ફેસ્ટિવલ મૂડ અને તહેવારોની ખરી મજા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ફેસ્ટિવલ મૂડ અને

તહેવારોની ખરી મજા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

ફેસ્ટિવલ ટાઇમ અત્યારે પીક પર છે. શુક્રવારે ધનતેરસ

છે. તહેવારોનો મૂડ તો ક્યારનો બની ગયો છે.

તહેવાર આપણને પોતાની અને પોતાના લોકોની નજીક

લઇ જાય છે. દરેક તહેવાર આપણામાં કંઇક ઉમેરે છે

———–

દિવાળીનો મોહાલ બરાબર જામ્યો છે. દરેક વ્યક્તિ પર છેલ્લા ઘણા દિવસોથી ફેસ્ટિવલ મૂડ છવાયેલો છે. જે કંઇ થાય છે એ દિવાળીને ધ્યાનમાં રાખીને જ થાય છે. કંઇ પણ હોય તો માણસ એવું કહી દે છે કે, હવે દિવાળી પછી. આપણે ત્યાં તહેવારો ઝૂમખાંમાં આવે છે. સાતમ આઠમ, હોળી ધૂળેટી, નવરાત્રિ તો નવ દિવસનો મહોત્સવ છે. દિવાળી પંચ પર્વ છે. આમ તો ઘનતેરસથી માંડીને લાભ પાંચમ સુધી દિવાળીના તહેવારોની ધામધૂમ વર્તાતી રહે છે. રંગ અને પ્રકાશનું પર્વ દિવાળી આપણામાં કંઇક ઉમેરે છે. નવું વર્ષ અનેક સપનાઓ આંજીને આવે છે. તહેવારનો દિવસ આમ તો બીજા દિવસ જેવો જ હોય છે. તહેવારના દિવસના પણ ચોવીસ કલાક જ હોય છે. સમય રોજની ગતિએ જ સરકતો હોય છે પણ આપણો મૂડ જુદો હોય છે. વાતાવરણ અને હવામાં જુદો જ અહેસાસ વર્તાય છે. તહેવારના દિવસે તો ખુશી, આનંદ, મજા અને ઉત્સાહ હોય જ છે, એના ઘણા દિવસો પહેલાથી આપણા પર ફેસ્ટિવલ મૂડની અસર હોય છે. દિવાળી આવે ત્યારે કોમન સંભળાતી એક વાત એ છે કે, સમય કેવો ઝડપથી પસાર થઇ જાય છે, દિવાળી આવી ગઇ અને ખબર પણ ન પડી. તહેવારો આપણને ઘણું બધું યાદ અપાવતા હોય છે.

તહેવાર અને ફેસ્ટિવલ મૂડ વિશે અનેક રિસર્ચ અને અભ્યાસો થયા છે. એક રિસર્ચ એવું કહે છે કે, તહેવાર કરતા પણ ખરી મજા એ પહેલાના દિવસોના ફેસ્ટિવલ મૂડમાં છે. દિવાળી જેવા તહેવારોના આગમન સાથે લોકોના ઉત્સાહ, માનસિકતા અને વર્તનમાં સકારાત્મક બદલાવ આવતો હોય છે. મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સ અનુસાર તહેવાર એ માત્ર સામાજિક ઉજવણી નથી પણ માણસના મન અને શરીર પર જબરદસ્ત અસર કરતી મોટી ઘટના છે. દરેક તહેવાર આપણામાં કંઇક ઉમેરે છે. રોજિંદી ઘટમાળમાંથી આપણને ચેન્જ મળે છે અને એક ફ્રેસનેસનો અનુભવ થાય છે. દિવાળીની ખરી મજા ખરીદી અને સાજ સજાવટ તૈયારી છે. દિવાળી પહેલા દરેક પાસે ખરીદીનું એક લિસ્ટ હોય છે. કપડાંથી માંડીને ઘરની ચીજવસ્તુઓની એક યાદી હોય છે. ઘરની સફાઇથી માંડીને સુશોભન સુધીનું બહાનું હોય છે. તહેવારો વિશેનું એક ન્યૂરોસાયન્ટિફિક રિસર્ચ એવું કહે છે કે, તહેવાર અવસરે આપણે જ્યારે કંઇ ખરીદીએ છીએ કે ઘરને સજાવીએ છીએ ત્યારે આપણા શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન નામના હેપી હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. મનોવૈજ્ઞાનિકો તેને પ્રિ-ફેસ્ટિવલ ડોપામાઇન રશ કહે છે. ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગને તહેવારો વિશે કરેલા એક અભ્યાસ બાદ કહ્યું છે કે, જે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હોય છે એના મગજના ચોક્કસ ભાગો સક્રિય થઇ જાય છે. આ રિસર્ચ માટે તહેવારોના સમયમાં લોકોના મગજના એફએમઆરઆઇ કરવામાં આવ્યા હતા. તેમાં એવું જોવા મળ્યું હતું કે, તહેવારો વખતે મગજના મોટર કોર્ટેકસ અને સેન્સરી એરિયામાં સક્રિયતા વર્તાય છે. લોકો જિંદગીમાં ખુશી અનુભવે છે, એટલું જ નહીં, આધ્યાત્મિકની અસરો પણ તેની જિંદગીમાં વર્તાય છે.

તમે માર્ક કરજો, દિવાળી જેવા તહેવારોમાં માણસ વધુ ઉદાર થઇ જતો હોય છે. કોઇ ગરીબને જોઇને તેને મદદ કરે છે. દરેક માણસ એવું ઇચ્છે છે કે, બધા જ લોકો ખુશ હોય. કંઇ ન ગમતું થાય તો પણ જતું કરી દે છે. જવા દેને, દિવાળી જેવા સપરમા દહાડે કોઇ માથાકૂટ નથી કરવી. તહેવારોમાં માણસ હોય એના કરતા વધુ સારો થતો હોય છે. આપણને બધાને પણ કંઇક સારું કામ કરવાનું મન થાય છે. આપણે કોઇને દુ:ખી જોઇ શકતા નથી. કોઇની સાથે કંઇક અજૂગતું થાય ત્યારે આપણને પણ વેદના થાય છે કે, અરરર દિવાળીના દિવસોમાં આવું થયું. તહેવારોમાં માણસ અત્યંત ઋજુ થઇ જાય છે. તહેવારો માણસને માણસ બનાવે છે એમ કહીએ તો પણ જરાયે વધુ પડતું નથી.

ભેટ સોગાદ એ દિવાળી સાથે જોડાયેલો એક વ્યવહાર છે. મોટા હોય એને પગે લાગીએ ત્યારે એ રૂપિયા વાપરવા આપે છે. નાના હોઇએ ત્યારે કોણે કેટલા આપ્યા એ ઘટના બહુ મોટી હોય છે. એ સિવાય પણ ગિફ્ટની મોટા પાયે લેતી દેતી થાય છે. ગિફ્ટ આપવા પાછળ પણ ઘણા સંશોધનો થયા છે. જ્યારે આપણે આપણી નજીકની વ્યક્તિને પ્રેમથી કંઇક ભેટમાં આપીએ છીએ ત્યારે મગજનો મેસોલિબિક પાથવે સક્રિય થાય છે અને આપણને સારું લાગે છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને ગિવર્સ ગ્લો એટલે આપનારાની ચમક કહેવામાં આવે છે.

ફેસ્ટિવલ મૂડની માત્ર સકારાત્મક અસરો જ છે એવું બિલકુલ નથી, તેની નકારાત્મક અસરો પણ છે. દિવાળી પહેલા ખરીદી અને સાફસફાઇ કરવાથી થાકી જવાય છે. બધાને સાચવવામાં પણ ક્યારેક થાક લાગે છે. નવા વર્ષે અમુક લોકોને મળવા જવાની પરંપરા ફોલો કરવી પડે છે. આપણે મોટા હોઇએ ત્યારે ઘરના લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનું પણ ટેન્શન હોય છે. બે છેડા માંડ માંડ ભેગા કરનાર વ્યક્તિએ ઘરના સભ્યોની ઇચ્છાને જાળવવી પડે છે. જે પહોંચી વળે એમ ન હોય એને એવા વિચારો પણ આવે છે કે, બધા મજા કરે છે અને હું મારા ફેમિલી માટે ખાસ કંઇ કરી શકતો નથી. તહેવારોના દિવસોમાં માણસ અત્યંત સંવેદનશીલ પણ થઇ જાય છે. કંઇ વસ્તુની ના પાડો તો તરત જ એને લાગી આવે છે. દિવાળી જેવા તહેવારોમાં મારી સાથે આવું કર્યું? એવા વિચારે માણસ હતાશ પણ થઇ જાય છે. ઘરમાં જ્યારે કાચના વાસણ જેવા માણસો હોય ત્યારે તેનું જતન કરવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. તેના માટે એવી સલાહ આપવામાં આવે છે કે, બધી બાબતો હળવાશથી લેવી. દેખાદેખીમાં ન પડવું. ઘરની સ્થિતિ જાણીને જ તહેવારો માણવા.

તહેવારોના બીજા પણ એક બે નેગેટિવ પોઇન્ટ્સ છે. તેની પણ કાળજી લેવાની સલાહ નિષ્ણાતો આપે છે. સૌથી પહેલી વાત તો ખાવા-પીવાની આદત છે. તહેવારોમાં સ્વીટ અને તળેલું સૌથી વધુ ખવાય છે. તેની સીધી અસર હેલ્થને થાય છે. સ્વીટ ખાવ એનો વાંધો નથી પણ પ્રમાણભાન જાળવવાની જરૂર તો હોય જ છે. તહેવારોમાં સુગરનું લેવલ અપ રહે છે. આપણું મન જ તહેવારોમાં એ રીતે કામ કરતું હોય છે કે, સ્વીટ ખવાય જાય. તેમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હેલ્થના ભોગે કંઇ ન થાય એનું ધ્યાન રાખવું જોઇએ. તહેવારોમાં કેટલાંક લોકો પર મસ્તીનો મૂડ હાવી થઇ જાય છે. અમુક લોકો તો રીતસરના તોફાને ચડે છે. ફટાકડા ફોડતી વખત ન કરવાના ધંધા કરે છે. હાથમાં ફટાકડા ફોડે છે. ફટાકડા દ્વારા કોઇને હેરાન પણ કરે છે. એ સિવાય કેટલાંક લોકો વાહન અત્યંત સ્પીડમાં ચલાવે છે. મજા આવતી હોય છે એટલે ઘણી વખત શું કરીએ છીએ એનું ભાન રહેતું નથી. આવી બધી બાબતોમાં ધ્યાન રાખવું જોઇએ. છાકટા બનવાના પરિણામો ઘણી વખત કલ્પના ન આવે એટલા ખરાબ હોય છે.

તહેવારોમાં તો કેટલુંક ધ્યાન રાખવાનું જ હોય છે, તહેવારો પૂરા થાય પછી પણ થોડીક કાળજી રાખવાની જરૂર પડે છે. તહેવારો પૂરા થાય પછી પોસ્ટ-ફેસ્ટિવલ બ્લૂઝ હાવી થઇ જાય છે. મજા કર્યા પછી એવું થાય છે કે, ફરી પાછી હતી એની એ જ રોજિંદી ઘટમાળ ચાલુ થઇ જશે. રોજના કામ અને ટેન્શન. એ વિશે નિષ્ણાતો એવું કહે છે કે, એવા વિચારોને ધ્યાનપૂર્વક ટાળવા જોઇએ. એના બદલે એવા વિચારો કરવાના કે, સરસ તહેવારો ગયા, મજા કરી, હવે સરસ કામ કરીશું. તહેવારો આપણને ચેન્જ આપે છે, નવા કામ માટે એનર્જી આપે છે. બ્રેક પછી ગાડી પાછી દોડાવતી વખતે થોડુંક જુદું તો લાગે છે પણ એ જ લાઇફ છે. તહેવારો મજા માટે છે. તહેવારો જૂનું ભૂલવાની અને નવું કંઇક કરવાની પ્રેરણા આપે છે. નક્કી કરીએ કે, આપણે આ તહેવારોને દિલથી ઉજવવા છે અને મસ્ત મજાનું જીવી લેવું છે.

———–

પેશ-એ-ખિદમત

ઉસે કિસી ને કભી બોલતે નહીં દેખા,

જો શખ્સ ચુપ નહીં રહતા મેરી હિમાયત મેં,

મુઝે સંભાલને મેં ઇતની અહતિયાત ન કર,

બિખત ન જાઉં કહીં મૈં તેરી હિફાજત મેં.

-સલીમ કૌસર

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 નવેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *