ગમે તે કરું તો પણ નેગેટિવ વિચારો ખસતા જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ગમે તે કરું તો પણ નેગેટિવ

વિચારો ખસતા જ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અગોચર એક અણસારો હજી સમજાય તો સારું,

જરા આ વીજ-ચમકારો હજી સમજાય તો સારું,

ઉપર બાઝી ગયેલી રાખ અંતે છેતરી જાશે,

ધખે છે સ્હેજ અંગારો હજી સમજાય તો સારું.

-નીતિન વડગામા

આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ ઘડે છે. જેવા વિચાર એવા આચાર. આપણું વર્તન એ બીજું કંઈ જ નથી, પણ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. આપણે જેવું વિચારતા હોઈએ એવો જ પડઘો આપણી વાણીમાં પડે છે. એક માણસને બીજા માણસથી જો કંઈ અલગ તારવતું હોય તો એ વિચારો જ છે. દરેક માણસ તો સરખો જ છે, વિચારો જ તેને ઓળખ આપે છે. માણસ ઉમદા નથી હોતો, માણસના વિચારો ઉમદા હોય છે. વિચારોનું એક અદ્્ભુત અને અલૌકીક સૌંદર્ય હોય છે. સારા બનવા માટે કે સારા દેખાવવા માટે રૂપ બહુ કામ આવતું નથી, વિચાર જો સારા હોય તો દેખાવ ગૌણ બની જાય છે. દુનિયાનો દરેક માણસ વધતા ઓછા અંશે એવું ઇચ્છતો હોય છે કે, લોકો મને એપ્રિસિએટ કરે. લોકો મારાથી આકર્ષાય. લોકો મને માન આપે. લોકો મારું સારું બોલે. એના માટે છેલ્લે તો માણસના વિચારોની કક્ષા જ કામ લાગતી હોય છે. જ્ઞાન એ બીજું કંઈ નથી વિચારોની પરિપક્વતા જ છે.

અત્યંત સ્વરૂપવાન વ્યક્તિ પણ બોલે ત્યારે આપણે એનું માપ કાઢી લઈએ છીએ. અમુક સમયે એની વાત સાંભળીને એવું થાય છે કે, આ માણસના વિચારો આટલા નબળા અને હલકા છે! આપણે એવા લોકો પણ જોયા જ હોય છે જેનો દેખાવ બહુ જ સામાન્ય હોય, પણ એ જ્યારે વાત કરે ત્યારે એવો અહેસાસ થાય કે, આ માણસ તો કેટલો સારો છે! માણસની સાત્ત્વિકતા એના વિચારોથી છતી થાય છે. સારા માણસની સાવ સીધી, સરળ અને સહજ વ્યાખ્યા કરવી હોય તો એવી કરી શકાય કે, જેના વિચારો સારા છે એ સારો માણસ છે. મારે કોઈનું બૂરું કરવું નથી. મારે કોઈનું ખરાબ ઇચ્છવું નથી, મારે કોઈને હર્ટ કરવા નથી. મારે કોઈનું કંઈ પડાવી લેવું નથી. મહેનત વગરનું મારે કંઈ જોઈતું નથી. મારે કોઈની ઈર્ષા કરવી નથી. કોઈ કંઈ કરે તો મારે મનમાં રાખવું નથી. મારે ગુસ્સો કરવો નથી.

ફિલોસોફી એ માત્ર ફિલોસોફરનો જ ઇજારો નથી. દરેક માણસમાં એક નાનો ફિલોસોફર જીવતો જ હોય છે. આપણે બસ એટલું ધ્યાન રાખવાનું હોય છે કે, એને મરવા નથી દેવો. દરેક માણસને સારા વિચારો આવતા જ હોય છે. કોઈ માણસને ખરાબ નથી થવું હોતું. ખરાબ માણસને પણ સારા વિચારો આવતા હોય છે! આપણે આપણા વિચારોને કેટલા જીવતા રાખીએ છીએ? આપણને જે વિચારો આવે છે એમાંથી કયા વિચારને આપણે પકડી રાખીએ છીએ? કયા વિચારને આપણે અમલમાં મૂકીએ છીએ? જે વિચારને આપણે અમલમાં મૂકીએ છીએ એવા જ આપણે બની જઈએ છીએ. વિચારોની માવજત કરવી પડે છે. વિચારોને પકવવા પડે છે. વિચારોને દિશા આપવી પડે છે અને સારા વિચારો છટકી ન જાય એની પણ કાળજી રાખવી પડે છે! ઘણાને વિચારો તો સારા આવે છે, પણ એ પોતાના વિચારો મુજબ વર્તતા નથી, અમલમાં ન મુકાતા સારા વિચારો પણ સરવાળે એળે જ જતા હોય છે!

યોગ બીજું કંઈ નથી, પણ વિચારોને વિરામ આપવાની એક ક્રિયા છે. વિચારોને પણ આરામ જોઈતો હોય છે. શાંતિના વિચાર શાતા આપે છે. અશાંતિના વિચારો ઉત્પાત સર્જે છે. વિચારોનો એક લય હોય છે. એક રિધમ હોય છે. વિચારોની રિધમ જાળવતા ન આવડે તો વિચારો હાથમાંથી છટકી જાય છે. વિચારો છટકે તો માણસ ભટકે. તમારા વિચારોની લગામ તમારા હાથમાં છે? માણસે બે આવડત કેળવવી જોઈએ. એક તો સારા વિચારોને વિસ્તારવાની આવડત અને બીજી બૂરા વિચારોને સંકોચવાની આવડત. કોઈ પણ આવડત કેળવવા માટે અને ફતેહ મેળવવા માટે પ્રયાસોની જરૂર હોય છે. વિચારોને નિયંત્રણમાં રાખવાની કળા જેને આવડે છે એ ઉદાસીને ટાળી શકે છે. એક યુવાનની આ વાત છે. એને સતત નબળા વિચારો આવતા હતા. મારા ભવિષ્યનું શું થશે? મારી જિંદગી બરાબર ચાલશે કે નહીં? મારા લોકો મારા જ રહેશે કે નહીં? એ જેમ જેમ વિચારો કરે એમ એમ વધુ ને વધુ ડિસ્ટર્બ થાય. આ યુવાન એક વખત એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, ગમે એટલા પ્રયાસો કરું તો પણ નેગેટિવ વિચારો ખસતા જ નથી! મારે શું કરવું? સંતે યુવાનની વાત સાંભળીને કહ્યું કે, પ્રયાસો કરવા છતાંયે જો પરિણામ ન મળે તો એક વાત સમજવી કે આપણા પ્રયાસો ખોટી દિશામાં છે. વિચાર એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિચારને રોકી શકાતા નથી. વિચારને વાળી ચોક્કસ શકાય છે. એક નબળો વિચાર આવે અને આપણે જો તેને અવોઇડ ન કરીએ તો બીજો વિચાર પણ નબળો જ આવવાનો છે.

સંતે એક વાર્તા કરી. એક બાળક હતો. એ બાળકને ભૂતની બીક લાગતી હતી. તેને હંમેશાં એમ થતું, કે પેલા ખૂણામાં ભૂત છે. એક વખત એ બાળકને પૂછવામાં આવ્યું કે, તેં ભૂત જોયું છે? બાળકે કહ્યું, ના જોયું તો નથી. જો તેં જોયું નથી તો ડરે છે શા માટે? આપણે બધા મોટા ભાગે આવું જ કરતા હોઈએ છીએ. જેનું અસ્તિત્વ નથી એના વિચારો કરીને ડરતા રહીએ છીએ. આમ થશે તો? તેમ થશે તો? કોઈ મને નુકસાન પહોંચાડશે તો? કોઈ મારી પ્રગતિ રૂંધી નાખશે તો? આપણે આપણા વિચારોથી જ એક કાલ્પનિક ખતરો પેદા કરીએ છીએ! મુસીબત આવી ન હોય, પણ આપણે વિચારો કરીને મુસીબતને આપણી સામે ખડી કરી હોય છે. વાસ્તવિક મુશ્કેલીનો સામનો કરવો સરળ છે, પણ કાલ્પનિક મુશ્કેલીઓને હટાવવી વધુ અઘરી છે. જે છે જ નહીં એને તમે કેવી રીતે હટાવી શકો?

એક યુવાને એક ફિલોસોફરને સવાલ કર્યો. સફળ માણસ અને નિષ્ફળ માણસમાં શું ફર્ક છે? ફિલોસોફરે કહ્યું, માત્ર વિચારોનો. સફળ માણસને ખબર છે કે હું સફળ થવાનો છું. નિષ્ફળ માણસને સફળતા વિશે જ સંશય છે. પ્રયત્નોની સાથે એના સફળ અને સાર્થક થવાનો વિચાર અને વિશ્વાસ પણ જરૂરી છે. યુવાને બીજો સવાલ કર્યો. નબળા વિચારોને ટાળી શકાય? ફિલોસોફરે કહ્યું, બિલકુલ ટાળી શકાય! એના માટે સૌથી પહેલાં તો આપણને એટલી ખબર અને સમજ હોવી જોઈએ કે, મને આ જે વિચાર આવ્યો છે એ નબળો છે. આપણને જો ખબર જ ન હોય કે આ નેગેટિવ વિચાર છે તો પછી એ હટાવવાનો વિચાર જ ક્યાંથી આવવાનો? સૌથી પહેલાં તો આપણને એનું ભાન હોવું જોઈએ કે, મને જે વિચારો આવે છે એ કેવા છે? વિચારોનું નિરીક્ષણ કરવું પડે છે. વિચાર ઉપર પણ વિચાર કરવો પડે છે. તમારા વિચારોને તમે કેટલા ઓળખો છો? તમારા વિચારોનું પરિણામ તમને ખબર છે?

યુવાને વળી નવો સવાલ કર્યો. નબળા વિચારોને કેવી રીતે ઓળખી શકાય? ફિલોસોફરે હસીને કહ્યું કે, બસ જો એટલી સમજ આવી જાય તો જિંદગી સરળ બની જાય. જો હું તને કહું કે, નબળા વિચારોને કેવી રીતે ઓળખી શકાય! જે વિચાર તમને ઉદાસ કરે એ નબળો વિચાર છે. જે વિચાર તમને હતાશ કરે એ નબળો વિચાર છે. જે વિચારથી જરાકેય મૂંઝારો થાય એ નબળો વિચાર છે. જે વિચારથી નિસાસો પેદા થાય એ નબળો વિચાર છે. જે વિચારથી ગળામાં શોષ પડવા લાગે એ નબળો વિચાર છે. કંઈ જ સારું નથી, કંઈ સારું થવાનું નથી, જિંદગીમાં હવે કંઈ રહ્યું નથી, જીવવાની મજા નથી આવતી, સતત કંટાળો આવે છે, બધા સ્વાર્થનાં સગાં છે, આખી દુનિયા મતલબી છે, બધાને સ્વાર્થ છે એટલે જ સંબંધ રાખે છે, મોકો મળે તો કોઈ શાંતિથી જીવવા દે એવા નથી, હું ગમે એટલી મહેનત કરીશ તો પણ સફળ થવાનો નથી, કોઈને મારી પડી નથી, હું જેને પ્રેમ કરું હું એને મારી જરાયે પરવા નથી, ઘસાવવાનું માત્ર મારા નસીબમાં જ લખ્યું છે, મેં તેના માટે આટલું બધું કર્યું અને તેણે મને આવો બદલો આપ્યો? જાતજાતના નબળા વિચારો આવતા રહે છે! આવા વિચારો આપણને રોકે છે. અમુક વિચારો બ્રેકનું કામ કરે છે. અમુક વિચારો એક્સિલેટરનું કામ કરે છે. સારા વિચારો આપણને રિચાર્જ કરે છે. માણસને જો આગળ વધતા કોઈ રોકતું હોય તો એ પોતાના વિચારો જ છે.

એક સારો માણસ હતો. બધાનું સારું જ ઇચ્છે. એને ક્યારેક ખરાબ વિચારો આવી જતા. એને એટલી સમજ હતી કે, આ ખરાબ વિચાર છે. આ માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે, મને ક્યારેક ખરાબ વિચાર આવી જાય છે, હું શું કરું? સંતે કહ્યું કે, એ તો બહુ સ્વાભાવિક છે. ગમે એવો સારો માણસ હોય એને ક્યારેક તો નબળા કે ખરાબ વિચારો આવતા જ હોય છે. નબળો વિચાર આવે તો તરત જ તેને ખંખેરી નાખ! નબળા વિચારને તારા પર હાવી થવા ન દે! જ્યાં સુધી વિચાર આપણા પર કબજો ન જમાવી દે ત્યાં સુધી કંઈ વાંધો નથી. છેલ્લે બે જ વાત હોય છે, તમે વિચારોના કંટ્રોલમાં છો કે વિચારો તમારા કાબૂમાં છે? ખરાબ વિચાર આવે ત્યારે બને એટલી ત્વરાથી એને હટાવી દો. મને આવો વિચાર કેમ આવ્યો? મને આવો વિચાર ન આવવો જોઈએ. મારે આવા વિચાર નથી કરવા. મારે સારા વિચારો જ કરવા છે. સતત મનને આવી ખાતરી આપતા રહો. સારા વિચારોને પણ ઘૂંટવા પડતા હોય છે. નબળા વિચારોને ટાળીએ નહીં તો સારા વિચારોને આવવાની મોકળાશ જ મળતી નથી.

દરેક ફિલોસોફી અને દરેક ધર્મ એવું જ કહે છે કે, સુખ તો આપણી ભીતર જ છે. આપણી અંદર જ છે. જે અંદર છે એ શું છે? એ આપણા સારા વિચારોનું ભાથું જ છે. સારા વિચારો જ સુખી કરી શકે છે. સારા વિચારોને શોધી લો, સુખની અનુભૂતિ આપોઆપ થશે! તમે માનો છો કે તમે સુખી છો? જો માનતા હોવ તો તમે સુખી જ છો! આપણે જ જો આપણી જાતને દુ:ખી માનીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને સુખી કરી શકે નહીં! વિચારો બદલો, તો જ સુખ, શાંતિ, ખુશી, મજા અને પોતાના વજૂદનો અહેસાસ થશે!

છેલ્લો સીન :

જે વ્યક્તિ, જે વાતાવરણ અને જે વિચાર તમને નબળા પાડે એનાથી દૂર રહેવું એ સુખી થવાની પૂર્વશરત છે.               -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 મે 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *