પ્રેમ હોય એ પૂરતું નથી, દેખાવો જોઈએ

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દિલ ભી ઇક બચ્ચે કી માનિંદ અડા હૈ જિદ પર, 
યા તો સબ કુછ હી ઈસે ચાહિયે યા કુછ ભી નહીં.
-રાજેશ રેડ્ડી

દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય છે. કોઈ પ્રત્યે જરાકેય લાગણી ન હોય એવો માણસ હોઈ ન શકે. કોઈક થોડું તો કોઈક વધારે સંવેદનશીલ હોય છે. તમને કોઈ એવું પૂછે કે આ જગતમાં તમને સૌથી વહાલું કોણ છે? તો તમે કોનું નામ આપો? તમે જેનું નામ આપવાના હોય તેને તમે છેલ્લે ક્યારે કહ્યું હતું કે તું આ જગતમાં મને સૌથી વહાલી વ્યક્તિ છે.
તમને ખબર પડે કે હવે તમારી જિંદગીની છેલ્લી પાંચ મિનિટ છે અને તમે માત્ર એક જ ફોન કોલ કરી શકો તેમ છો તો તમે કોને ફોન કરશો? નામ નથી જોઈતું, તમે પણ વિચારો નહીં, ફોન ઉપાડો. આપણે સહુ ઘણી બધી વસ્તુ બહુ પેન્ડિંગ રાખી દઈએ છીએ અને ઘણી વાર એ પેન્ડિંગ જ રહી જાય છે.
બે પ્રેમી હતાં. એક વખત એક ગાર્ડનમાં ફરવા ગયાં. બંને પોતાના સુંદર ભવિષ્યની વાતોમાં ખોવાયેલાં હતાં. પ્રેમીએ કહ્યું કે મારે તને દુનિયાનું દરેક સુખ આપવું છે. માત્ર દુનિયાનું નહીં, મારે તો તને સ્વર્ગનું પણ સુખ આપવું છે. આપણો ભવ્ય બંગલો હશે. એક વિશાળ ફાર્મહાઉસ હશે. આપણા ફાર્મહાઉસમાં હું આ ગાર્ડન જેવો જ મસ્ત ગાર્ડન બનાવીશ અને પછી તારો હાથ મારા હાથમાં લઈને તારામાં ખોવાઈ જઈશ. પ્રેમિકાના હાથમાં સળવળાટ થયો, તેણે હાથ ઊંચો કરીને કહ્યું કે આ રહ્યો હાથ… તારો હાથ કેમ ભવિષ્યના અજાણ્યા સમયમાં બાચકા ભરી રહ્યો છે?
ઇચ્છાઓ છેતરામણી હોય છે. ઘણી વાર એ અધૂરી જ રહી જાય છે. કોઈ ઇચ્છા વ્યક્ત થાય તો એને વહેલીતકે પૂરી કરી દો. અફસોસ ન રહેવો જોઈએ. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તેની ઇચ્છા વ્યક્ત કરતી જ હોય છે. મોટાભાગે તો લોકોની ઇચ્છા નાની નાની હોય છે પણ આપણને એ નાની ઇચ્છાની કદર હોય છે? સપનાં ઓલવેઝ મોટાં જ નથી હોતાં, નાનાં નાનાં સપનાં પણ હોય છે અને મોટાભાગે જિંદગી નાનાં નાનાં સપનાંથી જ સાકાર થતી હોય છે. એક પતિ-પત્ની હતાં. પત્ની પતિ પાસે ઘરના ફ્લેટની ગેલેરીમાં રાખવા માટે કૂંડાં મગાવતી હતી. પતિ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તે બંગલો બનાવીને પત્ની માટે નાનકડો બગીચો બનાવવાનો વિચાર કરતો હતો. પંદર વર્ષ પછી બંગલો બન્યો, બગીચો પણ બન્યો. પતિએ કહ્યું કે કેવો છે બગીચો?પત્નીએ કહ્યું કે સરસ છે. પણ પંદર વર્ષ પહેલાં થોડાંક કૂંડાં લાવી આપ્યાં હોત તો? આ તો તેં તારું સપનું પૂરું કર્યું છે, મારું એ સપનું તો ત્યારે જ અધૂરું રહી ગયું હતું. અત્યારના સમયની સૌથી મોટી કમનસીબી એ જ છે કે પથારી એક હોય છે પણ સપનાં જુદાં જુદાં હોય છે.
લાગણી, પ્રેમ, સંવેદના અને હેપીનેસને ક્યારેય પેન્ડિંગ ન રાખો. પ્રેમ હોય એ પૂરતું નથી, પ્રેમ વ્યક્ત પણ થવો જોઈએ. તમે કોઈની સાથે તમારી રીતે જ અને તમારા મનમાં જ પ્રેમ ન કરી શકો. તમારે તમે જેને પ્રેમ કરો છો તેને તેની રીતે પ્રેમ આપવો જોઈએ. વ્યક્ત થવું એ પ્રેમ કરવાની જ એક કળા છે.
એક મિત્રએ એસએમએસ કર્યો. ગોડ હેઝ પ્લાન્ડ હેપીનેસ ફોર ઈચ ઓફ અસ એટ ધ રાઈટ ટાઈમ બટ હી (ગોડ) ડઝ નોટ શેર હી કેલેન્ડર વિથ અસ. મતલબ કે કુદરતે આપણા દરેક માટે સુખ, આનંદ અને ખુશીની વ્યવસ્થા કરી છે પણ એ આપણને તેનું કેલેન્ડર કે સમય બતાવતા નથી. જોકે એ સમય અને કેલેન્ડર મોટાભાગે આપણાં હાથની જ વાત હોય છે. રાઈટ ટાઈમની રાહ ન જુઓ, જે ટાઈમ છે એને જ રાઈટ બનાવો.
દરેક સંબંધ વ્યક્ત થવો જોઈએ. એ સંબંધ પછી કોઈ પણ હોય. તમારા મિત્ર, ભાઈ, બહેન કે બીજા કોઈ પણ માટે તમારા મનમાં જે છે.તે તમે તેને કહો છો? આપણે નથી કહેતા, મનમાં જ રાખીએ છીએ. ઘણી વખત એવો ડર પણ હોય છે કે ઇચ્છા પૂરી નહીં કરી શકીએ તો? મોટી ઇચ્છાઓની ચિંતા ન કરો, નાની નાની ઇચ્છાઓને સાકાર કરો.
વરસાદ પડતો હતો. એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે ચાલ પલળવા જઈએ. પ્રેમીએ કહ્યું કે આજે નહીં, કાલે જશું. વરસાદ તો હમણાં રોજ આવે છે. પ્રેમિકાએ કહ્યું કે વરસાદ તો કદાચ કાલે આવશે પણ કાલે મારી ઇચ્છા હશે કે નહીં એ મને ખબર નથી. અધૂરાં રહી જતાં સપનાં ઘણી વખત ક્યારેય પૂરાં થતાં નથી.
પ્રેમ અને સંબંધમાં ઘણી વખત માણસ એ નક્કી કરી શકતો નથી કે સાચું શું છે અને વધુ મહત્ત્વનું શું છે? આપણે આવા સવાલનો જવાબ આપણી વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયત્ન પણ નથી કરતાં. હોંગકોંગથી એક વાચકનો ઈ-મેલ આવ્યો છે. તેની જોબ હોંગકોંગમાં છે. સારો એવો પગાર છે. પત્ની અને બાળકો ગુજરાતના એક શહેરમાં રહે છે. સંજોગો એવા છે કે પત્ની અને બાળકોને હોંગકોંગ રહેવા બોલાવી શકાય એમ નથી. દર છ આઠ મહિને ઇન્ડિયા આવે છે અને ઘરના લોકોને મળી જાય છે.
એ ભાઈએ લખ્યું કે મારી પત્ની મને એવું કહે છે કે તને અમારા પ્રત્યે પ્રેમ જ નથી. હકીકતે હું મારી પત્ની અને પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું. પત્ની કહે છે કે તો પછી તું ઇન્ડિયા કેમ નથી આવી જતો? તને તારું કામ અને તારા રૂપિયા જ વહાલા છે. એ ભાઈ લખે છે કે ઇન્ડિયામાં મારા લાયક સારી જોબ નથી અને જે જોબ છે તેમાં હોંગકોંગ જેટલી આવક નથી. હું અહીં એકલો રહીને ઘરના લોકો માટે જ મહેનત કરું છું, પણ એ લોકો એમ સમજે છે કે હું તેને પ્રેમ કરતો નથી. આ વાત મને કોરી ખાય છે. મારે એને કેમ સમજાવવું કે તમારા સુખ માટે જ તો હું હેરાન થાઉં છું. તમારા માટે જ તો આ બધું કરું છું.
સવાલ એ થાય કે જો તમે એમના માટે જ બધું કરો છો તો પછી એ લોકોને તેનો અહેસાસ કેમ નથી? કે તમે એ અહેસાસ કરાવી નથી શક્યા? તમને પ્રેમ છે તો પછી એ પ્રેમ દેખાતો કેમ નથી? એવું શું ખૂટે છે કે તમારી પત્નીને એમ નથી થતું કે મારો પતિ અમારા સુખ માટે હેરાન થઈ રહ્યો છે. બીજો સવાલ એ છે કે તમે આખરે બધું શેના અને કોના માટે કરો છો? તમારા મતે તમારું સુખ અને તમારી પત્નીના હિસાબે તેના સુખની વ્યાખ્યા અલગ અલગ છે. તમે સાથે હોય એને જ તમારી પત્ની સુખ સમજતી હોય તો પછી તમે ગમે એટલાં નાણાં કમાઈને તેને આપશો તો પણ તેને સુખ નહીં મળે. સુખનો નિર્ણય સાથે બેસીને જ થઈ શકે. મોટાભાગે આવું જ થતું હોય છે, પ્રેમ બંનેને હોય છે પણ બંનેની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે અને તેના કારણે જ ઘણી વખત રસ્તાઓ જુદા થઈ જતાં હોય છે.
ઘણી વખત આપણી વ્યક્તિ માટે આપણે જે કરતાં હોઈએ છીએ તેની એને ખબર જ નથી હોતી. તમે તમારી વ્યક્તિ માટે જે કરતાં હો એ જતાવો નહીં પણ બતાવો તો ખરાં જ. માત્ર પરિણામ વખતે જ પોતાની વ્યક્તિ હાજર હોય એ જરૂરી નથી, પ્રયત્નોમાં પણ સાથે હોવી જોઈએ ને સાથે રાખવી જોઈએ.
મોટા ભાગે બધાને સવાલ એ જ હોય છે કે હું તો પ્રેમ કરું છું પણ તેને કેમ એવું લાગતું નથી? મોટા ભાગે તેનું કારણ એ હોય છે કે આપણી વાત આપણે આપણા મનમાં જ રાખતા હોઈએ છીએ. તમે તમારાં સપનાંને સાકાર કરવામાં એટલા વ્યસ્ત ન થઈ જાઓ કે વ્યક્ત ન થઈ શકો. પ્રેમ અહેસાસ માંગે છે. અહેસાસ એ જ વિશ્વાસ છે. હું તારો છું કે હું તારી છું એટલો અહેસાસ જ પૂરતો હોય છે.
આપણી વ્યક્તિ જ આપણને ઓળખી ન શકે તો સમજવું કે કંઈક ખૂટે છે. તમારું વર્તન જ તમારી ઓળખ બનતું હોય છે. તમારા વર્તનમાં જો પ્રેમ રિફ્લેક્ટ થતો હશે તો તેનો પડઘો અને પ્રતિસાદ પડયા વગર નહીં રહે.
છેલ્લો સીન :
કોઈ પણ માણસ જ્યાં સુધી સારા થવાનો પ્રયાસ ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે તે જાણી શકતો નથી.
-સી.એસ. વિસલે

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: