કયા દેશની પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે?​ ​ઇન્ડિયન પોલીસ કેટલી ભ્રષ્ટ? કેટલી મસ્ત? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કયા દેશની પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે?​ ​

ઇન્ડિયન પોલીસ

કેટલી ભ્રષ્ટ? કેટલી મસ્ત?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-​

અમુક દેશોમાં પોલીસની ઇમેજ ગુંડાઓ અને બદમાશો કરતા પણ ખરાબ છે.

લોકો પોલીસ પાસે જતા ડરે છે​. ​

સુદાન, રશિયા, હૈતી, મેક્સિકો, નાઇજેરિયા, કેન્યા, ઇરાક,  સોમાલિયા, મ્યાનમાર અને પાકિસ્તાન પોલીસની ગણના ભ્રષ્ટ પોલીસમાં થાય છે​.

​ઇંગ્લેન્ડની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસને દુનિયાની બેસ્ટ પોલીસ ગણવામાં આવે છે.

બ્રિટનના લોકો પોલીસને પ્રેમથી બોબી કહે છે

———-

હલકું લોહી હવાલદારનું, આ ઉક્તિ આપણે ત્યાં બહુ જાણીતી અને લોકપ્રિય છે. હમણાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપો કર્યા કે, પોલીસ કમિશનર ખંડણી ઉઘરાવે છે, હવાલાઓ સંભાળે છે અને બીજા ઘણા ન કરવાના કારનામા કરે છે. કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે, આ પદાધિકારીઓની લડાઇ છે. જે હોય તે પણ આ પ્રકરણથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરપ્શનનો ઇશ્યૂ વધુ એક વખત ચર્ચાનો ચકડોળે ચડ્યો છે. આપણા દેશમાં આમ તો કોઇ સરકારી ખાતું ભ્રષ્ટાચારથી મુક્ત નથી પણ જ્યાં સૌથી વધુ કરપ્શન થાય છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી સારી પોલીસ કયા રાજ્યની છે એનો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષે 2021માં સૌથી સારી પોલીસમાં આંધ્ર પ્રદેશ ટોપ પર છે. તેના પછી તેલંગાણા, આસામ, કેરળ અને સિક્કિમની પોલીસ સારું કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પંજાબની પોલીસ સાવ તળિયે છે. આપણાં ગુજરાતનો નંબર સાતમો છે. એક સમયે મુંબઇ પોલીસની ગણના બેસ્ટ પોલીસમાં થતી હતી. છેલ્લા થોડા વર્ષોથી મુંબઇ પોલીસની છાપ પણ ઝાંખી થઇ છે. પોલીસની સેવા વિશે આખા દેશમાં થયેલો આ સર્વે એવું કહે છે કે, દેશમાં 69 ટકા લોકો જ પોલીસની સેવાથી સંતુષ્ઠ છે. 31 ટકા લોકોને પોલીસની સેવાથી સંતોષ નથી.

આપણે ત્યાં પોલીસની ઇમેજ કેવી છે? બને ત્યાં સુધી એનાથી સેઇફ ડિસ્ટન્સ રાખવું! આપણે ત્યાં પોલીસ ફિલ્મની જેમ બધું પતી જાય પછી જ પ્રગટ થાય છે. કરપ્શનની વાત કરીએ તો મોટા ભાગના લોકોએ પોલીસને ક્યારેકને ક્યારેક તો લાંચ આપી જ હશે. ક્યારેક હેલમેટ ન પહેરવા બદલ, લાયસન્સ ન હોવા બદલ, ખોટા પાર્કિંગના કારણે કે બીજા કોઇ કારણોસર પકડાયા હોઇએ ત્યારે આપણે જ સમજી લેવાની વાત કરીએ છીએ! લાંચ આપનારે પણ દંડની રકમ બચાવવી હોય છે. લાંચ આપીને આપણે એવું કહીએ છીએ કે, પાવતી ફાડી હોત તો પાંચસોની અડી જાત, એના કરતા સોમાં પતાવટ થઇ ગઇ! પોલીસ કર્મચારીને કરપ્શન વિશે પૂછો તો એ એવો લૂલો બચાવ કરશે કે, અમારા પગાર કેટલા ઓછા છે એની તમને ખબર છે? અમારા ક્વાટર સાવ ખખડી ગયેલા છે. અમે રાત દિવસ બંદોબસ્તમાં હોઇએ છીએ એ કોઇને દેખાતું નથી. અમારા નામે જાતજાતની મજાક થાય છે. ઊંધિયાની શોધ પોલીસે જ કરી છે, માર્કેટમાથી દરેક પાસેથી એક એક શાક પડાવીને શાક બનાવ્યું એનાથી ઊંધિયાની શોધ થઇ. અમને પણ ખબર છે કે, લોકો અમારી પાછળ અમારા વિશે કેવી કેવી વાતો કરે છે! લોકો ગુના કરે છે એનું કંઇ નહીં? છૂટવા માટે પોલીસને સામેથી લાંચની ઓફર કરે છે! એક પોલીસમેને એવું કહ્યું હતું કે, અમે કરપ્શન કરીએ છીએ પણ એમાંયે થોડુંક ધ્યાન રાખીએ છીએ. ટ્રાફિકના કેસમાં કે બીજા સામાન્ય કેસમાં તોડપાણી કરી લઇએ પણ જ્યાં ન્યાયની વાત હોય મતલબ કે ખૂન કે બીજી કોઇ ગંભીર ઘટના હોય ત્યારે અમે ગુનેગારને છૂટવાની કોઇ તક આપતા નથી.

બધા પોલીસ ખરાબ છે એવું કહેવું વાજબી નથી. સારા પોલીસ કોન્સ્ટેબલો અને અમલદારો છે પણ એની સંખ્યા બહુ નાની છે. ભલે ગમે તે કહેવાતું હોય પણ પોલીસ પર લોકોને હજુ શ્રદ્ધા તો છે જ. વેલ, દુનિયામાં સૌથી ભ્રષ્ટ પોલીસ કયા દેશની છે એ તમને ખબર છે? દુનિયાના ટોપ ટેન કરપ્ટ પોલીસની યાદીમાં કેન્યા, મ્યાનમાર, ઈરાક, સોમાલિયા, સુદાન, પાકિસ્તાન, હૈતી, અફઘાનિસ્તાન અને મેક્સિકોનો સમાવેશ થાય છે. આ દેશોમાં પ્રસાદ ન ધરો તો પોલીસ કોઈ કામ જ કરતી નથી. આફ્રિકન દેશોમાં ગુજરાતીઓની મોટી સંખ્યા છે. યુગાન્ડા હોય કે તાન્ઝાનિયા, પોલીસ લાગ જોઈને જ બેઠી હોય છે. ક્યારેક તો એવું લાગે કે, એ લોકો બંદોબસ્ત માટે બેઠા છે કે, લાંચ લેવા માટે? આફ્રિકન દેશોમાં રસપ્રદ વાત એ છે કે, પોલીસ ઈન્ડિયન કે બીજા દેશના લોકો ઉપર જ નજર રાખે છે. લાંચ પણ આખરે તો એમની પાસેથી જ મળવાનીને? સ્થાનિક લોકો તો એટલા ગરીબ છે કે, તેમની પાસે ખાવા પણ નાણાં નથી. આફ્રિકન પોલીસની માન્યતા એવી પણ છે કે, તમે અમારું શોષણ કરીને જ નાણાં કમાવ છો, અમે થોડાંક લઈ લઈએ તો એમાં શું ખોટું છે? દરેક પાસે પોતાના લોજિક હોય છે. પોતાની ફરજ સાથે બેઈમાની કરે છે એવું તો લાગતું જ નથી.

 ચાલો હવે થોડીક વર્લ્ડની બેસ્ટ પોલીસ વિશે પણ વાત કરી લઈએ. બેસ્ટ પોલીસમાં સૌથી ટોપ ઉપર ઈંગ્લેન્ડની પોલીસ આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસની ડિસીપ્લીન અને પોલીસ કર્મચારીઓની નિષ્ઠાનો કોઈ જોટો જડે એમ નથી. બીજા નંબરે કેનેડાની પોલીસ આવે છે. કેનેડાની પોલીસ વિશે એવું કહેવામાં આવે છે કે, એ દરેક કેસ ખૂબ જ સંવેદનાપૂર્વક અને સહાનુભૂતિથી ટેકલ કરે છે. ઈંગ્લેન્ડ અને કેનેડા પછી નેધરલેન્ડ, ફ્રાન્સ, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન અને ઇટાલીનો સમાવેશ થાય છે. ચીન આપણો દુશ્મન દેશ છે પણ ત્યાંની પોલીસની ઈમેજ આપણી પોલીસની સરખામણીમાં ઘણી સારી છે. ટોપ ટેનમાં દસમા નંબરે ઈટાલી છે. ઈટાલિયન માફિયા આખી દુનિયામાં કુખ્યાત છે. માફિયાઓ પોલીસ પર ગોળીઓ છોડવામાં જરાય વિચાર કરતા નથી. માફિયાઓને ધ્યાનમાં રાખીને ઈટાલિયન પોલીસને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઈટાલિયન પોલીસ ફોર્સમાં ત્રણ લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. ઈટાલીની પોલીસ ફોર્સ યુરોપિયન યુનિયનમાં સૌથી મોટી છે. અમેરિકાની પોલીસ એક સમયે બેસ્ટ ગણાતી હતી પણ અશ્ર્વેતો પર અત્યાચારના કિસ્સાઓ બનતા પોલીસની ઈમેજ ખરડાઈ છે.

ભારતની વાત કરીએ તો, એ પણ હકીકત છે કે, દુનિયાના બીજા દેશોની પોલીસ કરતા આપણી પોલીસ ઉપર કામનું ભારણ ખૂબ વધારે છે. પોલીસ માટે કામ કરવાનું વાતાવરણ પણ ખૂબ જ નબળું છે. પોલીસ પાસે બેઝિક સાધન સામગ્રીઓ પણ નથી. હવે, ગુનેગારો વધુને વધુ હાઇ ટેક થઈ રહ્યા છે. ગુનેગારો પાસે સ્પીડથી ભાગી શકાય એવા વાહનો છે ત્યારે હજુ ઘણાં પોલીસ સ્ટેશન એવા છે જેમની જીપ ધક્કા માર્યા વગર ચાલુ થતી નથી. આપણે ગમે તે વાત કરીએ પણ હજુ આપણે ત્યાં ગુનેગારો પોલીસ ઉપર હુમલો કરતા ડરે છે, એટલે બહુ વાંધો આવતો નથી. હમણાં જ બહાર આવેલો એક રિપોર્ટ એવું કહે છે કે, દેશમાં પાંચ લાખ ત્રીસ હજાર પોલીસ કર્મચારીઓની જગ્યા ખાલી છે. આ સંખ્યા મંજૂર થયેલી સંખ્યાના એકવીસ ટકા છે. મતલબ કે આપણું પોલીસતંત્ર અત્યારે 79 ટકાથી ચાલે છે. અમુક કિસ્સામાં પોલીસ કર્મચારીઓ રાત દિવસ બંદોબસ્તમાં લાગેલા હોય છે. પોલીસ કર્મચારીઓ એવું કહે છે કે, લાંચના આક્ષેપો સાવ ખોટાં નથી પણ જો પોલીસ કર્મચારીઓને પૂરતો પગાર અને સગવડ આપવામાં આવે તો કરપ્શનનું પ્રમાણ ઘટી શકે એમ તો છે જ. આપણો દેશ સુપર પાવર બનવાના સપનાં જુએ છે પરંતુ એક હકીકત એ છે કે, જ્યાં સુધી આપણી પોલીસને સુસજ્જ્, સક્ષમ અને શક્તિશાળી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી કંઈ ભલીવાર થવાની નથી.   

હા, એવું છે!

ભારતમાં એક લાખ લોકોએ 195 પોલીસમેન ફરજ બજાવે છે. તેમાં પણ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ તો વીઆઇપી અને વીવીઆઇપી લોકોની સિક્યોરિટીમાં જ જોતરાયેલા હોય છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 ફેબ્રુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *