પ્રેમ, લગ્ન, અફેર : માણસ કેમ બહાનાં જ શોધતો હોય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ, લગ્ન, અફેર : માણસ કેમ

બહાનાં જ શોધતો હોય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને

મોનિકા લેવિન્સ્કી સાથેના સંબંધો અંગે

બાવીસ વર્ષ પછી એવું કહ્યું કે, વ્હાઇટ હાઉસના ટેન્શનને

કારણે અફેર કર્યું હતું! આ વાત કેટલી વાજબી છે?

જે માણસ પોતાના સંબંધો વિશે પ્રામાણિક ન હોય

એ બીજી વ્યક્તિની સાથે

પોતાની જાતને પણ છેતરતો હોય છે

પ્રેમ, લગ્ન અને સંબંધ એ ત્રણમાં માણસ કેટલો પ્રામાણિક છે એના ઉપરથી રિલેશનનું આયખું નક્કી થતું હોય છે. જે સંબંધની બુનિયાદ જ તકલાદી હોય એ લાંબા ટકતા નથી અને ટકે તો પણ એમાં કોઇ સત્ત્વ હોતું નથી. આજના સમયમાં એવા ઘણા સંબંધો આપણને જોવા મળે છે, જે ટકાવવા ખાતર ટકાવાતા હોય છે. ક્યારેક સમાજના નામે, ક્યારેક આબરૂના નામે, ક્યારે સંતાનોના નામે તો ક્યારેક કરિયરના નામે ગાડું ગબડાવાતું રહે છે.

જિંદગીની સફરમાં અચાનક કોઇ મળી જાય છે. ગમવા લાગે છે. એ હોય ત્યારે આખું જગત સુંદર લાગે છે. અચાનક કોઇ ટર્ન આવે છે અને જુદા પડવાનો વખત આવે છે. આવું બનતું આવ્યું છે, બનતું રહે છે અને ભવિષ્યમાં પણ બનવાનું જ છે. શાયર બશીર બદ્રએ સરસ વાત લખી છે કે, કુછ તો મજબૂરિયાં રહી હોગી, યૂં કોઇ બેવફા નહીં હોતા. બેવફાઇ કોઇને ગમતી નથી, સહન પણ નથી થતી, કોઇ ને કોઇ એવી મજબૂરી હોય છે કે, હાથ છોડવો પડે છે. સાથ ટૂંકાવવો પડે છે. મજબૂરી હોય એ સમજી શકાય, પણ રમત ન હોવી જોઇએ. બદમાશી ન હોવી જોઇએ. ચાલાકી ન હોવી જોઇએ. સ્વાર્થ ન હોવો જોઇએ. અમુક સમયે ખોટું બોલવું એના કરતાં ચૂપ રહેવું વધુ બહેતર છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનું મોનિકા લેવિન્સ્કી સાથેનું પ્રકરણ આખી દુનિયામાં બહુ ગાજ્યું હતું. મોનિકા સાથેના અફેરના કારણે જ બિલ ક્લિન્ટન સામે મહાભિયોગની પ્રક્રિયા ચાલી હતી. પોતાની પાર્ટીના સાંસદો વધુ હતા એટલે બિલ બચી ગયા, બાકી જે વાતો થઇ હતી એ બધી સાચી જ હતી. બિલ ક્લિન્ટને બચવા માટે મોનિકાને પણ ખોટું બોલવાનું કહ્યું હતું. આ ઘટનાનાં બાવીસ વર્ષ બાદ બિલ ક્લિન્ટને ‘હિલેરી’ નામની ડોક્યુમેન્ટરીમાં એવી વાત કરી કે, વ્હાઇટ હાઉસના ટેન્શન અને કામના અતિશય પ્રેશરના કારણે હું મોનિકાની નજીક આવ્યો હતો. બિલ ક્લિન્ટન આજે 73 વર્ષના થયા છે. 1998માં બિલ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે 22 વર્ષની મોનિકા સાથે અફેર થયું હતું. મોનિકા સાથેના પ્રણયના કિસ્સા બહુ જાણીતા છે.

બિલ ક્લિન્ટને હિલેરી ડોક્યુમેન્ટરીમાં એવું પણ કહ્યું કે, મેં મારી ભૂલની નિખાલસ કબૂલાત હિલેરી પાસે કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, આ ભૂલ માફીને યોગ્ય નથી, તેમ છતાં હિલેરી અને દીકરી ચેલસીએ મને માફ કરી દીધો હતો. બધી જ વાત સાચી, સવાલ માત્ર એટલો જ કે, તમારા ટેન્શનને, તમારા તણાવને અને તમારા કામના પ્રેશરના કારણે તમે બાવીસ વર્ષની એક છોકરી સાથે રમત કરી? જો તમને ટેન્શન હતું તો તમે તમારી પત્ની હિલેરી સાથે કેમ એ બધી વાત શેર ન કરી? પત્ની તરફ કેમ ન આકર્ષાયા? તમારે લફરું કરવું હતું, તમે કર્યું અને હવે આટલા વર્ષે તમે પત્નીને મહાન સાબિત કરવા માટે એવું કહો છો કે, ટેન્શનના કારણે મોનિકા તરફ ખેંચાણ થયું હતું. આ વાત કોઇ રીતે જસ્ટિફાઇ થાય છે?

મોનિકાએ કેમ બિલ ક્લિન્ટનને નજીક આવવા દીધા એ એનો વિષય છે. બિલ ગમે તેમ તોયે આખી દુનિયામાં સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ હતા. મોનિકાને પણ પ્રેમ હતો, આકર્ષણ હતું કે પ્રેસિડેન્ટની નજીક જવાનો મોકો હતો એ એની જગ્યાએ છે. બિલે જે વાત કરી એમાં કેટલી ઓનેસ્ટી છે? મને એ ગમી હતી, તેનામાં કંઇક ખૂબી હતી, એવું કંઇ ન કહી શકો તો એટલિસ્ટ ચૂપ રહો, પણ ટેન્શનનું બહાનું તો ન આપો. ઓકે ફાઇન, મોનિકા સાથે સંબંધો બાંધ્યા પછી તમારું ટેન્શન હળવું થયું હતું? જો પ્રેશર ઓછું થયું હોય તો કમ સે કમ એટલા પૂરતી તો મોનિકાને ક્રેડિટ આપો. માણસ મોટા ભાગે એવું જ કરતો હોય છે કે, પોતે ફસાઇ ગયો છે એવી ખબર પડે એટલે બહાનાં શોધવા માંડે છે. મારો વાંક નહોતો, મારી મજબૂરી હતી, મેં કર્યું એનું કારણ બીજું હતું. માણસ કેમ કોઇ સંબંધ બાબતે ફરી જતો હશે?

આપણી જિંદગીમાં અમુક લોકો અમુક સમય માટે આવતા હોય છે. એની સાથે જિંદગી જિવાઇ હોય છે. એ કાયમી રહેતા નથી, પણ જેટલો સમય હોય છે એટલો સમય દોસ્તી, પ્રેમ, લાગણી અને આત્મીયતા હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. એ જાય પછી આપણી અંદર થોડુંક કંઇક મૂકતા જાય છે. એ વ્યક્તિ ન હોય ત્યારે એને વગોવવાની વૃત્તિ વાજબી હોતી નથી. એક મિત્રની આ સાવ સાચી વાત છે. એની જિંદગીમાં એક છોકરી આવેલી. ઘરના લોકો ન માન્યા એટલે બંનેએ ભાગીને મેરેજ કરી લીધા. છોકરીના બાપે બંનેનો પીછો કર્યો. છોકરાને મારી મારીને ડિવોર્સ પેપર પર સહી કરાવી લીધી. છોકરીને ઘરે લાવી બીજી જગ્યાએ પરણાવી દીધી. છોકરી સાામનો કરી ન શકી. છોકરાને તેના મિત્રએ કહ્યું કે, એણે બેવફાઇ કરી. એ સમયે એ છોકરાએ કહ્યું કે, ના એવું નથી. એના વિશે એવું ન બોલ. એ સારી હતી. મારી સાથે જ્યાં સુધી હતી ત્યાં સુધી બહુ જ સરસ રીતે રહી હતી. મને એની સામે કોઇ ફરિયાદ નથી. અમે જેટલું જીવ્યાં એટલું મસ્ત જીવ્યાં હતાં. હવે હું એને દોષ દઉં એ યોગ્ય નથી. વફાદારીની એક વ્યાખ્યા એ પણ છે કે, એ વ્યક્તિ ન હોય ત્યારે પણ તેના પ્રત્યેનો આદર જળવાઇ રહે. બહાનાં, છટકબારી કે દોષારોપણ બહુ સહેલી વાત છે, પણ એવું કરીને ક્યારેક માણસ સરસ રીતે જિવાયેલી થોડા દિવસની જિંદગીનું અપમાન કરતો હોય છે.

પેશ-એ-ખિદમત

ઇસ રાજ કો ક્યા જાને સાહિલ કે તમાશાઇ,

હમ ડૂબકે સમઝે હૈં દરિયા તેરી ગહરાઇ,

યે જબ્ર ભી દેખા હૈ તારીખ કી નજરોં ને,

લમ્હોં ને ખતા કી થી સદિયોં ને સજા પાઇ.

(જબ્ર/મજબૂરી-વિવશતા)      – મુજ્જફર રજ્મી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 15 માર્ચ 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: