મારે મારી જિંદગીમાં હવે કોઈને આવવા દેવા નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારે મારી જિંદગીમાં હવે

કોઈને આવવા દેવા નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હો બેસુમાર ભીડ, પણ રસ્તો કરી શકાય,

મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય,

અડધો ગુનો છે એ કે ચાહું છું હું તને,

ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય.

-રમેશ પારેખ

જિંદગીના અનુભવો માણસને ક્યારેક આનંદ તો ક્યારેક આઘાત આપતા રહે છે. આપણી જિંદગીમાં માણસો આવતા જતા રહે છે. કોઈ માણસ આપણાથી દૂર જાય ત્યારે એ આપણામાં ઘણું બધું મૂકતો જાય છે. કોઈ માણસ આપણને થોડાક ભારે બનાવી દે છે. આપણે એ ભાર ઊંચકી શકતા નથી. અમુક ભાર આસાનીથી ખંખેરી પણ શકાતો નથી. એ ભાર સાથે રાખીને ફરવામાં થાક લાગે છે. ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, એ માણસ ક્યાં મારી જિંદગીમાં આવ્યો? એ ન આવ્યો હોત તો કેવું સારું હતું! દરેક યાદો સારી જ હોય એવું જરૂરી નથી. કેટલીક યાદો બિહામણી અને ડરામણી હોય છે. એ આપણને હચમચાવી નાખે છે.

હમણાંની એક સાવ સાચી વાત છે. એક પતિ-પત્નીના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીના આગમન પછી આખું ઘર ભર્યુંભર્યું લાગતું હતું. દીકરી દોઢ વર્ષની થઈ. પતિ-પત્ની માટે સ્વર્ગ હાથવગું હતું. બંનેએ નક્કી કરી નાખ્યું હતું કે, આપણી જિંદગીમાં એક દીકરી જ પૂરતી છે. આપણે બીજું બાળક નથી કરવું. બધું જ બરાબર ચાલતું હતું. જિંદગી ક્યાં ક્યારેય સીધી લીટીમાં ચાલતી હોય છે? એક વખત મા-બાપ દીકરીને બગીચામાં ફરવા લઈ ગયાં હતાં. નાનકડી દીકરી બગીચામાં દોડાદોડ કરતી હતી. અચાનક દીકરીને ઠેસ વાગી. ઉછળીને પડેલી દીકરીનું માથું એક પાઇપ સાથે અથડાયું. દીકરી બેહોશ થઈ ગઈ. હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે, એ હવે જીવતી નથી. બ્રેઇન હેમરેજના કારણે તેનું મોત થયું છે. પતિ-પત્ની હતપ્રભ થઈ ગયાં. જિંદગીનો દરેક પ્રકાશ જાણે એકઝાટકે બુઝાઈ ગયો. ચારે તરફ અંધકાર પ્રસરી ગયો. આ શું થઈ ગયું એ બંનેમાંથી કોઈને સમજાતું નહોતું. અમુક સમયે મન મનાવવા સિવાય માણસ કંઈ કરી શકતો નથી. જોકે, મન મનાવવાનું ક્યાં સહેલું હોય છે? મન જ્યારે મૂરઝાઈ જાય ત્યારે એ કોઈ વાત સાંભળતું નથી. આપણને એવું લાગે કે મન જ મરી ગયું છે. નજીકની વ્યક્તિ મરી જાય ત્યારે આપણી અંદર પણ કંઈક મરી જતું હોય છે. એને જીવતું કરવામાં ક્યારેક એક આખો જનમ પણ ઓછો પડતો હોય છે. આયખું અળખામણું લાગવા માંડતું હોય છે.

થોડો સમય થયો પછી ફેમિલીના વડીલોએ પતિ-પત્નીને બીજા બાળકની વાત કરી. દીકરીના મોત પછી પત્નીની જે હાલત હતી એ જોઈને બધાને થયું કે, બીજું બાળક હશે તો એનો જીવ પરોવાશે અને આઘાતમાંથી બહાર આવી જશે. બાળકની વાત સાંભળીને પત્નીએ ચોખ્ખું કહી દીધું કે, ના હવે મારે બાળક જોઈતું જ નથી. એની સાથે પણ ક્યાંક દીકરી જેવું જ થાય તો? હું અત્યારે જ મરેલાની જેમ જીવું છું. મારામાં હવે કોઈ પેઇન સહન કરવાની ત્રેવડ નથી. અમુક સમયે કોઈ સમજાવટ પણ કામ કરતી નથી. આપણે ઘણી વખત એવી વાતો કરીએ છીએ કે, અમુક ઘાવ સમય જ પૂરે છે. ગમે એવો મોટો આઘાત હોય તો પણ ધીમે-ધીમે કળ વળી જતી હોય છે. કળ વળી ગયા પછી પણ ક્યારેક એ વાત અચાનક જ જીવતી થઈ જાય છે. જે અંદર ધરબાયેલું હોય છે એ ક્યારેક ને ક્યારેક બહાર આવી જ જતું હોય છે.

આંખ મીંચીને જેના પર ભરોસો મૂક્યો હોય એ નજર ફેરવી લે ત્યારે અસ્તિત્વ હચમચી જતું હોય છે. એક વ્યક્તિ વિશ્વાસઘાત કરે ત્યારે આખા જગત પરથી ભરોસો ઊઠી જાય છે. એક છોકરીને એના પ્રેમીએ દગો દીધો. તેની ફ્રેન્ડ એને સમજાવતી હતી કે સારું થયું ને એ દૂર થઈ ગયો. દુનિયામાં કંઈ એ એક જ થોડો છે? આ વાત સાંભળીને તેની ફ્રેન્ડ બોલી કે, મેં એને મારી દુનિયા જ સમજી લીધો હતો. એક માણસ દૂર જાય ત્યારે દુનિયામાંથી રસ ઊડી જાય એનું કારણ એ જ હોય છે કે આપણે તેને આપણી દુનિયા માની લીધો હોય છે. દુનિયા બીજું શું છે? એવા અમુક લોકો જ તો હોય છે જે આપણા માટે સર્વસ્વ હોય છે. એક માણસ ન હોય અને એકલું લાગવા માંડે છે. એકની ગરજ એક હજાર માણસ પણ સારી શકતા નથી.

કોઈ જાય ત્યારે આઘાત લાગે એ સ્વાભાવિક છે. આપણે જેટલા સંવેદશીલ હોઈએ, આઘાતની તીવ્રતા એટલી વધુ હોય છે. આઘાતનો પણ એક અંત આવવો જોઈએ. અંત ન આવે તો પ્રયત્ન કરીને અંત લાવવો જોઈએ. એક હકીકત એ પણ છે કે, એક વ્યક્તિના જવાથી બધું ખતમ થઈ જતું નથી. એક ખરાબ અનુભવ થયો એટલે બીજો અનુભવ પણ ખરાબ જ થશે એવું જરૂરી નથી. જિંદગીને પણ તક આપવી જોઈએ. એક બાપ-દીકરીની આ વાત છે. દીકરીનાં રંગેચંગે લગ્ન કર્યાં હતાં. દીકરીએ પણ જિંદગી માટે સુંદર સપનાંઓ જોયાં હતાં. સાસરે ગયા પછી એ દીકરીના ભ્રમ એક પછી એક ભાંગવા લાગ્યા. ભ્રમ તૂટે પછી એની કરચો ચૂભતી હોય છે. પિતાને આ વાતની ખબર પડી. દીકરીએ પણ બધી સાચી વાત કરી દીધી. આખરે એ છોકરીએ ડિવોર્સ લઈ લીધા. એ પછી દીકરીને હાશ થઈ હતી.

પિતાએ થોડા સમય બાદ દીકરીને બીજાં લગ્ન માટે વાત કરી. દીકરીએ કહ્યું, હવે નવા કોઈ માણસને મારે મારી જિંદગીમાં આવવા દેવો નથી. બહુ થયું. મેં અનુભવો કરી લીધા. હવે મને કોઈ વ્યક્તિમાં જરાયે રસ નહીં પડે. કદાચ હવે હું જ કોઈની સાથે સરખી રીતે રહી નહીં શકું. પિતાએ કહ્યું કે, અમે ક્યાં સુધી? સાવ એકલા જિંદગી પસાર કરવી સહેલી નથી. એના કરતાં પણ મહત્ત્વની વાત એ કે, આપણી લાઇફમાં એક ખરાબ માણસ આવી ગયો એટલે બધા ખરાબ જ છે એ માનવું ખોટું છે. આપણાથી ક્યારેક ખોટી પસંદગી થઈ જતી હોય છે. ક્યારેક મોડેથી સમજાતું હોય છે કે, મેં જે કર્યું એ ભૂલ હતી. ભૂલ સુધરતી હોય છે. ભૂલને સુધારવી જ પડે. તું કોઈના ઉપર ભરોસો તો મૂકી જો. અત્યારે તો એવું લાગે છે કે, તને તારા ઉપરથી જ ભરોસો ઊઠી ગયો છે. માણસે પહેલાં તો પોતાની જાતનો ભરોસો જીતવો પડે છે. બધું ખરાબ નથી. આપણી આસપાસ જે ખરાબ લોકો હોય એને જ આપણે જોતા રહીએ છીએ. આપણે એ પણ જોવું જોઈએ કે આપણી આસપાસ સારા માણસો પણ છે. આપણે નેગેટિવ એટલે પણ થઈ જતા હોઈએ છીએ, કારણ કે આપણે નકારાત્મક હોય એના ઉપર જ નજર માંડીને બેઠા હોઈએ છીએ. સારું જુઓ, સારું વિચારો તો જ સારું લાગવાનું છે. કોઈ એક ઘટનાથી બધી ઘટના ઉપર ખરાબનું લેબલ મારી ન દેવાય!

દુનિયા દરેક પ્રકારના માણસોથી ભરેલી છે. આપણી જિંદગીમાં ઘણા બધા લોકો આવ્યા હોય છે. થોડોક લાંબો વિચાર કરીએ તો ખબર પડે કે, જિંદગીમાં ખરાબ કરતાં સારા માણસોના અનુભવો આપણને વધારે થયા હોય છે. એક-બે ખરાબ અનુભવો થાય એટલે આપણે બધા માટે ચોક્કસ ગ્રંથિ બાંધી લઈએ છીએ. આપણા મિત્રો અને સંબંધીઓ માટે તો કુદરત આપણને પસંદગીનો અવકાશ આપે છે. પસંદગીમાં આપણે ભૂલ કરીએ તો એનો દોષ બીજાને આપી ન શકાય! મોટાભાગે આપણે આપણી પસંદગીમાં જ થાપ ખાતા હોઈએ છીએ. જે વ્યક્તિ આપણી ન હોય એને આપણી માની લઈએ છીએ. એ જાય ત્યારે પણ આપણે એ વાત સ્વીકારી જ નથી શકતા કે, એ વ્યક્તિ આપણી હતી જ નહીં! આપણે સવાલો કરીએ છીએ કે, એણે કેમ મારી સાથે આવું કર્યું? મારો શું વાંક હતો? આપણો વાંક એટલો જ હોય છે કે, આપણે ભરોસો મૂકી દઈએ છીએ. એ વ્યક્તિને આપણી માનવા લાગીએ છીએ. એ જાય પછી પણ તેને ભૂલી શકતા નથી.

દુનિયામાં સારા માણસો પણ છે. આપણને ક્યારેક આપણા લાયક, આપણને સમજી શકે એવા લોકો મળતા નથી. એક કપલની આ વાત છે. બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. બંને એક વ્યક્તિથી ડિટેચ થઈને ભેગાં થયાં હતાં. એક વખત બંનેએ વાત કરી કે, આપણે પહેલી વખતે જ મળી ગયાં હોત તો કેવું સારું હતું? પતિએ કહ્યું કે, તો કદાચ આપણે જિંદગી અને દાંપત્યને આટલી ગંભીરતાથી ન લેતાં હોત. તને પણ એક અનુભવ થયો, મારી સાથે પણ ડિવોર્સની ઘટના બની. બંનેના કિસ્સામાં ભૂલ કોની હતી, કોણ કોને સમજતું નહોતું એ વાત ગૌણ છે. સાચી વાત એ છે કે, કંઈક એવું હતું જે ખૂટતું હતું. હવે એ પૂરું થયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે આપણા ભૂતકાળ ઉપર પૂર્ણવિરામ મૂકીને નવી શરૂઆત કરી છે. જિંદગી ક્યારેક અટકી જતી હોય છે. અમુક સમયે એવું પણ લાગે કે, બધું ખતમ થઈ ગયું છે. એવા સમયે જિંદગીને નવો સ્ટાર્ટ આપવો પડતો હોય છે. કાયમ કંઈ અટકી જતું નથી, આપણે અટકાવી દેતા હોઈએ છીએ. જિંદગી તો રાહ જોઈને જ બેઠી હોય છે. આપણે બસ, નવા માટે આપણી જાતને તૈયાર કરવાની હોય છે. જાતને આપણે પોતે જ તૈયાર કરી શકીએ! જિંદગીને દરેક વખતે નવો ચાન્સ આપવો જોઈએ!

છેલ્લો સીન :

જે વ્યક્તિએ વેદના, પીડા અને દર્દ આપ્યાં હોય એને જો ભૂલી ન જઈએ તો એના ગયા પછી પણ આપણે એ વેદનામાંથી મુક્ત થતા નથી. મુક્તિ અને આઝાદી તો જાતે જ મેળવવી પડે છે.         -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 માર્ચ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “મારે મારી જિંદગીમાં હવે કોઈને આવવા દેવા નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *