સ્ટુડન્ટ્સને ઊંઘવાના માર્ક્સ અને કર્મચારીઓને નીંદરનો પગાર વધારો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સ્ટુડન્ટ્સને ઊંઘવાના માર્ક્સ અને

કર્મચારીઓને નીંદરનો પગાર વધારો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

અમેરિકાની બેલોર યુનિવર્સિટીએ જાહેર કર્યું કે

જે સ્ટુડન્ટ્સ પૂરતી એટલે કે આઠ કલાકની ઊંઘ

કરશે એને ‘સ્લીપિંગ ઇન્સેન્ટિવ’ એટલે કે

વધારાના માર્ક્સ આપવામાં આવશે! આપણે ત્યાં આવું થશે?

આપણી સરકાર અને આપણી કંપનીઓ ક્યારેય એવું વિચારે

છે કે કર્મચારીઓ પૂરતી ઊંઘ ન લે તો શું થાય છે?

એક જોક વાંચો. એક કંપનીમાં કર્મચારીઓના સ્વાસ્થ્યના ચેકિંગ માટે એક કેમ્પ યોજવામાં આવ્યો. બધા કર્મચારીઓના જુદા જુદા ટેસ્ટ્સ થયા. કંપનીમાં માત્ર બે જ કર્મચારી એવા હતા કે જેને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપર ટેન્શન કે બીજી કોઇ બીમારી નહોતી. કેમ્પ પૂરો થયો પછી એ બંનેને નોકરીમાંથી કાઢી મૂકવાની નોટિસ આપવામાં આવી! કામનું આટલું પ્રેશર હોવા છતાં તમે નોર્મલ કેવી રીતે રહી શકો છો? તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો, મતલબ કે તમે કામમાં ધ્યાન આપતા નથી! ખેર, આ તો એક મજાક છે. આપણા દેશમાં કેટલી કંપનીઓ એવી છે જે કર્મચારીઓની તબિયતનું ધ્યાન રાખે છે? માત્ર મેડિક્લેમ ઉતરાવી દેવો કે પૂરતી મેડિકલ લીવ આપવી એ ધ્યાન રાખ્યું ન કહેવાય. કર્મચારીઓનું સ્ટ્રેસ લેવલ કેટલું છે? કર્મચારીઓ પૂરતી ઊંઘ લે છે કે કેમ? કર્મચારીઓ તેના ફેમિલીને સમય આપી શકે છે કે નહીં? એવી ચિંતા કોઇ કરે છે? અમેરિકાની એટેના ઇન્સ્યોરન્સ કંપનીએ તેના કર્મચારીઓ માટે એક સ્કીમ લોન્ચ કરી. જે કર્મચારી રેગ્યુલરલી સાતથી આઠ કલાકની ઊંઘ લેતા હશે તેને 15 હજાર સુધીનો પગાર વધારો આપવામાં આવશે! કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે એ માટે એ લોકો પૂરતી ઊંઘ લેતા હોય એ જરૂરી છે. એક સર્વે એવું કહે છે કે, જે દેશના લોકો પૂરતી ઊંઘ લેતા નથી, એ દેશના જીડીપીમાં બે ટકા જેટલો ઘટાડો થાય છે! દેશના વિકાસ માટે પણ લોકો પૂરતી ઊંઘ લે એ જરૂરી છે.

આપણા દેશના સ્ટુડન્ટ્સ કેટલા કલાકની ઊંઘ લે છે? આપણે ત્યાં આવા કોઇ સર્વે કે રિસર્ચ ભાગ્યે જ થાય છે. લાઇફ અને લાઇફ સ્ટાઇલને જેટલી ગંભીરતાથી લેવી જોઇએ એટલી સિરિયસલી આપણે ત્યાં લેવાતી નથી. અમેરિકામાં હમણાં એક સર્વે થયો, તેમાં એવું બહાર આવ્યું કે સ્ટુડન્ટ્સ પૂરતી એટલે કે આઠ કલાકની ઊંઘ લેતા નથી. તેના કારણે તેના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. સ્ટુડન્ટ્સ કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. આ તારણ પછી અમેરિકાની બેલોર યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ્સ માટે ‘સ્લીપિંગ ઇન્સેન્ટિવ’ ડિક્લેર કરાયું. જે વિદ્યાર્થીઓ આઠ કલાકની ઊંઘ લેશે તેને ફાઇનલ એક્ઝામના રિઝલ્ટસમાં થોડાક માર્ક્સ ઉમેરાશે! હવે એ કેવી રીતે ખબર પડે કે ક્યો સ્ટુડન્ટ કેટલો સમય ઊંઘ્યો? એના માટે વિદ્યાર્થીઓને કાંડે બાંધી શકાય એવું ‘સ્લીપ મોનિટરિંગ ડિવાઇસ’ અપાયું. સ્ટુડન્ટ્સના ઊંઘનો ડેટા સીધો યુનિવર્સિટીની સિસ્ટમ ઉપર અપલોડ થઇ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી. યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ સ્કુલિને કહ્યું કે, સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે, માત્ર દસ ટકા વિદ્યાર્થીઓ જ આઠ કલાકની ઊંઘ લે છે. હવે આ યોજના પછી અમને એવું લાગે છે કે 80 ટકા સ્ટુડન્ટ્સ પૂરી ઊંઘ લેશે. અમેરિકાની સ્કૂલ્સ અને કોલેજમાં કોઇ સ્ટુડન્ટ દ્વારા બેફામ ગાળીબાર કરવાની ઘટનાઓ બને છે. એક નિષ્ણાતે તો એવો મત વ્યક્ત કર્યો છે કે, સ્ટુડન્ટ્સ કેમ આવું કરે છે એનો અભ્યાસ થવો જોઇએ. આપણે ત્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસના પ્રેશરમાં આપઘાત કરે છે. તે વિશે કેટલા સર્વે થાય છે? સર્વે થયા પછી પણ એવું ન થાય એના માટે શું પગલાં લેવાય છે?

સ્ટુડન્ટ્સ વધુ માર્ક્સ લેવા માટે ખૂબ મહેનત કરે છે. ઘણા વિદ્યાર્થીઓ તો આખી રાત જાગીને વાંચતા રહે છે. મહેનત કરવી એ સારી વાત છે પણ સાથોસાથ પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. યાદશક્તિ અને ઊંઘને સીધો સંબંધ છે. એકાગ્રતા કેળવવા માટે આખા દિવસનું ટાઇમ ટેબલ બનાવો અને તેમાં આઠ કલાક ઊંઘ માટે રિઝર્વ રાખો. સાયકોલોજિસ્ટસ તો એવી સલાહ આપે છે કે બાળકો આઠ કલાક ઊંઘે એવી આદત એ નાના હોય ત્યારથી જ પાડો. આપણે ત્યાં કરુણતા એ છે કે નાનાં બાળકો ઉપર પણ સ્કૂલ, ટ્યૂશન, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ અને હોમવર્કનું એટલું બધું પ્રેશર હોય છે કે એ પોતાનું બચપણ પણ માણી શકતા નથી.

માત્ર બાળકો જ નહીં, દરેક ઉંમરની વ્યક્તિઓએ પોતાની ઊંઘ ઉપર ધ્યાન આપવું જોઇએ. ઊંઘ ખરેખર કેટલી લેવી જોઇએ એ અંગે સવાલો થતા રહે છે. આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે જે તે મહાન માણસ તો ચાર કલાકની જ ઊંઘ લેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ એવું કહેવાય છે કે તેઓ ચાર સાડા ચાર કલાક જ ઊંઘે છે. ઊંઘ વિશે એવું પણ કહેવાય છે કે એ વ્યક્તિગત માનસિકતા અને શારીરિક ક્ષમતા પર આધાર રાખે છે. દરેક વ્યક્તિએ પોતાના ઊંઘના કલાકો પોતાની રીતે નક્કી કરવા જોઇએ. આઠ કલાકની ઊંઘને યોગ્ય ગણવામાં આવે છે. ઊંઘ કેટલી આવે છે એની સાથોસાથ કેવી આવે છે એ પણ જોવું જોઇએ. દસ કલાક પથારીમાં પડ્યા રહીએ અને બે કલાક પણ ડીપ સ્લીપ ન પામીએ તો એનો કોઇ મતલબ નથી. એક જે સલાહ આપવામાં આવે છે એ આજની તારીખે બધાને લાગુ પડે છે. મોબાઇલ અને ગેઝેટ્સના ઉપયોગથી બને એટલા બચો. ખાસ તો રાતે સૂતા પહેલાં એટલીસ્ટ એક કલાક મોબાઇલથી દૂર રહો. તમને સૂવા માટે પૂરતો સમય મળે છે? જો ન મળતો હોય તો અત્યારથી ચેતી જજો. સફળતા ચોક્કસપણે જરૂરી છે પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. જો આવું જ ચાલ્યું તો એ સમય દૂર નથી કે જેને સારી અને પૂરતી ઊંઘ આવતી હોય એ નસીબદાર ગણાશે!

પેશ-એ-ખિદમત

હર ગલી કૂચે મેં રોને કી સદા મેરી હૈ,

શહર મેં જો ભી હુઆ હૈ વો ખતા મેરી હૈ,

વો જો ઇક શોર સા બરપા હૈ અમલ હૈ મેરા,

યે જો તન્હાઇ બરસતી હૈ સજા મેરી હૈ.

-ફરહત એહસાસ

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 09 ડિસેમ્બર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *