છે કે, હું મારી જિંદગી સારી રીતે જીવું છુંને? જો એનો જવાબ હા હોય તો પૂરતું છે.
————
પેશ-એ-ખિદમત
જિંદગી સે યહી ગિલા હૈ મુઝે,
તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મહોબ્બત સે કોઇ ચાલ તો ચલ,
હાર જાને કા હૌસલા હૈ મુઝે.
– અહમદ ફરાઝ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 ફેબ્રુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
