મારામાં એવું શું છે કે કોઇ મને પ્રેમ કરે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારામાં એવું શું છે કે

કોઇ મને પ્રેમ કરે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,

કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે,

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,

ક્યાંક કંઇ ખૂલી રહ્યું, ક્યાંક કંઇ બિડાય છે!

-રાજેન્દ્ર શુક્લ

દરેક માણસમાં એવું કંઇક હોય છે જે એને બીજા કરતા જુદા પાડે છે. દરેક માણસ યુનિક છે. દરેક માણસ અનોખો છે. અમુક લોકોની બુદ્ધિ અમુક રીતે જ કામ કરતી હોય છે. માણસના મૂડ, માણસની માનસિકતા અને માણસની વિવિધતા જોઇને ક્યારેક એવો વિચાર આવી જાય કે, શું ખરેખર ઉપરવાળાએ માણસને કોઇ ગણતરીઓ સાથે ઘડ્યો હશે? અમુક લોકોને જોઇને આપણને એમ થાય કે, આ તો ડોકટર બનવા માટે જ જન્મયો છે. કોઇક વળી જાણે કલાકાર બનાવ માટે જ પેદા થયો હોય એવો મૂડી હોય છે. કુદરતે બધું કેટલું બધું બેલેન્સ કર્યું છે? એક વખત એક યુવાન સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, ભગવાને દરેક પ્રકારના માણસ બનાવ્યા છે પણ તેમણે ગુનેગારોને કેમ બનાવ્યા? અમુક લોકોના માઇન્ડ જ ક્રિમિનલ હોય છે. આ સાંભળીને સંત હસવા લાગ્યા. સંતે કહ્યું કે, જો બદમાશ લોકો ન હોત તો સારા લોકોની કદર કેવી રીતે થાત? સારા લોકોની તો જ કદર છે જો ખરાબ લોકોનું અસ્તિત્ત્વ છે. દેવોના સમયમાં પણ દાનવો હતા. ભગવાનને પણ રાક્ષસો સાથે પનારો પડ્યો છે. ગુનેગારો જ ન હોત તો પોલીસનું શું થાત? પોલીસ જ શા માટે વકીલો, જજ કે કોર્ટની પણ જરૂર ન પડત! સંતે પછી કહ્યું કે, બધા જ જો સમજુ હોત તો પછી અમારા જેવા સંતોનું પણ શું કામ હોત? ઉત્પાત છે તો શાંતિનું મહત્વ છે, દુશ્મની છે તો દોસ્તીનું મહત્વ છે, નફરત છે તો પ્રેમનું મહત્વ છે. કાળું છે તો ધોળાની સરખામણી થાય છે, અંધારું છે તો અજવાળોનું મહાત્મય છે. કુદરતે તો પાછું બધું માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ પણ નથી બનાવ્યું. કુદરતની રચના જુઓ, પ્રકૃતિમાં કેટલા બધા રંગો પૂર્યા છે? એક રંગના પણ પાછા કેટલા શેડ્સ હોય છે.

માણસમાં પણ કુદરતે જુદા જુદા રંગો પૂર્યા છે, માણસના રંગો દેખાતા નથી પણ સતત અનુભવાતા રહે છે. કોઇ માણસનો મિજાજ મસ્તીખોર હોય છે, કોઇ ગુસ્સાથી ભભૂકતો હોય છે. કોઇ માણસ કળાતો નથી અને ઘણા તરત જ સમજાય જાય એવા હોય છે. તમને ક્યારેય એવો વિચાર આવે છે કે, હું કેવો છું? બધાને પોતાના વિશે વિચારો આવતા જ હોય છે. વિચારો આવે એનો વાંધો નથી, વિકારો ન આવવા જોઇએ. વિકાર માણસનો અવતાર અને આકાર બદલાવી નાખે છે. તમે ક્રુર માણસનો ચહેરો જોજો, એના ચહેરા પર સૌમ્યતા કે સાત્ત્વિકતાનો છાંટો જોવા નહીં મળે. અમુક માણસનો તો હુલિયો જ બીક લાગે એવો હોય છે. સારા માણસના ચહેરા ઉપર એક ગજબ પ્રકારની શાંતિ હશે. જેના દિલમાં પ્રેમ, શાંતિ, કરૂણા અને સંવેદના ધબકે છે એ માણસના ચહેરા પર તેજ જોવા મળશે. સાત્ત્વિકતાનું પોતાનું એક ગજબનું સૌંદર્ય હોય છે. એ તમને સ્પર્શે જ. પતંગિયું જોતા જ કેમ ગમી જાય છે? ગરોળી જોતા જ કેમ સૂગ ચડે છે?  છે તો બંને જીવ જ. માણસમાં પણ એવું જ હોય છે. અમુક માણસ કોઇ કારણ વગર ગમે છે. અમુક લોકો તરફ કોઇ કારણ વગરની ચીડ હોય છે. ઘણા તો એવા હોય છે જેણે આપણું કંઇ બગાડ્યું ન હોય તો પણ આપણને ગમતા હોતા નથી. એવા લોકો વિશે અભિપ્રાય આપતી વખતે પણ આપણે એવું બોલીએ છીએ કે, મને એનો કોઇ અનુભવ નથી પણ ખબર નહીં કેમ મને એ માણસ ગમતો નથી.

દરેક માણસની એક ઓરા હોય છે. ઓરા દેખાતી નથી પણ અનુભવાતી તો ચોક્કસ હોય જ છે. માણસ એની નજરથી ઓળખાઇ જતો હોય છે. માણસને ઓળખવાની નજર આપણી પાસે હોવી જોઇએ. એક બદમાશ માણસ હતો. એક એક વ્યક્તિને છેતરી. તેના એક સ્વજને કહ્યું કે, એની તો આંખો જ વર્તાઇ આવતી હતી કે, એ ભરોસો કરવાને લાયક માણસ નથી. તારી પાસે એવી નજર નહોતી કે, તું એના ઇરાદા ઓળખી શકે. આંખો મીંચીને ભરોસો કરવામાં ઘણી વખત એટલે જ જોખમ હોય છે. આંખો મીંચીને કોઇના પર ભરોસો મૂક્યો હોય એ પછી જ્યારે આંખો ખુલે ત્યારે ભરોસો સાચો ઠરે તો આંખો ઠરે છે, ભરોસો ખોટો ઠરે ત્યારે દિલ બળે છે.

દરેક માણસ પોતાના દેખાવ વિશે બહુ એલર્ટ હોય છે. સૌથી પહેલા માણસ માણસને એના દેખાવ પરથી જ જજ કરે છે. એ કેવો છે એ તો અનુભવોથી ઓળખાય છે. દેખાવ છેતરામણો હોય છે. દેખાવથી જે થાય છે એ આકર્ષણ હોય છે. આકર્ષણ આંખોથી થાય છે. પ્રેમ દિલથી થાય છે. પ્રેમની વાત હોય ત્યારે દેખાવ ગૌણ બની જાય છે. એક છોકરીની આ વાત છે. તે દેખાવમાં ઠીકઠાક હતી. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરો બહુ દેખાવડો અને હોંશિયાર હતો. છોકરીને એમ થતું કે, એ તો કેવો હેન્ડસમ છે અને હું તો સાવ મીડિયોકર છું. એક વખત એ છોકરાએ જ તેની સામે પ્રેમની કબૂલાત કરીને કહ્યું કે, હું તને પ્રેમ કરું છું. છોકરીએ એક વખત તેના પ્રેમીને પૂછ્યું. મારે તને એક વાત પૂછવી છે. તું મને એ કહીશ કે, તેં મારામાં એવું શું જોયું કે મારી સાથે પ્રેમ થઇ ગયો? મને મારા માટે હંમેશા એક સવાલ થતો કે મારામાં એવું શું છે કે કોઇ મને પ્રેમ કરે? છોકરાએ સરસ વાત કરી. તેણે કહ્યું કે, તારાથી પ્રેમ એટલે થયો કારણ કે તું પ્રેમાળ છે. તને કોઇનાથી નફરત નથી. તું બધાનું સારું વિચારે છે. તારામાં કંઇક એવું છે જે બીજી છોકરીઓમાં નથી. બ્યૂટી બે પ્રકારની હોય છે, એક જે બહાર દેખાય છે એ અને બીજી ઇનર બ્યૂટી. બહારની બ્યૂટી ગમે એટલી સારી હોય પણ અંદરથી માણસ જો સાવ ખાલીખમ હોય તો એનો કોઇ મતલબ હોતો નથી. આંખો બંધ કરીએ છતાંયે જે અનુભવાય એ રીયલ બ્યૂટી છે. ઇનર બ્યૂટી માટે આંતરીક દ્રષ્ટિની પણ જરૂર પડે છે. કંઇક એવું તત્ત્વ હોય છે જે એવું સ્પર્શી જાય છે કે, દેખાવ ગૌણ બની જાય છે. દરેક પ્રેમીને અને દરેક પ્રેમિકાને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે, આને મારામાં શું ગમતું હશે? એવું તે શું છે કે, આ મારી પાછળ પાગલ છે? એવું કંઇક હોય છે જે આપણને પ્રેમ કરવા પ્રેરે છે. તમારામાં એવું શું છે કે કોઇ તમને પ્રેમ કરે?  વાત માત્ર પ્રેમી-પ્રેમિકા કે પતિ-પત્નીની નથી, વાત દરેક સંબંધની છે. તમારામાં એવું તત્ત્વ જીવતું રાખજો કે તમે કોઇને સારા લાગો. તમે કોઇને સંબંધ રાખવા જેવા લાગો. સારા રહેવાનો પણ એક આનંદ છે. માણસને પોતાનો પણ અહેસાસ થવો જોઇએ. આપણે સારા હોઇએ ત્યારે આપણને જ શુકુનનો અહેસાસ થતો હોય છે. સાચી વાત એ છે કે, માણસે બીજા કરતા પોતાના ખાતર પણ સારા થવું જોઇએ. સારા થયા વગર સુખ અનુભવી શકાતું જ નથી. તમે સારા હશો તો તમને દુનિયા સારી લાગશે. છેલ્લે તો આપણે જેવો હોઇએ એવું જ પ્રતિબિંબ પડવાનું છે અને એવો જ પડઘો પડવાનો છે. પડઘા પડતા હોય ત્યાં પણ જોઇ જોજો, હસવાનો અવાજ કરશો તો એવો જ પડઘો પડશે અને ચીસ પાડશો તો પડઘામાં પણ ચીસ જ સંભળાવવાની છે. દુનિયા સામે કોઇ સવાલ થાય ત્યારે એ સવાલ તમે તમારામાં શોધશો તો જ સાચો જવાબ મળશે. દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો નહીં હોય! સાચા જવાબ મેળવવા માટે સાચા બનવું પડતું હોય છે!

છેલ્લો સીન :

આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ જ છે જે શાંત, સરળ, સહજ અને સાત્ત્વિક છે.                                             -કેયુ.

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 15 ઓગસ્ટ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: