જિંદગીને પણ થાળે પડવા સમય જોઈતો હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીને પણ થાળે પડવા

સમય જોઈતો હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દૃશ્ય હો જો ધૂંધળું તો ભાળવું કઈ રીતથી?

લક્ષ્ય હો અંધારમાં તો તાકવું કઈ રીતથી?

થાય છે પસ્તાવો આજે દિલ સુંવાળું આપતા,

ને પરત પણ માંગવું તો માંગવું કઈ રીતથી?

– જુગલ દરજી ‘માસ્તર’

તમને ક્યારેય એવું લાગ્યું છે કે, જિંદગી આડા પાટે ચડી ગઈ છે? જિંદગીમાં એવી ઘટનાઓ પણ બનતી રહે છે કે, આપણું ક્યાંય ધ્યાન ન પડે! એવું લાગે જાણે બધું ખતમ થઈ ગયું છે. કોઈ આઘાત લાગે ત્યારે એવું ફીલ થાય કે હું આમાંથી ક્યારેય બહાર આવી નહીં શકું. કોઈ નિષ્ફળતા મળે ત્યારે એવું લાગે કે, કરિયર પતી ગઈ. કંઈ જ ક્યારેય સાવ ખતમ થતું નથી. છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી તમામ શક્યતાઓ સજીવન હોય છે. જિંદગી અમુક ચોક્કસ રિધમમાં ચાલતી હોય છે. જિંદગીની રિધમની સૌથી મોટી ખૂબી એ જ હોય છે કે ક્યારેય કંઈ એકસરખું રહેતું નથી. બધું જ બદલાતું રહે છે. બધું ધીમે ધીમે જ થાય છે. આનંદ હોય કે ઉદાસી એ પણ આહિસ્તા આહિસ્તા આવતી અને જતી રહે છે. ક્યારેક આપણને થાય છે કે, આ ક્યારે પૂરું થશે? ક્યારે આમાંથી છુટકારો મળશે?

અમુક ઘટનાઓ એવી હોય છે જેની કળ વળતા વાર લાગે છે. જિંદગીને થાળે પડવામાં પણ સમય જોઈતો હોય છે. જિંદગી પણ ક્યારેક એવું કહેતી હોય છે કે, મને થોડોક સમય તો આપ! હું પણ બદલાઈશ. કુદરત પણ પોતાના દરેક ક્રમને જાળવવા પૂરતો સમય લે છે. સવાર ધીમે ધીમે ઊગે છે અને સાંજ પણ હળવે હળવે આથમે છે. મંદિરમાં ઘંટ વગાડીએ પછી પણ થોડીક ક્ષણો એનો ધ્વનિ ગુંજતો રહે છે. આપણે બહુ ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. આપણને બધું બહુ ઝડપથી જોઈતું હોય છે. હાર્યા કે થાક્યા વગર જિંદગીને પણ થોડોક સમય આપવો જોઈએ. જિંદગી કેટલો સમય લેશે એ આપણી જ માનસિકતા ઉપર આધાર રાખે છે.

આપણી જિંદગીમાં જે ઘટનાઓ બનતી હોય છે એ જ આપણને આપણી જાત સાબિત કરવાનો મોકો આપતી હોય છે. માણસ સમજુ, ડાહ્યો, હોશિયાર કે મેચ્યોર કેવી રીતે બને છે? અમુક સંજોગો, પરિસ્થિતિ અને માન્યતાઓ જ આપણને ઘડતી હોય છે. એક માણસ હતો. ખૂબ જ ડાહ્યો. કોઈ વાતમાં મગજ ન ગુમાવે. દરેક વખતે સહજ જ રહે. એક વખત એક યુવાને તેને પૂછ્યું, તમે કેમ આટલા સ્વસ્થ રહી શકો છો? તમને કોઈ વાતની અસર નથી થતી? પેલા માણસે કહ્યું, અસર તો દરેક વખતે થાય જ છે. આપણે કોઈ વાતની અસર આપણા ઉપર કેવી થવા દઈએ છીએ, તેના ઉપર બધો આધાર રહે છે. કોઈ ખરાબ ઘટના બને ત્યારે કોઈ માણસ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. કોઈ મૌન થઈ જાય છે. કોઈ થોડો સમય એકાંત પાળે છે. કોઈ ગભરાઈ જાય છે. આપણે દરેક ઘટનાનો રિસ્પોન્સ આપીએ છીએ. દરેક વાત પર રિએક્ટ કરીએ છીએ. આપણું રિએક્શન કેવું છે, તેના પરથી જ મપાતું હોય છે કે આપણે કેવા છીએ!

તમને ખબર છે કે, તમે કેવા છો? બીજા કોઈની સાથે તટસ્થ રહેવું એ બહુ ઇઝી છે, પણ પોતાની જાત સાથે તટસ્થ રહેવું એ ઉમદા છે. દરેક વ્યક્તિ પોતાની જાત સાથે તટસ્થ રહી શકતી નથી. વાત પોતાની હોય ત્યારે આપણે બાયસ્ડ થઈ જતા હોઈએ છીએ. આપણા પૂર્વગ્રહો બીજાને જ નથી નડતા, આપણને પણ નડે છે. આપણે જે માનતા હોઈએ એ આપણા માટે સાચું હોઈ શકે, પણ એ બધાના માટે સાચું હોય એવું જરૂરી નથી. દરેકનું પોતાનું એક સત્ય હોય છે. બે સત્યનો ટકરાવ થાય ત્યારે એક એવું દ્વંદ્વ સર્જાતું હોય છે, જેમાં બંને હારતા હોય છે. એક પતિ-પત્ની હતાં. એક બાબતે બંનેને ઝઘડો થયો. બંને સમજુ હતાં. બંનેએ નક્કી કર્યું કે, ચાલ આપણે કોઈ ડાહ્યા માણસની સલાહ લઈએ. બંને એક વડીલ પાસે ગયાં. પહેલાં પત્નીએ પોતાની વાત કરી. વાત પૂરી થઈ પછી પત્નીએ કહ્યું, મારી વાત સાચી છે કે નહીં? પેલા વડીલે કહ્યું કે, તારી વાત બિલકુલ સાચી છે. એ પછી પતિનો વારો આવ્યો. પતિએ પણ પોતાની વાત કરીને સવાલ કર્યો કે, મારી વાત સાચી છે કે નહીં? વડીલે કહ્યું, તારી વાત પણ સાચી છે! આ જવાબ સાંભળીને પતિ-પત્ની બંનેએ કહ્યું કે, તમે તો અમારી બંનેની વાત સાચી હોવાનું કહો છો, તો પછી અમારા ઝઘડાનું શું?

વડીલે કહ્યું, દરેક વખતે ખોટા હોવાના કારણે જ ઝઘડા, ગેરસમજ કે મતભેદ નથી થતા, ઘણી વખત સાચા હોવાના કારણે પણ આવું થતું હોય છે. તમારી વાતમાં તમારાં બંનેનું સત્ય છે, પણ એક વાત યાદ રાખો, જ્યારે બે વ્યક્તિઓ હોયને ત્યારે બંનેનું સત્ય પણ જો એક થાયને તો જ સંબંધ જીવવા જેવો લાગે. કોણ સાચું કે કોણ ખોટું એ મહત્ત્વનું નથી રહેતું. તારા સત્ય માટે મારા સત્યને ઓગાળવા માટે પણ તૈયાર હોવું એ જ સંબંધનું સત્ય હોય છે.

એક ઘા અને બે કટકા કરવા બહુ સહેલા હોય છે. કોઈ પણ માણસ એ કરી શકે છે. છેડો ફાડી નાખ્યા પછી શું? છેડો ફાટે ત્યારે કશુંક તૂટતું હોય છે. કશુંક ખૂટતું હોય છે. છેડો નાનો થઈ જતો હોય છે. દોરો જેટલો લાંબો હોય, ગાંઠ પડવાની એટલી શક્યતાઓ વધુ રહેતી હોય છે. ગાંઠ પડે એટલે તોડી નાખવાની ન હોય. ગાંઠ તોડો એ પછી પણ દોરો જોડો તો ગાંઠ તો રહેવાની જ છે. ગાંઠને સલૂકાઈથી ખોલતા આવડવી જોઈએ. ગાંઠ ખોલવામાં ધીરજ જોઈએ. ઉશ્કેરાટ માણસને ઉતાવળ કરાવે છે. ડાહ્યા માણસે કહ્યું છે કે, ઉશ્કેરાટ હોય ત્યારે કોઈ નિર્ણય ન લો. આપણો નિર્ણય આપણું વજૂદ હોય છે. અમુક નિર્ણય લેવામાં સમય લો. વિચારીને લીધેલા નિર્ણયો જ ટકતા હોય છે. બાકી તો સવારે લીધેલો નિર્ણય સાંજ સુધી પણ ટકતો નથી.

એવી ક્યારેય આશા ન રાખો કે બધું સારું જ થવાનું છે, બધું સરખું જ ચાલવાનું છે. પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. સંબંધો ગમે ત્યારે તૂટી શકે છે. આપણે અમુક સંબંધો વિશે એવું ઇચ્છતા હોઈએ છીએ કે, આ સંબંધ આખી જિંદગી જળવાઈ રહે. સંબંધ આપણા એકલાથી ટકતા નથી. સંબંધનો આધાર બીજી વ્યક્તિ ઉપર પણ હોય છે. બીજી વ્યક્તિ આપણા જેવું જ વિચારે કે આપણા જેવું જ ઇચ્છે એ જરૂરી નથી. એક યુવાનનું બ્રેકઅપ થયું. એ બહુ ડિસ્ટર્બ થયો. તેના મિત્રને કહ્યું કે, હું આખી જિંદગી આ સંબંધ રાખવા ઇચ્છતો હતો. મેં ઘણું બધું જતું કર્યું. એ વ્યક્તિ બદલાઈ ગઈ. મિત્રએ કહ્યું, એનો બદલાવ તું કેવી રીતે રોકી શકે? તું ન બદલાય એનો અર્થ જરાયે એવો નથી કે એ પણ ન બદલાય. એના બદલાવનાં કારણો એનાં પોતાનાં હશે. એ સાચાં પણ હોય અને કદાચ ખોટાં પણ હોય! સંબંધમાં વેદના એટલે જ થતી હોય છે કે, આપણે બીજી વ્યક્તિના બદલાવને સ્વીકારી શકતા નથી. આપણા હાથની વાત ન હોય તેને આપણે કેવી રીતે આપણા હાથમાં રાખી શકીએ?

કોઈ હાથ છૂટે, કોઈ ધક્કો લાગે, કોઈ નિષ્ફળતા મળે ત્યારે વેદના થવાની જ છે. સવાલો પણ થવાના છે. આવું કેમ થયું? મારો વાંક ક્યાં હતો? આપણે આપણો વાંક શોધીએ છીએ, પણ મળતો નથી. દરેક વખતે આપણો વાંક હોય એવું જરૂરી પણ નથી. વાંક કોઈકનો હોય છે, પણ એના વાંકનું આપણે શું કરી શકીએ? આપણે એવું પણ કહીએ છીએ કે, એનો વાંક છે અને મારે ભોગવવું પડે છે. હા, એવું થતું હોય છે. અમુક વખતે ભોગવવું પડતું હોય છે. કોઈ ભૂલ વગર પણ અને કોઈ વાંક વગર પણ! બીજાની ભૂલની વેદના ભોગવી લેવાની પણ એનો અફસોસ ન કરવો. એનું કારણ એ છે કે, અફસોસ કરવાથી પણ કંઈ મળવાનું કે કંઈ વળવાનું તો નથી જ! વેદનાને થોડોક સમય આપો. થોડોક સમય પોતાને આપો. ધીમે ધીમે કોઈ ઘટનામાંથી બહાર આવવા માટે! કોઈ વેદના, કોઈ ઘટના, કોઈ સંજોગ, કોઈ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. એક સમય પછી પૂરની જેમ ઓસરી જવાની હોય છે. ઓસરવાની રાહ નહીં જુઓ તો તણાઈ જશો. રાહ જોશો તો ટકી જશો. ગિવ ટાઇમ ટુ યોર સેલ્ફ. આપણામાં કુદરતે અમુક શક્તિઓ આપી હોય છે. એનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જાત ઉપર ભરોસો રાખો, તમારા જેવો તમારો ઉદ્ધારક, સહાયક અને માર્ગદર્શક બીજો કોઈ નહીં હોવાનો. જે પોતાનો મદદગાર બને છે એને બીજાની જરૂર પડતી નથી!

છેલ્લો સીન :

તમારે ઝડપથી કંઈ જોઈએ છે? તો ધીરજ રાખજો. ઝડપ રાખજો, પણ અધીરા ન થતા!     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 ઓગસ્ટ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *