ફેમિલી તો હવે મોટાભાગે વોટ્સઅપ ગ્રૂપમાં જ બચ્યાં છે! : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

ફેમિલી તો હવે મોટાભાગે

વોટ્સઅપ ગ્રૂપમાં જ બચ્યાં છે!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આવતીકાલે ફેમિલી ડે છે.

જોઇન્ટ ફેમિલીના ‘જોઇન્ટ્સ’

હવે નબળા પડી ગયા છે.

સમયની સાથે બધું બદલાય છે.

દૂર રહીને પણ જો દિલથી નજીક હોઇએ

તો પણ એ બહુ મોટી વાત છે!

 

ગમે તે હોય, ટેકનોલોજીએ ફેમિલીને

નજીક રાખવાનું કામ તો કર્યું જ છે.

વોટ્સઅપ ગ્રૂપમાં પરિવારો ધબકતા રહે છે!

 

ફેમિલી, પરિવાર કે કુટુંબ એટલે શું? વ્યાખ્યા આમ તો બધાને ખબર છે. સાવ સરળ રીતે કહેવું હોય તો કહી શકાય કે ફેમિલી એટલે ઘરના સભ્યો. અલગ અલગ ડિક્ષનરીમાં જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. મા-બાપ અને સંતાનો એટલે ફેમિલી. કોઇ વળી બાપ-દાદા અને કાકા-બાપાને પણ ફેમિલી જ ગણે છે. આપણે તો નજીકનાં હોય કે દૂરનાં, સગાં હોય એટલે એમને ફેમિલીનો હિસ્સો જ ગણીએ છીએ. ફેમિલીના કદથી માંડી સ્વરૂપ સમયે સમયે બદલાતાં રહે છે. એક સમય હતો જ્યારે જોઇન્ટ ફેમિલીઝનો દબદબો હતો. હવે કુટુંબ વિભક્ત થયાં છે. પરિવારો નાના થયા છે. ‘અમે બે અમારા બે’ પણ હવે ઘટતાં જાય છે. ‘એકે હજારા’ એવું કહેવાવા લાગ્યું છે.

છોકરાંવ મોટાં થાય પછી અલગ થઇ જાય છે. કાં તો નોકરી-ધંધા માટે બીજા શહેરમાં ચાલ્યા જાય છે. કોઇને કંઇ ખોટું લાગતું નથી. લાગવું પણ ન જોઇએ. લોકોની માનસિકતા પણ બદલાઇ છે. સાથે રહેવામાં અનેક સમાધાનો કરવાં પડે છે. બધા લોકોની એ તૈયારી નથી હોતી, ત્રેવડ પણ નથી હોતી. આજના વડીલો જ કહેવા લાગ્યા છે કે, સાથે રહીને રોજે રોજ માથાકૂટો થાય એના કરતાં પોત પોતાની રીતે ભલેને રહે! પંખીનાં બચ્ચાં મોટાં થાય પછી ઊડી જ જાય છે ને! જોકે હજુયે ઘણા વડીલો એવા છે જેને છોકરાંવ અલગ થાય એ સહન થતું નથી.

નવી જનરેશનને પોતાની રીતે જીવવું છે. એમાં કશું ખોટું પણ નથી. જોકે તેના કારણે અનેક પ્રશ્નો સર્જાય છે. ફાઇન, જે છે એ છે, જે હોય એને સ્વીકારવું જોઇએ. પહેલાં બધું સારું હતું અને હવે બધું ખાડે ગયું છે એવું માનવું એ સરાસર ગેરવાજબી છે. પરિવાર એક જ છત નીચે રહેતો હોય કે ન રહેતો હોય, એકબીજા પ્રત્યે આદર અને લાગણી હોય તો ઘણું છે. સારા-નરસા પ્રસંગે બધા સાથે થઇ જતા હોય તો એ કંઇ નાની-સૂની વાત નથી. એમ તો એવું પણ કહેવાય જ છે કે, દૂર હોયને તો પ્રેમ ટકી રહે. સાથે ને સાથે હોય તો પ્રોબ્લેમ થવાના જ છે. સામાજિકથી માંડી આર્થિક ઇસ્યુઝ પણ ઊભા થવાના છે. વિભક્ત કુટુંબને ઘણા લોકો વખોડે છે પણ સંયુક્ત પરિવારમાં શાંતિ જ હોય એવું જરૂરી નથી. જોઇન્ટ ફેમિલી હોય તો છોકરાંવ ક્યાં મોટા થઇ જાય એની ખબર જ ન પડે, એવું સૌથી વધુ બોલાતું અને સંભળાતું હોય છે. જોકે હવેનાં મા-બાપને તો છોકરાંવ પણ પોતાની રીતે ઉછેરવાં છે. વેલ, પસંદ અપની અપની, ખયાલ અપના અપના. બધાને પોતાની ઇચ્છા અને જરૂરિયાત મુજબ જીવવાનો અધિકાર હોવો જોઇએ.

લોકો ગમે તે માને પણ ફેમિલી પ્રત્યે લગાવ તો દરેકને હોય જ છે. ડાંગે માર્યા પાણી છૂટા ન પડે એવું પરિવાર વિશે બોલાતું આવ્યું છે. મા-બાપ પ્રત્યે આદર તો છે જ. મારો ભાઇ છે કે મારી બહેન છે એ લાગણી તો રહેવાની જ છે. અત્યારની સ્થિતિ એવી છે કે બધાને કામ-ધંધા-નોકરી માટે દૂર રહેવું પડે. વારે-તહેવારે કે પ્રસંગોપાત આખો પરિવાર એકઠો થાય છે અને થોડો સમય છલોછલ જિંદગી જિવાય છે. અગાઉ તો વેકેશન કાકા કે મામાને ત્યાં થતું. હવે એ કન્સેપ્ટ જ વિસરાતો જાય છે. સમય સાથે બધામાં પરિવર્તનો આવતાં હોય છે તો પછી પરિવારો પરિવર્તનથી કેવી રીતે બચી શકવાના?

મોબાઇલ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાથી જો કોઇ મોટો ફાયદો થયો હોય તો એ છે કે પરિવારો થોડાક નજીક આવ્યા છે. દરેકના વોટ્સઅપમાં ફેમિલીનું એક ગ્રૂપ છે. જેમાં દરેક પોતાના સમાચાર અપલોડ કરે છે. ખાસ તો દાદા-દાદી કે નાના-નાની છોકરાંવના ફોટા અને વિડિયો જોઇને રાજીના રેડ થઇ જાય છે. વિડિયો કોલથી દીકરા કે દીકરીનો ચહેરો જોઇ મા-બાપ હાશકારો અનુભવે છે. જોકે ફેમિલીના વોટ્સઅપ ગ્રૂપમાં પણ ટકાટકી થઇ જતી હોય છે. એક ફેમિલીના ગ્રૂપમાં માથાકૂટ ચાલતી હતી ત્યારે એવું સાંભળવા મળ્યું હતું કે, આ બધાં વોટ્સઅપ ગ્રૂપમાં પણ સખણાં નથી રહેતાં તો પછી ભેગા રહેવાની તો વાત જ ક્યાંથી આવે! જોકે મોટાભાગનાં ફેમિલી ગ્રૂપ્સ જીવતાં હોય છે અને એક છત ન હોવા છતાં એક ગ્રૂપમાં બધા ધબકતા હોય છે.

આવતીકાલે ફેમિલી ડે છે ત્યારે સુરતનો ધોળકિયા પરિવાર ખાસ યાદ આવે તેવો છે. સુરતના રામકૃષ્ણ ડાયમંડ્સવાળા ગોવિંદભાઇ ધોળકિયાનો આખે આખો પરિવાર દર વર્ષે એકવાર એકઠો થાય છે અને બધા પોતપોતાની સારી-નરસી વાત શેર કરે છે! આ પરિવારના ટોટલ સભ્યો કેટલા છે એ જાણવું છે? પૂરા 980! મજાની વાત એ છે કે આવતીકાલે તા. 25મીએ ફેમિલી ડે છે એ એમને ખબર નથી પણ આજે એટલે કે 24મી સપ્ટેમ્બરના રોજ જ આ કુટુંબના 980 સભ્યો સુરતના એસઆરકે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભેગા થવાના છે! ગોવિંદભાઇના દાદા કાનજીભાઇ અને દાદી મોતીબાનાં સંતાનો, તેનાં સંતાનોથી માંડી છ જનરેશનના લોકો દર વર્ષે ભેગા થતાં તેવો દેશના કદાચ આ એકમાત્ર કિસ્સો હશે! આ પરિવારની બીજી એક મજાની વાત એ પણ છે કે, ફેમિલીના લોકો જીવન વીમો ઉતરાવતા નથી. ગોવિંદભાઇને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમારો પરિવાર જ અમારા માટે ઇન્સ્યોરન્સ છે! ઇઝ ઇટ નોટ સમથિંગ અમેઝિંગ?

આજે હજુ એવા ઘણા સંયુક્ત પરિવારો છે જે હોંશેહોંશે સાથે રહે છે. એ લોકોને અલગ રહેવું ફાવતું જ નથી. આખો પરિવાર સાથે ન હોય તો એના ગળે કોળિયો ઊતરતો નથી. આવા પરિવારમાં દરેકની ફરજો અને જવાબદારીઓ વહેંચાયેલી હોય છે. બધું એટલું વ્યવસ્થિત ચાલતું હોય કે આપણને દાદ દેવાનું મન થઇ આવે કે, વાહ ક્યા બાત હૈ! લેડીઝ વચ્ચે ઘરનાં કામોની પણ વહેંચણી એવી રીતે થઇ હોય છે કે કોઇ એકની માથે વધુ બોજ ન આવે. આવા લોકોનું સુખ બેવડાઇ જતું હોય છે અને દુ:ખ વહેંચાઇ જતું હોય છે. સામાપક્ષે એવા લોકો પણ છે જેને સંયુક્ત પરિવારમાં રહેવું છે પણ કોઇ ને કોઇ મજબૂરીના કારણે સાથે રહી શકતા નથી. દૂર બીજા શહેરમાં જવું પડે છે. પરિવાર સાથે હોય કે ન હોય, ઘરના સભ્યની યાદ આવે ત્યારે ચહેરો થોડોક ખીલી જાય કે આંખનો એકાદ ખૂણો ભીનો થાય તો ઘણું! મહત્ત્વ નજીક રહેતા હોય કે દૂર, તેનું નથી, ઇમ્પોર્ટન્સ છે બોન્ડિંગનું! બોન્ડિંગ સ્ટ્રોંગ હોય અને બધા નજીક હોય તો આખો પરિવાર દિલમાં ધબકતો રહેતો હોય છે! હેપી ફેમિલી ડે!

 

પેશ-એ-ખિદમત

ખુદ કો બિખરતે દેખતે હૈ કુછ કર નહીં પાતે હૈ,

ફિર ભી લોગ ખુદાઓ જૈસી બાતેં કરતે હૈ,

એક જરા સી જોત કે બલ પર અંધિયારો સે બૈર,

પાગલ દિયે હવાઓ જૈસી બાતેં કરતે હૈ.

(જોત-જ્યોત. બૈર-વેર) -ઇફ્તિખાર આરિફ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 24 સપ્ટેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: