તું એનો ખોટો મોહ રાખવાનું છોડી દે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું એનો ખોટો મોહ

રાખવાનું છોડી દે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ફૂલના રસથી પ્યાલા ભરીએ, આવ જરા મન હળવું કરીએ,

જ્યાં ડૂબે છે ભયથી દુનિયા, ત્યાં તરવાની ગમ્મત કરીએ,

વ્હાલાં પણ વેરી થઈ બેઠાં, દિલને થોડું કાઠું કરીએ,

કેમ ઝૂકે ના પ્રેમનું પલ્લું, દિલને બદલે માથું ધરીએ.

-શૂન્ય પાલનપુરી

આપણા દુ:ખનું એક કારણ એ હોય છે કે જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી. આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ. દરેકનો એક સમય હોય છે. દરેકનો એક અંત હોય છે. કંઈ જ કાયમી નથી. આપણને બધાને આ વાતની ખબર છે, છતાં કેમ આપણાથી કંઈ છૂટતું નથી? એનું એક અને સૌથી મોટું કારણ છે, ઇમોશનલ એટેચમેન્ટ. આપણને વળગણ હોય છે. આપણને આદત હોય છે. આપણને જે વ્યક્તિ પ્રત્યે લગાવ હોય એ દૂર થાય ત્યારે એક અભાવ સર્જાય છે. આપણને તો વસ્તુઓ કે સાધનોની પણ આદત પડી ગઈ હોય છે. ગમતી વસ્તુ તૂટે ત્યારે આપણને પીડા થાય છે. ગમતી વ્યક્તિનો હાથ છૂટે ત્યારે વેદના થાય છે.

સૌથી વધુ દુ:ખ, સૌથી વધુ પીડા, સૌથી વધુ વેદના, સૌથી વધુ ઉદાસી અને સૌથી વધુ એકલતા સંબંધોના કારણે જ સર્જાય છે. એક પ્રેમીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, જિંદગીની સૌથી મોટી કરુણ ઘટના તમે જેને ચાહતા હોવ એ વ્યક્તિ ન મળે એ છે. ઝંખનાઓ જ્યારે ઝાંખી પડે ત્યારે જિંદગી ધૂંધળી લાગવા માંડે છે. આપણે એવું કહેતા અને સાંભળતા રહીએ છીએ કે, કોઈના વગર કંઈ અટકતું નથી. હા, કોઈના વગર કંઈ અટકતું નથી, પણ એક વ્યક્તિ વગર ઘણું બધું ખટકતું રહે છે. અટકે નહીં, પણ ગતિ ધીમી પડી જાય છે. ગતિ વધારવાનો પણ કોઈ અર્થ લાગતો નથી. કોના માટે કરવું? શા માટે કરવું? એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને વચ્ચે ખૂબ જ લગાવ હતો. અમુક કારણસર બંને મેરેજ કરી શકે એમ ન હતાં. છોકરાએ આખરે નક્કી કર્યું કે, હવે એને કહી દઉં કે આપણું સાથે જીવવાનું શક્ય નથી. એ પ્રેમિકાને મળ્યો. પ્રેમિકાને પણ ખબર જ હતી કે મેરેજ શક્ય બનવાના નથી. આ છેલ્લી મુલાકાત હતી. બધી વાતો થઈ ગઈ. છેલ્લે પ્રેમીએ પૂછ્યું, હવે હું જાઉં? એની આંખો ભીની હતી. પ્રેમિકાએ કહ્યું, ના થોડી વાર બેસ! આંખમાં આંસુ છે, મોઢું પડેલું છે, એવી રીતે ન જા! હસીને જા! આપણે ખૂબ સરસ રીતે રહ્યાં છીએ. મારે તને છેલ્લી વખત આ રીતે જતાં નથી જોવો! પ્રેમીએ કહ્યું કે, ક્યારેક તો મને એવું લાગે છે કે, આપણે મળ્યાં જ ન હોત તો સારું હતું! આટલું પેઇન તો ન થાત! ન હોય એનું સપનું હોય છે, એ સપનું સાકાર ન થાય તો વેદના ચોક્કસપણે થાય, એના કરતાં પણ વધુ પીડા જે હોય એ ચાલ્યું જાય એનાથી થાય છે.

પ્રેમ, વસ્તુ, સંબંધ, શહેર અને બીજું ઘણું બધું ક્યારેક આપણે ઇચ્છતા ન હોવા છતાં છોડવું પડે છે. ક્યારેક એ છૂટી જાય છે. ઘણી વખત તો આપણા હાથની જ વાત નથી હોતી. આપણી નજર સામે જ આપણાં અરમાનોનું વહાણ ડૂબી રહ્યું હોય છે અને આપણે મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. આપણે ઇચ્છ્યું હોય એ ન મળે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. જિંદગીમાં બધું મળે એવું જરૂરી નથી. એવું શક્ય પણ નથી. કંઈક છૂટવાનું છે. આપણે ભાગતા રહીએ છીએ. આપણી ઇચ્છાઓનો અંત જ નથી.

એક સાધુ હતો. ગામ છોડીને એણે જંગલમાં એક ઝૂંપડી બાંધી હતી. પોતાની મસ્તીમાં એ આરામથી જીવતો હતો. ધીમે-ધીમે એ સાધુની લોકપ્રિયતા વધવા લાગી. ગામના લોકો એને મળવા, એની સાથે વાતો કરવા, એની સલાહ લેવા અને એનાં દર્શન કરવા આવવા લાગ્યા. સાધુ બધા સાથે પ્રેમથી વાત કરે. સાધુની ઝૂંપડી જોઈને લોકો એવું કહેવા લાગ્યા કે, તમને અહીં સરસ મકાન બનાવી દઈએ. કોઈ વળી એના માટે કાર મૂકી ગયું. દિવસે ને દિવસે તામજામ વધતો ગયો. બધા ભક્તોએ એક દિવસે સવારે જોયું તો ખબર પડી કે સાધુ તો ગુમ છે! એનો કોઈ અતોપતો નથી. સાધુ પોતાની સાથે કંઈ લઈ ગયા નહોતા. બહુ તપાસ કરી છતાં સાધુનો કોઈ પત્તો ન લાગ્યો. ઘણો સમય વીતી ગયો. ગામનો એક માણસ દૂર જંગલમાં ફરવા ગયો. જંગલમાં તેણે એક ઝૂંપડી જોઈ. ઝૂંપડીમાં જોયું તો પેલા સાધુ આરામથી બેઠા હતા. સાધુ પાસે જઈને પૂછ્યું કે, તમે અહીંયાં? સાધુએ બહુ પ્રેમથી જવાબ આપ્યો કે, હું તો મારી મસ્તીમાં રહેવા માટે જ ગામ છોડીને જંગલમાં ગયો હતો. જંગલમાં લોકો આવવા માંડ્યા. ધીમે-ધીમે સાધન-સગવડોની વાતો કરવા લાગ્યા. એ લોકોનું ચાલત તો ત્યાં મોટો આશ્રમ ખડો કરી દેત. એ બધું જોઈને કદાચ મને પણ મોહ જાગત! મારે કંઈ જોઈતું નહોતું એટલે કોઈને કંઈ કહ્યા વગર અહીં આવી ગયો છું. તમે પણ કોઈને હું અહીં છું એવું કહેતા નહીં.

સાધુએ કહ્યું કે, એક વાર તમને સાધનોની આદત પડી જાય પછી એ છૂટતી નથી. એ સાધનો જ પછી દુ:ખનું કારણ બની જાય છે. આપણી પાસે જે હોય એનાથી વધુ સારું આપણે ઝંખવા લાગીએ છીએ. આપણી પાસે મોબાઇલ હોય તો પણ આપણને એનાથી સારો મોબાઇલ લેવાના વિચાર આવ્યા રાખે છે. કાર પણ નવી લેવાનું મન થયા રાખે છે. આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, આપણી પાસે એવું કેટલું છે જેની આપણને જરૂર જ નથી? આપણે સંગ્રહખોરીમાં પણ અતિરેક કરવા લાગ્યા છીએ. આપણાં દુ:ખનું કારણ એ નથી કે આપણી પાસે આપણા પૂરતું નથી, આપણાં દુ:ખનું કારણ એ છે કે આપણને આપણી જરૂરિયાત કરતાં વધારે જોઈએ છે. ઘરના ખૂણામાં પડ્યું રહે તો વાંધો નથી, પણ હોવું તો જોઈએ જ. આપણી પાસે એવી વસ્તુઓની કમી નથી જેનો આપણે એક-બે વખત જ ઉપયોગ કર્યો હોય! ઘણાં ઘરો તો ગોડાઉન જેવાં બની ગયાં હોય છે. રૂપિયા હોવાનો મતલબ એ નથી કે આપણે ગમે તે લઈ લઈએ. સાદાઈનું પણ એક અલૌકિક સૌંદર્ય હોય છે.

માણસ બે વસ્તુથી દૂર થઈ રહ્યો છે, સાદાઈ અને સંતોષ. આપણને બધું જોઈએ છે. કામનું હોય એવું પણ અને કામનું ન હોય એવું પણ! જે અંદરથી ખાલી છે એ બહારથી ભરેલા રહેવાના પ્રયાસ કરે છે. આપણે અંદરથી કેટલા છલોછલ છીએ! એક યુવાનની આ વાત છે. તેનો એક મિત્ર અતિશય ધનાઢ્ય હતો. ધનવાન મિત્રએ એક મોટું ફાર્મ લીધું. નવા ફાર્મમાં તેણે એક પાર્ટી રાખી. પાર્ટી પૂરી થઈ એ પછી તે પોતાના મિત્ર સાથે બેઠો હતો. મિત્રને તેણે કહ્યું કે તારું ઘર સાવ નાનું છે. મારી ઇચ્છા એવી છે કે તું આ ફાર્મમાં રહેવા આવી જા. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તારી લાગણી હું સમજુ છું. તારો આભાર. મને મારા નાનકડા ઘરથી સંતોષ છે. આવડું મોટું ફાર્મ મારે જોઈતું જ નથી. મારી પાસે અત્યારે જે નાનકડું ઘર છે તેનાથી થોડુંક મોટું ઘર હું લઈ શકું એમ છું, પણ મારે લેવું નથી. મારું નાનકડું ઘર મારા માટે પૂરતું છે. આપણે ત્યાં એક કહેવત છે કે, ‘પછેડી હોય એવડી સોડ તાણવી.’ પછેડી મોટી હોય તો સોડ શા માટે મોટી તાણવી? હું પછેડીને જોઈને સોડ તાણતો નથી, પણ સોડ જોઈને પછેડી નક્કી કરું છું. મને વૈરાગ્ય નથી, પણ વૈભવની સમજ છે.

આપણે મોટાભાગે તો લોકોને દેખાડવા માટે બધું કરતા હોઈએ છીએ. આપણો મોહ પણ ક્યાં આપણા પૂરતો હોય છે? આપણે તો દુનિયાને બતાવવું હોય છે કે જુઓ મારી પાસે કેટલું બધું છે! હું બધું બ્રાન્ડેડ જ વાપરું છું. મધ્યમવર્ગના એક યુવાને તેના ધનવાન મિત્રને ખૂબ જ મોંઘું અને બેસ્ટ બ્રાન્ડનું જિન્સ ગિફ્ટ કર્યું. મિત્ર એ જિન્સ રોફથી પહેરતો. જિન્સ બહુ જ કમ્ફર્ટેબલ હતું. પહેરવાની મજા આવતી. એક વર્ષ સુધી એણે એ જિન્સ પહેર્યું. એક દિવસે તેણે પોતાના મધ્યમવર્ગના મિત્રને કહ્યું કે, આ જિન્સ પહેવારની મને જે મજા આવી છે, એવી મજા બીજા કોઈ જિન્સ પહેરવામાં આવી નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, તો હવે એક સાચી વાત સાંભળ. આ જિન્સ માત્ર ત્રણસો રૂપિયાનું છે. તને આપતા પહેલાં મેં બ્રાન્ડેડ કંપનીનું સ્ટિકર તેમાં લગાવી દીધું હતું. ખાલી તને એટલો અહેસાસ કરાવવા માટે કે બ્રાન્ડનું લેબલ આપણાં કપડાં ઉપર નહીં, પણ આપણા મગજ ઉપર લાગેલું હોય છે!

ઇચ્છાઓ રાખીએ એમાં કશું ખોટું નથી. આપણાં પૂરતાં સાધનો અને સુવિધામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. દરકાર એટલી જ રાખવાની હોય છે કે આપણો મોહ આપણાં દુ:ખનું કારણ ન બને. આપણી પાસે જે છે એને આપણે એન્જોય કરીએ. સતત દોડતા રહેવાનો કોઈ અર્થ નથી હોતો. એટલું ચોક્કસ દોડો, જેનાથી તમને મજા આવે. ગોથું ખાઈને પડી જવાય ત્યાં સુધી દોડવામાં જોખમ હોય છે. સુખ જો અંદર નહીં હોય તો બહારથી ક્યારેય મળવાનું નથી. સુખ જો આપણી અંદર હશે તો જ એની અનુભૂતિ થશે!

છેલ્લો સીન :

સુખ, શાંતિ અને સ્નેહ માટે આપણે આપણી અંદર નીરખવાનું હોય છે, પણ આપણે બહાર ફાંફાં મારતા હોઈએ છીએ!                  -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું એનો ખોટો મોહ રાખવાનું છોડી દે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. ખુબ સરસ લેખ.. સર તમને મારો એક સવાલ છે. તમારા લેખ નું પણ વળગણ થઇ ગયું હોય તો !! બુધવારે પૂરતી બંધ થવાની હોય કે જાહેર રજા ના કારણે પેપર બંધ હોય તો એક ખાલીપો સર્જાય છે.. જેમ પહેલા ના સમય માં એક પત્ર ની રાહ જોવાતી હતી તે જ રીતે બુધવાર સવારે ઉઠતા ની સાથે જ એક ઉમળકો જાગે કે આજે કૃષ્ણકાંત સર ના લેખ નું શીર્ષક શું હશે !! મારા બુધવાર અને રવિવાર ના સવાર ના વિચાર પર ચિંતન ની પળે અને દૂરબીન કોલમે કબ્જો જમાવી દીધો છે..(હાહાહાહા) ખુબ ખુબ આભાર જિંદગી ના મર્મ સમજાવવા માટે !! ભવિષ્ય ના લેખ માટે ખુબ ખુબ શુભકામનાઓ

    1. પ્રિય રોનક, તમારી ઉમદા લાગણી બદલ આભાર. સુંદર જિંદગીની શુભકામનાઓ.

Leave a Reply

%d bloggers like this: