દરેક માણસમાં નાના-મોટા
માનસિક પ્રોબ્લેમ હોય જ છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માનસિક બીમારીઓ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે,
માનસિક બીમાર વ્યક્તિ બીજી કોઈ બાબતમાં નિપુણ
હોય તો તેને એની તરફ વાળીને સારાં પરિણામો મેળવી શકાય છે
———–
દરેક માણસ કોઇ ને કોઇ માનસિક સમસ્યા લઇને ફરતો હોય છે. બહારથી એકદમ નોર્મલ દેખાતો માણસ અંદરથી થોડોક થાકેલો તો ક્યારેક હારેલો હોઈ શકે છે. એનું કારણ એ છે કે, દરેક માણસ કોઇ ને કોઇ માનસિક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. આપણી સ્થિતિ અને આપણા સંજોગો ક્યારેક આપણા પર એટલા બધા હાવી થઇ જાય છે કે, આપણે ન કરવા જેવું વર્તન કરી બેસીએ છીએ. આપણે આપણી આસપાસ ઘણા એવા લોકોને જોયા હોય છે જેનું મગજ અચાનક જ છટકે છે. નાની નાની વાતમાં એ ચિડાઇ જાય છે. કેટલીક વખત હાથમાં આવે એ ફેંકીને તોડીફોડી નાખે છે. આપણને સમજાય જ નહીં કે આ માણસ આવું શા માટે કરે છે? આવું કરીને તેને શું મળી જવાનું છે? માણસના દરેક વર્તન પાછળ કોઇ કારણ જવાબદાર હોય છે. એમ જ કોઇ કંઇ કરતું નથી. માણસ કંઇ ન કરવાનું કરે ત્યારે એક વાત સમજી લેવાની જરૂર હોય છે તેને લાગણી અને હૂંફની જરૂર છે. અત્યારે થાય છે ઊંધું, કોઇ માણસ અયોગ્ય વર્તન કરે તો લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને બદલે તેને નફરત કરવા લાગે છે. તેની સામે જેમ તેમ બોલે છે. તને કંઇ ભાન નથી પડતું. તારું ધાર્યું કરાવવા માટે તું ત્રાગાં કરે છે. આ બધાં તારાં નાટક છે. તારી વાતોમાં અમે આવવાના નથી. આવું કરવાથી અસ્વસ્થ માણસ શાંત પડવાના બદલે વધુ અશાંત અને અધીરો થાય છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, અત્યારની લાઇફ સ્ટાઇલ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટની લત અને ટેક્નોલોજી વચ્ચે ઘેરાયેલો માણસ વધુ ને વધુ ડિસ્ટર્બ થતો જાય છે. હવે આવું બહુ વધી ગયું છે એવી વાતો થાય છે. નિષ્ણાતો સવાલ કરે છે કે, શું અગાઉ આવું નહોતું? અગાઉ પણ ઇશ્યૂઝ અને પ્રોબ્લેમ હતા જ. એ સમયે નજીકના લોકો, મિત્રો, સંબંધીઓ તેને સંભાળી લેતા. હવે એવું નથી થતું. અનેક કિસ્સાઓમાં અયોગ્ય વર્તન કરનારને નોધારા મૂકી દેવામાં આવે છે. તારે કરવું હોય એમ કર એવું કહીને તેની માનસિક સ્થિતિ વધુ ખરાબ કરી દે છે. હકીકતે એને સમજવાની, સ્વીકારવાની અને એની કાળજી લેવાની જરૂર હોય છે.
માનસિક રીતે અસ્વસ્થ માણસ ઘણી વખત ઓળખાતો નથી. મનોવિજ્ઞાન ત્યાં સુધીની વાતો કહે છે કે, એ પોતાની જુદી જ માનસિક અવસ્થામાં જીવતો હોય છે. આપણે પણ કોઇ ને કોઇ એવી હરકતો કરતા હોઇએ છીએ જે એબ્નોર્મલ હોય છે. આપણું વર્તન હિંસક કે હાનિકારક નથી હોતું, એટલે લોકો તેને ગંભીરતાથી લેતા હોતા નથી. દુનિયામાં આજકાલ `ધ માસ્ક ઓફ સેનિટી’ નામના પુસ્તકની જબરદસ્ત ચર્ચા છે. અમેરિકાના સુપ્રસિદ્ધ સાઇકિયાટ્રિસ્ટ હર્વે એમ. ક્લેકલીએ લખેલું આ પુસ્તક 1941માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકની ગણના સાયકોપથી પર લખાયેલા સૌથી પ્રભાવશાળી પુસ્તક તરીકે થાય છે. આ પુસ્તકમાં હર્વે ક્લેકલીએ અનેક અભ્યાસ કરીને લખ્યું છે કે, સાયકોપેથ માણસ બહારથી ખૂબ જ આકર્ષક, બુદ્ધિશાળી અને વાતચીતમાં કુશળ હોય છે. એ લોકો બહારથી ભલે સીધા સાદા દેખાતા હોય, પણ અંદરથી કોઇ જુદા જ સ્તર પર જીવતા હોય છે. ક્યારેક એ અસામાન્ય લાગે એવું વર્તન પણ કરતા હોય છે. આ વિષય પર બ્રિટનની ડર્બી યુનિવર્સિટીના મનોવિજ્ઞાની લેવિસ વીલેસ કહે છે કે, દરેક માનસિક સમસ્યા નકારાત્મક હોતી નથી. કેટલીક માનસિક સમસ્યાઓ માણસને વધુ સંનિષ્ઠ અને વધુ મહેનતું બનાવે છે. બીજી એક વાત એવી પણ કહેવામાં આવી છે કે, તમારી નજીકની કોઇ વ્યક્તિ સામાન્ય અને અહિંસક માનસિક સમસ્યાથી પીડાતી હોય તો તેના બિહેવિયર પર નજર રાખો. એ સમસ્યાને ઇગ્નોર કરો. તેનામાં શું સારું છે એ શોધો. એ વ્યક્તિ કોઇ ચોક્કસ કામમાં નિપુણ હોઈ શકે છે. એને એ તરફ વાળવાથી સારાં પરિણામો મેળવી શકાય છે.
ક્લેપ્ટોમેનિયા વિશે તો તમને ખબર જ હશે. કારણ વગર અને જરૂર ન હોય તો પણ કેટલીક વ્યક્તિઓ ચોરી કરતા હોય છે. ગમે એવો પ્રતિષ્ઠિત કે ધનવાન હોય તો પણ એ પોતાના પર કંટ્રોલ રાખી શકતો નથી અને ચોરી કરે છે. આ એક માનસિક બીમારી જ છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર કહે છે. ચોક્કસ પ્રકારના કેમિકલ લોચાના કારણે માણસને ચોરી કરવાનું મન થાય છે. આપણી લાગણીઓને કાબૂમાં રાખતા સેરોટોનિન અને આપણને આનંદની અનુભૂતિ કરાવતા ડોપામાઇન કેમિકલ્સમાં અસંતુલન પેદા થવાથી આવું થાય છે. હવે જે માણસ આવું કરે છે એ ચોર નથી, પણ માનસિક બીમાર છે. માણસને સમજવાની વાત અહીં આવે છે. ભલે કોઇ માણસ ક્લેપ્ટોમેનિયાથી પીડાતો હોય, પણ એ માણસ બીજી કોઇ બાબતમાં નિષ્ણાત હોઈ શકે છે. આવા સંજોગોમાં તેને એવા કામમાં લગાવવો જોઇએ જેમાં તેની આવડત છે. જો તમે એને ચોર કે બદમાશ કહીને જ વગોવ્યા રાખો તો એ વધુ બેફામ બનશે.
કેમિકલ લોચા અનેક રીતે થતા હોય છે. ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરના ઘણા કિસ્સાઓ આપણે જોયા હોય છે. હાથ બરાબર સાફ નથી થયા એવું માનીને ઘણા લોકો વારંવાર હાથ ધોતા રહે છે. ગેસ ચાલુ રહી ગયો છે કે બારણું બંધ નથી કર્યું એવું માનીને વારંવાર ચેક કરતા રહે છે. નાક વાંકું છે કે બીજું કોઇ અંગ બરાબર નથી એવું માનીને વારંવાર અરીસામાં ચેક કરતા રહેવું, વસ્તુની જરૂર ન હોય તો પણ ખરીદી કરતા રહેવું, ટેન્શનમાં હોય ત્યારે નખ ચાવવા કે વાળ ખેંચીને તોડવા, નક્કામી વસ્તુઓને ભેગી કરી રાખવી, આ અને આવા ડિસઓર્ડર બહુ સામાન્ય છે. ધ્યાનથી જોઇએ તો આપણે પણ કદાચ આવું કંઇક કરતા હોઇએ છીએ જેની બિહેવિયર ડિસઓર્ડરમાં ગણના થાય છે. જો એ વધુ પડતું હોય તો ચોક્કસપણે મનોચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આપણા માટે સવાલ એ છે કે, એવી વ્યક્તિ સાથે કેવી રીતે ડીલ કરવી?
મનોચિકિત્સકો કહે છે કે, સૌથી પહેલાં તો એક વાત સમજો કે, એ જાણીજોઇને આવું નથી કરતા. એ તેમની માનસિક સમસ્યા છે. તેને પાગલ, મૂરખ, અણસમજુ કે બેવકૂફ ન ગણો. જ્યારે તેમનું વર્તન એબ્નોર્મલ હોય ત્યારે ગુસ્સે ન થાવ, શાંત રહો. બીજી વાત એ છે કે, ક્યારેય તેની મજાક પણ ન ઉડાવો. તું તો આવો જ છે કે તું તો એવી જ છે, તું ગાંડો થઇ ગયો છે, તારું ભમી ગયું છે, એવું ક્યારેય ન કહો. તેને સમજાવવાનું પણ ટાળો. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, જ્યારે તમે કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ સાથે રહેતા હોવ ત્યારે તેની સારવાર તો કરાવો જ, સાથોસાથ તમે પણ મનોવિજ્ઞાની પાસે જઇને સલાહ લો કે, મારે તેની સાથે કઇ રીતે વર્તવું. એ વ્યક્તિ તો માનસિક બીમાર છે, આપણે તો સ્વસ્થ છીએને? આપણે તેને સજવાની જરૂર હોય છે. તેની પોઝિટિવ સાઇડ જુઓ અને તેને એ તરફ વાળો. દરેક માણસના દરેક વર્તનને એક હદથી વધુ ગંભીરતાથી લેવામાં પણ બહુ માલ નથી. આપણે પોતે ક્યારેય એવું વિચારીએ છીએ કે, હું અમુક વર્તન શા માટે કરું છું? દરેક વસ્તુ મને કેમ એકદમ વ્યવસ્થિત જ જોઇએ છે? અથવા તો કેમ અસ્તવ્યસ્ત હોય તો પણ મને કંઇ વાંધો નથી આવતો? દરેકની પોતાની લાઇક્સ અને ડિસ્લાઇક્સ, ગમા અણગમા હોય છે. દરેકની ચોક્કસ પ્રકારની માન્યતા હોય છે. એનું સન્માન કરીએ અને આપણા સંબંધોને સજીવન રાખીએ એ જ સાચું, સારું અને વાજબી છે.
————
પેશ-એ-ખિદમત
અપના દર્દ સુનાને બૈઠા,
જૈસે હોઠ જલાને બૈઠા,
સમઝ ન પાયા ક્યા સમઝાઉં,
જબ ખુદ કો સમઝાને બૈઠા.
– અનિલ અભિષેક
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 મે 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
