તું તારા વિચારો મારા પર લાદવાનો પ્રયાસ ન કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા વિચારો મારા પર

લાદવાનો પ્રયાસ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,

મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં,

ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,

અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.

રશીદ મીર

માણસનું અસ્તિત્ત્વ, માણસનું વજૂદ, માણસની ઓળખ અને માણસની ઈમેજ એના વિચારોના કારણે બને છે. દરેક માણસ જુદો છે, કારણ કે એના વિચારો અલગ છે. આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ છતું કરે છે. અત્યારનો જમાનો એવો છે કે, માણસ જો ધ્યાન ન રાખે તો કોઈ વિચારો ઉપર પણ કબજો જમાવી દે છે. દરેક માણસ હાથ-પગ બાંધીને જ ગુલામ નથી બનાવતા, ઘણા લોકો વિચારો પર હાવી થઈને, વિચારોને કુંઠીત કરી નાખીને, વિચારોને નબળા પાડીને અને વિચારોને ડાયવર્ટ કરીને આપણને ગુલામ બનાવી દે છે. આપણે દોરવાઈ જઈએ છીએ, લલચાઈ જઈએ છીએ, છેતરાઈ જઈએ છીએ, ભટકી જઈએ છીએ, અટકી જઈએ છીએ! આશ્ચર્યની વાત એ હોય છે કે, આપણને ખબર પણ પડતી નથી! આપણામાં જ અમુક વખતે એવા પરિવર્તનો આવે છે જેના વિશે આપણે જ વિચાર કરતા નથી કે, આવું કેમ થયું? આવું કોણે કર્યું?

એક છોકરીની આ વાત છે. ભણવામાં ખૂબ જ હોંશિયાર. મહત્વાકાંક્ષા પણ ભારોભાર. કોલેજમાં ભણતી હતી ત્યારે જ નક્કી કર્યું હતું કે, જિંદગીમાં કંઈક કરી બતાવવું છે. ભગવાને આટલી હોંશિયાર બનાવી છે, આટલી બુદ્ધિ આપી છે તો મારે મારી જાતને સાબિત કરવી છે. તેના મિત્રોને પણ તેના પર ગર્વ હતો. આ છોકરીને સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરો ખૂબ જ ધનવાન હતો. રૂપિયાની કોઈ કમી નહોતી. છોકરો પણ તેને પ્રેમ કરતો હતો. કોલેજ પૂરી થઈ. બંનેએ મેરેજ કરવાનું નક્કી કર્યું. બંનેએ પોતપોતાના ઘરે વાત કરી. બંનેના પરિવારજનો પણ માની ગયા. કોલેજમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ હતો. છોકરીએ ઈન્ટરવ્યૂ આપ્યો. છોકરી બ્રિલિયન્ટ જ હતી. પહેલાં જ ધડાકે સિલેક્ટ થઈ ગઈ. છોકરીએ તેના પતિને વાત કરી. પતિએ કહ્યું, આપણે નોકરી કરવાની શું જરૂર છે? આપણે ક્યાં રૂપિયાની કમી છે? તારા આટલા પગારમાં શું થવાનું છે?તું નોકરી કરે તો આપણા ખાનદાનની આબરૂ શું રહે? તું તો રાણી બનવા માટે જન્મી છે. તારે મજૂરી કરવાની કંઈ જરૂર નથી! છોકરીએ જોબ ન સ્વીકારી.

છોકરીની એક ફ્રેન્ડને આ વાતની ખબર પડી. તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું, ક્યાં ગયા તારા સપના? ક્યાં ગઈ કંઈ બનવાની તમન્ના? ક્યાં ગઈ કંઈક કરી છૂટવાની ખ્વાહિશ? સવાલ નોકરીનો, પગારનો કે રૂપિયાનો નથી, સવાલ તારા વિચારોનો, તારી ઇચ્છાઓનો, તારા સપનાનો અને તારી માન્યતાઓનો છે. ભલે એ તારો પતિ છે, પણ એણે તારા વિચારો ફેરવી નાખ્યા છે. તારા વિચારો પર કબજો કરી લીધો છે. ઘણી ગુલામીઓ પ્રેમ, લાગણી, સ્નેહ અને હમદર્દીના નામે પણ લાદી દેવાતી હોય છે. પ્રેમ એ છે જે તમારા વિચારોને આકાશ આપે, તમારા સપનાઓને સાર્થક કરે, તમારે જે કરવું હોય એ કરવા દે, જિંદગી જીવવાની મોકળાશ આપે, હસવાના કારણો આપે, આનંદના અવસર આપે અને મુક્તિનો અહેસાસ માણવા દે. બધું હોવું અથવા તો બધું હાજર કરી દેવું એ જાહોજલાલી નથી, સાચી જાહોજલાલી પોતાની રીતે જીવવા દેવું એ છે. છુટ્ટા હોય એ આઝાદ જ હોય એવું જરૂરી નથી. આપણે બધા કોઈ ને કોઈ કેદમાં જકડાયેલા છીએ. નરી આંખે દેખાય નહીં એવી પણ ઘણી બધી ઝંઝીરો હોય છે. આ ઝંઝીરો આપણને આપણી રીતે જીવવા દેતી નથી, ઉડવા દેતી નથી. બહારથી જે મહેલ દેખાતો હોય એ પણ અંદરથી જેલ હોઈ શકે છે. ઘણીવખત ઝૂંપડાંમાં પણ આખું ગગન ઉઘડતું હોય છે. મહેલમાંથી નિસાસા સંભળાય અને ઝૂંપડામાંથી ખડખડાટ હસવાનો અવાજ આવે ત્યારે સુખ અને જિંદગીની વ્યાખ્યાને સમજવી પડે છે. ઘણા ઘરો કબર જેવા હોય છે, એને ખોલો તો મડદાં જ નીકળે!

એક સાવ સાચી ઘટનાની વાત કરવી છે. એક છોકરી પરણીને અમેરિકા ગઈ. એને એમ હતું કે, અમેરિકામાં પતિ રહે છે તો એ આધુનિક વિચારસરણી ધરાવતો હશે. જોકે, હતું સાવ જુદું જ. જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું હતું. ઘરના બધા જ રિજિડ. આપણે ત્યાં પરંપરા અને સંસ્કૃતિના નામે પણ ઓછા અત્યાચારો થતા નથી. આમ કરવાનું અને આમ નહીં કરવાનું. દરેક વાતના નિયમ હતા. એ છોકરીએ જિંદગી સાથે સમાધાન કરી લીધું. દરેક વાત માની લીધી. મનને મારી મારીને જીવી લીધું. તેને એક દીકરો હતો. વર્ષો થઈ ગયા. દીકરો મોટો થયો. દીકરાના લગ્ન લેવાયા. નવી વહુ ઘરમાં આવી. તેના પર પણ ઘરના રીત-રિવાજોના નામે ઘણું બધું લાદવાનું શરૂ થયું. વહુએ કહ્યું, ના હું આવું બધું નહીં કરું! મારે આવી રીતે જીવવું નથી! તેની સાસુએ કહ્યું કે, હું આ ઘરમાં પરણીને આવી ત્યારે મારા વિચારો પણ જુદા હતા. સાસરે આવીને મેં બધું સ્વીકારી લીધું. તું પણ સ્વીકારી લે. વહુએ કહ્યું, માફ કરજો પણ મને એ વાત વાજબી લાગતી નથી. મને તમારી છાપ, તમારી ઈમેજની ખબર છે. તમે બહુ ડાહ્યા અને સમજુ છો. તમે બધાનું ધ્યાન રાખ્યું. સાચું કહેજો, તમારું મન કેટલીવાર માર્યું છે? ડાહી, સમજુ જેવી વાતો કરીને આપણને પલોટી નાખનારા લોકો ઓછા નથી હોતા! બધાનું માન રાખતા રહેવામાં આપણે આપણું અપમાન કરતા રહીએ છીએ. આખરે વહુએ કહી દીધું કે, મારાથી આવી રીતે નહીં રહેવાય! તેની સાસુએ નજીક આવીને એટલું જ કહ્યું, કાશ હું આ ઘરે આવી ત્યારે તારા જેવી હિંમત કરી શકી હોત! સાસુએ સવાલ કર્યો, પણ તું આપણા ઘરના બધાને પહોંચી વળીશ? વહુએ કહ્યું, મારે કોઈને પહોંચવું નથી, મારે કોઈને નીચા કે ઉતરતા દેખાડવા પણ નથી, એ લોકો જે માનતા હોય એની સામે મને વાંધો પણ નથી. મારે તો બસ મારી રીતે જીવવું છે. મારે બળવો કરવો નથી. વિદ્રોહમાં મને જરાયે રસ નથી. જો મને હું છું એવી સ્વીકાર કરવાની ન હોય તો મને પણ અસ્વીકાર કરવાનો અધિકાર હોવો જોઈએ. પતિ સાથે પ્રેમ છે. તમારા બધા પ્રત્યે લાગણી છે. મારી ફરજ પણ મને ખબર છે. હું એ નિભાવવા પણ તૈયાર છું. તમે જે કહો છો એ ફરજ નથી, એ તો બંધન છે, અત્યાચાર છે.

માત્ર પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની કે ઘરના લોકો જ આપણા વિચારો પર કબજો જમાવી લે એવું નથી, આપણા મિત્રો કે આપણી સાથે કામ કરનારા લોકો પણ આપણા વિચારોને બદલાવી નાખતા હોય છે. આપણે ક્યારેય એના પર વિચાર કરીએ છીએ કે, કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી આપણામાં શું ફેર આવ્યો? આપણી આજુબાજુના લોકોની અને આપણી આજુબાજુના વાતાવરણની આપણા પર સીધી અસર થાય છે. ઔરા એ બીજું કંઈ નથી, પણ એકબીજાને અસર કરતું સૌથી મોટું પરિબળ છે. દરેકની એક ઔરા હોય છે. અમુક લોકોને મળીએ ત્યારે આપણે થોડાક સમૃદ્ધ થયા હોય એવું ફીલ થાય છે. આપણામાં કંઈક ઉમેરાયું હોય એવું લાગે છે. કેટલાક લોકોને મળીએ ત્યારે એમ થાય કે, જલદી આનાથી મુક્તિ મળે તો સારું! હવે તો લોકો પોતાની ઔરા પણ છુપાવી રાખે એવા ચાલાક અને નાટકબાજ થઈ ગયા છે. હોય જુદા અને દેખાય સાવ જુદા. માણસ ડ્યુઅલ પર્સનાલિટીમાં જીવતો થઈ ગયો છે. રિયલ માણસ અને સોશિયલ મીડિયા પર દેખાતો માણસ જુદો હોય છે. ફોટા ઉપર ફિલ્ટર મારતા આપણને ફાવી ગયું છે. જાતને રૂપાળા દેખાડવા માણસ સાત્ત્વિકતાનું ફિલ્ટર મારતો નથી, પણ સારા હોવાનું મહોરું પહેરી લે છે. મોહરા પાછળના ચહેરા દેખાતા નથી. કોઈ માણસ આપણા વિચારો પર હાવી ન થઈ જાય એની સાવચેતી રાખવાનો આ સમય છે. માણસ સંબંધોમાં પણ ‘માર્કેટિંગ’ કરતો થઈ ગયો છે. સંબંધોમાં સ્વાર્થનું ટેગ લાગેલું છે. જ્યાં ટેગ હોય ત્યાં માર્કેટિંગ હોવાનું જ છે. રિયલ પ્રોડક્ટ શોધવી અઘરી છે. આજે બધું ઓર્ગેનિક જોવા મળે છે, બસ ‘ઓર્ગેનિક માણસ’ જોવા નથી મળતો!

છેલ્લો સીન :

ઘણા લોકો એવા હોય છે જે યુક્તિ વાપરીને મુક્તિ છીનવી લે છે. આપણે જકડાઈ જઈએ અને આપણનને ખબર પણ પડવા ન દે!                 -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 માર્ચ 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *