કોઈ વાતમાં તારી સીધી
`હા’ હોય જ નહીં

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
માણસ છે પણ માણસ ક્યાં છે,
સ્વાર્થસભર કૂંડાળું લાગે,
ચોખ્ખેચોખ્ખી ભીંત અચાનક,
કરોળિયાનું જાળું લાગે.
– મીરા આસિફ
દરેક માણસની એક ચોક્કસ પ્રકૃતિ હોય છે. માણસની પ્રકૃતિ જ એને બીજા માણસ કરતાં જુદો પાડે છે. વૃત્તિ કે પ્રકૃતિ જ નહીં, દરેક માણસની વિકૃતિ પણ નોખી હોય છે. માણસના ગમા અને અણગમા પણ અલગ અલગ હોય છે. આપણે જ્યારે માણસને આપણા ચોકઠામાં બેસાડવા જઇએ છીએ ત્યારે મુશ્કેલી થાય છે. એનું કારણ એ છે કે, એનું ચોકઠું જુદું છે. પ્રેમ, સંબંધ કે દાંપત્ય ન ટકવાનું એક સૌથી મોટું કારણ એ છે કે, દરેક માણસને પોતાની વ્યક્તિ પોતાના જેવી જોઈતી હોય છે. એ ભૂલી જાય છે કે, કોઇને પામવા માટે આપણે એના જેવું થવું પડે છે. આપણે કોઇના જેવા થઇએ તો જ કોઇ આપણા જેવું થવાનું છે. બધી વેવલેન્થ ઓટોમેટિક નથી સર્જાઇ જતી, કેટલીક વેવલેન્થ સેટ કરવી પડતી હોય છે. એક કપલની આ વાત છે. બંનેના એરેન્જ મેરેજ હતા. એ બંનેને જોઇને બધા એવું જ કહેતા હતા કે, આ બંનેનું લાંબું ચાલવાનું નથી. બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર છે. થોડા સમયમાં બંને બહુ પ્રેમથી રહેવા લાગ્યા. એક વખત તેના ફ્રેન્ડ્સે બંનેને પૂછ્યું, તમે આટલી સરસ રીતે કેમ રહેવા લાગ્યાં? બંનેએ કહ્યું, ખાસ કંઇ નહીં, અમે બંને થોડા થોડા એકબીજા જેવા થઇ ગયાં. અમને બંનેને ખબર હતી કે, અમે સાવ જુદાં છીએ એટલે અમે પહેલેથી જ નક્કી કર્યું કે, એકબીજાને સમજશું અને સ્વીકારશું. સ્વીકાર તો જ થઇ શકે જો સમજ હોય. અસમજ જ અસ્વીકાર સર્જે છે. દુનિયામાં એવું કશું જ નથી જેનો સ્વીકાર ન થઇ શકે. આપણી તૈયારીઓ હોતી નથી એટલે અસ્વીકાર સર્જાય છે. અસ્વીકાર સંઘર્ષ પેદા કરે છે. સંઘર્ષ હોય ત્યાં સંતાપ જ રહેવાનો છે.
પ્રેમના કોઇ નિયમો નથી હોતા. પ્રેમના નિયમો માણસે પોતાની રીતે બનાવવા પડતા હોય છે. એ નિયમો પોતાની વ્યક્તિને નજર સામે રાખીને બનાવવા પડે છે. એક કપલની આ વાત છે. બીજા દંપતીઓની માફક એ બંને વચ્ચે પણ ક્યારેક માથાકૂટ થઇ જતી હતી. ઝઘડો થાય એટલે પત્ની હંમેશાં એવું કહે કે, જવા દેને, મારે કોઇ માથાકૂટ કરવી નથી. તારા જેવું કોણ થાય? એક વખત બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે પત્ની તારા જેવું કોણ થાય એવું બોલે એ પહેલાં જ પતિએ કહ્યું કે, તું ભલે મારા જેવી ન થાય, મારે તારા જેવું થવું છે. ઝઘડો કરવાનો કોઇ અર્થ નથી. કોણ કોના જેવું થાય છે એ વાત પણ મહત્ત્વની છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે બંને પોતાના જેવા જ રહેવાની જ જીદ પકડી રાખે છે. હું શા નમતું જોખું? એનાથી કેમ કંઇ થતું નથી? દર વખતે મારે જ જતું કરવાનું? બીજા એક કપલની આ વાત છે. બંનેને ઝઘડો થાય ત્યારે પતિ કંઇ જ જતું ન કરે. દર વખતે પોતે જ સાચો હોય એવી રીતે જ વાત કરે. પત્ની દર વખતે જતું કરે. પતિ સમજુ હતો. તેને એટલી તો ખબર પડતી જ હતી કે, હું સાચો ન હોઉં, હું જીદ કરું તો પણ એ દર વખતે જતું કરી દે છે. ધીમે ધીમે થયું એવું કે, એ પણ જતું કરવા લાગ્યો. પત્નીએ એક વખત તેને પૂછ્યું, કેમ તારામાં આજકાલ બહુ ફેર લાગી રહ્યો છે? પતિએ કહ્યું, તારી પાસેથી હું જતું કરવાનું શીખ્યો છું. જતું કરવાથી હળવા રહેવાય છે એ વાત મને સમજાઇ છે. જો તું જતું કરતી ન હોત તો આપણા ઝઘડા કોણ જાણે ક્યાંના ક્યાં પહોંચ્યા હોત. વાત સામાન્ય હોય છે પણ આપણી જીદ અને આપણો અહં સામાન્ય વાતને પણ મોટી બનાવી દે છે અને આફત નોતરે છે.
હા અને ના બાબતે પણ ક્યારેક સંઘર્ષ થતો હોય છે. બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે બંનેનાં મગજ અલગ અલગ રીતે જ કામ કરતાં હોય છે. કોણ શું અને કેવું વિચારે છે એ નક્કી થઇ શકતું નથી. અલબત્ત, વર્ષો સુધી સાથે રહ્યા પછી એ પણ ખબર પડી જતી હોય છે કે, આના મગજમાં શું ચાલે છે! અમુક વર્ષો પ્રેમથી સાથે રહ્યા બાદ બંનેની ફ્રીક્વન્સી એક થઇ જતી હોય છે. ક્યારેક આડીતેડી વાત પણ પરિચિત લાગવા માંડે છે. એક કપલની આ વાત છે. પત્ની ક્યાંય જવાનું કહે કે કોઇ પ્લાનિંગ વિશે કહે ત્યારે પતિ હંમેશાં એવું કહે કે, જોઇએ. કરશું કંઇક. એક વખત પત્નીએ કહ્યું કે, પહેલા ધડાકે ક્યારેય તારી હા હોય જ નહીં. પતિને પણ થયું કે, વાત તો સાચી છે. તેણે પત્નીને કહ્યું, તારી વાત ખોટી નથી, પણ કંઇ કરતા પહેલાં વિચારવું તો જોઇએને? તેં વિચારી લીધું હોય છે એટલે તને બરાબર લાગે. મને તું કંઇ કહે ત્યારે એ મારા માટે સાવ નવું અને જુદું હોય છે. બનવાજોગ છે કે, મેં કંઇ બીજું વિચાર્યું હોય. આવા સમયે બેસ્ટ વે એ છે કે, સાથે બેસીને નક્કી કરીએ કે આવું કરવું છે?
એક કપલ હતું. બંને ફરવાના શોખીન. શનિ, રવિની રજા હોય એટલે ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જ જાય. ફરવા જવા વિશે એવું થતું કે, પત્ની એમ કહે કે આ સેટરડે સનડે આ જગ્યાએ ફરવા જઈશું. પતિ કહે, અરે! હું તો આ જગ્યાએ જવાનું વિચારતો હતો. પત્ની કહેતી, દર વખતે તું કહે ત્યાં જ જવાનું? પતિને એક તબક્કે પત્નીની વાત સાચી લાગી. એ પછીના વીકએન્ડ પહેલાં પતિએ પત્નીને પૂછ્યું, આ શનિ-રવિ ક્યાં જવાની ઇચ્છા છે? પત્નીએ બહુ જ પ્રેમથી કહ્યું, તું કહે ત્યાં! એ પછી બંને હસવા લાગ્યાં. પ્રેમમાં જરાક જ જતું કરવાનું હોય છે. પડઘો પડવાનો જ છે. પડઘાનું પણ એવું જ છે કે, જેવી રાડ પાડશો એવો જ પડઘો પડશે. ચીસ પાડો તો ચીસ જ પાછી મળે. આપણે નક્કી કરવું પડે કે, મારે કેવો પડઘો જોઇએ છે. મારે શું કરવું છે.
જિંદગીમાં જેને આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ આવડે છે એ માણસ વધુ શાંતિથી જીવી શકે છે. વટમાં રહેવાવાળા જ એકલા પડી જતા હોય છે. બધાની સાથે રહેવા માટે ફ્લેક્સિબલ રહેવું પડે છે. દર વખતે આપણે ઇચ્છીએ એવું જ થાય એવું બિલકુલ જરૂરી નથી. એક વડીલની આ વાત છે. એ તેમના સ્વજનોના ઘરે જાય ત્યારે બહુ જ સરસ રીતે રહે. એક વખત પરિવારના એક ઘરની વહુએ તેમને કહ્યું, તમારામાં એક ખૂબી છે. તમે આવો ત્યારે કોઇ ભાર લાગતો નથી. જે કંઇ કરીએ એને તમે એપ્રિસિએટ કરો છો. એ સ્ત્રીએ કહ્યું કે, કેટલાક સ્વજનો એવા પણ છે જે ઘરે આવવાના હોય ત્યારે ટેન્શન થઇ જાય. એને શું ગમશે અને શું નહીં ગમે તે જ આપણે નક્કી ન કરી શકીએ. એવા ભારમાં રહીને ફરે કે આપણને ખબર જ ન પડે કે આને આપણે ત્યાં મજા આવે છે કે નહીં? આપણે એવું ઇચ્છતા હોઇએ કે, એ આપણા ઘરે આવ્યા છે તો ખુશ રહે, એને મજા આવે, ફરીથી આવવાનું મન થાય. કેટલાક લોકો એવા હોય છે કે એના માટે ગમે એટલું કરીએ તો પણ એને ફેર જ ન પડે. આપણું વ્યક્તિત્ત્વ જ આપણને પ્રિય કે અપ્રિય બનાવતું હોય છે. સંબંધનું એક અને સૌથી મોટું સત્ય એ છે કે, સંબંધ કેવો રાખવો એ છેલ્લે તો આપણા હાથમાં જ હોય છે. આડા ચાલવાવાળા સાથે કોઇ સીધું ચાલતું નથી.
છેલ્લો સીન :
ઠોકરો ખાઈને આગળ આવ્યા હોય એ પણ જો બાદમાં ઠોકરો ખાવાથી ડરવા લાગે તો આગળ વધી શકતા નથી. એણે તો એવું જ વિચારવાનું હોય છે કે, આટલી બધી ઠોકરો ખાઈને જ અહીં સુધી પહોંચ્યો છું. હવે નવી ઠોકર મારું શું બગાડી લેવાની છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 ઓગસ્ટ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
