આપણે બધા આંખો મીંચીને ખોટી માહિતીઓ ફોરવર્ડ કરીએ છીએ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે બધા આંખો મીંચીને ખોટી

માહિતીઓ ફોરવર્ડ કરીએ છીએ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

આપણને વોટ્સએપ પર જે મળે છે એને આપણે ફટાક દઇને ફોરવર્ડ કરી દઇએ છીએ.

જોક કે શેરોશાયરી હોય ત્યાં સુધી તો ઠીક છે, આપણે તો

સિરીયસ હોય તેવી માહિતીઓ, જોખમી હોય તેવા નુસખાઓ અને માથામેળ વગરની હોય એવી વિગતો

ફોરવર્ડ કરતા પહેલા પણ નયા ભારનો વિચાર કરતા નથી.

કોરોના વિશે આખી દુનિયામાં સૌથી વધુ ખોટી માહિતીઓ ફેલાવવામાં ભારતીયો નંબર વન રહ્યા છે!

સોશિયલ મીડિયાના એટીકેટની આપણે ઐસીતૈસી કરવા લાગ્યા છીએ!

 ———-

સોશિયલ મીડિયાનો આપણે ત્યાં જેટલો દૂરોપયોગ થાય છે એટલો દુનિયાના કોઇ દેશોમાં થતો નથી. આપણા દેશમાં ઇન્ટરનેટની શરૂઆત 15મી ઓગસ્ટ 1995ના રોજ કરવામાં આવી હતી. પાંચ વર્ષની મહેનત પછી ભારતમાં ઇન્ટરનેટ શરૂ કરવામાં સફળતા મળી હતી. એ સમયે કોઇને કલ્પના સુદ્ધાં નહોતી કે, બે દાયકામાં તો દેશના લગભગ તમામ વ્યકિતના હાથમાં સ્માર્ટ ફોન હશે અને ઇન્ટરનેટ યુસેઝમાં ભારત દુનિયાના દરેક દેશને ટક્કર આપતો હશે. ચીન પછી આપણે ઇન્ટરનેટ યુસેઝમાં બીજા નંબરે છીએ. બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં ડેટા સસ્તો છે એટલે દેશના લોકો બિન્ધાસ્ત મોબાઇલ અને બીજા ડિવાઇસીસ વાપરતા રહે છે. આ વર્ષના એરિક્સન મોબીલિટી રિપોર્ટ 2021માં એવું જણાવાયું છે કે, ભારતમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઇલમાં સરેરાશ 14.6 જીબી ડેટા વાપરે છે. ભારતમાં અત્યારે ફાઇવ-જીની ટ્રાયલ ચાલે છે. 5-જી આવી જશે એ પછી આપણે ત્યાં ડેટા યુસેઝમાં જબરજસ્ત ઉછાળો આવવાનો છે. આપણે ત્યાં લોકો ડેટાનો ઉપયોગ કામની પ્રવૃતિ કરતા નકામની પ્રવૃતિમાં વધુ કરે છે. પોર્ન જોવામાં આપણે અમેરિકા અને બ્રિટન પછી ત્રીજા નંબરે છીએ. કોરોના કાળમાં આપણે ત્યાં પોર્ન વોચિંગમાં 95 ટકાનો વધારો થયો હતો. સોશિયલ મીડિયા પર પણ આપણે મનફાવે એ ફોરવર્ડ અને અપલોડ કરતા રહીએ છીએ.

દુનિયાના 138 દેશોમાં હમણાં કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, કોરોનાની ખોટી માહિતી ફેલાવવામાં ભારત સમગ્ર વિશ્વમાં મોખરે છે. ‘પ્રિવિલન્સ એન્ડ સોર્સ એનાલિસિસ ઓફ કોવિડ-19 ઇન 138 કન્ટ્રીઝ’ નામનો આ અભ્યાસ એવું કહે છે કે, ભારતમાં સોશિયલ મીડિયા પર કોરોના વિશે જે વિગતો આપવામાં આવતી હતી તેમાં 18.7 ટકા વિગતો ખોટી અને ગેરમાર્ગે દોરનારી હતી. આ અભ્યાસમાં બીજી એક ચોંકાવનારી વાત જાણવા મળી છે કે, લોકો સાચા કરતા ખોટા સમાચારો અને વિગતોને વધુ ક્લિક કરે છે, વધુ વાંચે છે અને વધુ જુએ છે. કોરોનાના કારણે જે પેનિક ક્રિએટ થયું હતું એની પાછળ જો કોઇ સૌથી વધુ જવાબદાર હોય તો એ સોશિયલ મીડિયા છે. આપણા દેશના લોકો માત્ર ખોટી માહિતી ફેલાવવામાં જ ટોપ પર નથી, આપણે તો આવી માહિતીઓનો ભોગ બનવામાં પણ સૌથી આગળ છીએ.

કોરોના વિશે આપણા દેશમાં જાતજાતના દેશી નુસખાઓ ફરવા લાગ્યા હતા. નાકમાં લિંબુના ટીપાં નાખવાથી માંડીને આ ખાવું અને આ ન ખાવું એ વિશે એટલી બધી વિગતો ફરવા લાગી હતી કે, આપણી બુદ્ધિ બહેર મારી જાય. કોરોનાની તો ખબર નથી પણ આવા ભેદી અને ચિત્ર-વિચિત્ર નુસખાઓના કારણે લોકો બીજી મુસીબતોનો ભોગ બન્યા હતા. આમ તો આવું માત્ર આપણા દેશમાં જ છે એવું નથી, આખી દુનિયામાં થોડા ઘણા અંશે આવું ચાલતું રહે છે. આપણે ત્યાં ચિંતાની વાત એટલે છે કે, આવું બધું આપણે ત્યાં સૌથી વધુ ચાલે છે. દરેક વ્યક્તિને અહીં પોતાના સો કોલ્ડ નોલેજનું પ્રદર્શન કરતા રહેવું છે. ખબર પડે કે ન પડે, મનમાં આવે એ વાત કહેતા રહેવું છે. ખોટી માહિતીઓનો જે રીતનો રાફડો ફાટ્યો છે એ જોઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ‘સ્ટોપ ધી સ્પ્રેડ’ નામનું અભિયાન ચલાવવું પડ્યું છે. તે કહે છે કે, મહેરબાની કરીને ગમે તે ફેલાવવાનું બંધ કરો.

વાત માત્ર કોરોનાની નથી, કોઇપણ વાત હોય આપણે ખરાઇ કર્યા વગર બિન્ધાસ્ત ફોરવર્ડ કરી દઇએ છીએ. અમુક ડાહ્યા લોકો વળી ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ જેવી નોંધ લખીને મોકલે છે, મતલબ કે, મને મળ્યું એવું જ મેં તમને મોકલ્યું છે! અરે ભાઇ, જરાક ખરાઇ તો કરી લો કે વાત સાચી છે કે ખોટી છે! હવે તો ગૂગલ પર સર્ચ કરવાથી એ વિગતો પણ આસાનીથી મળી જાય છે કે, જે તે ન્યૂઝ સાચા છે કે ખોટા છે?

થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થયો હતો. જામનગર અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામો ટાપુમાં ફેરવાઇ ગયા હતા. પૂરથી બચવા માટે પાણીની વચ્ચોવચ્ચ એક મકાનની છત પર ચડી ગયેલા એક પરિવારના યુવાને પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારીને તેના મિત્રો અને તે જેટલા ગૃપમાં હતો એ બધાને મોકલ્યો. જેમાં એ કહેતો હતો કે, આ જુઓ અમારી ચારે તરફ પાણી છે. હેલિકોપ્ટર સિવાય કોઇ અમને બચાવી શકે એમ નથી. તમે આ વીડિયો લાગતા વળગતાને મોકલો અને અમને બચાવો. આ વીડિયો વાઇરલ થઇ ગયો. ફોરવર્ડ કરનાર લોકો પાછા એવી નોંધ પણ મૂકતા હતા કે, આ વીડિયોને એટલો ફેલાવો કે યુવાન અને તેના પરિવારને તાત્કાલિક મદદ મળે. મજાની વાત એ છે કે, હેલિકોપ્ટરે જઇને તેમને બચાવી લીધા, પૂર પણ ઓસરી ગયું, તો પણ આ વીડિયો ફરતો જ હતો! એક ગૃપમાં આ વીડિયો આવ્યો ત્યારે કોઇએ લખ્યું કે, એ બધાને બચાવી લેવાયા એને ભવ થઇ ગયો છે એટલે હવે મહેરબાની કરીને તમે આ વીડિયો કોઇને મોકલતા નહીં!

પેલો જોક સાંભળ્યો છે? એક નાનકડી બેબી ગૂમ થઇ. તેના પિતાએ એ છોકરીના ફોટા સાથેની એક ક્લિપ તૈયાર કરી અને પોતાની સર્કલમાં મૂકી. આ મારી દીકરી છે. તે ઘરેથી ગૂમ થઇ ગઇ છે. જેને પણ તેની કોઇ ભાળ મળે તો તરત જ મને આ નંબર ઉપર સંપર્ક કરે. અમે આ સરનામે રહીએ છીએ. એ પછી થતું હતું એવુ કે, એ છોકરી જ્યારે પણ સ્કૂલે જાય ત્યારે તરત જ કોઇને કોઇ એને પકડીને ઘરે મૂકી આવે! એ છોકરીના પિતાએ કહ્યું કે, ભાઇ એ ગૂમ થઇ એના થોડા જ કલાકોમાં મળી ગઇ હતી. આ ક્લિપ હજુ એટલી બધી ફરે છે કે કોઇ એ બિચારીને જુએ કે તરત જ પકડીને ઘરે મૂકી જાય છે! મને તો સમજાતું નથી કે, આનાથી હવે છૂટકારો કેવી રીતે મેળવવો? આ તો ખેર, જોક છે પણ આપણે જૂની ઘણી ક્લિપો તાજી અને નવી ગણીને ફોરવર્ડ કરતા રહીએ છીએ. આપણે પહેલી વખત જોઇ હોય એટલે આપણે એને લેટેસ્ટ જ માની લઇએ છીએ.

અત્યારે તો જે રીતે બધું ફોરવર્ડ થઇ રહ્યું છે એ જોઇને એવું કહેવું પડે એમ છે કે, તમે જો કંઇ ફોરવર્ડ ન કરો તો એ સમાજ સેવા જ છે. કોઇને ઊંધા રવાડે ન ચડાવો. તમે કદાચ નિર્દોષતાથી કરતા હશો પણ તમારા કારણે કોઇની હાલત ખરાબ થઇ જશે.

અમુક સેન્સેટિવ દ્રશ્યોના કારણે આપણે ત્યાં મોબ લિન્ચિંગના કિસ્સાઓ પણ બન્યા છે. લોકોની લાગણીઓ એટલી છંછેડાઇ જાય છે કે, એ લોકો એટલો પણ વિચાર નથી કરતા કે આમાં જે બતાવાયું છે કે જે કહેવાયું છે એ સાચું છે કે નહીં? લોકો મરવા અને મારવા પર ઉતરી આવે છે. આપણે બધાએ આવી બાબતોથી સચેત રહેવાની જરૂર છે. આપણને ઊંધા રવાડે ચડાવે એવા તત્ત્વો સતત વધી રહ્યા છે. આપણી પાસે વોટ્સએપ કે બીજા કોઇ મીડિયા મારફતે જે કંઇ આપણી પાસે આવે છે એને આપણા સુધી જ રાખીએ. આપણે પણ તેને આંખ મીંચીને અનુસરીએ નહીં. બીજાને ફોરવર્ડ તો ન જ કરવું અને કરવું હોય તો પણ પહેલા કન્ફર્મ કરી લેવું કે આ વાત સાચી તો છે ને? સોશિયલ મીડિયાના પણ અમુક સંસ્કારો હોય છે, અપલોડની પણ એટિકેટ હોય છે! આપણે પોતે એનો ભોગ ન બનીએ અને બીજા પણ એની અટફેટે આવી ન જાય એની કાળજી રાખીએ તો એ એક પ્રકારની દેશ સેવા જ છે!    

હા એવું છે!

તમને ખબર છે, દુનિયાના 68 ટકા લોકો ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા છે? આ સિન્ડ્રોમમાં માણસને એવો ભાસ થાય છે કે તેનો ફોન વાઇબ્રેટ થઇ રહ્યો છે. હકીકતે ફોન વાઇબ્રેટ થતો હોતો નથી. આમ તો આપણને બધાને મોબાઇલ થોડોક દૂર હોય ત્યારે રિંગ વાગી હોય એવું સંભળાતું હોય છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 સપ્ટેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “આપણે બધા આંખો મીંચીને ખોટી માહિતીઓ ફોરવર્ડ કરીએ છીએ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *