મને હેરાન કરીને કોણ જાણે એને શું મળે છે? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને હેરાન કરીને કોણ

જાણે એને શું મળે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મળી શકતી નથી કેડી હવે તો હુંય થાક્યો છું,

શબદનાં ખેતરો ખેડી હવે તો હુંય થાક્યો છું,

જરી લીલાશ પણ ફૂટી નહીં વેરાન પટમાં જ્યાં,

સતત રણમાં નદી રેડી હવે તો હુંય થાક્યો છું.

-મનીષ પરમાર

માણસને ઓળખવો એ દુનિયાનું સૌથી અઘરું કામ છે! ગમે એટલો સમજુ માણસ પણ માણસને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. માણસ વિશે એવું કહેવાતું આવ્યું છે કે માણસ સામાજિક પ્રાણી છે. માણસ જો સામાજિક હોય તો એ અસામાજિક કેમ બની જાય છે? સારા માણસની એક હદ હોય છે. આપણને ખબર હોય છે કે એ કોઈનું ખરાબ કરશે નહીં, કોઈનું બૂરું ઇચ્છશે નહીં. ખરાબ માણસની કોઈ હદ હોતી નથી. ખરાબ બનવાની કોઈ જ સીમા નથી. કોઈ માણસના કરતૂતો વાંચી, સાંભળી કે અનુભવીને એવું કહેવાનું મન થઈ આવે કે માણસ વિચિત્ર પ્રાણી છે, માણસ વિકૃત પ્રાણી છે. એક યુવાન સાધુ પાસે ગયો. સાધુને તેણે પૂછ્યું કે, માણસના કેટલા પ્રકારો હોય છે? સાધુએ હસીને જવાબ આપ્યો, દુનિયામાં જેટલા માણસો છે એટલા પ્રકાર! બે માણસો કદાચ દેખાવમાં એકસરખાં હોઈ શકે, સ્વભાવમાં નહીં!

દુનિયામાં જો કંઈ ‘મોસ્ટ અનપ્રિડિક્ટેબલ’ હોય તો એ માણસ છે! માણસ શું કરે એનું કંઈ જ નક્કી નહીં. ભૂલ કરવી એ એક વાત છે, પણ ઇરાદાપૂર્વક કંઈક કરવું એ બીજી વાત છે. આપણે અમુક વર્તન શા માટે કરીએ છીએ? ક્યારેક આપણે કરવું ન હોય એવું આપણાથી કેમ થઈ જાય છે? આપણે અમુક વખતે એવું કહેતા હોઈએ છીએ કે, એવું કરવાનો મારો ઇરાદો ન હતો! ઇરાદો ન હતો તે કેમ એવું કર્યું? આપણો આપણા ઉપર જ કેટલો કાબૂ હોય છે? શું આપણે આપણા હાથમાંથી જ છટકી જતા હોઈએ છીએ? આપણને જ કેમ ક્યારેક એવો સવાલ થાય છે કે, મારાથી કેમ આવું થઈ ગયું? હું આવો માણસ નથી. મારાથી આવું ન થાય. જિંદગીમાં અમુક ક્ષણો એવી આવી જાય છે જ્યારે આપણે શું કરી રહ્યા છીએ એનો આપણને જ અંદાજ હોતો નથી! જેને ખૂબ જ પ્રેમ કરતા હોઈએ તેને જ કેમ હર્ટ કરી દઈએ છીએ? જેના માટે જાન પણ કુરબાન કરવાની ખેવના હોય એના ખાતર એક નાની સરખી વાત પણ કેમ જતી કરી શકતાં નથી? શું થઈ જતું હોય છે આપણને?

એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછ્યું કે, મારે એ જાણવું છે કે હું કેવો માણસ છું? ફિલોસોફરે તેને સામો સવાલ કર્યો કે, પહેલા તું મને કહે કે તું કેવો માણસ છે? યુવાને કહ્યું કે હું સારો માણસ છું. ફિલોસોફરે કહ્યું કે ફાઇન, માની લઈએ કે તું સારો માણસ છે. હવે મને એક વાત કહે કે તને ક્યારેય ખરાબ વિચારો નથી આવ્યા? ક્યારેય તને એમ નથી થયું કે આ દુનિયા સારા માણસોની નથી? બદમાશ લોકો જ વધુ મજા કરે છે? ખટપટ કરે એ જ આગળ આવે છે? લાગવગ, ભલામણ, ચાપલૂસી, મસ્કાબાજી અને હા જી હા કરવી પડે છે? યુવાને બહુ વિચારીને કહ્યું કે, હા ક્યારેક ખરાબ વિચારો તો આવે છે.

ફિલોસોફરે કહ્યું કે, તને જે ખરાબ વિચારો આવે છે એવું તું કરે છે? યુવાને કહ્યું કે, ના, એવું હું કરતો નથી. ફિલોસોફરે પછી એક જ વાક્યમાં બધો સાર કહી દીધો કે, માણસ એવો નથી હોતો જેવું એ વિચારે છે, માણસ એવો હોય છે જેવું એ કરે છે!

ફિલોસોફરે વાત આગળ વધારી. આપણને બધાને ક્યારેક ને ક્યારેક ખરાબ વિચારો આવતા જ હોય છે. ક્યારેક ખોટું કરવાનું પણ મન થઈ જતું હોય છે. આપણે એવું કરતા નથી. તમે એવા જ માણસો હો છો જેવા તમને વિચારો આવે છે. એમાંથી કયા વિચારોને તમે હાવી થવા દો છો? કેવા વિચારોનો તમે અમલ કરો છો? ખરાબ માણસને પણ સારા વિચારો આવતા જ હોય છે, પણ એ સારા વિચારોને અનુસરતો નથી. જિંદગી આપણને તક આપતી હોય છે, સારા બનવાની તક અને ખરાબ બનવાની તક પણ જિંદગી તમને આપે છે. આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે કેવા બનવું છે. ખરાબ બનવું બહુ સહેલું છે. ખોટું કરવું ઇઝી હોય છે. અસત્ય બોલવું અઘરું નથી. સારા બનવું અઘરું હોય છે. સાચા રહેવું મુશ્કેલ હોય છે. માણસે પોતાની જાત સાથે ‘તટસ્થ’ રહેવું જોઈએ. આખી દુનિયા સાથે તટસ્થ રહેતો માણસ પણ પોતાની સાથે તટસ્થ રહી શકતો નથી. આપણી સાથે બનતી ઘટનાની અદાલત આપણા મનમાં જ ભરાતી હોય છે. આ એવી અદાલત હોય છે જ્યાં આરોપી પણ તમે હોવ છો, સાક્ષી પણ તમે હોવ છો અને ન્યાયાધીશ પણ તમે જ હોવ છો. આવા સમયે ન્યાય તોળવાનું અઘરું હોય છે. જે માણસ પોતાને ‘જજ’ કરી શકે છે એ જ સાચો તટસ્થ હોય છે. પોતાને નિર્દોષ ઠેરવવાનું સહેલું હોય છે. પોતાને દોષિત સમજવાનું અઘરું હોય છે. આપણે તો આપણને દોષિત સમજીએ તો પણ નિર્દોષતાનો અચંળો ઓઢી લઈએ છીએ. મારાથી આવું થઈ ગયું, મારે આવું કરવું ન હતું, એણે આવું કર્યું એટલે મેં તેવું કર્યું! પોતે દોષિત છે એવી ખબર પડે પછી કેટલા લોકો પોતે જ સ્વીકારેલી સજા ભોગવવા તૈયાર હોય છે? સજા ભોગવવાની વાત તો દૂર છે, આપણે તો જેનો દ્રોહ કર્યો હોય એને સોરી પણ કહી શકતા નથી!

આપણા આનંદ, આપણી ખુશી અને આપણી મજા પણ કેટલી સાત્ત્વિક હોય છે? નિર્મળ, નિર્દોષ અને સાત્ત્વિક આનંદને બદલે આપણને કેમ કોઈને ઉતારી પાડવામાં મજા આવે છે? દુનિયામાં એવા માણસોની કમી નથી જેને બીજાને હેરાન, પરેશાન, ઉદાસ, નારાજ અને દુ:ખી કરવામાં જ મજા આવતી હોય છે. આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેને બીજાનું ખરાબ બોલવામાં અને ખરાબ કરવામાં જ મજા આવતી હોય છે. આપણી નજીકની વ્યક્તિ એવું કરે ત્યારે આપણી વેદના બેવડાઈ જતી હોય છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમીનો સ્વભાવ વિચિત્ર હતો. એ બધાની વચ્ચે પ્રેમિકાને ઉતારી પાડતો. પ્રેમિકાનું અપમાન કરતો. પ્રેમિકાની કોઈ પરવા ન કરે. પ્રેમિકાએ એક વખત તેની ફ્રેન્ડને કહ્યું કે, મને એ ખબર પડતી નથી કે એ આવું શા માટે કરે છે? મને હેરાન કરીને કોણ જાણે એને શું મળે છે? તેની ફ્રેન્ડે કહ્યું કે તને હેરાન કરીને એને ‘સેડેસ્ટિક પ્લેઝર’ મળે છે!

તમને હેરાન કરીને કોને સેડેસ્ટિક પ્લેઝર મળે છે? એક યુવાને તેના મિત્રને કહ્યું કે, મને હેરાન કરવામાં એને મજા આવે છે! સેડેસ્ટિક પ્લેઝર મળે છે એને! તેના મિત્રએ કહ્યું કે, એવું નથી યાર, તું એને સેડેસ્ટિક પ્લેઝર લેવા દે છે! એને ખબર છે કે આવું કરીશ તો તું દુ:ખી, ઉદાસ, નારાજ કે ગુસ્સે થઈશ. તું થાય છે એટલે તેને મજા આવે છે! તું ન થાય તો? આપણે કોઈને સેડેસ્ટિક પ્લેઝર લેવા દઈએ તેમાં થોડોક વાંક આપણો પણ હોય છે! તું દુ:ખી ન થા, એને પ્લેઝર નહીં મળે! ક્યારેક આવી વ્યક્તિને એવો પણ મેસેજ આપવો જરૂરી હોય છે કે તું તને ગમે એ કર, મને કંઈ ફેર પડતો નથી! જેને આપણી ખુશીની પરવા ન હોય એના માટે દુ:ખી કે ડિસ્ટર્બ શા માટે થવું? દુ:ખી એના માટે જ થાવ જેને તમારા દુ:ખથી ફેર પડે છે. એના માટે બધું જ કરો જે તમારા માટે બધું જ કરવા તૈયાર હોય! આપણે મૂરખ ત્યારે નથી બનતા જ્યારે કોઈ આપણને મૂરખ બનાવે છે, આપણે મૂરખ ત્યારે જ બનીએ છીએ જ્યારે આપણે મૂરખ બનવું હોય છે! કોઈને કંઈ ફેર પડતો ન હોય ત્યારે જો આપણને ફેર પડે તો સમજવું કે આપણે મૂરખ છીએ.

આપણે એ પણ વિચારવું જોઈએ કે, મારો આનંદ તો વિકૃત નથી ને! હું તો કોઈને હેરાન કરીને મજા માણતો નથી ને! મને તો સેડેસ્ટિક પ્લેઝર ગમતું નથી ને! આપણે કેવા હોવું અને આપણે કેવા રહેવું એ આપણે નક્કી કરવાનું હોય છે. જો આપણે સાત્ત્વિક ન હોઈએ તો આપણે સત્ત્વની આશા રાખવી ન જોઈએ. આપણા વિચારો, આપણું વર્તન, આપણી માનસિકતા અને આપણા ઇરાદા જ આખરે એ નક્કી કરતા હોય છે કે આપણે કેવા છીએ? આપણે જેવા હોઈએ એવા ઓળખાઈ જ જવાના છીએ! તમને કેવા હોવું ગમશે?

છેલ્લો સીન :

જ્યારે આપણે કોઈને ઉતારી પાડીએ છીએ ત્યારે આપણે પણ તેની નજરમાંથી ઊતરી જતા હોઈએ છીએ. વિકૃત આનંદ એ વિકૃતિની જ નિશાની છે.- કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 જાન્યુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “મને હેરાન કરીને કોણ જાણે એને શું મળે છે? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. સાચું કહ્યું સર…જિંદગીમાં અમુક ક્ષણો એવી આવી જાય છે જ્યારે આપણે શું કરી રહ્યા છીએ એનો આપણને જ અંદાજ હોતો નથી! જેને ખૂબ જ પ્રેમ કરતા હોઈએ તેને જ કેમ હર્ટ કરી દઈએ છીએ 😑 અમુક સમય અને સઁજોગો જ એવા આવી જય ને કે આપણા થી નો કરવું હોય તો પણ ખરાબ થઈ જાય….

Leave a Reply

%d bloggers like this: