જિંદગીને ભરપૂર જીવી લીધી હોય એટલે મરી જવાય ખરું? – દૂરબીન

જિંદગીને ભરપૂર જીવી લીધી
હોય એટલે મરી જવાય ખરું?
61
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
————-
ગોવાના એક યંગ કપલે સજોડે આપઘાત કર્યો.
સ્યુસાઇડ નોટમાં લખ્યું કે
અમે બંનેએ અમારી જિંદગી સોળે કળાએ જીવી લીધી છે
એટલે મરી જઇએ છીએ!
ગમે તે હોય, હાથે નોંતરેલું મોત
કોઇપણ હિસાબી વાજબી ગણી શકાય નહીં.
—————
 
માણસ આપઘાતનો વિચાર ક્યારે કરે? મોટાભાગે એવા સંજોગોમાં જ્યારે તેને જિંદગી અસહ્ય લાગે અથવા તો જિંદગી કરતાં મોત સહેલું લાગે. કોઇ માણસ એટલા માટે આપઘાત કરે ખરો કે યાર આપણે આપણા ભાગનું મસ્તીથી જીવી લીધું, ચાલો હવે મરી જઇએ. આપઘાત પણ પાછો સજોડે કરે! ગોવાના એક કપલના આપઘાતે માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોને વિચારતા કરી મૂક્યા છે. બંનેએ લખેલી સ્યુસાઇડ નોટમાં એણે મોત અપનાવવાના જવાબો લખ્યા છે, જોકે આ જવાબો જ અનેક સવાલો ખડા કરે તેવા છે.
 
આપઘાત, એ પછી ગમે તે કારણસર હોય અયોગ્ય અને ગેરવાજબી કૃત્ય છે. આત્મહત્યા એ ભાગેડુવૃત્તિ છે. પોતાનો જીવ લઇ લેવો એ કાયરતા છે. આત્મહત્યાને કોઇપણ હિસાબે વાજબી ઠેરવી ન શકાય પછી એનું કારણ સુખ, શાંતિ કે સંતોષ પણ કેમ ન હોય! ગોવાની ઘટના આમ તો કંઇ પહેલી નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. મજા કરી લીધી, ચલો મરી જઇએ એવું થિકિંગ પણ એક ‘સાયકોલોજિકલ પ્રોબલેમ’ જ છે. આવા આપઘાતમાં પણ એક છૂપો ડર હોય છે કે પછી અત્યારે છે એવું સુખ નહીં રહે તો? એવો કેમ વિચાર નથી આવતો કે, આટલું મસ્ત રીતે જીવ્યા તો ચાલોને હજુ વધુ જીવીએ, વધુ મજા કરીએ. જિંદગીની સાચી મજા તો કુદરતી રીતે મોત ન આવે ત્યાં સુધી મોજથી જીવવામાં જ છે. મરવું કંઇ અઘરું નથી. કોઇપણ મૂરખ માણસ મરી શકે. દમ તો જીવવામાં છે, હસતા મોઢે દરેક પડકારો ઝીલવામાં અને દરેક જવાબદારીઓ નિભાવવામાં છે. ગોવાના યુગલની ઘટનામાં શું બન્યું એ પહેલાં જાણી લઇએ.
 
39 વર્ષનો આનંદ રંથીદેવન અને 36 વર્ષની દીપા પણજીથી દસ કિલોમીટર દૂર આવેલા મર્સિસ ગામે ફ્લેટમાં રહેતાં હતાં. આનંદ ગોવા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો અને દીપા ફ્રિલાન્સર હતી. બંને ઇન્ટેલિજન્ટ અને ક્રેઝી હતાં. ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી એટલે પડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસ આવી. દરવાજો તોડ્યો. આનંદ અને દીપાની લાશ પંખા સાથે બાંધેલા દોરડે લટકતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જ બહાર આવ્યું કે આ ક્લિયર કટ આપઘાતનો કેસ છે. સ્યુસાઇડ નોટ અને દસ હજાર રૂપિયા રોકડા મળ્યાં. ચિઠ્ઠી વાંચી ત્યારે ગોવા પોલીસની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ! આવી રીતે કોઇ આપઘાત કરે ખરું?
 
આનંદ અને દીપાની ડેડબોડી પાસેથી જે ચિઠ્ઠી મળી તેણે માત્ર પોલીસને જ નહીં, માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોને પણ વિચારતા કરી મૂક્યા છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘અમે બંનેએ સાથે રહીને અમારી જિંદગીને ભરપૂર જીવી છે. અમે દુનિયામાં ફર્યાં, અનેક દેશોમાં રહ્યાં, અમે વિચાર્યું હતું તેનાથી વધુ કમાયાં, અમને આનંદ અને સંતોષ મળે એ રીતે ખર્ચ કર્યો, અમે એવી ફિલોસોફીમાં માનીએ છીએ કે અમારી જિંદગી માત્ર ને માત્ર અમારી છે, અમને સાથે જીવવાનો જેટલો અધિકાર છે એટલો જ સાથે મરવાનો પણ અધિકાર છે. અમે કોઇ દેવું કે કોઇ જવાબદારીઓ છોડીને જતાં નથી. અમે અંતિમવિધિના ખર્ચ માટે આ સાથેના કવરમાં રૂપિયા દસ હજાર રાખ્યા છે. અમે અમારી રીતે આ નિર્ણય લઇએ છીએ.’
 
આનંદ અને દીપાએ આપઘાત કર્યો તેના પાંચ દિવસ પહેલાં જ બંને ગોવાની ફાઇવસ્ટાર હોટલ તાજ વિવાન્ટામાં ત્રણ દિવસ રોકાયાં હતાં. હોટલનું બિલ રૂ. 8 લાખ થયું હતું. બંને બહુ મૂડી અને એકલસુડાં હતાં. દિવસો સુધી ઘરમાં પુરાયેલાં રહેતાં. ભાગ્યે જ કોઇની સાથે વાતો કરતાં. તેમના મુખ્ય બે શોખ હતા, વાંચવું અને ફિલ્મો જોવી. બુક લાવે, વાંચે અને પછી બુક ફેંકી દે! ડીવીડી લાવે, ફિલ્મ જુએ અને ફેંકી દે. બંને ઘરની ચીજવસ્તુઓ અને ફર્નિચર સુધ્ધાં ફેંકી દેતાં. મરી ગયાં પછી બંનેનાં માતા-પિતાને જાણ કરવામાં આવી હતી, જોકે કોઇ જ અંતિમવિધિમાં ન આવ્યું!
 
ઘણા લોકો આ કિસ્સાનો એવો પ્રતિભાવ પણ આપે છે કે, બંને પોતાની રીતે જીવ્યાં અને પોતાની મરજીથી મર્યાં. કેટલાક તો વળી આમાં જબરજસ્ત ફિલ્મ બને તેવો પ્લોટ જુએ છે. જોકે માનસશાસ્ત્રીઓ આ કિસ્સાને સાયકોલોજિકલ પ્રોબ્લેમ જ કહે છે. આવા વિચાર આવતા હોય તો એ પણ ખતરનાક છે.
 
મરવાનો વિચાર એ જ સૌથી મોટો ચિંતાનો માનસિક વિચાર છે એવું અમદાવાદના સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે. તેઓ ઉમેરે છે કે, ગોવાનો કિસ્સો એ પર્સનાલિટી ડિસઓર્ડરનો ચોખ્ખો ને ચટ કેસ છે. આવા લોકોના મૂડ વારંવાર સ્વિંગ થતા હોય છે. એ લોકો એવું માનતા હોય છે કે અમારી પાસે બધું જ છે. વી આર ડન. આવું વિચારવાવાળા અત્યંત સેલ્ફ સેન્ટર્ડ હોય છે. તેની જિંદગીમાં મૂલ્યોનું સાચું ઘડતર થયું હોતું નથી. કદાચ તેના ઉછેરમાં પણ ઘણી બધી ખામી રહી ગઇ હોય. આવા લોકો ડિપ્રેશનની ઉચ્ચ અવસ્થામાં પણ હોઇ શકે. એ લોકો એવું માની અને ધારી લેતા હોય છે કે અમે જિંદગીને સમજી લીધી છે, જોકે એવું હોતું નથી. આવા મોતને ‘સ્માર્ટ ડેથ’ પણ કહી શકાય. બંને ઇન્ટેલિજન્ટ હતાં એટલે બંનેએ પોતાની બુદ્ધિ તાર્કિક મોત માટે પાછળ વાપરી! એને જિંદગીમાં પછી કોઇ ‘મોટિવ’ દેખાતો નથી.
 
બંને વ્યક્તિઓ એકસરખી વિચારસરણીવાળા હોય અને સાથે આપઘાત કરે એવું કેમ બને? ડો. ભીમાણી કહે છે, આવા કિસ્સામાં બંને એકબીજાની જબરજસ્ત અસર હેઠળ હોય છે તે બીજા કોઇને મળવાનું ટાળતા હોય છે. એકબીજાની બધી જ વાત માની લે, એકબીજા સામે દલીલ કે ક્વેશ્ચન પણ ન કરે. સામાન્ય સંજોગોમાં પતિ કે પત્ની બેમાંથી કોઇ અયોગ્ય વાત કરે તો બીજી વ્યક્તિ તેને રોકે, સમજાવે અથવા તો ધમકાવે. આમાં તો બંને કોઇ ચર્ચા જ ન કરે. હામાં હા અને નામાં ના! માનો કે તમે બધું જોઇ લીધું, માણી લીધું તો બીજાને મદદરૂપ થાવ ને. આ બંનેને મા-બાપની પડી ન હતી, છોકરાં હતાં નહીં એટલે એની ચિંતા ન હતી.
 
આપઘાત એ આપઘાત છે, પછી તેના માટે કોઇપણ કારણ કેમ આપવામાં ન આવતું હોય. દરેક માણસે આવા વિચારથી બચવું જોઇએ અને નજીકના કોઇ આપઘાતનો અણસાર પણ આપે તો સાવચેત થઇ તેની સંભાળ લેવી જોઇએ. આપઘાતનો વિચાર જ એક માનસિક બીમારી છે, તેનો ઇલાજ પણ છે. જિંદગી અમૂલ્ય છે. જિંદગી જીવવા માટે છે. જિંદગીમાં અપ-ડાઉન તો આવ્યા રાખે, જિંદગી છે તો બધું જ છે. જિંદગીને પ્રેમ કરતા રહો, ક્યારેય નબળો વિચાર નહીં આવે.
 
પેશ-એ-ખિદમત
 
ઇક સુબ્હ હૈ જો હુઇ નહીં હૈ,
ઇક રાત હૈ જો કટી નહીં હૈ,
મકતૂલો કા કહત પડ ન જાયે,
કાતિલ કી કહીં કમી નહીં હૈ,
વીરાનોં સે આ રહી હૈ આવાઝ,
તકલીફ-એ-જુનું રુકી નહીં હૈ,
હૈ ઔર હી કારોબાર-એ-મસ્તી,
જી લેના તો જિંદગી નહીં હૈ.
– અલી સરદાર જાફરી.
 
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 04 ડિસેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
 
4-12-16_rasrang_doorbeen.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગીને ભરપૂર જીવી લીધી હોય એટલે મરી જવાય ખરું? – દૂરબીન

  1. જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ
    હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
    પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની
    શોધમાં આખી જિંદગી વીતી જાય છે!

Leave a Reply

%d bloggers like this: