આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસે એક સવાલ : શાંતિ જેવું દુનિયા કે જિંદગીમાં કંઈ છે ખરું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસે એક સવાલ
શાંતિ જેવું દુનિયા કે જિંદગીમાં કંઈ છે ખરું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

શાંતિ એક અહેસાસ છે. એક અનુભૂતિ છે. એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. 

શાંતિ ક્યારેય બહારથી મળવાની નથી.

શાંતિની શોધ તો પોતાની અંદર જ કરવી પડે. 

કોઇ રસ્તો ચીંધી શકે પણ મંઝિલે તો આપણે જ પહોંચવું પડે!​ ​

દુનિયા આખી યુદ્ધ, આતંકવાદ, વેરઝેર અને ગુનાખોરીથી પરેશાન છે.

આપણે શાંત હોઇએ તો પણ દુનિયામાં જે બની રહ્યું છે એ જોઇ કે સાંભળીને હચમચી જઇએ છીએ!

સંબંધો પણ હવે શાંતિ અને સુખ આપવાને બદલે અશાંતિ આપી રહ્યા છે!


———–

આજે ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે. વિશ્વ શાંતિ દિવસ. આ દિવસ ઊજવવાની ઘોષણા યુનાઇટેડ નેશન્સે વર્ષ 1981થી કરી, બાકી તો જ્યારથી માણસ જાત અસ્તિત્વમાં આવી ત્યારથી શાંતિની ખોજ ચાલી રહી છે. લોકોના લાખ પ્રયાસો છતાં શાંતિ મળતી નથી. ઊલટું જેમજેમ સમય જાય છે એમ એમ શાંતિ દૂર ને દૂર ભાગતી રહે છે. શાંતિ ક્યાં છે? આખી દુનિયામાં કોઇ ને કોઇ વલોપાત છે, ઉશ્કેરાટ છે, નારાજગી છે, દરેકનાં ભવાં તંગ છે. વાત વાતમાં મગજ છટકી જાય છે. આવા સંજોગોમાં શાંતિનો અહેસાસ ક્યાંથી થવાનો છે? યુદ્ધ, આતંકવાદ, ગુનાખોરી, હરીફાઇ અને એવું બીજું કેટલુંયે છે જે શાંતિને આપણાથી છેટે રાખે છે. દરેક માણસ ક્યારેક જાહેરમાં તો ક્યારેક મનમાં એવું બોલ્યો જ હશે કે, કોણ જાણે ક્યારે શાંતિ મળશે?
આપણાં શાસ્ત્રોમાં શાંતિમંત્ર અને શાંતિપાઠ આપેલા છે. આપણી સંસ્કૃતિ પ્રકૃતિના કણેકણમાં શાંતિની કામના કરે છે. પેલો શાંતિમંત્ર તમને યાદ છે? દ્યૌ: શાંતિ: અંતરિક્ષ શાંતિ: પૃથ્વી: શાંતિ: ઔષધય: શાંતિ: વનસ્પતય: શાંતિ: વિશ્વેદેવા: શાંતિ: બ્રહ્મ: શાંતિ: સર્વ શાંતિ: ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: દ્યૌ એટલે પ્રકાશ, અંતરિક્ષ મતલબ સ્પેસ, પૃથ્વી, ઔષધ, વનસ્પતિ, વિશ્વદેવા, બ્રહ્મ સહિત સર્વ શાંતિની પ્રાર્થના આપણે કરીએ છીએ. વસુધૈવ કુટુમ્બક્મમાં માનનારા આપણે તો આખા જગતમાં શાંતિ રહે એવું જ ઇચ્છીએ છીએ. એ વાત જુદી છે કે, આપણી તમન્નાઓ કામ લાગતી નથી. સમગ્ર દુનિયામાં જાણે ઉત્પાત મચ્યો છે. રશિયા અને યૂક્રેનનું યુદ્ધ સાત મહિનાથી ચાલે છે. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નવેસરથી સંઘર્ષ શરૂ થયો છે. તુર્કી અને ગ્રીસ એકબીજા સામે ખાંડા ખખડાવી રહ્યા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો સંઘર્ષ સતત ચાલતો રહે છે. દુનિયાનાં બીજાં અનેક સ્થળોએ નાનાંમોટાં ઘર્ષણો ચાલતાં રહે છે. અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં આતંકવાદી ઘટના બનતી રહે છે. આ બધી માનવસર્જિત આફત છે. કુદરતી આફતો પણ લોકોને અકળાવતી રહે છે. ક્યાંક પૂર છે તો ક્યાંક દુકાળ, ક્યાંક દાવાનળ ફાટે છે તો ક્યાંક ધરતીકંપ થતા રહે છે. દુનિયાના લોકો સાથે જે ઘટનાઓ ઘટી રહી છે એની સાથે આપણી સરખામણી કરીએ તો એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આપણા માથે ભગવાનની કેટલી મોટી દયા છે!
દિલ પર હાથ મૂકીને કહેજો, તમને શાંતિ છે? તમને કોઈ વાત પજવતી નથી? જો એવું હોય તો બહુ સારી વાત છે. દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે સ્ટ્રેસનો ભોગ બનેલા છે. સ્ટ્રેસથી મુક્તિ મેળવવા માટે માણસ યોગ કરે છે. શાંતિ શિબિરોમાં જાય છે. મૌનવ્રત રાખે છે. હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક યુવાન પોતાના કામથી એવો પરેશાન થઇ ગયો કે તેને ક્યાંય ચેન પડતું નહોતું. એક વડીલે સલાહ આપી કે, ફલાણા ફલાણાની એક શિબિર કરી આવ. દસ દિવસની શિબિર. આ દસ દિવસ મૌન પાળવાનું. નો મોબાઇલ, નો કમ્યુનિકેશન, નથિંગ. ઇશારાથી પણ કોઇ સાથે વાત નહીં કરવાની! પહેલા દિવસે તો હાલત ખરાબ થઇ ગઇ. ઘડીએ ઘડીએ મોબાઇલ જોવાની આદત હતી. હાય જાણે, શુંયે અટકી જવાનું હતું. મનથી નક્કી કર્યું હતું કે, નો મિન્સ નો. કોઇ વાતમાં આવવું નથી અને દસે દસ દિવસ હન્ડ્રેડ પર્સન્ટ શાંતિ ફીલ કરવી છે. અલબત્ત, તેને એવો વિચાર પણ આવી ગયો કે, બધાથી કટઓફ્ થઇ જઇએ તો પછી શાંતિ ફીલ થવાની જ છેને? તમે કંઇ આખી જિંદગી તો આ રીતે રહી નથી શકવાનાને? આ તો બેટરી ચાર્જ કરવા જેવું છે. અત્યારે ચાર્જ થઇ ગયા પણ જેવા ઘરે પાછા જઇશું અને કામે ચડીશું એ સાથે જ અશાંતિ ઘેરી વળવાની છે. શિબિરના દસ દિવસ પૂરા થયા. જે ધ્યાન કરાવતા હતા એમણે એક સરસ વાત કરી. તેણે કહ્યું કે, તમે દસ દિવસ દૂર રહ્યા એનાથી દુનિયા અટકી ગઇ? બધું એવું ને એવું ચાલે છેને? તો પછી આપણે કેમ બધું માથે લઇને ફરીએ છીએ? દુનિયા ચાલે છે, ચાલતી રહેવાની છે, આપણે હોઇએ કે ન હોઇએ! એનો મતલબ જરાયે એવો નથી કે, બધું મૂકી દઇએ. એમ કંઇ નથી મૂકી શકાતું. દરેકને પોતાની જવાબદારીઓ હોય છે. પરિવાર હોય છે. પોતાની ફરજો અદા કરવી એ પણ જિંદગીનો જ એક ભાગ છે. એ બધું સારી રીતે થઇ શકે એ માટે શાંતિ જરૂરી છે. શાંતિની શોધ માણસે પોતે જ કરવી પડે છે. કોઇ તમને રસ્તો બતાવી શકે. મંઝિલે તો તમારે જ પહોંચવું પડે.
આપણી અશાંતિનું એક કારણ એ છે કે, આપણે બધું જ પકડી રાખીએ છીએ. કંઇ જ છોડતા નથી. વાત માત્ર સંપત્તિ કે ચીજવસ્તુઓની નથી, આપણે તો કોઇ કંઇ બોલી ગયું હોય તો પણ એને ભૂલતા નથી. કોઇને કોઇ બાબતનો ધૂંધવાટ સતત આપણામાં ચાલતો જ રહે છે. દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી. આપણે આપણી જાતને જ એવી જકડી રાખી હોય છે કે મુક્ત થવાતું જ નથી. જ્યાં સુધી મુક્ત અને હળવા ન થઇએ ત્યાં સુધી શાંતિનો અનુભવ થવાનો નથી.
શાંતિ છે જ. શાંતિ તો સર્વવ્યાપી છે. આપણે શાંતિ નથી અનુભવતા એમાં વાંક શાંતિનો નહીં પણ આપણો છે. આપણે આપણી અંદર અને આપણી ચોતરફ એટલી અશાંતિ પેદા કરી દીધી છે કે, શાંતિ નજીક આવી જ નથી શકતી. માણસ સાવ નવરો હોય તો છેલ્લે મોબાઇલ લઇને બેસે છે. સોશિયલ મીડિયા અને બીજું કંઇ પણ જોતો રહે છે. સરવાળે મળે છે શું? અશાંતિ! તમે માર્ક કરજો, મોબાઇલ મૂક્યા પછી માથું ભારે જ લાગશે!
હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, માણસને અશાંતિની એટલી બધી આદત પડી ગઇ છે કે એ શાંતિમાં જાય તો બેચેન થઇ જાય છે! એને સતત કંઇક જોઇએ છે. માણસ શાંતિથી બેસી જ શકતો નથી. અગાઉના સમયમાં લોકો એકલા બેસતા. કોઇ નિર્ણય કરવાનો હોય તો શાંતિથી વિચારતા. હવેના માણસને શાંતિ અને નવરાશ પચતી નથી. તમે ક્યારેક આવી કોશિશ કરજો. મોબાઇલને સાઇલન્ટ કરીને નક્કી કરજો કે, એક કલાક મારે ફોન અડવાનો નથી. બીજા કોઇ કામમાં હશો તો વાંધો નહીં આવે, બાકી થોડી જ મિનિટોમાં બેચેની લાગવા માંડશે.
સંબંધો દિવસે ને દિવસે અઘરા બનતા જાય છે. માણસને હવે સંબંધોના કારણે પણ અશાંતિ રહે છે. સંબંધ તો સુખ અને શાંતિ આપવા જોઇએ. એના બદલે નજીકની વ્યક્તિ સાથે જ અસંખ્ય ઇશ્યૂ છે. એકબીજાનાં મોઢાં જોવા લોકો રાજી નથી. કેટલાં દંપતી ખરેખર દાંપત્યજીવનને હન્ડ્રેડ પર્સન્ટ જીવતાં હોય છે? મોટા ભાગના લોકોના સંબંધો દાવ પર લાગેલા છે. ક્યારેક તો એવું લાગે છે કે, માણસજાત જ આડા પાટે ચડી ગઇ છે! શાંતિનો રસ્તો આપણે ભૂલી ગયા છીએ. શાંતિનું સ્ટેશન તો ક્યારનુંયે ચુકાઇ ગયું છે. શાંતિ વિશે હવે શાંતિથી બેસીને વિચારવું પડે એમ છે કે, આખરે શાંતિ ગઇ ક્યાં? શાંતિ જોઇતી હોય તો પોતાના તરફ પાછા વળો. જિંદગી જીવો. શાંતિ તમને તમારી અંદર જ મળશે. એના માટે જરૂરી માત્ર એટલું છે કે મનમાં અને આસપાસ જે અશાંતિ છે એને હટાવી દો! શાંતિ માટે આપોઆપ જગ્યા થઇ જશે!
હા, એવું છે!
સાચી શાંતિ એ છે જેનો અનુભવ માણસ કોઇ પણ જગ્યાએ કરી શકે. શાંતિ મેળવવા માટે જંગલમાં કે પર્વતની ટોચ પર જવાની કંઇ જરૂર નથી. ટોળાની વચ્ચે પણ શાંત માણસ શાંતિને ફીલ કરી શકે છે. શાંતિ માટે જે ભાગાભાગી કરે છે એને ક્યાંય શાંતિ મળતી નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 સપ્ટેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *