નવરાત્રી : મન મોર બની થનગાટ કરે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

નવરાત્રી : મન મોર

બની થનગાટ કરે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

વર્લ્ડનો સૌથી લોંગેસ્ટ ફેસ્ટિવલ નવરાત્રી આવતી કાલથી શરૂ થઇ રહ્યો છે.

આ તહેવાર ભલે વિશ્વનો સૌથી લાંબો હોય પણ યંગસ્ટર્સને તો એ ટૂંકો જ લાગે છે.

નવમા દિવસે બધામાં એમ થાય છે કે, બસ નવરાત્રી પૂરી થઇ ગઇ?

બે વર્ષથી નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં

આ વર્ષે ઘણી બધી છૂટછાટો મળી છે. ગરબા

ગુજરાતની ઓળખ છે. ગરબા સાંભળીને પગ થરકે નહીં અને

માથું ઝૂમે નહીં એવું બને જ નહીં! આજે દરેક ગુજરાતીના મનમાં એમ જ થતું હતું કે,

માડી તારા આવવાના એંધાણ મળ્યા….

———-

નવરાત્રીનું નામ પડે એ સાથે જ દરેક ગુજરાતીની આંખમાં ચમક અને ચહેરા ઉપર રોનક આવી જાય છે. ગયા વરસે કોરોના વાઇરસે આ રોનક છીનવી લીધી હતી. આ વર્ષે પણ બધાને એમ જ થતું હતું કે, ગરબે રમવા મળશે કે કેમ? હન્ડ્રેડ પર્સન્ટ તો છૂટ નથી મળી પણ સાવ ગરબે નહીં રમાય એવું પણ નથી. કલબ અને પાર્ટી પ્લોટના ગરબા બંધ છે પણ સોસાયટીના અને શેરીના ગરબા ચાલુ રહેવાના છે. ફ્રેન્ડસ સાથે ગ્રૂપ બનાવીને રમવાનો મેળ નહીં પડે પણ વાંધો નહીં, સોસાયટીમાં બનેલા ચાચરના ચોકમાં ગરબે ઘૂમી લેશું. ગરબા ગુજરાતીઓને ઓળખ છે. નવરાત્રી એ વર્લ્ડનો લોંગેસ્ટ ફેસ્ટિવલ છે. એક વખત વિદેશથી આવેલા એક ડાન્સ માસ્ટરે ગરબાને ડાન્સ ફેસ્ટિવલ કહ્યો હતો. એ સમયે એક ગુજરાતીએ તેને કરેક્ટ કરતાં કહ્યું હતું કે, નવરાત્રી એ માત્ર ડાન્સ ફેસ્ટિવલ નથી, એ આસ્થા અને ભક્તિનો તહેવાર છે. તમે માત્ર કલબ કે પાર્ટી પ્લોટના ગરબા જોઇને નવરાત્રીને જજ ન કરી શકો, નવરાત્રીને પૂરેપૂરી સમજવા માટે તમારે મોટા શહેરોથી માંડીને નાના નાના ગામડાંઓમાં જવું જોઇએ. દાંડીયા રાસની કેટલી બધી રીતો છે અને માતાજીની આરાધના તેની સાથે કેવી રીતે જોડાયેલી છે એ સમજવું જોઇએ.

નવરાત્રીના નવ દિવસ ગુજરાતીઓના લોહીમાં એક ગજબનું ઝનૂન પ્રવેશી જાય છે. ઘણા લોકોને એ સમજાતું જ નથી કે, છોકરીઓ અને છોકરીઓમાં આટલા ઝનૂનથી ગરબે રમવાની સ્ટેમિના આવે છે ક્યાંથી? ઘરનું સામાન્ય કામ કરીને થાકી જતી ગુજરાતી છોકરી બે-ત્રણ કલાક સુધી ગરબે રમવામાં જરાકેય થાક અનુભવતી નથી. ગરબા તો હવે મેરેજ હોય કે બીજો કોઇ પ્રસંગ હોય, ગરબા રમાતા રહે છે પણ નવરાત્રીની વાત કંઇક ઓર જ છે. ગરબા રમવાની જે મજા નવરાત્રી દરમિયાન આવે છે એવી બીજા કોઇ દિવસોમાં કે કોઇ પ્રસંગમાં ગરબા રમાવામાં આવતી નથી. આખું વાતાવરણ જ જુદું હોય છે. નવરાત્રી વખતે તો જાણે છોકરીઓમાં કોઇ અલૌકીક શક્તિનો સંચાર થતો હોય છે. બધા કદાચ એ વાત ન સ્વીકારે પણ મોટા ભાગના લોકો એવું માને છે કે, માતાજી ચાચરના ચોકમાં હાજર હોય છે અને એના આશીર્વાદથી જ દરેકમાં થનગનાટ ઓસરતો નથી. ગરબા પૂરા થાય ત્યારે પણ છોકરા છોકરીયું કહેતા રહે છે કે, પ્લીઝ થોડી વાર ચાલુ રાખોને. નવમો દિવસ પૂરો થાય ત્યારે મોટા ભાગના યંગસ્ટર્સના ચહેરા પર આછેરી ઉદાસી છવાઇ જાય છે કે, બસ નવરાત્રી પૂરી થઇ ગઇ? યુવાનોને બે-ચાર દિવસ તો ગોઠતું નથી.

નવરાત્રી ફ્રીડમનો તહેવાર છે. સજી ધજીને મોડી રાત સુધી ફરવાની આઝાદી આ તહેવારમાં મળે છે. ઘણા લોકો એવી પણ વાતો કરે છે કે, આ દિવસોમાં છોકરીઓ અને છોકરાઓ બિન્ધાસ્ત બની જાય છે. યંગસ્ટર્સ વિશે એક વાત સમજવા જેવી છે કે, એ લોકો મૂરખ કે બેવકૂફ નથી. પોતાનું સારું નરસું એ બધા સારી રીતે સમજે છે. એક છોકરીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું હતું કે, આઝાદીનો દૂરોપયોગ ન થાય એનું ભાન અમને છે. નવરાત્રીએ તો ગુજરાતની શાંત અને સુરક્ષિત હોવાની ઇમેજને બળ આપ્યું છે. મધરાતે છોકરીઓને મોપેડ પર એકલી જતી જોઇને બીજા રાજ્યોના લોકો એવું બોલ્યા વગર નથી રહી શકતા કે, આવું માત્ર ગુજરાતમાં જ શક્ય છે. બીજા સ્ટેટમાંથી આવીને ગુજરાતમાં વસેલા લોકોને બહેન દીકરીઓની સુરક્ષાના કારણે જ ગુજરાત છોડવાનું મન નથી થતું. એક વખત ગુજરાતમાં આવે એ હંમેશાં માટે ગુજરાતના બનીને રહી જાય છે.

વડોદરા તો ગરબાની રાજધાની છે. આ વખતે ભલે બહુ મોટા ગરબા ન થવાના હોય પણ નવરાત્રી વખતે એકવાર વડોદરાના ગરબા માણ્યા હોય એ વડોદરાને યાદ કર્યા વગર રહી શકતા નથી. વડોદરાના યંગસ્ટર્સ માટે નવરાત્રી એ ફેસ્ટિવલ ઓફ યર છે. બે વર્ષ પહેલા વિદેશમાંથી એક કોરિયોગ્રાફર વડોદરાના ગરબા જોવા આવ્યા હતા. એક સાથે હજારો યુવાનોને ગરબે રમતા જોઇને તેણે સવાલ કર્યો હતો કે, આ બધાના પગ એક સાથે એક સરખા કેવી રીતે પડે છે? કોરિયોગ્રાફી કોણ કરાવે છે? એને સમજાવવું પડ્યું હતું કે, કોઇ કોરિયોગ્રાફી કરાવતું નથી. આ બધું તો રીધમ ઉપર આપોઆપ થાય છે.

ભાગ્યે જ કોઇ એવી ગુજરાતી છોકરી હશે જેને ગરબા રમતા ન આવડતું હોય. એક ભાઇએ સવાલ કર્યો હતો કે, બધી ગુજરાતી છોકરીઓને ગરબા રમતા આવડતું જ હોય? તેને કહ્યું હતું કે, ગુજરાતી છોકરી બોલતા શીખે એ સાથે જ નવરાત્રીમાં ગરબે રમવા લાગતી હોય છે. ગરબા તો ગુજરાતીઓના લોહીમાં હોય છે. એ શીખવવા નથી પડતા. આવડી જ જતાં હોય છે. મોટા રમતા હોય ત્યારે નાની નાની બાળાઓ વચ્ચે ઘૂમરા મારતી જ હોય છે. બધાને જોઇ જોઇને એને ગરબાના સ્ટેપ લેતા આવડી જ જાય છે. ચણિયાચોળીમાં ફરતી નાની બાળાઓ તો જાણે સાક્ષાત માતાજીનું સ્વરૂપ હોય એવી જ દેખાતી હોય છે.   

નવરાત્રી હવે મોટા પાયે થવા લાગી છે. બે વર્ષ કોરોના ખાઇ ગયું છે. બાકી નવરાત્રી ઉપર બિઝનેસ સોળે કળાએ ખીલે છે. અમુક વેપારીઓ ચણિયા ચોળી અને એક્સેસરિઝ વેચીને જ આખા વર્ષનું કમાઇ લે છે. ગરબા રમવાવાળા તો અનોખી અવસ્થામાં જ મગ્ન હોય છે. ગરબા જોવાવાળાના પગ પણ થરકવા માંડે છે. ગરબાની ટ્યૂનમાં એવો જાદુ છે જે માણસને બે ઘડી બધું જ ભૂલાવી દે છે અને ઝૂમવા માટે મજબૂર કરી દે છે. રાત રઢિયાળી બની જાય છે અને યૌવનનો થનગનાટ રઢિયાળી રાતનો રંગ જમાવી છે.

સમયની સાથે ગરબાને મોર્ડન ટચ મળ્યો છે. ઘણા લોકોને એમાં સંસ્કૃતિ અને પરંપરાનું અધ:પતન લાગે છે. સમયની સાથે બધું બદલતું રહે છે, તો નવરાત્રી શા માટે ન બદલે? નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા ગરબા રમતા યંગસ્ટર્સના ફોટાઓથી છલકાઇ જાય છે. ગયા વર્ષે ગરબા રમી શકાયા નહોતા ત્યારે છોકરા-છોકરીઓએ જૂના ફોટા અપલોડ કરીને લખ્યું હતું કે, મિસિંગ ધોઝ ડેઇઝ! આ વખતે પણ અગાઉ જેવી મજા તો મિસ થવાની જ છે પણ જે કંઇ છૂટછાટો મળી છે એમાં ગરબે રમી તો શકાશે જ અને સોશિયલ મીડિયા પર તાજા ફોટા પણ અપલોડ કરી શકાશે.

ગયા વર્ષ કરતા આ વર્ષે વાતાવરણ સારું છે. આપણે આશા રાખીએ કે, આવતા વર્ષે બધું પાછું અગાઉ હતું એવુંને એવું થઇ જાય. સમય છે, ઉપર નીચે થતો રહે છે. કોરોનામાં ઘણાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એમાંથી કદાચ કોઇ એવું પણ હશે જે ગરબા રમવામાં તમારો કે તમારી પાર્ટનર હોય. સમય અમુક વખતે એવા ઘા મારે છે જે અમુક ચોક્કસ સમયે અને પ્રસંગે વધુ કવે છે. આપણે કહીએ છીએને કે બધું આપણા હાથમાં નથી હોતું, તહેવારો એટલે જ આવતા હોય છે કે, આપણને આપણી પીડા, વેદના, હતાશા અને ઉદાસીમાંથી મુક્તિ મળે. આ વર્ષે પણ નિયમોની મર્યાદામાં રહીને અને કોરોનાના તમામ પ્રોટોકોલ પાળીને મણાય એટલી નવરાત્રિ માણીએ. માતાજીને પ્રાર્થના કરીએ કે, હવે ખુલ્લી હવામાં મુક્ત રીતે મહાલી શકાય એવું વાતાવરણ સર્જી દો.. હેપી નવરાત્રી!

હા એવું છે!

છોકરીઓને શું ન ગમે અને શું ગમે એ વિશે થયેલો એક રસપ્રદ અભ્યાસ એવું કહે છે કે, કોઇ છોકરો છોકરીને ટીકી ટીકીને જોતો હોય અને છોકરીનું ધ્યાન જાય તો છોકરીને છોકરાનું આવી રીતે જોવું પસંદ પડતું નથી, તેનાથી ઉલટું છોકરી જો કોઇ છોકરાને તાકી તાકીને જોતી હોય અને બરોબર એ જ સમયે એ છોકરાનું ધ્યાન છોકરી તરફ જાય તો છોકરીને ગમે છે!      

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 ઓકટોબર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *