બસ આનાથી વધારે કંઇ નથી જોઇતું!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એ સમયની વાત છે કે ના થયાં મારાં તમે,
નહીં તો દુનિયામાં ઘણુંયે ના થવાનું થાય છે.
-અસદ સૈયદ
માણસ સપનામાં જીવે છે. દરેકની આંખમાં કોઈ ને કોઈ સપનું જીવતું હોય છે. દરેકે દિલમાં કોઈ ને કોઈ ઇચ્છાને પાળી રાખી હોય છે. સફળતા માટે દિલમાં આગ બળતી હોવી જોઈએ. મારે આ કરવું છે અને જ્યાં સુધી એ હાંસલ ન થાય ત્યાં સુધી પગ વાળીને બેસવું નથી. આઈ વોન્ટ ટુ પ્રૂવ માયસેલ્ફ. દરેકને એમ થાય છે કે મારામાં દમ છે, હું કંઈ કમ નથી. જેને ક્યાંય પહોંચવાની ઇચ્છા ન હોય એ કોઈ નવી શરૃઆત જ કરી શકતો નથી. લોકો કહે છે કે જિંદગી તો પ્રાણીઓ પણ જીવે છે. આપણાં અને એનામાં કોઈ ફર્ક ખરો કે નહીં? જિંદગીનો કંઈક મતલબ છે. જિંદગી વેડફવા માટે નથી. આ બધી વાત તદ્દન સાચી છે. દરેક માણસને પોતાનો ગોલ હોવો જોઈએ. જે માણસ સંતોષ માની લે છે એ અટકી જાય છે એવું પણ લોકો કહે છે. સંતોષ એ ફુલસ્ટોપ છે. આ બધી વાત સાવ સાચી છે. સાથોસાથ એ પણ યાદ રાખવા જેવું છે કે દરેક વાતનું, દરેક સમયનું, દરેક સ્થિતિનું અને દરેક માનસિકતાનું એક પૂર્ણવિરામ હોય છે. સૌથી મોટું પૂર્ણવિરામ છે, લાઇફનું!
લાઇફ એક દિવસ ખતમ થવાની છે. બધં જ કરતી વખતે એ પણ વિચારવા જેવું છે કે આ બધું હું શા માટે કરું છં? કોના માટે કરું છં? આખરે મારે મેળવી મેળવીને શું મેળવવું છે અને કેટલું મેળવવું છે? હું દોડી રહ્યો તેનો કોઈ અંત ખરો? જીવવા માટે માણસને શું જોઈએ છે? જેનો કોઈ અંત જ નથી એવા રસ્તે ક્યાં સુધી દોડતાં જ રહેવાનું છે? માણસની ભૂખ ક્યારેય ખતમ જ નથી થતી. એક રૃમવાળા મકાનમાં રહેતો હોય એને ફલેટ લેવો છે. ફલેટ મળી જાય એટલે એ બંગલા પાછળ દોડે છે. બંગલો બની ગયા પછી એને ફાર્મ હાઉસના વિચાર આવે છે. ફાર્મ પણ બની ગયા પછી એને થાય છે કે એક પેલેસ થઈ જાય તો મજા આવી જાય. પેલેસમાં રહેવા જાય પછી એને એવું થાય છે કે આના કરતાં નાનકડા ફલેટમાં રહેતો હતો ત્યારે વધારે સુખી હતો.
કોઈ સપનું રાતથી મોટું હોતું નથી. ઘણાં લોકોને મોટી ઉંમરે સમજાતું હોય છે કે જિંદગીમાં કેટલું બધું ખોટું જિવાઈ ગયું. જિંદગીમાં ક્યાં અટકવું એની જેને સમજ નથી હોતી એ સતત ભાગતો જ રહે છે. જીવવા પૂરતું દરેક પાસે હોય છે પણ આપણને એ પૂરતું લાગતું નથી. માણસને જાણે થાકવામાં જ મજા આવવા માંડી છે! મગજને એટલું બિઝી કરી દે છે કે એની પાસે એ વિચારવાની પણ ફુરસદ નથી કે હું જે કરું છું એ બરાબર છે કે નહીં? કોઈની પાસે સમય જ નથી. અત્યારના સમયમાં સૌથી સંભળાતું વાક્ય એ છે કે યાર મરવાની પણ ફુરસદ નથી! મરવાની જેને ફુરસદ નથી એની પાસે જીવવાનો સમય ક્યાંથી હોવોનો? માણસ ફરવા પણ ત્યારે જ જાય છે જ્યારે એને એવું લાગે કે આઈ નીડ અ બ્રેક!
એક માણસ સ્ટ્રેસમાં જીવતો હતો. તેને પોતાના કામનું અત્યંત પ્રેશર લાગતું હતું. રાતે ઊંઘ ન આવે અને દિવસે ચેન ન પડે. તેને લાગ્યું કે હું ડિપ્રેશનમાં સરી પડીશ. આખરે તેણે એક સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કર્યા. મનોચિકિત્સકે કહ્યું કે, થોડા દિવસ બહાર જઈ હવાફેર કરી આવો! તમને સારું લાગશે. હવામાં ફેર હોય છે ખરો? હવા તો હવા છે. હવા તો અહીં પણ શ્વાસમાં જવાની છે અને જ્યાં હોઈશ ત્યાં પણ શ્વાસમાં જ જવાની છે. હવામાં ફેર હોય છે, જો તમે તેને અનુભવી શકો તો! જો તમે તમારા કામ અને તમારા વિચારોને બ્રેક મારો તો. દરિયાકિનારાની હવા અને પહાડોની હવામાં ફર્ક હોય છે. રણની સૂકી હવા અને ખેતરની ઠંડી હવા જ્યાં સુધી માણો નહીં ત્યાં સુધી ખબર ન પડે. હવા શીતળ હોય છે અને હવા કાતિલ પણ હોય છે. આપણે આપણી આજુબાજુની હવામાંથી બહાર જ નથી આવતા. દરેક માણસ પોતાની ‘હવા’માં જ જીવે છે! એંસીથી સોની સ્પીડે જ ચલાવતા હોઈએ છતાં આપણે કાર તો ૧૮૦ની મેક્સિમમ સ્પીડ ધરાવતી હોય એવી જ ખરીદીએ છીએ.
એક મોટી ઉંમરના દાદા હતા. તેમના દીકરાના દીકરાએ કહ્યું કે ગ્રાંડપા હવે દુનિયામાં સાડા ત્રણસોની સ્પીડે દોડતી ટ્રેન શોધાઈ ગઈ છે. એક વખત એ દાદાને તે હાઈસ્પીડ ટ્રેનમાં લઈ ગયો. ટ્રેન ઊપડી અને ફુલસ્પીડે દોડવા લાગી. દાદા બારી પાસે બેઠા હતા. અડધી સફર પૂરી થઈ ત્યારે પૌત્રે દાદાને પૂછયું કે દાદા શું જુઓ છો? દાદાએ કહ્યું કે દીકરા કંઈ જોતો નથી,માત્ર જોવાની કોશિશ કરું છું. બધું એટલું બધું ઝડપથી ચાલ્યું જાય છે કે કંઈ દેખાતું જ નથી. મારે તને એટલું જ કહેવું છે કે એટલી બધી ઝડપ ન પકડતો કે કંઈ દેખાય નહીં. મને તો નાનો હતો ત્યારે ગાડામાં બેસતો હતો એ યાદ આવે છે. ગાડું એટલું ધીમું ચાલતું હતું કે બધું જ દેખાતું હતું. દરેક પક્ષીના અવાજ સંભળાતા હતા. કોઈ સામે મળે તો કેમ છો એમ પણ પુછાતું હતું. આ તો એટલી સ્પીડ છે કે મને કાનમાં પૂમડાં નાખવાનું મન થઈ આવે છે. દીકરા, જિદગીમાં ‘થ્રીલ’ કરતાં ‘ફીલ’નું મહત્ત્વ વધારે છે એટલું યાદ રાખજે.
નક્કી કરો, તમે જે જીવો છો એ ફીલ કરો છો ખરાં? કંઈ અનુભવાય છે કે પછી બધું બસ ચાલ્યું જાય છે? એક મિત્રએ હમણાં એક સરસ વાત કરી. તેણે કહ્યું કે હવે હું બધું છોડું છું અને જીવવાનું નક્કી કરું છું. ૪૫ વર્ષના આ મિત્રએ કહ્યું કે નાનો હતો ત્યારે મેં બે વાત નક્કી કરી હતી. એક તો એ કે મારે જીવવા માટે મિનિમમ આટલું જોઈએ છે. બીજું એ નક્કી કર્યું હતું કે મારે જીવવા માટે મેક્સિમમ આટલું જોઈએ છે, એનાથી વધુ નહીં! બાકી મેક્સિમમનો તો કોઈ અંત જ નથી. આપણી તકલીફ એ હોય છે કે આપણે મિનિમમ તો નક્કી કરી લઈએ છીએ પણ મેક્સિમમ નક્કી કરી શકતા નથી. તમે તમારી ‘અપર લિમિટ’ બાંધો છો ખરાં? ઈશ્વરે પણ બધાંની લિમિટ રાખી છે. દરિયાને કિનારો આપ્યો છે, પર્વતને ટોચ આપી છે, રણની એક સીમા નક્કી કરી છે. લિમિટ છે તો જ સૌંદર્ય છે. કોઈ પર્વત એટલો ઊંચો કેમ નથી કે માણસની નજર ન પહોંચે?
માણસ બધું નક્કી કરે છે કે આટલું કમાઈશ, આટલી સફળતા મેળવીશ. કોઈ માણસ એવું નક્કી કરે છે કે હું મારા માટે આટલું જીવીશ? મારી વ્યક્તિ સાથે આટલું ફીલ કરીશ. બધાંને પળોજણમાંથી છૂટવું છે પણ કંઈ છોડવું નથી. દિવસના ચોક્કસ કલાકો છે અને લાઇફના અમુક વર્ષો છે. કેટલાં વર્ષો છે એય આપણને તો ખબર નથી. તમે વિચાર કરો કે મારે જેવું જીવવું છે એવું મેં જીવી લીધું છે? જો જવાબ ના હોય તો આજથી જ જીવવાનું શરૃ કરો. પોતાના માટે અને તમે જેને પ્રેમ કરો છો એના માટે! નક્કી કરો કે આટલું ઇનફ છે. ઘણાંને તો ખબર જ નથી હોતી કે મેં જીવવાનું તો હજુ શરૃ જ નથી કર્યું. તમે શરૃ કર્યું છે કે નહીં?
છેલ્લો સીન :
સારા થવા માટે કે સારું કરવા માટે કોઇપણ પળ વધુ વહેલી નથી હોતી, કારણ કે કેટલી વારમાં એને માટે વધુ મોડું થઇ જશે તે આપણે જાણતા નથી. – એમરથી.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 9 માર્ચ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: