સફળ થવાની સૌથી પહેલી શરત છે, મોડું ન કરો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સફળ થવાની સૌથી પહેલી
શરત છે, મોડું ન કરો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

અમુક લોકોને બધે મોડા પહોંચવાની અને દરેક કામ

ડેડલાઇન આવી જાય ત્યારે જ કરવાની આદત પડી ગઇ હોય છે.

જે સમયને સમજતા નથી એને સમય પણ છેતરી જતો હોય છે!


———–

મશહૂર શાયર મુનીર નિયાજીની એક રચના છે. હમેશા દેર કર દેતા હૂં! જરૂરી બાત કહેની હો, કોઇ વાદા નિભાના હો, ઉસે આવાઝ દેની હો, ઉસે વાપસ બુલાના હો, હમેશા દેર કર દેતા હૂં મૈં. આખી રચના ખૂબ જ સુંદર છે. આ વાત એટલા માટે યાદ આવી, કારણ કે આપણામાંથી ઘણા લોકો હંમેશાં મોડા પડતા હોય છે, મોડું કરતા હોય છે! થાય છે, કરીએ છીએ, પહોંચી જઈશું, શું ઉતાવળ છે, દિવસના ક્યાં દુકાળ છે, આપણા વગર કંઇ અટકી જવાનું નથી, આ અને આવી વાતો કરનારાઓની સંખ્યા બહુ મોટી છે. સામા પક્ષે ડોટ ટાઇમે હાજર રહેનારાઓ પણ છે. કોઇ હોય કે ન હોય, એણે સમય આપ્યો હોય એટલે એ હાજર જ હોય! બાય ધ વે, તમે કેવી પ્રકૃતિના છો? પરફેક્ટ ટાઇમમાં માનો છો કે પછી થોડુંક વહેલુંમોડું થાય તો ચાલે? આ મામલે પણ દરેકની પોતાની ફિલોસોફી હોય છે. સમયમાં માનવાવાળા સામેનો માણસ પણ સમયને ફૉલો કરે એવું જ ઇચ્છતો હોય છે. જે સમયમાં ન માનતો હોય એ માણસ સાવ નક્કામો જ છે એવું આપણે ઘણાનાં મોઢે સાંભળીએ છીએ. સમય વિશે જાતજાતની વાતો અને સુવિચારો પણ જોવા, સાંભળવા અને વાંચવા મળે છે. સમયની કદર કરતા નથી એને સમય પણ ભૂલી જાય છે. આળસુ લોકોને આવા ક્વોટેશનથી કંઈ ફેર પડતો નથી. ક્રિએટિવ લોકો મૂડનું બહાનું કાઢીને મોડા પડતા રહે છે. સમયને માનનારા અને ન માનનારા પાસે પોતાનાં કારણો અને તર્કો હોય છે!
તમે કબીરનો પેલો દોહો તો સાંભળ્યો જ હશે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોએગી, બહુરિ કરેગા કબ! આની સામે એવું કહેવાવાળા પણ પડ્યા છે કે, આજ કા કામ કલ કરો, કલ કા કામ પરસો, ઇતની જલ્દી ક્યા હૈ, જબ જીના હૈ બરસો! મોડા આવનારાઓ ગમે એ માનતા હોય પણ એક હકીકત એ છે કે, સમયપાલનમાં માનનારા જ સફળ થાય છે. ઘણા લોકો તો ત્યાં સુધી કહે છે કે, સમયમાં માનવું એ એક સંસ્કાર જ છે. માણસે બીજાના સમયનું પણ રિસ્પેક્ટ કરવું જોઇએ. તમે કોઇને ટાઇમ આપો પછી તમે હાજર હોવ છો? ક્યારેક કોઇ કારણસર એક્સિડેન્ટલી મોડા થવાય તો હજુ પણ સમજી શકાય પણ હાથે કરીને મોડા થવું એ કોઇ હિસાબે વાજબી નથી. ઘણા લોકો તો મોડા પડ્યા હોય એનાથી એને કોઇ ફેર જ પડતો નથી! એ લોકોને મોડા પડવા બદલ કોઇ ગિલ્ટ થતું નથી, તેઓ સોરી પણ નથી કહેતા! એમાંયે મોડા પડનારા જો મોટા, વડીલ, સિનિયર કે બોસ હોય તો એવી રીતે વર્તતા હોય છે જાણે એને મોડા પડવાનો અધિકાર ન હોય!
વૅલ, સમયની વાત કરવાનું કારણ હમણાં આઠ યુનિવર્સિટીમાં થયેલું એક રિસર્ચ છે. સ્ટોકહોમ યુનિવર્સિટી સહિત આઠ યુનિવર્સિટીના 2587 સ્ટુડન્ટ્સ પર સતત નવ મહિના સુધી મોડા થવા વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, દરેક કામ અને અભ્યાસમાં મોડા પડનારાઓ માત્ર નિષ્ફળ જ નથી જતા એ શારીરિક અને માનસિક રીતે બીમાર પણ પડે છે. એક વાત તો આખી દુનિયા જાણે છે કે જો તમે વાંચવા લખવામાં રેગ્યુલર ન હોવ તો તમારે એનાં પરિણામો ભોગવવાં પડે છે. જે કામ પાછળ જેટલો સમય આપવો જોઇએ એ આપવો જ પડતો હોય છે. કોઇ સફળતા પ્રયાસ વગર મળતી નથી. જે લોકો દરેક કામમાં મોડું કરે છે એ તબિયત સારી ન હોય ત્યારે દવા લેવા જવામાં પણ લેઇટ જ કરે છે, પરિણામે તબિયત વધુ ખરાબ થઇ જાય છે. એવું લાગે કે, હવે ડૉક્ટર પાસે ગયા વગર ચાલે એમ નથી ત્યારે જ એ દવાખાને જાય છે. તેની સામે જે લોકો નિયમિત છે એને બીમારીનાં પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત જ દવા લઇ આવશે. અંગ્રેજીમાં એક કહેવત છે, એ સ્ટીચ ઇન ટાઇમ સેવ્સ નાઇન. એનો મતલબ એવો થાય છે કે, કપડું જરાક ફાટે ત્યારે એક ટાંકો લઇ લઇએ તો બીજા સાત ટાંકા બચે છે. જો સમયસર એક ટાંકો ન મારીએ તો ધીમે ધીમે કપડું વધુ ફાટે છે અને સાત ટાંકા લેવા પડે છે.
મોડા પડવા વિશેનો બીજો એક અભ્યાસ એવું કહે છે કે, લેઇટ થવાની જેને આદત પડી જાય છે એના સંબંધો પણ દાવ પર લાગે છે. બધાને ખબર પડી જાય છે કે, એ સમયસર પહોંચશે જ નહીં! લોકો ધીમેધીમે એને બોલાવવાનું જ બંધ કરી દે છે. મોડું કરવાની મેન્ટાલિટીના કારણે ઝઘડા પણ થાય છે. આપણી આજુબાજુમાં જ એવા કિસ્સાઓ હોય છે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહેતી હોય છે કે, જોજો હો, મોડું ન કરતો, તારા કારણે બધા હેરાન થાય છે. એક અભ્યાસ તો એના પર પણ થઇ રહ્યો છે કે, આખરે માણસ મોડું કરે છે શા માટે? શું આવી ટેન્ડેન્સી પાછળ કોઇ રહસ્ય છે? શું આળસ એ માનસિક બીમારી છે? મોડા થવા પાછળ કોઇ સાઇકોલૉજિકલ રિઝન છે? માનો કે છે, તો તેનો કોઇ ઇલાજ છે ખરો? શું દવા આપીને કે કાઉન્સેલિંગ કરીને અથવા તો બીજી કોઇ રીતે માણસની મોડા થવાની આદત બદલી શકાય ખરી? આ બધાના અંતે એવું જ કહેવાય છે કે, છેલ્લે તો માણસની દાનત જ જવાબદાર હોય છે. વહેલા, સમયસર કે મોડા થવા પાછળ ઉછેર પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઘરમાં કોઇ સમયમાં માનતું ન હોય તો બાળક પર તેની અસર આવી શકે છે.
મોડા પડવાને અને ખોટું બોલવાને પણ ઘણો નાતો છે! તમે માર્ક કરજો, મોડું કરનારો માણસ આરામથી ખોટું પણ બોલતો હશે. ઘરે આરામથી બેઠો હોય તો પણ એ કહેશે કે, નીકળી જ ગયો છું, પાંચ મિનિટમાં પહોંચું છું! બસ, તું પહોંચ, હું આવું જ છું. આવાં કેટલાંય બહાનાં માણસ કાઢતો હોય છે. મજાની વાત એ છે કે, માણસ જો ધારે તો આ આદત બદલાવી શકે છે. જે સમય હોય તેની થોડી મિનિટ વહેલા પહોંચવાનો પ્રયાસ કરો, વહેલા નહીં પહોંચો તો પણ સમયસર તો પહોંચી જ જશો! એક યુવાનની આ વાત છે. એની શિફ્ટ સવારે 11 વાગ્યાની હતી. એ દરરોજ મોડો પહોંચતો હતો. આખરે તેના બોસે તેની શિફ્ટ બપોરે ત્રણ વાગ્યાની કરી નાખી. આશ્ચર્યની વાત એ હતી કે, એ પછી પણ એ યુવાન મોડો જ આવતો હતો. જેને સુધરવું જ ન હોય એને કોઇ સુધારી શકતું નથી!
છેલ્લે એક વાત, માણસની આદત અને દાનત જ તેને સફળ કે નિષ્ફળ બનાવે છે. તમારે કંઇ બનવું છે? તો તમારી ઘડિયાળને ફૉલો કરો. દુનિયાના કોઇ મહાન માણસે એવું નથી કહ્યું કે, બેઠા રહો, થઇ જશે બધું! દરેક સફળ વ્યક્તિની પાછળ સખત મહેનતની કથા હશે. દરેક કામ માટે એક શિડ્યૂલ હોવું જોઇએ. એ ટાઇમટેબલ મુજબ જ કામ ચાલવું જોઇએ. ઘણા લોકો શિડ્યૂલ બનાવે તો છે પણ એને ફૉલો કરતા નથી. સફળ થવા માટે મહેનત તો કરવી જ પડવાની છે અને મહેનત પણ રાઇટ ટાઇમે થવી જોઇએ! તમારે શું કરવું એની મરજી તમારી. જિંદગી તમારી છે. એક વાત ગાંઠ બાંધીને રાખી લો, જેટલી મહેનત કરશો એટલું પામશો. મોડા જ થતાં રહેશો તો સફળતા પણ પાછળ જ રહી જવાની છે! ચોઇસ ઇઝ યોર્સ!


હા, એવું છે!
સફળતા અને સમયપાલનને સીધો સંબંધ છે એવું કહેવામાં આવે છે અને અનેક મહાન લોકોએ આ વાત સાચી હોવાનું કહ્યું છે. અલબત્ત, સેન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીનો એક અભ્યાસ એવું પણ કહે છે કે, હંમેશાં લેઇટ આવનારા લોકો ક્રિએટિવ અને સક્સેસફુલ હોય છે! આ સ્ટડી વિશે પણ હળવાશમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ સ્ટડી કરનારા બધા લોકો પણ આરામથી એટલે કે મોડા ગયા હશે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 ફેબ્રુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *