માણસને સૌથી વધુ ડર શેનો લાગે છે? – ​દૂર​બીન : કૃષ્ણકાંત ઉનડકટ

માણસને સૌથી વધુ
ડર શેનો લાગે છે?

​દૂર​બીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દરેક માણસને કોઈ ને કોઈ વાતનો ડર લાગતો જ હોય છે.

સવાલ એ છે કે શું ડરને દૂર કરી શકાય? હા, એ શક્ય છે!

આપણે બસ આપણો એપ્રોચ બદલવાનો હોય છે!​ ​

દુનિયામાં ડરવા જેવું કંઈ છે જ નહીં, બધું સમજવા જેવું જ હોય છે.

ડરને સમજી જઈએ તો ડરથી મુક્તિ મળી શકે છે!


————–

આપણે કોઈના બાપથી બીએ નહીં! એવું કહેવાવાળા વંદા કે ગરોળીથી ડરતા હોય એવું બનવાજોગ છે! ડર, ભય, ફિઅર વિશે જાતજાતની વાતો થઇ છે. હવે લોકો વાતવાતમાં પેલી જાહેરાતની ટેગલાઇન વાપરવા લાગ્યા છે કે, ડર કે આગે જીત હે! સાચી વાત છે. ડરની આગળ સફળતા છે પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે, ડરની આગળ નીકળવું કેવી રીતે? ડરથી મુક્તિ મેળવવાનું કામ સહેલું નથી. દરેક માણસ કશાકથી ડરતો હોય છે. મેડિકલ સાયન્સ અને સાઇકોલોજીમાં ફોબિયાઓનું લાંબુંલચ્ચ લિસ્ટ છે. આપણને કલ્પના ન આવે એવા ફોબિયાઓનો માણસ શિકાર હોય છે. ઘણા લોકોને સૂવામાં પણ ડર લાગે છે! એક સવાલ એવો થાય કે, માણસને સૌથી વધુ ભય શેનો લાગે છે? એનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. દરેકને જુદી જુદી વાતનો ડર લાગતો હોય છે. ડરના અનેક પ્રકાર છે. એક માણસ જેનાથી થરથર કાંપતો હોય, એનાથી બીજાનું રૂંવાડું પણ ફરકતું ન હોય એવા અનેક કિસ્સા આપણે જોયા છે. ઘણા લોકોના ડર તો મજાકનું કારણ પણ બનતા હોય છે. માખીઓથી ડરવાવાળા લોકો પણ પડ્યા છે.
સૌથી વધુ માણસ શેનાથી ડરે છે એ કહેવું અઘરું છે પણ ડર વિશે એક અભ્યાસ એવું કહે છે કે, મોટા ભાગના માણસોને પોતાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક નિષ્ફળ જવાનો ભય લાગ્યો જ હોય છે. હું પાસ થઈશ કે નહીં? મને સારા માર્ક્‌સ આવશે કે નહીં? કોઇ કોમ્પિટિશનમાં ભાગ લીધા પછી એવું થાય છે કે હું સફળ થઇશ કે નહીં? નોકરીનો ઇન્ટરવ્યૂ આપતી વખતે એવો ભય સતાવે છે કે હું સારું પરપોર્મ કરી શકીશ કે નહીં? મને નોકરી મળશે કે નહીં? એમાંયે એક વખત નિષ્ફળ ગયા હોઇએ એ પછી બીજા પ્રયત્નમાં એ ડર બેવડાઈ જતો હોય છે. નોકરી મળી ગયા પછી પણ ઘણાને સતત એવો ડર લાગ્યા રાખે છે કે હું બરોબર કામ તો કરી શકીશને? મને નોકરીમાંથી કાઢી નહીં મૂકેને? તમને ખબર છે, આપણા દેશમાં થયેલો એક અભ્યાસ એવું જણાવે છે કે, પરફોર્મન્સ અને નોકરી જવાની બીકે આપણે ત્યાં લોકો રજા લેતા ડરે છે! બીમાર હોય તો પણ નોકરીએ જાય છે!
ડર વિશે મનોચિકિત્સકો એવું કહે છે કે, અમુક વખતે ડર લાગે એ સ્વાભાવિક છે પણ ડર જો સતત મનમાં ઘર કરી જાય તો એ મુશ્કેલી સર્જે છે. માણસ જો સતત ડરતો જ રહે તો એ પૂરી તાકાત અને ટેલેન્ટથી કામ જ કરી શકતો નથી. સફળતા માટે સૌથી વધુ જરૂરી એ છે કે, તમામ પ્રકારનો ભય મનમાંથી ખંખેરી નાખો. નિષ્ફળ જઈશું તો થઈ થઈને શું થઈ જવાનું છે? કંઈ આભ ફાટી પડવાનું નથી! એકાદ બે નિષ્ફળતાથી જિંદગી ખતમ થઈ જવાની નથી! જેનું મન નબળું પડે છે એની હાર નક્કી હોય છે. ડર માણસને પહેલેથી જ હરાવી દે છે. અમુક લોકો તો કારણ વગરના ડરતા હોય છે. એને એમ જ હોય છે કે, આપણો મેળ પડવાનો નથી! આપણા કરતાં ખેરખાં પડ્યા છે, એમાં આપણો વારો ક્યાંથી આવવાનો? આવું હોતું નથી. આવો ડર દૂર કરવા માટે સાઇકોલૉજિસ્ટ એવી સલાહ આપે છે કે, તમારી જાત પ્રત્યેનો એપ્રોચ બદલો. નિષ્ફળ એ માણસ જ જાય છે જે પોતાની જાતને અંડરએસ્ટિમેટ કરે છે. માણસને સૌથી પહેલાં તો પોતાનું ગૌરવ હોવું જોઇએ. આપણે પોતે જ જો આપણી જાતને લાયક ન સમજીએ તો બીજા ક્યાંથી સમજવાના છે?
બીજાને પોતાનાથી બળિયા, મજબૂત કે વધુ ક્ષમતાવાળા સમજવાનું કામ પણ જોખમી છે. આપણો હરીફ કે સ્પર્ધક પણ આખરે તો માણસ જ છે. એક ટેનિસ પ્લેયરે કહેલી આ વાત છે. તે પહેલી વખત નેશનલ ગેઇમ્સમાં રમતી હતી. તેણે સૌથી પહેલાં જ લાસ્ટ ટાઇમની ચેમ્પિયન ખેલાડી સામે રમવાનું આવ્યું. એ છોકરીના કોચે પૂછ્યું, કોઇ વાતનું પ્રેશર લાગે છે? તારે ચેમ્પિયન સામે રમવાનું છે! એ વખતે એ છોકરીએ કહ્યું, મારે કોઇ ચેમ્પિયન સામે રમવાનું નથી, મારે એક ખેલાડી સામે જ રમવાનું છે, એવી ખેલાડી જે મારા જેવી જ છે અને મારામાં એના કરતાં જરાયે ઓછી ક્ષમતા નથી. તમારી લાઇફ, તમારી ગેઇમ, તમારા વર્ક અને તમારી ચેલેન્જીસ સામે આખરે તો તમારો એટિટ્યૂડ કેવો છે એ જ સૌથી વધુ મેટર કરતું હોય છે. શોલેનો ડાયલોગ યાદ રાખવા જેવો તો છે જ કે જો ડર ગયા, સમજો મર ગયા!
કાયમ કોઈને સફળતા મળતી નથી. સચિન તેંડુલકર જેવા સો સદી મારનાર બેટ્સમેન પણ 14 વખત ઝીરોમાં આઉટ થયા છે. ઘણા લોકો નિષ્ફળતા માટે પોતાને જ દોષ દેતા હોય છે. મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે. હું જ નબળો છું. મારાં જ નસીબ ખરાબ છે. ગમે એવી નિષ્ફળતા મળે તો પણ આવા વિચારો ન કરવા જોઇએ. નિષ્ફળતાને જે એક પાઠની જેમ લે છે અને દરેક નિષ્ફળતામાંથી કંઇક ને કંઇક શીખે છે એ એક સમયે ચોક્કસ સફળ થાય છે.
દુનિયાના કોઇ પણ મહાન માણસની લાઇફ અને કરિયર જોઇ જાવ, એ દરેકે ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સામનો કર્યો જ છે. હમણાં જ 80 વર્ષ પૂરાં કરનાર મહાનાયક અમિતાભ બચ્ચને પણ ઘણી નિષ્ફળતાનો સામનો કર્યો છે. સૌથી પહેલાં તો આકાશવાણીએ તેમને તમારો અવાજ યોગ્ય નથી એમ કહીને તેમને રિજેક્ટ કર્યાં હતા. અમિતાભ બાદમાં તેમના અવાજના કારણે જ મશહૂર થયા. એક તબક્કે તેમને ફિલ્મોમાં કામ પણ મળતું નહોતું. તેમની કંપની એબીસીએલે ખોટ કરતા દેવાળું ફૂંકવાનો વખત આવ્યો હતો. આ બધામાંથી બહાર આવીને તેમણે નવેસરથી પોતાનું કામ શરૂ કર્યું હતું અને આજે તેઓ ક્યાં છે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ.
ડર કોઈ પણ હોય, એ સરવાળે આપણી પ્રગતિ રોકે છે. ઘણા ડર આપણને સારી રીતે જીવવા પણ દેતા નથી. માનસશાસ્ત્ર તો એવું કહે છે કે, ડર એ બીજું કંઈ નથી પણ માણસે પોતે જ ઊભો કરેલો એક એવો ભ્રમ છે જેમાં એ પોતે જ ફસાઈ જાય છે. જે વાતથી તમને ડર લાગતો હોય તેના વિશે જો લાંબો વિચાર કરશો તો સમજાશે કે, આપણે મોટા ભાગે મનમાં જ એક પિક્ચર ખડું કરી લઇએ છીએ અને પછી તેનાથી ડરતા રહીએ છીએ. માણસ રિયલ ફીઅર કરતાં કાલ્પનિક ડરના કારણે વધુ હેરાન થતો હોય છે. આમ થશે તો? તેવું નહીં થાય તો? મારા વિશે લોકો શું સમજશે? ભયની કલ્પનાના ઘોડાઓ એવા દોડાવે છે કે પોતે જ અંધકારમાં સપડાઈ જાય છે. મનમાંથી તમામ ડર ખંખેરી નાખો. ભય ખંખેરીને તમારે હતાશા, નિરાશા, નિષ્ફળતા સિવાય કશું જ ગુમાવવાનું નથી. માણસને કોઈ રોકતું હોતું નથી, માણસ પોતે જ પોતાને રોકતો હોય છે. પોતાની બેડીઓ પોતે જ તોડવી પડે. તમને કોઈ વાતનો ડર લાગતો હોય તો એક વાર પ્રયાસ કરી જુઓ, બહુ અઘરું નથી. બસ, મન મક્કમ હોવું જોઇએ!
———–
હા, એવું છે!
સફળતા અને નિષ્ફળતા વિશેનો એક અભ્યાસ એવું જણાવે છે કે, સરવાળે બધું જ તમારા માઇન્ડસેટ પર આધાર રાખે છે. જેવું વિચારશો એવું જ થવાનું છે. પોઝિટિવ રહો. સફળતા મળશે જ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 ઓક્ટોબર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com


Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *