તમે માનો છો કે જે થાય છે એ સારા માટે જ થાય છે? : દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ

તમે માનો છો કે જે થાય છે

એ સારા માટે જ થાય છે?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

આપણી લાઇફમાં કંઇ ખરાબ બને તો પણ

વડીલો ઘણી વખત આપણને કહે છે કે,

જે થતું હશે એ સારા માટે થતું હશે!

સમયની ચાલમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે.

*****

વેબ સિરીઝમાં આજકાલ જેનું કામ બહુ વખણાય છે એ

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, જો એ સમયે ટ્રેક્ટર ખરીદી

શક્યા હોત તો હજુ હું ખેતી જ કરતો હોત!

જિંદગી વિશે એવું કહેવાતું રહ્યું છે કે, જિંદગી સારી અને નરસી ઘટનાનો સરવાળો છે. લાઇફમાં ગુડ અને બેડ પેકેજમાં આવે છે. સારું થાય ત્યારે આપણે હરખાઇએ છીએ. કઇંક ખરાબ, અયોગ્ય કે અજુગતું બને ત્યારે આપણે ઉદાસ થઇએ છીએ. ક્યારેક તો એવું બને છે જ્યારે આપણું કંઇ ધ્યાન જ ન પડે. કોઇ રસ્તો ન સૂઝે. આપણે અપસેટ હોઇએ ત્યારે આપણા વડીલો એવું કહેતા રહે છે કે, હશે, જે થાય છે એ સારા માટે જ થતું હશે! કોઇ વળી એવું કહે છે કે, ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ. આપણને એમ થાય કે, શું ધૂળ સારું થવાનું છે? આ બધી આશ્વાસન લેવા જેવી વાત છે. આવી બધી વાતો મન મનાવવા થતી હોય છે. ક્યારેક તો આપણને ભગવાન સામે પણ સવાલો થાય છે. મેં જિંદગીમાં કોઇનું બૂરું કર્યું નથી. બૂરું કરવાની વાત તો દૂર રહી, સપનામાં પણ કોઇનું બૂરું ઇચ્છ્યું નથી, તો પણ મારી સાથે આવું થાય છે. ઉપરાછાપરી કંઇક બને ત્યારે એવું પણ થાય છે કે, મારી સાથે જ આવું થાય છે. કુદરતને પણ હું જ મળું છું?

ફિલ્મ અને વેબ સિરીઝમાં આજકાલ જેમની બોલબાલા છે એ અભિનેતા પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારા પિતા ખેતી કરતા હતા. તેમનું એક જ સપનું હતું કે, ખેતી માટે એક ટ્રેકટર ખરીદવું છે. ખૂબ મહેનત કરી, લોન માટે પણ પ્રયાસો કર્યા પણ તેઓ ટ્રેકટર ખરીદી ન શક્યા. મને પણ અફસોસ થતો હતો કે, અમે ટ્રેકટર ખરીદી શકતા નથી. પિતા ટ્રેકટર ન ખરીદી શક્યા એટલે તેમણે મને કહ્યું કે, હવે ભણો. આપણી પાસે બીજો કોઇ રસ્તો જ નથી. ડૉકટર બનો. ભણવા માટે ગામ છોડીને પટણા આવ્યો. ડૉકટર તો ન બની શક્યો પણ એકટર બની ગયો. ડૉકટરને બદલે ટર એકની પાછળ લાગી ગયો. તેમણે કહ્યું કે, જો એ વખતે ટ્રેકટર ખરીદી શક્યા હોત તો હું આજે પણ ખેતી જ કરતો હોત. ક્યારેક જિંદગીમાં કંઇ નથી થતું ત્યારે દુ:ખ થાય છે પણ સમય વિત્યા બાદ સમજાય છે કે, સારું થયું એ ન થયું. જે થાય છે એ સારું થાય છે એ વાતમાં પંકજ ત્રિપાઠી બિહારના કવિ નાગાર્જુનની એક પંક્તિ ટાંકે છે, જો નહીં હો સકે પૂર્ણ કામ, ઉનકો કરતા હું મેં પ્રણામ.

તમે પેલી રાજાની વાર્તા સાંભળી છે? એક રાજા હતો. તેનો એકનો એક દીકરો એક વખત ઘોડો લઇને ફરવા નીકળ્યો. એ અજાણ્યા રસ્તે પહોંચી ગયો અને જંગલી લોકોના હાથમાં આવી ગયો. પોતાના વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો એટલે જંગલી લોકોએ રાજાના કુંવરના જમણા હાથની એક આંગળી કાપી નાખી. રાજાનો કુંવર ઘરે આવ્યો. રાજા તો દીકરાની કપાયેલી આંગળી જોઇને હચમચી ગયો. એ વખતે રાજા જેમને માનતા હતા એ સંત ઘરે આવ્યા હતા. સંતે એવું કહ્યું કે, જે થતું હશે એ સારા માટે થતું હશે. આ વાત સાંભળીને રાજા ગુસ્સે થઇ ગયા. મારા દીકરાની આંગળી કાપી નાખી છે એને તમે કહો છો કે, સારું થયું? તેણે સંતને ન કહેવાના શબ્દો કહ્યા. સિપાઇઓને બોલાવીને કહ્યું કે, આને જેલમાં પૂરી દો. સંતને જેલમાં ધકેલી દેવાયા. થોડાક વર્ષો વીતી ગયા. રાજાનો દીકરો ફરીથી ઘોડો લઇને ફરવા નીકળ્યો હતો. એ વખતે પણ રસ્તો ભૂલી ગયો અને જંગલી લોકોના હાથમાં આવી ગયો. જંગલી લોકોને એ વખતે બલિ ચડાવવા માટે એક પુરૂષ જોઇતો હતો. જંગલોના વડાએ કહ્યું, રાજાના દીકરાનો જ બલિ ચડાવી દો. વિધિ શરૂ થઇ. પૂજારી બલિ ચડાવવા જતો હતો ત્યાં એણે જોયું કે, રાજાના દીકરાના હાથની એક આંગળી તો કપાયેલી છે. પૂજારીએ કહ્યું કે, ખંડિત શરીરનો બલિ ન ચડાવાય. રાજાના દીકરાને મુક્ત કરી દેવાયો. તેણે ઘરે આવીને રાજાને વાત કરી. રાજાને તરત જ પેલા સંત યાદ આવી ગયા. તેણે કહ્યું હતું કે, જે થાય છે એ સારા માટે થાય છે. જો એ દિવસે આંગળી કાપી લીધી ન હોત તો આજે દીકરાનો બલિ ચડાવી દેવાયો હોત. તેણે સંતને બોલાવ્યા. વંદન કરીને માફી માંગી અને મુક્ત કર્યા.

તમારી જિંદગીમાં એવી ઘટના બની છે કે, જે કંઇ બન્યું હોય ત્યારે બહુ દુ:ખ થયું હોય અને સમય જતા એવું લાગ્યું હોય કે, એ થયું હતું એ સારું થયું હતું. એ ન થાત તો અત્યારે જે છે એ હું ન કરી શક્યો હોત? આ વાત અત્યારે કહેવાનું કારણ એ છે કે, કોરોનાના કારણે આપણે બધા કોઇને કોઇ રીતે પરેશાન છીએ. કોઇની નોકરી ગઇ છે, કોઇનો ધંધો બંધ થઇ ગયો છે. જે સપના જોયા હતા એ બધા ઊંધા પડી ગયા છે. હા, એ વાતથી જરાયે ઇનકાર ન થઇ શકે કે, બધાને કોઇને કોઇ મુશ્કલી પડી છે. દરેક પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં હોતી નથી. ઉતાર ચડાવ એ જિંદગીનો હિસ્સો છે. અત્યારે કોઇ આપણને કહે કે, જે થતું હશે એ સારા માટે થતું હશે તો આપણને એના પર ગુસ્સો જ આવે. અલબત્ત, એ વાતમાં તથ્ય હોય કે ન હોય પણ ટકાવી રાખવાની તાકાત તો છે જે કે, જે થશે એ સારું થશે. આખી દુનિયા કોરોનાથી મુક્તિની રાહ જોઇ રહી છે. વેક્સિન ક્યારે આવશે એનો કાગડોળે ઇન્તજાર છે. હવે વધુ સમય કાઢવાનો નથી એ વાત પણ થોડોક હાશકારો આપે છે. જિંદગી કે કરિયરમાં કંઇક ન ગમે એવું બન્યું હોય તો પણ શ્રદ્ધા ગુમાવશો નહીં, ભરોસો રાખજો કે, બધું પાછું સરખું થઇ જવાનું છે. એવરીથિંગ વીલ બી ફાઇન!

————–

પેશ-એ-ખિદમત

હુસ્ન કો બે-હિસાબ હોના થા,

શૌક કો કામયાબ હોના થા,

કુછ તુમ્હારી નિગાહ કાફિર થી,

કુછ મુઝે ભી ખરાબ હોના થા.

-અસરાર-ઉલ-હક મજાજ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 13 ડિસેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *