રિલ્સની રંગીન દુનિયા અને સેલિબ્રિટી બનવાના સપના – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

રિલ્સની રંગીન દુનિયા અને

સેલિબ્રિટી બનવાના સપના

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

રિલ્સ અત્યારના સમયમાં ઇન થિંગ છે. ફિલ્મ, સીરિયલ અને વેબ સિરીઝો જોઇ જોઇને દરેકના મનમાં અભિનય કરવાના ઓરતા જાગે છે. રિલ્સ આવી તક પૂરી પાડે છે. ફન ખાતર ક્યારેક કરવામાં આવે એ તો ઠીક છે પણ ઘણાને તો રિલ્સની એવી લત લાગે છે કે, દરરોજ એક-બે રિલ અપલોડ ન કરે તો એને ચેન નથી પડતું. લાઇક અને ફોલોઅર્સને ગમે તે રીતે એટ્રેક કરી સિલિબ્રિટી સ્ટેટસ મેળવવાનું ગાંડપણ ઘણાના મગજ પર સવાર થઇ જાય છે! રિલ્સ જોવાવાળાને સમયનું ભાન નથી રહેતું.

———-

એક છોકરો અને છોકરી પહેલી વખત મળ્યા. છોકરાએ છોકરીને પૂછ્યું. તું શું કરે છે? છોકરીએ કહ્યું, હું હીરોઇન છું. છોકરાએ આશ્ચર્ય સાથે આંખો પહોળી કરીને નવો સવાલ કર્યો. એમ, કઇ ફિલ્મમાં? છોકરીએ લટકા મટકા કરીને કહ્યું કે, હું રિલ્સ બનાવું છું!

હવે વારો છોકરીનો હતો. છોકરીએ સવાલ કર્યો. તું શું કરે છે? છોકરાએ છાતી ફૂલાવીને કહ્યું કે, હું સૈનિક છું! છોકરીએ નવો સવાલ કર્યો. એમ, કઇ જગ્યાએ પોસ્ટિંગ છે? છોકરાએ કહ્યું, હું પબ્જી રમું છું! આવા રિલ્સ તમે કાં તો જોયા હશે અને કાં તો આવા જોક સાંભળ્યા હશે. રિલ્સ પાછળ આજનો યંગસ્ટર્સ ક્રેઝી છે.

ફિલ્મ. ટેલિવિઝન, વેબ સીરિઝ અને એન્ટરટેઇનમેન્ટની દુનિયા એવી છે જે દરેકને એટ્રેક કરે છે. દરેક માણસને ક્યારેકને ક્યારેક તો એક્ટિંગ કરવાનું મન થયું જ હોય છે. ઘણા લોકોને એવો ભ્રમ પણ હોય છે કે, એક વાર કોઇ ફિલ્મ કે સીરિયલમાં મેળ પડે તો છાકો પાડી દઉં. છોકરીઓ હંમેશા સ્ટાઇલ મારવામાં મોખરે જ હોય છે. આવી તમન્નાઓ જાગે એમાં કંઇ ખોટું નથી. અત્યાર સુધી સવાલ એ હતો કે, નાનો તો નાનો, પણ આપણને ફિલ્મ કે સીરિયલમાં રોલ આપે કોણ? હવે એવી કોઇ જરૂર નથી. તમારા અભિનયના અભરખા પૂરા કરવા માટે રિલ્સ હાજર છે!

રિલ્સમાં સૌથી મોટો ફાયદો એ છે કે, ડાયલોગ અને મ્યુઝિક તો હાજર જ હોય છે. શૂટિંગ માટે મોબાઇલ જ કાફી છે. શરૂ કરી દો એક્ટિંગ. અલબત્ત, ફ્યુ સેકન્ડના અભિનયમાં જ ઘણાને એ વાત સમજાય જાય છે કે, એક્ટિંગ એ ખાવાના ખેલ નથી. ઘણાને ફાવી પણ જાય છે. બે-ચારને સેલિબ્રિટી સ્ટેટસ પણ મળી જાય છે. બાકીના બધા લાઇક્સ, ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવા માટે કરગરતા રહે છે.

ટિકટોક એપે બધાને ગાંડા કર્યો હતા. ટિકટોક પર પ્રતિબંધ આવ્યો એ સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત બધા સોશિયલ મીડિયાએ ટિકટોકનો ટ્રાફિક પોતાને મળે એ માટે પ્રયાસો આદરી દીધા હતા અને એનો ફાયદો પણ થયો. ટિકટોકને ટક્કર આપવા માટે ઇન્સ્ટાગ્રામે તારીખ પાંચમી ઓગસ્ટ 2002ના ભારત અને અમેરિકા સહિત પચાસ દેશોમાં એક સાથે રિલ્સ લોન્ચ કર્યા. આપણા દેશમાં દરરોજ છ મિલિયન રિલ્સ અપલોડ થાય છે. રિલ્સે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને જબરજસ્ત બ્રેક આપ્યો છે. 2018માં ફેસબુકે ટિકટોક જેવી જ એપ બનાવી હતી. તેનું નામ લાસો હતું. એ ચાલી નહોતી. ઇન્સ્ટાગ્રામે પ્રયોગના ભાગ રૂપે નવેમ્બર 2019માં કેનાસ નામે રિલ્સ શરૂ કરી હતી. ટિકટોક પર આપણા દેશમાં ભલે બેન રહ્યો પણ ટિકટોક આજની તારીખે દુનિયાના 154 દેશોમાં ધૂમ મચાવી રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે, રિલ્સનું ઘેલું માત્ર આપણા દેશના લોકોને જ નથી લાગ્યું. આખી દુનિયા એની પાછળ પાગલ છે.

રિલ્સ બનાવવા માટે તો હવે પ્રોફેશનલ્સ મેદાનમાં આવી ગયા છે. એ રિલ્સ બનાવી આપે છે અને કેવી રીતે ફોલોઅર્સ અને વ્યૂઝ વધે એની ટિપ્સ પણ આપે છે. અમુક ચોક્કસ સમય દરમિયાન જ રિલ અપલોડ કરવાનું અને મેક્સિમમ હેશટેગ મૂકવાનું કહેવામાં આવે છે. રિલ્સ વર્લ્ડમાં બે પ્રકારના લોકો છે. એક જે રિલ્સ બનાવે છે અને અપલોડ કરે છે, બીજા જે મોજથી રિલ્સ જુએ છે. રિલ્સ એવી ચીજ છે કે, જોનાર એક વખત શરૂ કરે એ પછી મૂકી શકતો નથી. હાલને હજુ એક-બે જોઇ લઉં એમ વિચારીને લોકો ચિપકેલા રહે છે. ફની રિલ્સથી માંડીને શોકિંગ રિલ્સનો બહુ મોટો વર્ગ છે. રિલ્સ હિટ જવાનું એક કારણ એ છે કે, લોકો પોતાના કામ અને બીજી ચિંતાઓના કારણે તણાવમાં રહે છે. રિલ્સ જોવાથી તેને હળવાશ લાગે છે. ડાન્સના રિલ્સ ખૂબ પોપ્યુલર થયા છે. અમુક હજાર વ્યૂઝ થાય પછી પેમેન્ટ પણ મળે છે. યુટ્યુબર્સમાં પણ આગળ નીકળવાની હોડ લાગેલી રહે છે.

રિલ્સની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ કામ કરતું રહે છે. તમે અમુક ચોક્કસ પ્રકારની રિલ્સ જુઓ એટલે પછી તમારી સામે એવી જ રિલ્સ આવી જાય છે. ધાર્મિક, મોટિવેશનલ કે શેરોશાયરીની રિલ્સ જોનારાઓને વારાફરતી એવી જ રિલ્સ જોવા મળે છે. તમે એક રિલ એક કરતા વધુ વખત જુઓ એટલે એને ખબર પડી જાય છે કે, આ ભાઇને કે આ બેનને શેમાં રસ છે. માણસને એટલી ચાલાકીથી રિલ્સના રવાડે ચડાવી દેવામાં આવે છે કે કલાકો ક્યાં પસાર થઇ ગઇ તેની ખબર જ ન પડે. સોશિયલ મીડિયા સંચાલકોને સતત કંઇકને કંઇક નવું આપવાનું પણ ટેન્શન રહે છે. એને ડર રહે છે કે, જો નવું નહીં આવે તો લોકો તરત જ ડાયવર્ટ થઇ જશે.

રિલ્સના કન્ટેન્ટ તૈયાર કરવા માટે મોટા પાયે કામ થાય છે. પેલું રિલ તમે જોયું હતું? જૂઠ બોલે કૌઆ કાટે કહેવામાં આવે છે પણ સાચું બોલીએ તો કઇ કોયલ પપ્પી દઇ જવાની છે? આવા તો ઢગલાબંધ કન્ટેન્ટ રોજેરોજ તૈયાર થાય છે જેના પરથી લોકો રિલ્સ બનાવે. શ્રીલંકાની યંગ સિંગર યોહાની દિલોકા ડિસિલ્વાનું ગીત ‘મનિકે માગે હિથે’ પર હજારો છોકરીઓએ સોલો અને ગ્રૂપમાં ડાન્સ કર્યો. શ્રીલંકાના રિપબ્લિક ડેએ તારીખ 22મી મે 2021ના રોજ  ગીત યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. એ પછી એ વાઇરલ થઇ ગયું. 28 વર્ષની યોહાની રાતોરાત પોપ્યુલર થઇ ગઇ. આવા તો અનેક ઉદાહરણો છે. મણી, પોહે બનેંગે… વાળું રિલ પણ હિટ થઇ ગયું હતું. પશુ પક્ષીઓના શિકારથી માંડીને વિમાનના ઉડ્ડયન સુધીના રિલ્સ લોકોને આકર્ષે છે. રિલ્સ વિશે એક હકીકત એ પણ છે કે, એ જેટલા ઝડપથી હિટ કે વાઇરલ થાય છે એનાથી પણ વધુ ઝડપે ભૂલાઇ પણ જાય છે. આ એવી દુનિયા છે જ્યાં બધું જ ક્ષણજીવી છે. બદલતું રહે છે. નવું આવે છે અને જૂનું ભૂલાઇ જાય છે. કશું જ કાયમી નથી. યંગસ્ટર્સ માટે એ મોટું જોખમ છે. અમુક રિલ્સ જબરજસ્ત ચાલ્યા પછી જો વ્યૂઅર્સ ઘટી જાય કે ફોલોઅર્સ ન વધે તો યંગસ્ટર્સ ટેન્શનમાં આવી જાય છે. એને પોતાનું સેલિબ્રિટી સ્ટેટસ છીનવાતું હોય એવું લાગે છે.

રિલ્સનો ક્રેઝ એવો છે કે, છોકરા છોકરીઓ ગમે ત્યાં રિલ્સ બનાવવા લાગે છે. એરપોર્ટ હોય કે રેલ્વે સ્ટેશન, હિલ સ્ટેશન હોય કે હાઇવે, મેળ પડ્યો નથી કે રિલ બનાવ્યું નથી. મનોચિકિત્સકો યુવાનોને એવી સલાહ આપે છે કે, જસ્ટ ફોર ફન બધું કરો પણ એને મગજ પર સવાર ન થવા દો. એન્જોય કરો પણ એટલું યાદ રાખો કે એનાથી તમે મહાન થઇ જવાના નથી. હા, થોડોક સમય જાણીતા થઇ શકો છો પણ એ ટેમ્પરરી હશે. મજા કરો અને લોકો તમને ભૂલી જાય એ પહેલા તમે જ ભૂલી જાવ. રિલ્સ જોવાવાળાને પણ એવી સલાહ આપવામાં આવે છે કે, જુવો, મજા કરો પણ સમય મર્યાદાનું ભાન રાખો. હાથમાં મોબાઇલ લઇને બેઠા ન રહો. તમારો સમય તમારા માટે, તમારા કામ માટે અને તમારા લોકો માટે મહત્ત્વનો છે. વધુ પડતું કંઇ જ સારું નથી. બાય ધ વે, તમે કેટલો સમય રિલ્સ બનાવવામાં, અપલોડ કરવામાં કે જોવામાં પસાર કરો છો? એ વિશે પણ થોડુંક વિચારી જોજો કે આપણે સમય વેડફતા તો નથીને?

હા, એવું છે!

દુનિયામાં એવો માણસ મળવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે જે ક્યારેય ખોટું બોલ્યો ન હોય. ખોટું બોલવા વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, એક માણસ રોજ સરેરાશ ચાર વખત ખોટું બોલે છે. એ હિસાબે વર્ષે ઓછામાં ઓછા 1460 વખત જૂઠ ફરમાવે છે. માણસ 60 વર્ષના થાય ત્યાં સુધીમાં મિનિમમ 87,600 વખત ખોટું બોલ્યો હોય છે. જેને ખોટું જ બોલવાની આદત છે એ તો આ આંકડો નાની ઉંમરે જ પાર કરી લે છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 નવેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *