એકલતા ઉંમર વધે એમ આકરી બનતી જાય છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

એકલતા ઉંમર વધે એમ
આકરી બનતી જાય છે!


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

રતન ટાટાએ હમણાં એકલા રહેતા વૃદ્ધો માટે એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ કરી.

એ પ્રસંગે ટાટાએ કહ્યું કે, એકલતાની વેદના કેવી હોય છે એ તો જેણે ભોગવવી પડતી હોય એને જ ખબર હોય છે​! ​

આપણા દેશમાં દોઢ કરોડ વૃદ્ધો એવા છે જે એકલા રહે છે. એની સાથે વાત કરવાવાળું પણ કોઈ નથી હોતું.

એકલતાના કારણે એમને જિંદગીમાંથી જ રસ ઊડી જાય છે!​ ​

મોટી ઉંમરે જ્યારે બેમાંથી એક જીવનસાથી વિદાય લઇ લે પછી 

એકલી પડી ગયેલી વ્યક્તિ માટે જિંદગી પસાર કરવી અઘરી પડી જાય છે.

સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની હાલત વધુ ખરાબ થઈ જાય છે!


———–

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે…રવીન્દ્રનાથ ટાગોરની આ રચના યુવાનોને જોમ પૂરી પાડવા માટે પૂરતી છે પણ એક ઉંમર પછી જ્યારે શરીર સાથ ન આપે ત્યારે એકલા ચાલવું કે એકલા જીવવું અઘરું પડી જાય છે. એક હકીકત એ છે કે આપણા દેશમાં વૃદ્ધોનું જેટલું ધ્યાન રાખવું જોઇએ એટલું રાખવામાં આવતું નથી. આપણા દેશના લોકોને સૌથી મોટી ચિંતા એ જ હોય છે કે, બુઢ્ઢા થઇ જઈશું ત્યારે આપણું શું થશે? કોણ આપણું ધ્યાન રાખશે? આપણે ત્યાં તો સંતાનોને જન્મ આપવા પાછળ પણ સૌથી મોટું પરિબળ એ જ હોય છે કે બુઢ્ઢા થઇએ ત્યારે કોઇક તો જોઈશેને! મોટી ઉંમરે સંતાનો પણ સાચવશે જ એની કોઈ ગેરંટી હોતી નથી છતાં મા-બાપના બેકઅપ માઇન્ડમાં એ જ હોય છે કે બુઢાપામાં દીકરો કે દીકરી લાકડી બનશે!
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ હમણાં કહ્યું કે, એકલતા કેવી આકરી હોય છે એ તો જે લોકો એકલા રહેતા હોય એને જ ખબર હોય છે! બિઝનેસ ટાયકૂન રતન ટાટા 84 વર્ષના છે. રતન ટાટાને કોઈ વાતની કમી નથી, છતાં જો તેમને એકલતા સતાવતી હોય તો સામાન્ય વૃદ્ધોની હાલત કેવી હશે એ સમજી શકાય એવી વાત છે. રતન ટાટાએ તેમના લાડકા 30 વર્ષીય શાંતનુ નાયડુના સ્ટાર્ટઅપ ગુડફેલોઝના પ્રારંભ સમયે એકલતા વિશે વાત કરી હતી. આ સ્ટાર્ટઅપ વૃદ્ધોને કંપની આપવા માટે છે. સ્ટાર્ટઅપના યુવાનો સામાન્ય ચાર્જ લઇને વૃદ્ધો સાથે સમય વિતાવશે. તેમની સાથે વાતો કરશે. કેરમ અને બીજી ગેઇમ્સ રમશે. તેમને અખબારો અથવા પુસ્તકો વાંચી સંભળાવશે. વૃદ્ધોને ખુશી થાય એવી પ્રવૃત્તિઓ કરશે. આ સ્ટાર્ટઅપ પહેલાં મુંબઇ, પૂના, ચેન્નઈ અને બેંગલુરુથી પોતાનું કામ શરૂ કરશે. ધીમેધીમે બીજાં શહેરોમાં પણ તેની સેવા શરૂ થશે.
આપણા દેશમાં એકલા રહેતા વૃદ્ધોની સંખ્યા દોઢ કરોડ જેટલી છે. કરુણતા એ વાતની પણ છે કે આપણા દેશમાં વૃદ્ધોની અવગણના કરવામાં આવે છે. વૃદ્ધોની વેદના વિશે થયેલા એક અભ્યાસમાં એવું જણાયું હતું કે, એ લોકો સતત કોઇને ઝંખે છે. કોઇ એની સાથે વાત કરે, બેસે, તેમને પૂછે કે કેમ છે? જેણે આખી જિંદગી ખુમારીથી જીવી હોય છે, યુવાનીમાં જેમની નોંધ લેવાતી હોય છે, એ લોકો પણ જ્યારે એકલા પડી જાય છે ત્યારે એની હાલત કફોડી થઇ જાય છે. એમને કહેવું હોય છે કે, તેણે જિંદગીમાં શું કામો કર્યાં છે, કેવી જિંદગી જીવી છે, પણ કોઇ વાત સાંભળવાવાળું તો હોવું જોઇએને? અત્યારના યંગસ્ટર્સ અનેક ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે. એને પોતાના માટે સમય નથી તો એ પોતાનાં મા-બાપ કે બીજા વડીલોને ક્યાંથી સમય આપી શકવાનો છે? મા-બાપ પ્રત્યે લાગણી હોવા છતાં અને એમના માટે કંઇક કરવાની ઇચ્છા હોવા છતાં એ કંઇ કરી શકતા નથી. હવે યંગસ્ટર્સ કરિયર માટે વતન છોડીને મોટાં શહેરોમાં જાય છે. ગામડામાં કે નાનાં શહેરોમાં મોટા થયેલાં મા-બાપ નવાં શહેરો, નવું વાતાવરણ કે નવા માહોલમાં સેટ થઈ શકતા નથી. એને તો તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં જ ફાવે છે. પોતાના શહેર કે ગામમાં થોડાક લોકો તો એવા હોય છે જે ઓળખતા હોય છે, જેની સાથે વાત થઇ શકે છે. મોટાં શહેરોમાં તો કોઇ પાસે કોઇના માટે ટાઇમ જ ક્યાં છે?
મોટી ઉંમરે જો જીવનસાથી સાથે હોય તો એના ટેકેટેકે જીવન પસાર થઇ જાય છે. બેમાંથી એક તો વહેલું જવાનું જ છે. જે પાછળ રહી જાય છે એની સ્થિતિ દયાજનક બની જાય છે. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની એકલતા વધુ અઘરી હોય છે. સ્ત્રીઓ તો ઘરમાં નાનાં છોકરાઓ હોય તો એમાં, નહીંતર નાનાંમોટાં કામોમાં અને છેલ્લે ધર્મધ્યાનમાં પોતાનો જીવ પરોવી લે છે. પુરુષો એવું કરી શકતા નથી. એના માટે સમય વિતાવવો મુશ્કેલ બની જાય છે. હવે સંયુક્ત કુટુંબો ઘટતાં જાય છે. એક દીકરો હોય તો એ કામ-ધંધા માટે બહાર ચાલ્યો જાય છે. એકની એક દીકરી હોય તો એ પરણીને સાસરે ચાલી જાય છે. દીકરા કે દીકરીનાં સંતાનો હોય તો પણ એ બીજાં શહેરોમાં હોય છે. આપણે ત્યાં જ્યારે છોકરાઓને ઉછેરવાની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે, ઘરમાં દાદા-દાદી કે નાના-નાની હોય તો છોકરાં ક્યારે મોટાં થઇ જાય એ ખબર પડતી નથી. આ જ વાતને સામેના છેડેથી જોવાની પણ જરૂર છે. છોકરાઓ હોય તો દાદા-દાદીનો સમય પણ પસાર થઇ જાય છે. એનો જીવ પૌત્ર-પૌત્રીમાં હોય છે. એને રમાડવામાં, એને સ્કૂલે મૂકવા જવામાં અને એની સાથે તોફાન-મસ્તી કરવામાં એમનો સમય ક્યાં ચાલ્યો જાય છે એની એમને પણ ખબર પડતી નથી. એમની પાસે જીવવાનું જીવતું-જાગતું કારણ હોય છે. એ તેના માટે ભાગ લઇ આવશે, છોકરાવની ડિમાન્ડ પૂરી કરશે, કોઇ ખીજાશે તો એનો પક્ષ લેશે, એને સારા સંસ્કારો આપશે. આ પ્રવૃત્તિ બાળકો માટે જેટલી જરૂરી છે એટલી જ ઉપયોગી વૃદ્ધો માટે પણ છે. હવે તો બાળકો પણ એના સ્ટડી અને બીજી પ્રવૃત્તિમાં એટલાં વ્યસ્ત હોય છે કે, દાદા-દાદીને એમ થાય કે આ હવે નવરાં પડે તો એને રમાડીએ!
સાઇબર ટેક્નોલોજી, મોબાઇલ અને ઇન્ટરનેટ મોટી ઉંમરના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યાં છે. દાદા-દાદી મોબાઇલ કે ટેબલેટ લઇને બેસી જાય છે. પોતાને ગમતું હોય એ જોતાં કે સાંભળતાં રહે છે અને તેમને એવું લાગે છે કે તેની પાસે સારી રીતે સમય પસાર કરવા માટે કંઇક છે. એ દીકરા, દીકરી કે સગાંવહાલાંને વોઇસ કે વીડિયો કૉલ કરતાં રહે છે. બધાના ખબરઅંતર પૂછી લે છે. એમાં પણ કેવું થાય છે? વડીલો ફોન કરે ત્યારે છોકરાંવને તેમની સાથે વાત કરવાની ફુરસદ હોતી નથી. મોટી ઉંમરનાં મા-બાપને એમ થાય કે વીડિયો કૉલ કરીને છોકરાંવનું મોઢું જોઇ લઉં. દીકરો કે દીકરી ફોન ન ઉપાડે ત્યારે મન મનાવી લે છે કે કંઈક કામમાં હશે. અલબત્ત, એવાં સંતાનોની પણ કમી નથી જે નિયમિત રીતે પોતાનાં મા-બાપ અને વડીલોને રૂબરૂ મળી ન શકે એમ હોય તો ફોનથી સંપર્કમાં રહે. એક સાવ સાચો કિસ્સો છે. પપ્પાની વિદાય પછી મમ્મી વતનમાં ઘરે એકલી રહેતી હતી. બીજા શહેરમાં રહેતા દીકરાએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવીને તેનું એસેસ મોબાઇલમાં રાખ્યું હતું. સમય મળે કે તે તરત જ એ મોબાઇલમાં જોઇ લેતો કે, મમ્મી ઓકે તો છેને? મા-બાપ પણ હવે એવાં થઇ ગયાં છે જે છોકરાઓ ઉપર બોજ બનવા માંગતાં નથી. આપણે ત્યાં સાસુ- વહુના સંબંધો કેવા છે એ તો આપણને બધાને ખબર જ છે. મા-બાપ પોતાનો દીકરો પત્ની સાથે સુખેથી રહે એ માટે પણ એકલા રહેવાનું પસંદ કરે છે. એમાં ઘણા લોકો શોષવાતા હોય છે. દરેક માણસે એ ન ભૂલવું જોઇએ કે એક સમયે આપણે પણ વૃદ્ધ થવાના છીએ. તમે તમારા વડીલો સાથે જેવું વર્તન કરશો એવું જ તમારી સાથે થવાનું છે. અલબત્ત, એ વાતથી ડરીને પણ નહીં પણ આપણને જેમણે પોતાનું લોહી સીંચીને મોટાં કર્યાં છે, એને આપણી પાસે એટલી તો અપેક્ષા હોવાની જ છે કે એ એટલિસ્ટ એમનાં ખબરઅંતર પૂછે. આપણે ત્યાં ઘણા યુવાનો સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમ કે એકલા રહેતા વૃદ્ધો પાસે જઇને એમનો સમય સારી રીતે પસાર થાય એવી પ્રવૃત્તિઓ કરતા રહે છે. એકલતાનો ઇશ્યૂ આગામી સમયમાં વિકરાળ ને વિકરાળ થતો જવાનો છે. આવાં ઘણાં સ્ટાર્ટઅપ્સની જરૂર પડવાની છે. માણસમાં જિજીવિષા જીવતી રહેવી જોઇએ. જીવવાનાં કારણો હોવાં જોઇએ. એ ન હોય ત્યારે માણસ જીવતો તો હોય છે પણ જીવવામાંથી રસ ઊડી ગયો હોય છે!


હા, એવું છે!
આપણા દેશ વિશે એવું કહેવાઈ રહ્યું છે કે ભારત યુવાનોનો દેશ છે. દુનિયાના દેશોની સરખામણીએ આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. એક હકીકત એ પણ છે કે, એક સમય એવો આવશે જ્યારે આપણા દેશમાં વૃદ્ધોની સંખ્યા પણ દુનિયાના દેશો કરતાં વધુ હશે. એ સમયે વૃદ્ધો સારી રીતે જીવી શકે એ માટેની તૈયારીઓ અત્યારથી જ કરવાની જરૂર છે. અત્યારના યુવાનોએ જ એ કરવું પડશે, જેથી એને જ વૃદ્ધાવસ્થામાં વાંધો ન આવે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 31 ઓગસ્ટ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: